ઍન્ટાર્કટિકાનો ભૌગોલિક પરિચય અને અજીબોગરીબ વિશિષ્ટતાઓ

03 November, 2012 07:23 PM IST  | 

ઍન્ટાર્કટિકાનો ભૌગોલિક પરિચય અને અજીબોગરીબ વિશિષ્ટતાઓ



સાયન્સ પ્લીઝ - જગદીશચંદ્ર ભટ્ટ

થોડા સમય પહેલાં ભારતીય સાયન્ટિસ્ટ્સ ૩૨મા ઍન્ટાર્કટિકા એક્સપેડિશન પર જવાના છે એ વિશેના સમાચાર ચર્ચામાં હતા. આ ઍન્ટાર્કટિકા શું છે, એની ભૌગોલિક રચના કેવી છે અને એની કઈ-કઈ વિશિષ્ટતાઓ છે એ વિશે આજે વધુ જાણીએ. આપણા વિજ્ઞાનીઓ ૧૯૮૧થી ઍન્ટાર્કટિકાના  સાયન્ટિફિક એક્સપેડિશન (વૈજ્ઞાનિક સંશોધનયાત્રા) પર જાય છે, પરંતુ સામાન્ય જનતાને તો અમેરિકા, આફ્રિકા અને ઑસ્ટ્રેલિયા ખંડ વિશે જ વધુ માહિતી હોય છે. 

આપણી પૃથ્વી પર અમેરિકા, યુરોપ, ઑસ્ટ્રેલિયા, આફ્રિકા અને એશિયા એમ પાંચ કૉન્ટિનન્ટ્સ (ખંડ) છે એમ ઍન્ટાર્કટિકા પણ છઠ્ઠો ખંડ છે. અન્ય ખંડોની સરખામણીએ ઍન્ટાર્કટિકા સૌથી ઠંડો, પવનની સૌથી વધુ ગતિ ધરાવતો અને બરફનાં સૌથી વધુ તોફાનોવાળો કૉન્ટિનન્ટ છે. પૃથ્વીના સૌથી નીચેના હિસ્સામાં આવેલો આ ખંડ એક કરોડ ૪૦ લાખ સ્ક્વેર કિલોમીટરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલો છે. ઍન્ટાર્કટિકા સાઉથ પોલ (દક્ષિણ ધþુવ)નો ભાગ નથી, પરંતુ સાઉથ પોલ ઍન્ટાર્કટિકા ખંડનો એક નાનો ભાગ છે. સાઉથ પોલ પૃથ્વીના વિશાળ ગોળાનું સૌથી નીચેના હિસ્સાનું એક બિંદુ છે, જ્યારે નૉર્થ પોલ (ઉત્તર ધþુવ) પૃથ્વીના સૌથી ઉપરના હિસ્સાનું એક બિંદુ છે.

ઍન્ટાર્કટિકા પૃથ્વીનો સૌથી ઠંડોગાર કૉન્ટિનન્ટ છે એનો ભૌગોલિક ભાષામાં અર્થ એ થયો કે આ વિશાળ ખંડ પર ફક્ત અને ફક્ત બરફ છે. અહીં નજર નાખો ત્યાં સુધી બરફના મોટા-મોટા ડુંગરા નજરે ચડે. જોકે ઍન્ટાર્કટિકા ખંડમાં સમુદ્ર પણ હોવાથી એમાં વિરાટ કદની હિમશિલાઓ પણ તરતી જોવા મળે. એક-એક હિમશિલા હજારો ટનની હોય, પરંતુ દરિયાના જળમાં એનો ફક્ત ટોચનો ભાગ જ દેખાય. આ ઠંડા કૉન્ટિનન્ટ પર કેટલો બરફ છે એ જાણો છો? એક કરોડ ૪૦ લાખ ચોરસ કિલોમીટરનો આ ખંડ  ૯૦ ટકા બરફથી ઢંકાયેલો છે. વળી આ બરફ પણ પ્રમાણમાં ઘણો જાડો છે એટલે કે બરફના અતિ ઘટ્ટ લેયર (થર) હોય છે. વિજ્ઞાનીઓના સંશોધન અને અભ્યાસ મુજબ બરફના થરની જાડાઈ ૮૦૦ મીટરથી લઈને ૪.૫ કિલોમીટર સુધી હોય છે. કલ્પના કરો કે ૪.૫ કિલોમીટરની ઘટ્ટતા ધરાવતા બરફના થરનું દળ ખરેખર કેટલું હશે? ફક્ત બે ટકા જેટલો જ હિસ્સો નાની-નાની ટેકરીઓ અને પર્વતોનો બનેલો છે.

વિશ્વના આ સૌથી ઠંડાગાર ખંડ પર છવાયેલા બરફમાં કેટલું પાણી સંગ્રહાયેલું છે? વિશ્વના ૭૦ ટકા શુદ્ધ પાણીના જથ્થા જેટલું. ઍન્ટાર્કટિકાના બરફના કુલ હિસ્સામાંથી પીવાનું પાણી બનાવવામાં આવે તો આખી દુનિયાને ૭૦ ટકા જેટલું પીવાનું સ્વચ્છ પાણી મળી રહે. બરફનો આટલો બધો હિસ્સો ઍન્ટાર્કટિકા કૉન્ટિનન્ટના સેન્ટરમાંથી અતિ-અતિ વિશાળ કદની આઇસ-શેલ્ફ (બરફની મોટી-મોટી છાજલીઓ)ના સ્વરૂપમાં બહાર આવીને સમુદ્રમાં ઠલવાઈને ચારે તરફ ફેલાઈ જાય છે. બરફની આ છાજલીઓ સમય જતાં કપાય અને એમાંથી જ ધીમે-ધીમે આઇસબગ્ર્સ બને. જોકે એક-એક આઇસબર્ગ હજારો ટનની હોય અને એમાં પાણીનો વિપુલ જથ્થો પણ હોય. થોડાં વરસો અગાઉ સાઉદી અરેબિયાના રાજાએ પોતાના રણપ્રદેશમાં પીવાના પાણીની સમસ્યાના ઉપાયરૂપે ઍન્ટાર્કટિકાના સમુદ્રમાં તરતી એકાદી વિરાટ કદની હિમશિલાને લોખંડની મજબૂત સાંકળો અને હુક્સથી બાંધીને દરિયામાર્ગે છેક સાઉદી અરેબિયા સુધી લઈ જવાની જબરી મહkવાકાંક્ષી અને પડકારરૂપ કહી શકાય એવી યોજના બનાવી હતી. એ યોજનાના સચોટ અમલ માટે પશ્ચિમના દેશોના નિષ્ણાત સાયન્ટિસ્ટ્સ અને એન્જિનિયરોનો સંપર્ક પણ કર્યો હોવાના ન્યુઝ પ્રસિદ્ધ થયા હતા.

ઍન્ટાર્કટિકાની બીજી એક વિશિષ્ટતા જાણીએ. પૃથ્વીના વિશાળ પટ પર ઍન્ટાર્કટિકા એકમાત્ર એવો ખંડ છે જેનું કદ જુદી-જુદી મોસમ મુજબ નાનું-મોટું થાય છે. સામાન્ય રીતે અમેરિકા કે ઑસ્ટ્રેલિયા ખંડનું કદ એટલે કે જમીનનો હિસ્સો નાનો કે મોટો થતો હોય એવી કોઈ ભૌગોલિક ઘટના બનતી નથી, પરંતુ ઍન્ટાર્કટિકામાં આ પ્રકારનો કુદરતી ચમત્કાર થાય છે ખરો. જોકે ઍન્ટાર્કટિકાના આ પ્રાકૃãતક ચમત્કારની વિગતો જાણવા-સમજવા જેવી છે. શિયાળામાં અસહ્ય ઠંડી (માઇનસ ૩૦થી માઇનસ ૮૦ ડિગ્રી)ને કારણે ઍન્ટાર્કટિકાના સમુદ્રનું પાણી થીજી જઈને બરફ બની જાય. પરિણામે ઍન્ટાર્કટિકા ખંડનું કદ ઘટીને હજારો કિલોમીટર નાનું થઈ જાય. જોકે ઉનાળામાં થોડીક ગરમીને કારણે દરિયાનું જે પાણી બરફ થઈ ગયું હોય એ બધો જ બરફ પીગળે અને પરિણામે ઍન્ટાર્કટિકાનું કદ વિસ્તરીને હજારો કિલોમીટર મોટું થઈ જાય. નિસર્ગના આ અજીબોગરીબ ફેરફારને કારણે જ ઍન્ટાર્કટિકાને પલ્સેટિંગ કૉન્ટિનેન્ટ એટલે ફૂલતો અને સંકોચાતો ખંડ કહેવાય છે.

ઍન્ટાર્કટિકાની ત્રીજી વિશિષ્ટતા જાણીએ. ઍન્ટાર્કટિકાના ભૂગર્ભમાં અતિ કીમતી ખનિજોનો વિપુલ ભંડાર ભર્યો છે એવું સંશોધન થયું છે. પૃથ્વીના વિવિધ વિસ્તારોમાંથી કોલસો, મૅન્ગેનીઝ, યુરેનિયમ, લોખંડ, સોનું વગેરે ખનિજ તત્વો મળે છે. જોકે સામાન્ય માનવીને જરૂર એવો સવાલ થાય કે ઍન્ટાર્કટિકા તો આખો બરફથી ઢંકાયેલો છે તો એના પેટાળમાં આટલાં બધાં મૂલ્યવાન ખનિજોનો ભંડાર હોઈ શકે ખરો? જવાબ છે હા. ભારત સહિત વિશ્વભરના ભૂગર્ભશાસ્ત્રીઓના સંશોધનથી પુરવાર થયું છે કે આ બર્ફીલા ખંડના ભૂગર્ભમાં કોલસો, લોખંડ, તાંબું, યુરેનિયમ, જસત, ઑઇલ, કુદરતી ગૅસ વગેરેનો અઢળક જથ્થો ધરબાયેલો છે. જોકે ૧૯૫૯માં વિશ્વનાં બધાં રાષ્ટ્રોએ સર્વાનુમતે કરેલી ઍન્ટાર્કટિકા ટ્રીટી (ઍન્ટાર્કટિકા કરાર)ને કારણે કોઈ દેશ અહીં ખોદકામ કે શારકામ કરી શકે નહીં એટલું જ નહીં, આ કરારને કારણે કોઈ પણ દેશ ઍન્ટાર્કટિકામાં ફક્ત વૈજ્ઞાનિક સંશોધન સિવાય પ્રદૂષણ ફેલાય એવી કોઈ પ્રવૃત્તિ પણ ન કરી શકે. આ કરારનો અમલ બહુ જ શિસ્તબદ્ધ રીતે થતો હોવાથી આજની તારીખે ઍન્ટાર્કટિકા સંપૂર્ણ સ્વચ્છ છે.

પૃથ્વી પર ઍન્ટાર્કટિકા એકમાત્ર એવો કૉન્ટિનન્ટ છે જ્યાં માનવવસ્તી નથી. અમેરિકા, આફ્રિકા, યુરોપ વગેરે ખંડમાં માનવવસવાટ છે; કારણ કે આ બધા ખંડમાં જમીનનો મોટો હિસ્સો હોવાથી માનવવસવાટ શકય બન્યો છે. બીજી બાજુ ઍન્ટાર્કટિકા પર તો બારે માસ નજર નાખો ત્યાં સુધી ફક્ત અને ફક્ત બરફ છવાયેલો હોવાથી અહીં કોઈ પણ સંજોગોમાં માનવી રહી શકે નહીં.