ગુજરાતીઓ ભાષા અને કળા પ્રત્યે કેમ નીરસ છે?

28 October, 2012 07:41 AM IST  | 

ગુજરાતીઓ ભાષા અને કળા પ્રત્યે કેમ નીરસ છે?



નવી વાત, નવો રોલ, નવું કૅરૅક્ટર અને નવી સ્ટોરી. મને હંમેશાં આ ચાર વાતનું અટ્રૅક્શન રહ્યું છે. જ્યાં પણ, જ્યારે પણ મને કંઈ નવું કરવા કે ઍટ લીસ્ટ નવું સાંભળવા મળી જાય તો હું એ માટે મારો સમય આપી દઉં છું. નવું કરવાના મારા આ મોહને કારણે કેટલીયે વખત મને નુકસાન પણ થયું છે તો કેટલીક વાર મેં ફાઇનૅન્શિયલ અને સ્ટેટસની રીતે લૉસ પણ સહન કર્યો છે, પરંતુ હકીકત એ છે કે કંઈક નવું કરવાનો આત્મસંતોષ ચોક્કસ મળ્યો છે. માત્ર મારા એકમાં નહીં, મરાઠી ફિલ્મો સાથે સંકળાયેલા અસંખ્ય લોકોમાં મારા જેવું જ નવું કરવાનું પૅશન છે. થિયેટર-ઇન્ડસ્ટ્રીના લોકો પણ સતત નવું કરતા રહ્યા છે. હું માનું છું કે નવું કરવા માટે માત્ર ધૈર્ય નહીં, હિંમત પણ જરૂરી છે અને ધૈર્ય-હિંમતની સાથોસાથ નિષ્ફળતામાંથી નવેસરથી ઊભા થઈને નવા કામે લાગવાની સહનશક્તિ પણ હોવી જોઈએ. આ જ કારણે આજે મરાઠી થિયેટર અને મરાઠી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીની બોલબાલા છે. હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા દર દસમાંથી સાત મોટા ઍક્ટર મરાઠી ફિલ્મો જોવાનું ચૂકતા નથી. એવું જ ગુજરાતી થિયેટર-ઇન્ડસ્ટ્રી સાથે છે. ગુજરાતી થિયેટરના જાણીતા પ્રોડ્યુસર અને ઍક્ટર-ડિરેક્ટર મરાઠી થિયેટર જોવાનું અને આ ઇન્ડસ્ટ્રીમાં શું બની રહ્યું છે એની રજેરજની ખબર રાખે છે. આ સારી નિશાની છે મરાઠી થિયેટર માટે અને મરાઠી ફિલ્મો માટે, પણ મને દુ:ખ એ વાતનું છે કે ગુજરાતીઓ અત્યંત શ્રીમંત પ્રજા હોવા છતાં શું કામ આ પ્રજાએ બીજી ઇન્ડસ્ટ્રી પર આધારિત રહેવું પડે? અનેક ગુજરાતીઓ મારા ફ્રેન્ડ્સ છે, થિયેટર અને હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રી સાથે અસોસિએટ હોય એવા ગુજરાતીઓ પણ મારા ફ્રેન્ડ્સ છે. મને તેમની પાસેથી જાણવા મળ્યું છે એમ હવે ગુજરાતમાં તો થિયેટર પણ ગણીને પાંચ-પંદર વધ્યાં છે. આ ભાષાનું અપમાન છે. હજારો કરોડની ઇન્ડસ્ટ્રી ઊભી કરતા ગુજરાતીઓ શું કામ ભાષા અને કળા પ્રત્યે નીરસ વર્તન બતાવતા હશે એ મને ક્યારેય સમજાયું નથી. ગામેગામ મંદિર અને ધર્મશાળા બંધાવવા તત્પર રહેતા ગુજરાતી શ્રેષ્ઠીઓએ કળાના ક્ષેત્રમાં કંઈક કરવું જોઈએ એવું મને હંમેશાં લાગ્યું છે. મને લાગ્યું છે કે ગુજરાતીઓએ આ બાબતમાં સજાગ થવાની પણ જરૂર છે. જો ગુજરાતીઓ કલા પ્રત્યે આવી જ સૂગ રાખ્યા કરશે તો ભવિષ્યમાં ગુજરાતીઓની પોતાની કોઈ આગવી સંસ્કૃતિ નહીં રહે એવી કલ્પના આજે થઈ શકે છે. મને યાદ છે કે ૧૯૭૦ના અરસામાં મરાઠીઓ ગુજરાતી નાટકો જોવા જતા અને પછી મરાઠી રૂપાંતર માટે એના રાઇટ્સની ડિમાન્ડ કરતા. છેલ્લાં દસ વર્ષમાં તો આખો સિનારિયો બદલાઈ ગયો છે. સુપરહિટ કહેવાય એવું ગુજરાતી નાટક જોવા જઈએ તો થોડી વાર પછી ખબર પડી જાય કે એ નાટક મરાઠીના કયા નાટકના રાઇટ્સ લઈને બનાવવામાં આવ્યું છે. મરાઠી પ્રજા ઓછા મૂડીરોકાણ સાથે પણ નાટક અને ફિલ્મ જેવી કલાને જીવંત રાખવા માટે હંમેશાં તત્પર રહે છે, પણ આ ગુજરાતી ભાષાની કલા સાથે નથી બની રહ્યું. ઇન ફૅક્ટ, મેં આગળ કહ્યું એમ ગુજરાતીઓ પાસે મોટી ઇન્વેસ્ટમેન્ટ કૅપેસિટી હોવા છતાં. થોડા સમય પહેલાં મારા એક ગુજરાતી પ્રોડ્યુસર ફ્રેન્ડે મને કહ્યું હતું એ શબ્દો મને અત્યારે પણ યાદ છે. તેમણે મને કહ્યું હતું કે ‘બહુ ઇન્વેસ્ટમેન્ટ ન કરાય. નહીં તો પછી ઑડિયન્સને બધું સારું-સારું અને મોટું-મોટું જોવાની આદત પડી જાય.’

આ સ્ટેટમેન્ટ માત્ર ઑડિયન્સ માટે જ નહીં, આખી ગુજરાતી કમ્યુનિટી માટે શરમજનક છે.

જરૂર છે દેશભાવનાની ફિલ્મોની


મને લાગે છે કે સમાજને જરૂરી હોય એવી ઉપદેશાત્મક ફિલ્મો બનાવવાનો હવે દોર પૂરો થયો, હવે દેશભાવના જેમાં ઝળકતી હોય એવી ફિલ્મો બનાવવાનો સમય આવી ગયો છે. અણ્ણા હઝારેએ શરૂ કરેલી ચળવળને દરેકે પોતપોતાની રીતે પોતાના ક્ષેત્રમાં આગળ વધારવી જોઈએ એવું મને પહેલાં પણ લાગ્યું હતું અને આજે પણ લાગી રહ્યું છે. આ બધાં ક્ષેત્રોમાં સૌથી બેસ્ટ મિડિયમ ફિલ્મ છે. ફિલ્મ ‘મી શિવાજીરાવ ભોસલે બોલતોય’ પછી એક આખો નવો જ જુવાળ જન્મી ગયો હતો. મરાઠીપણાને શરમજનક રીતે જોવાને બદલે લોકો ગર્વથી જોવા લાગ્યા જે માટે આ ફિલ્મ નિમિત્ત બની. એમાં કશું ખોટું પણ નથી, પણ હવે એ દોરમાંથી બહાર આવીને રાજ્યપણાને બદલે રાષ્ટ્રીયવાદ પ્રગટાવવાનું શરૂ કરવું પડશે જે દેશ માટે દાઝ જન્માવવાની સાથે આજના સમયમાં જીવવાની સાચી દિશા પણ આપે. આપણા દેશની માનસિકતા ટૂંકી યાદદાસ્તની છે એટલે આવી ફિલ્મો વારંવાર આપ્યા કરવી પડશે. હું અત્યારે એવી બે ãસ્ક્રપ્ટ પર જ કામ કરી રહ્યો છું જેમાંથી એક ફિલ્મ ભ્રષ્ટાચાર અને કૉમન મૅનની વાત કરે છે તો બીજી ફિલ્મ ક્લીન પૉલિટિક્સ અને ડર્ટી પૉલિટિક્સનો તફાવત દર્શાવે છે. મેં અગાઉ અનેક વાર કહ્યું છે અને આજે ફરી કહું છું કે ફિલ્મ માત્ર મનોરંજન નથી, ઍટ લીસ્ટ મારા માટે તો નથી જ. મારે મન ફિલ્મ એક લેસન છે જે દર શુક્રવારે નવું લેસન આપી જાય છે અને કાં તો શીખવી જાય છે. દરેક ફિલ્મ એક લેસન સાથે જ હોય એવું જરૂરી નથી, પણ પાંચમાંથી બે ફિલ્મ પાસે લેસનની અપેક્ષા રાખવી જોઈએ અને આજના સમયમાં દેશદાઝનું લેસન બહુ જરૂરી છે. જો આ લેસન આપવામાં હજી મોડું થશે તો એક સમય એવો આવશે કે આપણો દેશ ગેસ્ટહાઉસ થઈ જશે અને આપણે બધા બે-ચાર દિવસ રોકાવા આવેલા મહેમાન. ગેસ્ટહાઉસમાં રહેનારાઓને જેમ ગેસ્ટહાઉસના મેઇન્ટેનન્સની ચિંતા નથી એમ કોઈને દેશની ચિંતા નહીં રહે.

મહેશ માંજરેકર

૫૪ વર્ષના મહેશ માંજરેકર મરાઠી અને હિન્દી ફિલ્મોના જાણીતા ડિરેક્ટર અને પ્રોડ્યુસર છે. તેમણે ડિરેક્ટ કરેલી અનેક મરાઠી ફિલ્મોએ રેકૉર્ડબ્રેક બિઝનેસ કર્યો છે તો સાથોસાથ સોસાયટી માટે સમાજસેવાનું કામ પણ કયુર્ર઼્ છે. ક્યારેય ઍક્ટર બનવા નહીં માગનારા મહેશ માંજરેકરે ‘કાંટે’ ફિલ્મથી પોતાની ઍક્ટિંગ શરૂ કરી અને એ પછી લગભગ ચાલીસેક જેટલી ફિલ્મોમાં ઍક્ટિંગ કરી. મરાઠી ફિલ્મ ‘મી શિવાજીરાવ ભોસલે બોલતોય’માં તેમણે કરેલી શિવાજી મહારાજની ભૂમિકા આજે પણ એક-એક મરાઠીને યાદ છે. હિન્દી ફિલ્મોમાં પણ મહેશ માંજરેકરનો હંમેશાં દબદબો રહ્યો છે. તેમણે ડિરેક્ટર કરેલી ફિલ્મ ‘વાસ્તવ’થી સંજય દત્ત અન્ડરવલ્ર્ડ ડૉન તરીકે એસ્ટૅબ્લિશ થયો હતો. મહેશ માંજરેકરને એક નૅશનલ અવૉર્ડ સહિત સાત અવૉડ્ર્‍સ મળ્યાં છે.