દરેક સપનાની એક કિંમત હોય છે - પ્રકરણ ૨૩

03 November, 2012 07:16 PM IST  | 

દરેક સપનાની એક કિંમત હોય છે - પ્રકરણ ૨૩



વર્ષા અડાલજા   

કોઈ ભયંકર ઝંઝાવાત પછી ફેલાઈ જાય છે સ્તબ્ધ નીરવતા, તારાજી. જાણે લાંબાં ડગલાં ભરતું, વિનાશ વેરતું, પ્રાગૈતિહાસિક સમયનું મહાકાય પ્રાણી હમણાં જ અહીંથી ગયું છે એનો ઓથાર હજી હવામાં છે. પછી પ્રકૃતિનો મમતાભર્યો હાથ હળવે-હળવે ફરે છે અને બધું પૂર્વવત્ થવા લાગે છે.

સાવિત્રીબહેન રોજ નિયત સમયે ઊઠે છે અને ઘડિયાળના કાંટાની સાથે દિવસનું ચક્ર પણ ઘૂમવા લાગે છે. રોજિંદું ઘરકામ, ચા-નાસ્તો, પૂજા, બાલ્કનીમાં કૂંડાને પાણી પાતાં-પાતાં ગાયત્રીમંત્રનો જાપ... એક ગૃહિણીનાં અસંખ્ય ઝીણાં-ઝીણાં કામથી દિવસની શરૂઆત થાય છે. પ્રિયા પણ માને કામમાં મદદ કરવા લાગે છે. તરુણ ઘણી વાર બહારગામ હોય અને ઘરમાં હોય તો મોડે સુધી ઊંઘતો રહે છે. ધીરુભાઈ ગુજરાતી અખબાર વાંચે છે. અંગ્રેજી અખબાર અને ફૅશન મૅગેઝિન કાજલ હઠ કરીને મગાવતી હતી ત્યારે તો તે મોં ચડાવીને પણ વાંચી લેતા, પણ હવે કોણ જાણે હાથ લગાડવાનું મન નથી થતું.

ઊંડા આઘાતની પણ કળ તો વળતી હોય. સમય કોમળતાથી શીતળ લેપ કરે છે. ઘર હવે બેઠું થવા લાગ્યું છે. સાવિત્રીબહેન અલગ-અલગ બ્રેકફાસ્ટ બનાવે છે. ટેબલ પર મૂકતાં જ કાજલ સાંભરે છે. સિમ્પ્લી સુપર્બ કહી ઊછળી પડનારું હવે કોણ છે! લંચ-બૉક્સ લેતાં ધીરુભાઈ ઊલટાના ઠપકો આપે છે, ‘મને ભાખરી ચાલશે, શું કામ આટલી મહેનત કરે છે? તારી તબિયત સંભાળ. જો કેટલી લેવાઈ ગઈ છે!’

પતિ-પત્નીની આંખ મળે છે અને ધીરુભાઈ ઑફિસ જવા નીકળી જાય છે. પ્રિયાએ સિલકમાં હતી એ બધી રજા લઈ લીધી છે અને સાવિત્રીબહેનને ક્યારેક ફિલ્મમાં, મૉલમાં શૉપિંગનો આગ્રહ કરે છે; પણ તેમને ક્યાંય સોરવતું નથી. રિસામણાં-મનામણાં કરતી દીકરી સાથે ન જાણે ઘરનું ચેતન પણ ચાલ્યું ગયું છે.

ધીરુભાઈ સાંજે ઘરે પાછા ફરે ત્યારે સાવિત્રીબહેન પ્રતીક્ષા કરતાં હોય છે - હંમેશની જેમ. દિવસભરની વાતો કરતાં-કરતાં ચા સાથે પીએ છે એ દૃશ્યથી પ્રિયાને હૈયાધારણ મળે છે.

મા-બાપના આત્મીય સંબંધો હાશ અકબંધ છે. જાણે એક કાળું વાદળ ઘેરાઈ ગયું હતું એ હવે વિખરાઈ ગયું છે.

તોય આ ચિત્રમાં એક રંગ કેમ ખૂટે છે?

પ્રિયાએ સવારે કહ્યું, ‘મમ્મી! તું અને પપ્પા બેડરૂમમાં શિફ્ટ થઈ જાઓને! અહીં ડ્રૉઇંગ-રૂમમાં તો સવારથી ડોરબેલ માથું ખાય છે. તમને આરામ મળેને!’

સાવિત્રીબહેનને તરત જવાબ ન સૂઝ્યો. આ તો પતિની દુખતી રગ હતી. ધીરુભાઈએ જવાબ આપ્યો, કદાચ તેમને દુવિધામાંથી ઉગારી લેવા.

‘જો બેટા પ્રિયા, અહીં ડ્રૉઇંગ-રૂમમાં કશો વાંધો નથી. અંદર તમારો વૉર્ડરોબ, ડ્રેસિંગ-ટેબલ, હજાર ચીજવસ્તુઓ હોય એટલે તને ત્યાં વધારે ફાવે અને કાજલે ત્યાં ટીવી પણ...’

ઉધરસ આવતી હોય એમ ધીરુભાઈએ વાત પૂરી ન કરી. દરેક વાતનો તંતુ ક્યાંક ને ક્યાંક કાજલને સ્પર્શે છે. હજી તે અહીં જ છે - આ ઘરમાં, મનમાં. છે તો સૌ એક જ ક્યારીમાં રોપાયેલા લીલાછમ છોડની ડાળીઓ. એમાંથી એક જ શી રીતે સુકાય? પ્રિયાને કહેવાનું મન થાય છે - પપ્પા, તમે કાજલની ચિંતા ન કરો. ડોન્ટ ફીલ ગિલ્ટી. આમ પણ તે અહીંથી જવાની હતી. તે જ્યાં છે તેની દૃષ્ટિએ સુખી છે.

પણ આ બધું કહેવાનો સમય હજી આવ્યો નથી. પપ્પા નહીં પણ મમ્મી આ સત્ય જીરવી શકશે એ પ્રિયા જાણે છે. એટલે સાવિત્રીબહેનને તેણે બધું જ કહ્યું છે. જુવાન દીકરી રસ્તે રઝળતી નથી થઈ એની ધરપત છે. સાવિત્રીબહેનને પણ આ ઘરને, સ્વજનોને છોડીને તે સુખ અનુભવે છે એ સત્ય જીરવવું મુશ્કેલ છે.

એકલા પડતાં જ પ્રિયાએ તરુણનો ઊધડો લીધો હતો, ‘તું બધું જાણતો હતો અને તેં મને જ ન કહ્યું? અને આ સેક્સકાંડ વળી શું છે? તું ક્યાંથી આ બધું જાણે?’

તરુણ ગભરાઈ ગયેલો. માંડ વાત ટાળી, ‘જવા દે પ્રિયા, તને બધું કહેવાથી શું વળવાનું હતું? તે કોઈનું માને એમ હતી?’

ક્યાંથી કેમ ખબર પડી એ વાતનો ગોળ-ગોળ વીંટો વાળી દીધેલો. તેના બિઝનેસની જો ઘરમાં ખબર પડે તો પપ્પા નક્કી ચાકુ જ હુલાવી દે તેને... હે માતાજી! હું મારા પરિવારના ભલા માટે બધું કરું છું, તેમને કદી ખબર ન પડે એવું મને વરદાન આપ.

સાવિત્રીબહેન પતિના સ્વભાવનો બદલાવ જોઈને નવાઈ પામી ગયાં હતાં. તે સમજે છે કે યુવાન દીકરીને જાકારો દીધાનું દુ:ખ પતિને કોરી ખાય છે, પણ વાત એ વળાંક પર એક દિવસ તો આવીને ઊભી રહેવાની જ હતી એ પણ એટલું જ સાચું હતું.

આજે શ્રાવણનો સોમવાર. ધીરુભાઈ ઑફિસથી આવ્યા. કપડાં બદલ્યાં. ટીવીનું રિમોટ હાથમાં લીધું. સાવિત્રીબહેન ચા-નાસ્તાની ટ્રે લઈને બહાર આવ્યાં.

‘લો, સાબુદાણાની ખીચડી. તમને ભાવે છેને!’

‘અરે વાહ! બેસને, સાથે ખાઈએ.’

ધીરુભાઈએ ટીવી શરૂ કર્યું. સાડીનો છેડો લહેરાવતી મૉડલ એક યુવાનની બાહોંમાં ઝૂલી રહી હતી. જિંગલ મધુર હતું. મૉડલે કૅમેરા તરફ ચહેરો ફેરવ્યો. સાવિત્રીબહેન અને ધીરુભાઈની સામે ટીવી-સ્ક્રીન પરથી તે લોભામણું હસી રહી હતી. કાજલ સુંદર લાગતી હતી. સાડીનો પાલવ યુવાન પર નાખી તેને પાસે ખેંચી લીધો. તેના ખુલ્લા ગૌર ખભા પર ટૅટૂ હતું.

ધીરુભાઈ નીચું જોઈને ખાવા લાગ્યા. પલકમાં બીજી જાહેરખબર આવવા લાગી. કાજલે ખોટું શું કર્યું હતું? ધીરુભાઈના હાથમાં ચમચી અધ્ધર રહી ગઈ. સંતાનો મા-બાપના જ પગલે ચાલે એમ હોય તો તે ક્યાં પોતાના પિતાના પગલે ચાલ્યા હતા! વતન પણ છોડી દીધું હતું. પોતાની રીતે જીવવા મથ્યા હતા, કાજલની જેમ.

ફરક માત્ર એટલો હતો કે તે પિતાના આર્શીવાદ લઈને નીકળ્યાં હતા અને કાજલ...

શું સાચું હતું, શું ખોટું હતું, કોની ભૂલ હતી... જીવનની પરીક્ષાના આ સૌથી અઘરા પ્રશ્નો હતા અને એમાંના એક પણ પ્રશ્નનો ઉત્તર તેમની પાસે નહોતો. પતિના મનની મૂંઝવણ સાવિત્રીબહેન સમજતાં હતાં. એક વાત નક્કી હતી કે કાજલ હવે કદી પાછી નહીં ફરે. આ વાતનો સ્વીકાર પતિ જેટલો જલદી કરી લે એટલું સારું હતું.

આ સત્ય તેમની પાસે ઉજાગર કરવાનું કામ હવે તેમનું હતું.

€ € €

ઘણા વખતે સેવંતીભાઈ આવ્યા હતા.

કાજલનું છેલ્લા થોડા સમયનું વર્તન, ઝઘડો, ચાલી જવું એમ બધી રજેરજ વાતો ધીરુભાઈએ સેવંતીભાઈને ફોનમાં કહીને બળાપો કર્યો હતો. આજે કદાચ એટલે જ આવ્યા હતા. પત્ની અને દીકરી જેટલું જ વહાલ હતું તેના પર. પાછલી ઉંમરે તેઓ સંતાન અને પત્ની વિનાનું એકલવાયું જીવન જીવતા હતા. કાજલ નાની હતી ત્યારે ઘડી-ઘડી તેમને ત્યાં દોડી જતી. તેમના ખોળામાં ચડી જઈ હકથી રોટલી-ગોળ માગતી. તેમના સ્નેહમાં તરુણ-પ્રિયા ભાગ પડાવે એ તેને બિલકુલ ન ગમતું.

પણ જેમ-જેમ તે મોટી થતી ગઈ એમ મનથી અળગી થતી ગઈ હતી એ જાણતા હતા છતાં આજે કાજલ ચાલી ગયાનો ઊંડો ઘા તેમને પીડી રહ્યો હતો, પણ એ વાતને સ્પશ્ર્યા વિના તેઓ જાતભાતની ચર્ચા ઉત્સાહથી કરી રહ્યા હતા. સાવિત્રીબહેનને મનથી સારું લાગતું હતું. પતિ હસીને ચર્ચામાં ભાગ લઈ રહ્યા હતા. ઘણા વખતે ઘરમાં હાસ્ય ગુંજતું હતું. બન્ને મિત્રો હંમેશની જેમ દરિયાકિનારે ફરવા જવાનું વિચારતા હતા ત્યાં જ તરુણ આવ્યો. સેવંતીકાકાને જોતાં ખુશ-ખુશ. આવતાંવેંત ઉત્સાહથી બોલવા માંડ્યો:

‘પપ્પા અને કાકા, બ્રેકિંગ ન્યુઝ. આજની હેડલાઇન. સરસ સમાચાર છે.’

ચાનો કપ મોંએ માંડતા ધીરુભાઈનો હાથ કંપી ગયો. થોડી ચા ઢોળાઈ. કાજલના કોઈ સમાચાર? સંદેશો?

તરુણ સમજ્યો. તરત ધીરુભાઈના પગ પાસે ગોઠણભેર બેસી તેમના હાથમાં ચાવી મૂકી, ‘પપ્પા! આપણી કારની ચાવી. ખાસ તમારા અને મમ્મી માટે. સેવંતીકાકાને મળવા ગિરગામ જાઓ, તમે અને મમ્મી બહાર જાઓ; જવાનું આપણી જ કારમાં, વટથી.’

ધીરુભાઈ અવાક્ બનીને જોઈ રહ્યા. ગણપતિની કીચેનમાં નાનીસરખી ચાવી. હતી તો ધાતુની નાની ચાવી, પણ એનાથી રિદ્ધિ-સિદ્ધિનાં કેવાં દ્વાર ખૂલી રહ્યાં હતાં! આમ જુઓ તો કાર હવે નવીનવાઈની નહોતી રહી. સ્ટેટસ સિમ્બૉલ તો બિલકુલ નહીં. નવી પેઢીની બદલાતી જતી લાઇફ-સ્ટાઇલ. બૅન્ક-લોનથી કાર મધ્યમવર્ગની લક્ઝરીને બદલે એક જરૂરિયાત બની ગઈ હતી. સોસાયટીના કમ્પાઉન્ડમાં કારની પાર્કિંગ-સ્પેસ માટે એજીએમ મીટિંગમાં રીતસર ઝઘડાઓ થતા. તેમને યાદ છે કે બાજુવાળો અગ્રવાલ દર બે મહિને કાર બદલતો. મિસિસ અગ્રવાલ બની-ઠનીને નાળિયેર વધેરતી. લટકમટક ઘરે પ્રસાદ આપવા આવતી. એક વખત ચિડાઈને પોતે બોલેલા : આ બાઈ શું જોઈને પ્રસાદ આપવા આપતી હશે! આજકાલ તો ભોજિયાને ત્યાં પણ કાર હોય છે.

કાજલે વચ્ચે ટહુકો કરેલો, ‘યસ પપ્પા, ભોજિયાને ત્યાં પણ કાર હોય છે. યુ આર રાઇટ, પણ આપણે ત્યાં નથી.’

કાજલનું મહેણું હાડોહાડ લાગી ગયેલું. સાવિત્રી તેને વઢેલી. કાજલે હસીને કહ્યું હતું, ‘ઓ મૉમ! આઇ ઍમ જસ્ટ જોકિંગ.’

 તરુણે તરત જ જવાબ આપેલો, ‘ભોજિયા કરતાં સરસ કાર લઈ આવીશ.’

ધીરુભાઈને એ દૃશ્ય યાદ આવી ગયું. કદાચ તરુણને પણ. તેણે ધીરુભાઈના હાથની મુઠ્ઠી વાળી દીધી : પપ્પા, મેં મારું વચન પાળ્યુંને!

સાવિત્રીબહેન રસોડામાંથી હાથ લૂછતાં-લૂછતાં બહાર આવ્યાં કે સેવંતીભાઈએ કહ્યું, ‘લો ભાભી, પોપટ તો પાંખમાં સોનું ભરીને લાવ્યો. હવે પાંખ ફફડાવીને ઊડો.’

બીજો કોઈ દિવસ હોત તો ધીરુભાઈથી કડવાં વેણ બોલાઈ ગયાં હોત, ‘હા... હા... રે! મેં તમને બધાને શું આપ્યું આજ સુધી? જુઓ, દીકરાએ દી વાળ્યોને!’

પણ કાજલનો જખમ તાજો હતો. તેની ગરદનનો ગુરૂરભર્યો મરોડ, વંકાયેલા હોઠ, કટુતાભર્યા વેણ... માત્ર પોતાના માટે જીવવા માગતી કાજલ, સદા માતા-પિતા પર ઓળઘોળ થતો તરુણ.

સેવંતીભાઈએ તરુણની પીઠ થાબડી.    

‘તારા બાપા તો ડઘાઈ ગયા, જો તો મૂંગામંતર! બાકી આપણા રામ રાજીના રેડ તરુણ. બાકી એક વાત છે, સંતાનો મા-બાપ કરતાં સવાયાં થાય એનો જશ માત્ર સંતાનોને નહીં,

મા-બાપને પણ મળે હોં!’

‘શ્યૉર, કેમ નહીં? મહેનત કરવાનો પાઠ પપ્પા પાસેથી તો શીખ્યો છું. આઇ ઍમ પ્રાઉડ ઑફ હિમ.’

ધીરુભાઈમાં જોમ આવ્યું હોય એમ ઊઠ્યાં. રમૂજમાં કહ્યું, ‘સાવિત્રી, તું પણ બનીઠનીને તૈયાર થઈ જા. લે પૂજાની થાળી. તરુણ, ઝટ શ્રીફળ લઈ આવ. આપણે પણ નાળિયેર વધેરીને અગ્રવાલને ત્યાં પ્રસાદ આપી આવીએ.’

તરુણ અને ધીરુભાઈ ખડખડાટ હસી પડ્યા. કેટલા લાંબા અંતરાલે ઘર હાસ્યની કિલકારીથી ગુંજી ઊઠ્યું હતું! સાવિત્રીબહેને મનોમન પ્રાર્થના કરી હે મા! મારા સંસારને કિલ્લોલતો રાખજે.

એક ગૃહિણીને એથી વિશેષ શું જોઈએ?

€ € €

‘થૅન્ક્સ શંકર; તેં મારા માટે, ફૅમિલી માટે કાર ખરીદી યાર. પપ્પા-મમ્મી અને મારા સેવંતીકાકા પણ હતાં. શું રાજી થયાં! મને સૂઝ્યું નહીં, ફોટો પાડી તને ફૉર્વર્ડ કરવો જોઈતો હતો. હવે પ્રકાશનો ટર્ન, કેમ?’

‘અફકૉર્સ. મારી ગર્લફ્રેન્ડને લઈને અષ્ટવિનાયક જાણાર. સઘળી આ શંકર ભગવાનની કૃપા.’

મિત્રો સાથે વાતો કરતો શંકર ખુશ થયો. પોતે ફક્કડરામ, એકલો હતો. ફૅમિલી એટલે મિત્રો, બીજું કોણ હતું?

‘કૃપા તો ઉપરવાળાની. મારા એકલાની મહેનત થોડી છે? જુઓ, હું આજે રાત્રે અમદાવાદ જાઉં છું ટ્રેનમાં. તમને બન્નેને ચાર-પાંચ દિવસની છુટ્ટી.’

તરુણને નવાઈ લાગી, ‘તું એકલો? ટ્રેનમાં?’

‘જવું તો પડશે. તને ખબર છેને બરોડા અને અમદાવાદમાં લઠ્ઠાકાંડમાં ઝેરી દારૂની અસરથી કેટલાં મોત થયાં? કેટલાક પોલીસ-ઇન્સ્પેક્ટર્સ સસ્પેન્ડ થયા, ટ્રાન્સફર થઈ. આપણું સેટિંગ ફરી કરવું પડશે. મારે કેટલા દિવસ રહેવું પડશે એ ખબર નથી. દિવાળી અને ક્રિસમસને વાર નથી. ગુજરાતીઓને પીધા વગર ચાલશે કે! તુમ દોનોં વેકેશન લે લો. એન્જૉય યાર.’

અરે વાહ, ગ્રેટ આઇડિયા! તરત તરુણે ઘરે ફોન કર્યો, ‘મમ્મી! તું, પપ્પા, પ્રિયા તમે તૈયાર થઈ જાઓ; હું આવું છું. આપણે ડ્રાઇવ પર જઈશું ને પછી ફાઇવસ્ટારમાં ડિનર પર. ના મમ્મી, કોઈ દલીલ નહીં. બાય.’

€ € €

કાજલ ખૂબ ખુશ હતી. પોતાના ઘર માટે, નવા જીવન માટે.

શરૂઆતમાં ડર લાગતો. દિવસ માળાના મણકાની જેમ જલદી ફરી જતો. રાતનું અંધારું ઘેરાવા લાગતું. તે અંદરથી કોકડું વળી જતી. તે રાત્રે એકલી ઘરમાં ક્યારે હોય! વિશાળ કૉમ્પ્લેક્સમાં થતા અવાજોથી માણસની વસ્તીનો અહેસાસ બંધ ઘરમાં પણ થતો રહેતો. કરણ આવ્યો હોય તોય મોડી રાત સુધી ભાગ્યે રોકાતો. રાત્રે બે કલાક ડ્રાઇવ કરીને જુહુથી મુંબઈને બીજે છેડે નેપિયન સી રોડ ઘરે જતાં થાકી જતો. તે કહેતો : કાજલ, તું ખરી હતી. મુંબઈમાં યંગસ્ટર્સની લવ-લાઇફ અને લગ્નમાં મુંબઈની જ્યૉગ્રોફી મહત્વનો ભાગ ભજવે છે.

કાજલ કરણને વળગી પડતી, ‘તો તારા ઘરે જ લઈ જાને!’

 ‘પાગલ થઈ ગઈ છે?’ કરણ તેને માંડ અળગી કરીને નીકળી જતો. પછી રાતના ઘન અંધકારભર્યા ટાપુ પર એકલી પડી ગઈ હોય એમ જોરથી તે આંખ મીંચી દેતી.

પણ સવારે બારી પરથી પડદો ખસેડતાં જ ઘર ઝળહળી ઊઠતું. તે લહેરથી ઊઠતી, કૉફી બનાવતી, નિરાંતે અખબાર વાંચતી. લેટેસ્ટ હિન્દી ફિલ્મોની સી.ડી. વાગતી રહેતી. પ્રિયા અને મમ્મીની બૂમો સાંભળવાની નહોતી : કાજલ, જલદી ઊઠ, કૉલેજનું મોડું થશે, આજે પાણી જવાનું છે હોં! મંજુબહેનની નિશા જો, કેટલા ક્લાસમાં જાય છે? પ્રિયા ટ્યુશન કરે છે...

કાજલ કાન પર હાથ દાબી દે છે, પણ મનમાં અવાજ ઘૂમરાયા કરે છે. મનને પણ સ્વિચ્ડ-ઑફ કરી શકાતું હોત તો!

પણ સમય ધીમે-ધીમે સ્મૃતિઓને ધૂંધળી કરી નાખે છે. અવાજો ચૂપ થઈ જાય છે. ઑટોમાં કૉલેજ પહોંચે છે ત્યારે એક-બે લેક્ચર તો પૂરાં થઈ જ ગયાં હોય છે. કાજલ જાણે છે કે ઇરા, નીરજાની ટોળકી ઝીણી નજરે તેનાં કપડાં, શૂઝ, પર્સ બધાની નોંધ લે છે. તેને આજ સુધી એક ફૂંકથી તણખલાની જેમ ઉડાડી મૂકતી હતી એ તેને જોતાં જ કાનાફૂસી શરૂ કરી દે છે. કાજલ પોરસાય છે : ઓ ગૉડ! મલ્ટિમિલ્યનેર ફૅમિલીની સ્ટેટસ-કૉન્શિયસ છોકરીઓ તેની ઈર્ષા કરે છે. જ્યારે ખબર પડશે કે કરણ મહેતા જેવો કોહિનૂર હીરો મારા હૈયાના હારમાં જડેલો છે તો-તો બળીને રાખ જ થઈ જશે!

પણ હજી આ સંબંધને દુનિયાની નજરથી બચાવી-છુપાવી રાખવાનો છે. પછી તો માય ડિયર ફ્રેન્ડ્સ, અમારાં લગ્નની કંકોતરી હું જ તમને આપીશ.

પણ આ બધું કોને કહેવું? અનુએ કૉલેજ છોડી દીધી છે. તે એક્સ્ટર્નલ સ્ટુડન્ટ તરીકે પરીક્ષા આપવાની છે. એ દરમ્યાન માસ કમ્યુનિકેશન, ફાઇનૅન્સ, કમ્પ્યુટરના શૉર્ટ ટર્મ કોર્સ કરવા છે. છેલ્લે દિવસે કૉલેજ આવી ત્યારે મળેલી. કહેલું, ‘ગ્રૅજ્યુએટની ડિગ્રી સાથે આવાં થોડાં સર્ટિફિકેટ્સ હોય તો સરસ નોકરી મળવાના ચાન્સ છે. મમ્મી અને બહેનોનું કામ છોડાવી શકું. ઓકે કાજલ. ફોન તો કરતી રહીશને? આપણે બન્ને બિઝી થઈ જઈશું. તારા ઘરનું ઍડ્રેસ આપ તો. જુહુ! વાઉ! ડૅમ લકી યાર, બાય.’

અનુ ચાલી ગઈ.

કાજલને થયું, ‘બિચારી અનુ! જીવનમાં ઉપર આવવા કેટલી મહેનત કરે છે! હજી આટઆટલું ભણશે. સૌ-સૌની કિસ્મત, બીજું શું?’

કૉલેજમાં અનુ વિના તે એકલી નહોતી પડતી. તેની આસપાસ કોઈ ને કોઈ ફૂદાની જેમ ઊડતું રહેતું. પહેલાં તો કૉલેજ પૂરી થતાં ઘરે જવાની ઇચ્છા ન થતી : મમ્મીનો ચકરી-ચેવડાનો નાસ્તો, તેની સાસ-બહૂની સિરિયલો, મધ્યમવર્ગની સોસાયટીના રહેવાસીઓની આવનજાવન, ઘોંઘાટિયો માહોલ. પોતાને મળેલા ખિસ્સાખર્ચમાંથી મૂવીઝ, પીત્ઝા-હટ કે ટૅક્સીનું બજેટ નીકળે જ ક્યાંથી?

હાશ, છૂટી ગઈ હતી એ બધાથી. કૉલેજથી કોઈ વાર ઘરે આવતી. પોતાનું ઘર. રેસ્ટોરાંમાંથી ફૂડ ઑર્ડર કરતી. લહેરથી ડી.વી.ડી. પર ફિલ્મો જોતી. કોઈની ખટપટ નહીં. ડૉક્ટર દંપતીને બે-ચાર વાર લિફ્ટમાં કે કમ્પાઉન્ડમાં મળી ગયેલી. સહેજ સ્મિત કે હાય! બીજા ફ્લૅટમાં કોણ રહેતું હતું એની તો ખબર જ ન પડી. સારુંને! સૌ પોતપોતાની આગવી દુનિયામાં રહેતા હતા. મંજુબહેનની જેમ કોઈ મેળવણ માગવા નહોતું આવતું. મિસિસ અગ્રવાલનું મોં હવે જોવાનું નહોતું. વૉટ અ રિલીફ!

ઍડ એજન્સીમાં પણ જવું પડતું. નાની-નાની કોઈ ઍડ મળી જતી જેનું પેમેન્ટ પણ નાનું જ રહેતું. કોઈ ધરખમ કંપનીનું પ્રિન્ટ મિડિયા, લેબલ, હોર્ડિંગ્સ અને ટીવી એમ પૂરું પૅકેજ-ડીલ મળે તો બાત બન જાએ. આજકાલ તો ફૉરેન લોકેશન પર પણ શૂટિંગ થતું હોય છે. એવી ઍડ મળે તો ફૉરેન જવા મળે અને મૉડલ તરીકે તે એ કૅટેગરીમાં આવી જાય. એ માટે કોઈ એજન્સીએ તેનું ટ્રાયલ-શૂટિંગ પણ કર્યું હતું, પણ હજી સુધી રિસ્પૉન્સ મળ્યો નથી. થોડાઘણા અનુભવે તે એટલું તો સમજી ચૂકી હતી કે મૉડલિંગ તીવ્ર સ્પર્ધાત્મક કરીઅર હતી. પંખીઓનું ટોળું ચણ ચણવા ઊતરી આવે એમ મુંબઈ શહેરમાં દેશના ખૂણે-ખૂણેથી યુવાન-યુવતીઓનાં ટોળાં મૉડલિંગ અને એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ઊતરી આવતાં હતાં. સહેજ લક્ષ્ય પરથી નજર હટી કે તમને ધક્કો મારીને બીજા આગળ આવી જવાના હતા. બાકી હિન્દી ફિલ્મોની ટૉપ ઍક્ટ્રેસ ૧૦ રૂપિયાના વાસણ ઘસવાના સાબુની જાહેરખબર કરવા તૈયાર હોય ત્યાં તેનો ભાવ કોણ પૂછે?

કરણે જિમખાનાની મેમ્બરશિપ ફી ભરી હતી. જાણે હજી હમણાં ઘર છોડ્યું હતું ત્યાં વજન પણ વધી ગયું હતું! તે ડરી ગઈ હતી. હવે તો સ્લિમ ટ્રિમ નહીં, ઝીરો ફિગરની બોલબોલા હતી. ડાયેટિંગ કરતાં લગભગ ભૂખી રહેતી હિરોઇનો અને મૉડલો શૂટિંગ કરતાં સેટ પર બેભાન થઈ જતી હોય ત્યાં તેનું સહેજ પણ વજન વધે તો કરીઅર અને કરણ બન્ને તેના હાથમાંથી ગયાં! કાજલે બરાબર કમર કસી. સવારે કૉલેજ પછી ઍડ એજન્સીનાં ચક્કર, સાંજે જિમમાં પરસેવે રેબઝેબ કરતી એક્સરસાઇઝ, સ્વિમિંગ અને રાત્રે થાકીને ઘરે પાછી ફરતી. આખો દિવસ ડાયટ કોક અને સૅન્ડવિચ પર ખેંચી કાઢ્યા પછી રાત્રે ભૂખ લાગતી. રસોડું ઠંડુંગાર. ન રસોઈ કરતાં આવડતી, ન કોઈ કરનારું હતું. ક્યારેક કામવાળી બાઈ ન આવી હોય કે ઘર બંધ જોઈને પાછી ગઈ હોય તો એઠાં વાસણો અને અસ્તવ્યસ્ત ઘર જોઈને ત્રાસ થઈ જતો.

કોઈ વાર કરણનો ફોન આવતો - હું આવું છું અને કાજલ રીતસર નાચી ઊઠતી. તરત ઘર ઠીકઠાક કરતી, તૈયાર થઈ જતી. કરણ આવતો - અચૂક સફેદ ગુલાબનો બુકે લઈને. પૂરાં અગિયાર ગુલાબ. ઇલેવન રોઝિઝ ફૉર ઇલેવન મન્થ્સ ઑફ અવર ફ્રેન્ડશિપ. આવતાંવેંત કાજલને ઊંચકી લેતો. ઘરમાં ઘૂમી વળતો : યુ આર ગ્લોઇંગ કાજલ. બારમું ગુલાબ તો તું જ છે.

 બન્ને ખૂબ વાતો કરતાં, ખૂબ પ્રેમ કરતાં. રાત્રે કરણ જવા તૈયાર થતો અને કાજલ તેને વળગી પડતી, ‘રહી જાને કરણ. કાલે રવિવાર છે, ઑફિસનું બહાનું પણ નથી.’

‘ના કાજલ, મારી બહેનના એન્ગેજમેન્ટની વાતો ચાલે છે મહેરા ગ્રુપ ઑફ ઇન્ડસ્ટ્રીઝના વિદ્યુત મહેરા સાથે. સવારે એ લોકો ઘરે આવશે, નિવેદિતાને મળશે. પછી લંચ. આઇ હૅવ ટુ ગો.’

‘પણ એ લોકો તો પંજાબી છે ને મહેરા એટલે...’

‘કમ ઑન કાજલ. હજી તારું માઇન્ડસેટ મિડલક્લાસ મેન્ટાલિટીનું છે. કમ્યુનિટી નહીં, સ્ટેટસ બન્ને બાજુએ સરખું જોઈએ, બાય.’

કરણ ચાલ્યો ગયો. વાત અહીં અટકીને પણ કાજલના મનમાં સતત ઘોળાતી રહેતી : ક્યાં સુધી કરણ મને અળગી રાખીશ? હું મારી દુનિયામાંથી નીકળી ગઈ છું. તારી દુનિયાની તો હું હતી જ નહીં તો મારું સ્થાન ક્યાં કરણ? આઇ ઍમ ઇન નો મેન્સ લૅન્ડ.

બીજે દિવસે કરણને ઉપરાઉપરી ઈ-મેઇલ મોકલી. ફોન કર્યો, તું ક્યારે આવે છે કરણ? તારાં સફેદ ગુલાબ કરમાવા આવ્યાં. બ્રિન્ગ મી ફ્રેશ રોઝિઝ ડાર્લિંગ!

કશો જ જવાબ નહીં. તે રઘવાઈ થઈ ગઈ. કૅન્ટીન ખાલી થઈ ગઈ ત્યાં સુધીમાં બે પ્લેટ સમોસાં ને ડાયટ કોકનાં ત્રણ ટિન પી ગઈ. ઇકબાલ ટેબલ પાસે આવીને ઊભો રહ્યો.

‘બસ કાજલમૅમ. આપકા ખયાલ ખુદ રખો. મૈં કૌન હોતા હૂં આપકો કુછ બોલનેવાલા! ફિર ભી એક ફ્રેન્ડ હી સમજો.’

તે ઊઠી ગઈ હતી કૅન્ટીનમાંથી. છેક રાત્રે કરણનો ફોન:

‘કાજલ ક્યાં સુધી નાદાન રહીશ? કરીઅર પર ધ્યાન આપ. હમણાં પરીક્ષા આવશે. ને જો મૉડલિંગની દુનિયામાંથી પગ નીકળી જશે તો ખતમ. ગ્લૅમરની દુનિયામાં કમબૅક જેવો શબ્દ નથી.’

કાજલ શાંતિથી વિચારે છે. શું ખોટું કહ્યું છે કરણે? મૉડલ બનવાની તીવ્ર ઝંખના હતી તેને. આ જ તો સમય છે કામ કરવાનો.

કરણને પામી લેવાનો સમય પણ આવશે જ. કેટલો પ્રેમ કરે છે તેને! ઘરનો બધો ખર્ચ તો તે જ કરે છે તેની કાજલ માટે. પોતે જ હાઇપર થઈ જાય છે. જો અંતિમ લક્ષ્ય કરણને પામવાનું હોય તો તેની પાસે સિલકમાં કંઈક તો હોવું જોઈએ.

કાજલે બેવડા ઉત્સાહથી અભ્યાસમાં મન પરોવ્યું. ઍડ એજન્સી સાથે પી.આર.વર્ક, ઇન્ટરનેટ પરથી ફૅશનની દુનિયાની માહિતી, લેટેસ્ટ ડિઝાઇન, નાનું-મોટું કામ...

ગોલ્ડન ગેટ સોસાયટીના કમ્પાઉન્ડમાં ગુલમહોર, આસોપાલવ, ચંપાનાં થોડાં વૃક્ષો છે. ઋતુ-ઋતુના રંગ ધારણ કરે છે, મહોરે છે. પછી ધીમે-ધીમે પાન ખરે છે. માસ... દિવસ... પળ...

રાત્રે કાજલ બારીએ ઊભી રહે છે અને નીરવ અંધકારને તાકી રહે છે. મુખ્ય રસ્તો સોસાયટી ચાતરીને દૂર ધમધમતો રહે છે. ગલીની અંદરના આ મકાનમાં કોઈ ચહલપહલ નથી. હિલ-સ્ટેશનની પહાડીની જેમ શાંતિનું ગાઢ ધુમ્મસ ઘેરાતું રહે છે.

આજે અચાનક દૂર-દૂર ઢોલ-શરણાઈના સૂરો કેમ સંભળાય છે? ગરબાની હલક પવનની લહેરખી સાથે વહી આવે છે.

અરે! નવરાત્રિ આવી ગઈ ને ખબર પણ ન પડી? મમ્મીના રાજમાં તો દરેક તહેવારની તૈયારી અને ઉજવણી માટે ટૂંકા પગારમાં પણ મમ્મી બજેટ બનાવતી. જાતજાતની વાનગી, ફરાળ, મીઠાઈઓ માતાજીને ધરતી અને હોંશભેર સૌને જમાડતી. મમ્મી માતાજીની ભક્ત. નવરાત્રિમાં તો માતાજીના ખાસ શણગાર, ચંડીપાઠ અને હવન. પ્રસાદની ખીર તેને બહુ ભાવતી. એક વખત તો જરી ભરેલાં ચણિયાચોળી માટે તેણે ખૂબ હઠ કરેલી. તરત પ્રિયાએ કહેલું, ‘મા! કાજલને લઈ આપ, મારે નથી જોઈતાં.’

પપ્પા ચિડાયેલા, ‘પ્રિયા! તું કાયમ કાજલની હઠ પાસે નમતું જોખે છે.’

પ્રિયાએ હસીને કહેલું, ‘કાજલ મારી લાડકી નાની બહેન છેને!’

ખળખળ વહેતી નદીમાં, ફૂલો ભરેલા પડિયામાં ઝગમગતા દીવા તરતા મૂક્યા હોય એમ પ્રિયાના વહાલભર્યા શબ્દો તેની તરફ વહેણમાં તરતા આવ્યા. ઘડીભર દીવાનો ઉજાસ ફેલાઈ ગયો.

રાસની રમઝટ શરૂ થઈ. કાજલ ભાનમાં આવી. આજે કેટલામું નોરતું હશે? માતાજીને દીવો-અગરબત્તી તો કરવાં જોઈએ. તેણે ઘરમાં ચારે તરફ જોયું. દીવો ક્યાં કરવો? નાનું મંદિર, મૂર્તિ કે ફોટો કશું જ નહોતું. હા, યાદ આવ્યું. આજે ન્યુઝપેપરમાં નવરાત્રિ વિશેના લેખમાં અંબાજીનું ચિત્ર છપાયું હતું. કાળજીથી કાપી લઈ તે રસોડામાં આવી. મમ્મી જેવું પાણિયારું કે માટલું ક્યાં હતાં? મમ્મી કહેતી : રસોડામાં માટલું તો જોઈએ જ. અહીં અિગ્ન તો છે. માટી એટલે ધરતી-પૃથ્વી તત્વનું પ્રતીક માટલું અને એમાં જળ એટલે જળતત્વની આરાધના. તે હસતી, વૉટ રબિશ મમ્મી!

કાજલના હાથમાં માતાજીનું ચિત્ર હતું એ તેણે વૉટર પ્યુરિફાયરની ભીંત પર ચોંટાડ્યું અને ડિનર-પ્લેટમાં દીવો કર્યો.

કાજલને સમજાયું નહીં કે બે હાથ જોડીને પગે લાગતાં તેની આંખ શા માટે છલકાઈ ગઈ હતી!

(ક્રમશ:)