દિવાળીમાં માવાની મીઠાઈઓમાં જરૂર વાપરો એલચી અને જાયફળ

03 November, 2012 07:19 PM IST  | 

દિવાળીમાં માવાની મીઠાઈઓમાં જરૂર વાપરો એલચી અને જાયફળ



આયુર્વેદનું A 2 Z - ડૉ. રવિ કોઠારી

દિવાળી નજીક આવી ગઈ છે. ઘરની સાફસૂફી, રંગરોગાન પતે એટલે કઈ મીઠાઈ બનાવીશું કે લાવીશું એની ચિંતા શરૂ થશે. કમનસીબે પહેલાંની જેમ હવે ઘરે જ મીઠાઈ બનાવવાની પ્રથા બહુ ઓછાં ઘરોમાં જોવા મળે છે. તૈયાર પૅકેટ લાવી દીધાં એટલે કામ પત્યું. અચાનક માર્કેટમાં માવાની ડિમાન્ડ વધી જાય છે એટલે ભેળસેળવાળો અને કેમિકલથી ભરપૂર માવાવાળી મીઠાઈઓ વેચાય છે.

એકદમ શુદ્ધ માવાની, શુદ્ધ ઘીની મીઠાઈઓના દાવા કરતા કંદોઈઓની ક્વૉલિટીનો પણ કોઈ ભરોસો દિવાળીમાં ન રાખી શકાય.

આવા તહેવારના દિવસોમાં મીઠાઈ ન ખાઓ અથવા તો ડાયટ કરો એવું ભલે ડૉક્ટરો સલાહ આપતા હોય, પણ એ પ્રૅક્ટિકલી કોઈ અમલમાં મૂકી શકતું નથી. એટલે સુફિયાણી વાતો રહેવા દઈએ, પણ સ્વાસ્થ્યને ઓછું નુકસાન થાય એ માટે શું કરી શકીએ એવો ઑપ્શન અપનાવવો જરૂરી બની જાય છે.

પહેલો અને સૌથી સારો ઉપાય છે જે-તે વાનગીઓ ઘરે બનાવતાં શીખી જવાનો. માવાની કે ડ્રાયફ્રૂટ્સની મીઠાઈઓ બનાવતી વખતે માવો ઘરે જ બનાવી લેવો બહેતર રહે. ડ્રાયફ્રૂટ્સની કતરી તૈયાર લાવવાને બદલે ઘરે જ ડ્રાયફ્રૂટની કતરી કરવી. આર્ટિફિશ્યલ કલર્સ વાપરીને મીઠાઈને રંગીન બનાવી શરીર માટે ઝેર બનાવી દેવાની કોઈ જરૂર નથી. કલર્સ વિનાની કુદરતી સ્વીટ્સ કદાચ વધુ મીઠી લાગશે. સ્વીટ્સમાં બને ત્યાં સુધી નૅચરલ સ્વીટનર્સ વાપરશો તો ખાંડ વાપરવાની જરૂર નહીં રહે. અંજીર, ખજૂર કે કિસમિસ જેવી ચીજો ભરપૂર માત્રામાં વાપરવાથી એ સ્વીટનર્સની ગરજ સારશે અને એટલી ખાંડ તમારા શરીરમાં ઓછી જશે.

ઘરે બનતી વાનગીઓમાં એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. જ્યારે પણ તમે માવાની વાનગીઓ બનાવતા હો ત્યારે એમાં એલચી અને જાયફળ અચૂક નાખો. આ બે તેજાના મીઠાઈની સોડમ વધારવા પૂરતા જ નથી. એનાથી દૂધ અને દૂધની પેદાશો સુપાચ્ય બની શકે છે. દૂધની ખીર, બાસુંદી હોય કે પછી માવાની મીઠાઈઓ, એલચી અને જાયફળ બારીક વાટીને એની પર ભભરાવવાથી એ મીઠાઈ પચવામાં ભારે પડતી નથી.

ગળી અને તેલ-ઘીવાળી ચીજો કફ પેદા કરે છે. એલચી કફનાશક અને વાતનાશક છે. એલચીના ઉપયોગથી ખાદ્ય પદાર્થનો કફકારક સ્વભાવ ઘટે છે. દૂધપાકમાં ગળપણને કારણે કફકારક ગુણ પેદા થાય છે. એલચી નાખવાથી એ ગુણ ઘટે છે. અલબત્ત, મોટી એલચી નહીં પણ નાની એલચી વાપરવી વધુ ગુણકારી ગણાય છે. દૂધવાળી ચીજો ખાવાપીવાથી કફ, ઉધરસ થઈ જાય છે ને એવા સમયે એલચીનું ચૂર્ણ ખાવાથી ફાયદો થાય છે. માટે જો મીઠાઈમાં જ તમે એલચી નાખશો તો એનાથી નુકસાન થવાની શક્યતાઓ ઘટશે. બીજું, ઘણા લોકો કેરળ કે વિદેશ જાય ત્યારે કિલોના વજનમાં એલચી લઈ આવે છે ને પછી એ બે-ત્રણ વરસ સુધી વાપર્યે રાખે છે. આ ક્યારેક જોખમકારક નીવડે છે. એલચી હંમેશાં નવી અને તાજી જ વાપરવી. લાંબો સમય સંઘરી રાખેલી એલચીમાં નજરે ન જોઈ શકીએ એવી ઝીણી જીવાત પડી જાય છે. આવી જીવાતથી કોઢ થવાની શક્યતાઓ વધી જાય છે.

જાયફળ સોપારી જેવડું નાનકડું ફળ છે. એના પર કઠણ છાલનું કાચલી જેવું કવર હોય છે. એને ફોડીને અંદરથી જે નીકળે એને જાયફળ તરીકે મીઠાઈઓમાં તેમ જ ઔષધિમાં વાપરવામાં આવે છે. જાયફળ ભૂખ ઉઘાડનારું અને પાચનમાં મદદ કરનારું હોવાથી દૂધપાક, બાસુંદી કે દૂધના માવાની બનેલી પચવામાં ભારે વાનગીઓમાં એનો છૂટથી વપરાશ કરવાનું કહેવામાં આવ્યું છે. ખાસ કરીને દૂધ પચવામાં તકલીફ થતી હોય એવા લોકોએ દૂધ કે માવામાં જાયફળનું ચૂર્ણ અથવા તો આખું જાયફળ નાખી ઉકાળીને બનાવેલું દૂધ પીવું જોઈએ એવું કહેવાય છે.

દૂધ-માવાની મીઠાઈઓ કરતાં દિવાળીમાં ચણાના લોટનો મોહનથાળ, મગની દાળના મગદળ જેવી ટ્રેડિશનલ મીઠાઈઓ વધુ હેલ્ધી ગણાય. અલબત્ત, તમે જે કાંઈ પણ ખાઓ એ લિમિટમાં હોય એ જરૂરી છે. ભારે ચીજો પ્રમાણભાનપૂર્વક ખાવાની સાથે કસરતને છુટ્ટી ન આપો તો દિવાળીમાં પણ સ્વસ્થ રહી શકશો.