શ્વાનોની અનોખી ફૅશનપરેડ

03 November, 2012 07:28 PM IST  | 

શ્વાનોની અનોખી ફૅશનપરેડ



સેજલ પટેલ


કોઈ પણ અજુગતું, આક્રમક, વિચિત્ર દેખાય ત્યારે ડર લાગે એ પ્રાણીમાત્ર માટે સહજ છે. કોઈને ડરવાનું ગમતું ન હોવા છતાં ડરામણા અનુભવમાંથી પસાર થયા પછી એની વાતો કરવામાંથી જબરદસ્ત મનોરંજન મળે છે. ડરવા-ડરાવવા માટે ભૂતપ્રેત એ સૌથી કૉમન બાબત છે. અમેરિકા, બ્રિટન અને ક્રિશ્ચિયન બહુમતી ધરાવતા દેશો ઑક્ટોબર મહિનાના અંતમાં આવા ડરવા-ડરાવવાના હેલોવીન ફેસ્ટિવલથી ચહેકી ઊઠે છે. ૧૬મી સદીમાં શરૂ થયેલા સ્કૉટિશ ભાષાના ઑલ હૅલોઝ ઇવન ફ્રેઝ પરથી હેલોવીન નામ પડ્યું છે. એનો મતલબ થાય છે પૂર્વજ સંતોને યાદ કરવાની સાંજ. ક્રિશ્ચિયન સંસ્કૃતિનો હૉરર ફેલાવતો આ ફેસ્ટિવલ એટલો ફેમસ થઈ ગયો છે કે હવે તો બિનખ્રિસ્તીઓ પણ ડરો ડરાઓ, મૌજ મનાઓનો ઉત્સવ મજેથી માણે છે.

ભૂતપ્રેત, હાડપિંજર, ખોપડી જેવા કમકમાં લાવી દે એવા કૉસ્ચ્યુમ પહેરવા માટે જાણીતા આ ફેસ્ટિવલ દરમ્યાન કૅલિફૉર્નિયાના લૉન્ગ બીચ સિટીમાં થોડીક હટકે અને મૂડને રંગીન બનાવી દે એવી ઇવેન્ટ પણ થાય છે. અહીં કંઈ જ ડરામણું નથી, પણ દિલ અને આંખને ગમે એવા એક-એકથી ચડિયાતાં કુરકુરિયાં અને ડૉગીઓની ફોજ હોય છે. છેલ્લાં વીસ વરસથી ઑક્ટોબર મહિનાના છેલ્લા વીકમાં યોજાતી આ હેલોવીન ડૉગ ફૅશન પરેડમાં સેંકડો ડૉગ ઓનર્સ પોતાનાં ગલૂડિયાંઓ અને જાયન્ટ ડૉગીઓને અવનવી રીતે સજાવી-ધજાવીને ફૅશન પરેડમાં ઉતારે છે. આ વર્ષે લૉન્ગ બીચ પર ૫૦૦થી વધુ ડૉગીઓને અવનવી રીતે સજાવીને રજૂ કરવામાં આવ્યા હતા. એક મૉડલની જેમ એનો કૉન્ફિડન્સ, ઍટિટ્યુડ, દેખાવ અને કૉસ્ચ્યુમમાં કેટલા કમ્ફર્ટેબલી એ ફરી શકે છે એ બધું જ નિર્ણાયકો દ્વારા નોંધવામાં આવે છે. અલબત્ત, આમાં માલિકોની જ ક્રીએટિવિટી હોય છે, પણ પોતાના શ્વાનને શું ગમે છે ને શું કમ્ફર્ટેબલ છે એ સમજીને જે લોકો સજાવટ કરે છે તેઓ મેદાન મારી જાય છે. બેસ્ટ લુક, બેસ્ટ કૉન્ફિડન્સ, બેસ્ટ કૉસ્ચ્યુમ, ઇનોવેટિવ આઇડિયા જેવી બારેક કૅટેગરીમાં વિનર્સ જાહેર થાય.

શ્વાનો માટે આવી ફૅશન પરેડની ઍક્ટિવિટી અનેક જગ્યાઓએ થાય છે, પણ કૅલિફૉર્નિયામાં થતો આ ફૅશન શો સૌથી મોટો છે ને અહીં પોતાનાં કુરકુરિયાંને ભાગ લેવડાવવા માટે માલિકો મહિનાઓથી શ્વાનના ગ્રૂમિંગમાં લાગી પડે છે.

સુપરમૅન, બૅટમૅન, આર્મીમૅન, શેફ, પીત્ઝા ડિલિવરી બૉય, પ્રિન્સેસ એમ જાતજાતના અવતારમાં અહીં ડૉગીઝ જોવા મળી શકે છે. અહીં તો ઘોડો, મોર, વરુ, ઊંટ, પાન્ડા, ઝિબ્રા જેવા અવતાર પણ કૂતરાંઓ ધારણ કરે છે. જોકે આટલા ક્યુટ અને મનમોહક દેખાતા લુક માટે એમની પર કંઈ કેટલાય અત્યાચારો થાય છે. શોખીન માલિકો કંઈક હટકે કરવા માટે કંઈ પણ કરતા અચકાતા નથી. સુંવાળા વાળને બ્લુ, બ્લૅક કે ગુલાબી રંગની ડાઇ કરવી. વધુ રુવાંટી ઉગાડવા માટે હૉમોર્નનાં ઇન્જેક્શન્સ આપવાં, વધારાની રુવાંટી શેવ કરી નાખવી જેવી કેટલીય ક્રિયાઓ એમની મરજી પૂછ્યાં વિના જ થતી હોય છે. આ બધા ઉપરાંત અમુક જ રીતે ચાલવાનું, બેસવાનું, ઊભા રહેવાનું જેવી માલિકની ઇન્સ્ટ્રક્શન્સને અડૉપ્ટ કરવાની પળોજળ લટકાની.

આ ફૅશન પરેડની સાથે-સાથે ડૉગ અડૉપ્શન માટેનો મેળો પણ અહીં ચાલે છે. કેટલાક પ્રોફેશનલ ડૉગ બ્રીડર્સ અને ટ્રેઇનર્સ તેમના ખાસ શો રાખે છે ને એમાંથી ડૉગ-લવર્સ તેમને મનપસંદ ગલૂડિયાંઓને ઘરે લઈ જાય છે. આ વર્ષે લગભગ ૪૦૦થી વધુ ડૉગ અડૉપ્શન આ એક જ દિવસની ઇવેન્ટમાં થયાં હતાં.