આ ટ્રૅક્ટર છે કે સાઇકલ?

03 November, 2012 07:16 PM IST  | 

આ ટ્રૅક્ટર છે કે સાઇકલ?



રેકૉર્ડ મેકર

ટ્રૅક્ટરના મોટા પૈડામાંથી સાઇકલ બનાવી શકાય?

ધારો કે એવી સાઇકલ બની, તો શું એ ચલાવી શકાય?

નેધરલૅન્ડના વૅન ડેન બૉશ નામના ૨૯ વરસના યુવકે આ બેઉ ચીજો કરી બતાવી છે. અત્યાર સુધી શોધાયેલી સૌથી ઊંચી કે સૌથી લાંબી સાઇકલો પણ એટલી હલકીફુલકી હતી કે સાઇકલ ભારે હોય એવું માનવું શક્ય નહોતું, પણ આ ડચ યુવકે એ કરી બતાવ્યું છે. મૂળે મેકૅનિકલ એન્જિનિયરિંગનું ભણેલા પણ હવે વિયર્ડ આર્ટ શીખી રહેલા વૅન ડેન બૉશે ત્રણ મહિનાની જહેમત પછી આ મૉન્સ્ટર સાઇકલ બનાવી છે. છેલ્લાં કેટલાંક વષોર્થી તેને જે મશીનરી કે પાર્ટ્સ જે ચીજ માટે બનાવવામાં આવ્યા છે એને બદલે બીજાં જ મશીનો માટે કઈ રીતે વાપરી શકાય એનાં અખતરા કરવાની લત લાગી છે.

છ મહિના પહેલાં જ તેણે તેની વિયર્ડ આર્ટની કલ્પના મુજબ આ મૉન્સ્ટર બાઇકનું ડ્રૉઇંગ તૈયાર કરેલું. જોકે ડ્રૉઇંગ જોયા પછી મોટા ભાગના લોકોએ તેને સલાહ આપેલી કે આવી સાઇકલ કદી ચલાવી શકાશે જ નહીં ને એ માત્ર શોભાના ગાંઠિયાની જેમ તારા ઘરની બહાર પડી રહેશે. પણ વિયર્ડ આર્ટની ધુણકી કોને કહેવાય? બૉશ લાગી પડ્યો. તેની પ્રાઇમરી ડિઝાઇનમાં થોડાક ચેન્જ કરવા કરીને જે બન્યું એ ગિનેસ વલ્ર્ડ રેકૉર્ડમાં નોંધાયું અને તેને મળ્યો વિશ્વની સૌથી હેવી ચલાવી શકાય એવી સાઇકલનો ખિતાબ.

સ્ટીલ ટ્યુબ્સ, સાઇકલના પાર્ટ્સ અને ટ્રૅક્ટરનું ટાયર, સાઇકલમાં વપરાતી પૈડાં ફેરવવાની ચેઇનનો ઉપયોગ કરીને બૉશે ૪૫૦ કિલો વજન ધરાવતી સાઇકલ ડિઝાઇન કરી છે અને એ પણ ચલાવી શકાય એવી. બૉશ અવારનવાર પોતાની આ યુનિક ગાડીને લઈને ઘરની આસપાસ ફરવા પણ જાય છે.

હવે સવાલ એ છે કે શું આ ભાઈએ ખાલી ગિનેસમાં નામ નોંધાવવા માટે આ જહેમત કરેલી? તો ના. આ વિયર્ડ પણ ક્રીએટિવ આર્ટિસ્ટની સોચ આ અળવીતરી સાઇકલથી સામાજિક કટાક્ષ કરી રહી છે. વૅન ડેન બૉશનું કહેવું છે કે ‘રસ્તાઓ પર જાયન્ટ અને રિચ લુક ધરાવતી એટલી લાંબી કારો હું જોતો ત્યારે મને થતું કે લગભગ ૨૫૦૦ કિલો વજન ધરાવતી આ કારમાં પણ માંડ એક કે બે જ જણ ફરી શકે છે ને એમાં પણ પેટ્રોલનો જબરદસ્ત ધુમાડો થાય છે. જ્યારે બીજા કેટલાક લોકો નાનકડી સાઇકલ પર પોતાના વજન કરતાં વધુ હેવી સામાન વેંઢારતા ફરે છે. સમાજની આ અસમાનતાને દર્શાવવા માટે મેં ટ્રૅક્ટરનું જાયન્ટ ટાયર વાપર્યું છે અને પાછળ સાદા ટૂ-વ્હીલરના નાનાં વ્હીલ. આ બન્ને વચ્ચે સંતુલન જાળવીને સમાજ ચાલે એ વિચાર લોકો સમક્ષ રજૂ કરવા માટે મેં વિયર્ડ આર્ટનો ઉપયોગ કર્યો છે.’

વૉટ ઍન આઇડિયા સરજી!