બીજેપી માટે મોટી મૂંઝવણ ગડકરીના અનુગામી કોણ?

28 October, 2012 07:39 AM IST  | 

બીજેપી માટે મોટી મૂંઝવણ ગડકરીના અનુગામી કોણ?



નો નૉન્સેન્સ - રમેશ ઓઝા

નીતિન ગડકરીનાં કૌભાંડોનો બચાવ કરવો અઘરો છે - જે રીતે રૉબર્ટ વાડ્રાનાં કૌભાંડોનો બચાવ કૉન્ગ્રેસ માટે મુશ્કેલ બની રહ્યો છે અને અજિત પવારનો બચાવ રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ માટે. નીતિન ગડકરી ૩૦૦ કરોડ રૂપિયાની પૂર્તિ જૂથની કંપનીઓના સ્થાપક, પ્રમોટર અને જે કહો તે બધું જ છે. પૂર્તિજૂથ ખેડૂતોના ઉદ્ધાર માટે ‘ધંધો’ કરે છે. નીતિન ગડકરીના શબ્દોમાં તેઓ સોશ્યલ ઑન્ટ્રપ્રનર છે. આ શબ્દયુગ્મમાં ઑન્ટ્રપ્રનર શબ્દ ઑપરેટિવ છે. કૌભાંડનું સ્વરૂપ એવું છે કે ગડકરીએ ખાસ ર્સોસમાંથી આવેલાં નાણાંને પૂર્તિજૂથમાં રોકવા માટે અનેક (બે ડઝનથી વધુ અને હજી સંખ્યા વધી રહી છે) બોગસ કંપનીઓ સ્થાપી હતી. એ કંપનીઓના માલિકો એવા છે જે મુંબઈની ઝૂંપડપટ્ટીમાં ઝૂંપડું પણ ન ખરીદી શકે - નીતિન ગડકરીના ડ્રાઇવર, રસોઇયા, જ્યોતિષી વગેરે. બોગસ કંપનીઓના આ શ્રીમંત માલિકોએ કરોડો રૂપિયાનું રોકાણ પૂર્તિજૂથમાં કર્યું હતું. મોટા ભાગના કિસ્સાઓમાં એવું જોવા મળ્યું છે કે કંપનીઓનાં આપવામાં આવેલાં ઍડ્રેસ ખોટાં છે અને એના માલિકોને ખબર પણ નથી કે તેઓ એક કંપનીના માલિક છે, ખૂબ શ્રીમંત છે અને પૂર્તિજૂથમાં તેમણે કરોડો રૂપિયાનું રોકાણ કર્યું છે. આ ઉપરાંત આરબીઆઇ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ નામની કંપનીએ ગડકરીની કંપનીને ૧૬૫ કરોડ રૂપિયાની સૉફ્ટ એન્ડ ઇનસિક્યૉર્ડ લોન આપી છે. આ એ કંપની છે જેને ગડકરી મહારાષ્ટ્રના જાહેર બાંધકામ ખાતાના પ્રધાન હતા ત્યારે રોડ અને ફ્લાયઓવર બાંધવાના ડઝન જેટલા કૉન્ટ્રૅક્ટ મળ્યાં હતા. આમ સ્થાપિત હિતોએ ગડકરીની કંપનીમાં સીધું (૧૬૫ કરોડ) અને આડકતરું (સંખ્યાબંધ બોગસ કંપનીઓ દ્વારા કરવામાં આવેલું) કરોડો રૂપિયાનું રોકાણ કર્યું છે.

નીતિન ગડકરીનાં કૌભાંડોનો બચાવ શક્ય નથી. જે દિવસે કૌભાંડ બહાર આવ્યું એ દિવસે બીજેપીના નેતાઓએ પોતાના પ્રમુખના બચાવમાં આગળ આવવાનું ઠીક નહોતું લાગ્યું. ગડકરીને તેમના નસીબ પર છોડી દેવામાં આવ્યા હતા જે રીતે તહલકાકાંડ વખતે એ વેળાના બીજેપીના પ્રમુખ બાંગારુ લક્ષ્મણને તેમના નસીબ પર છોડી દેવાયા હતા. બીજા દિવસે નાગપુરના ઇશારે બીજેપીના નેતાઓએ સૂર બદલવો પડ્યો હતો અને તેમણે ગડકરીનો બચાવ કરવાનું શરૂ કર્યું હતું. તમે કદાચ નોંધ્યું હશે કે આમાં પણ પક્ષના વરિષ્ઠ નેતાઓએ બહાર કૅમેરાની સામે આવવાની જગ્યાએ ટ્વિટર દ્વારા પ્રતિક્રિયા આપવાની ફરજ નિભાવી હતી. બીજા દિવસે નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની દશેરાની પરેડ હતી જેમાં ગડકરી હાજર રહ્યા હતા. સંઘના સરસંઘચાલકે હળવી જબાનમાં ગડકરીનો બચાવ કર્યો હતો. સંઘના બીજા એક વરિષ્ઠતમ નેતા મનમોહન વૈદ્યે ગડકરીની ખુલ્લો બચાવ કરતાં કહ્યું હતું કે આ તો ટ્રાયલ બાય મિડિયા છે. બીજા દિવસે કૌભાંડોની વધુ વિગતો બહાર આવી અને સંઘે પણ સૂર બદલવો પડ્યો. શુક્રવારે દિલ્હીમાં ગડકરીના ઘરે પક્ષના વરિષ્ઠ નેતાઓની બેઠક મળી હતી જેમાં ગડકરીએ રાજીનામું આપવાની ઑફર કરી હતી એમ કહેવાય છે. ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીઓ માથે છે. આવતા વર્ષના પ્રારંભમાં દિલ્હી વિધાનસભાની ચૂંટણી યોજાશે. આમાં ગડકરી પક્ષ માટે બોજો બની ગયા છે. તેમને કાં રાજીનામું આપવાનું કહેવામાં આવશે અને કાં પ્રમુખ તરીકેની બીજી મુદત આપવામાં નહીં આવે.

બીજેપી માટે ગ્રહણ ટાપે સાપ નીકળ્યો છે. કેજરીવાલ ઍન્ડ કંપની કૉન્ગ્રેસ અને બીજેપીને એકસરખી ભ્રષ્ટાચારી ગણાવીને એક જ બ્રૅકેટમાં મૂકવાની કોશિશ કરતી હતી. આ સારુ કેજરીવાલે ગયા અઠવાડિયે ગડકરી સામે ખેડૂતોની જમીન દબાવવાનો આક્ષેપ કર્યો હતો. અરવિંદ કેજરીવાલનો આક્ષેપ હળવો હતો અને પુરાવાઓમાં દમ નહોતો એટલે બીજેપીના નેતાઓ ગેલમાં આવી ગયા હતા. સુષમા સ્વરાજ, અરુણ જેટલી, રવિશંકર પ્રસાદ જેવા વરિષ્ઠ નેતાઓએ મળીને ગડકરીનો ત્યારે બચાવ કર્યો હતો. તેમને એમ લાગતું હતું કે ગડકરી પરથી ઘાત ગઈ છે અને તેઓ સો સાલ જીવી જશે. તેમના આશ્ચર્ય વચ્ચે કેજરીવાલથી બચી ગયેલા ગડકરી મિડિયાની અડફેટમાં આવી ગયા. કૉન્ગ્રેસ અને બીજેપીને એક જ બ્રૅકેટમાં મૂકવાનું જે કામ કેજરીવાલ ન કરી શક્યા એ કામ બીજેપીના દસ્તૂરખુદ પ્રમુખ નીતિન ગડકરીએ કરી આપ્યું. બીજેપી માટે આનાથી મોટી શરમજનક પળ બીજી કોઈ હોઈ ન શકે.

બીજેપીની મૂંઝવણનાં બે કારણો છે. પહેલું કારણ એ છે કે નીતિન ગડકરી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સીધી નિયુક્તિ છે. ૨૦૦૯માં લોકસભાની ચૂંટણીમાં બીજેપીનો પરાજય થયો અને પરાજયનાં કારણોનું મંથન કરતાં પક્ષમાં જે યાદવાસ્થળી સર્જાઈ હતી એનાથી પક્ષને ઉગારવા સંઘે ગડકરીને દિલ્હી મોકલ્યા હતા. અરુણ શૌરીએ ત્યારે વ્હિસલ બ્લોઇંગ કરતાં કહ્યું હતું કે દિલ્હીની ગૅન્ગ ઑફ ફોર પક્ષને ડુબાડે એ પહેલા સંઘે રાજ્યોમાંથી કોઈને મોકલીને પક્ષને બચાવી લેવો જોઈએ. સંઘે શૌરીની સીટી સાંભળી હતી અને પક્ષને સંકટમાંથી ઉગારવા નીતિન ગડકરીને દિલ્હી મોકલ્યા હતા. જે માણસ પક્ષને ઉગારવા આવ્યો હતો એ જ માણસને કારણે પક્ષ ડૂબી રહ્યો છે અને ઉપરથી એ પાછો સંઘનો નિયુક્તિ છે. બીજેપી સંઘની સંમતિ વિના ગડકરીના ભાવિનો ફેંસલો કરી શકે એમ નથી. નીચાજોણું તો સંઘ માટે પણ થયું છે. જે માણસને બાળપણથી સંઘની શાખામાં આવતો જોયો હતો, જેના વિકાસમાં સંઘે રસ લીધો હતો, જેને નાગપુરનો વતની હોવાને કારણે નજીકથી ઓળખતા હતા અને જેના પર ભરોસો કરીને પક્ષના તારણહાર તરીકે દિલ્હી મોકલવામાં આવ્યો હતો એ જ માણસ ખોટો સિક્કો નીવડે એ કેવડો મોટો આઘાત કહેવાય. છેલ્લાં વરસોમાં બીજેપીને કારણે સંઘે ઘણી પ્રતિષ્ઠા ગુમાવી છે. આમ છતાંય સંઘની નૈતિકતાની મૂડી જળવાઈ રહી છે. આવું પહેલી વાર બની રહ્યું છે કે સંઘના પોતાના નિયુક્તિએ સંઘ સામે નૈતિકતાનું સંકટ પેદા કર્યું હોય. સંઘે વિદૂરનીતિ અને ધૃતરાષ્ટ્રનીતિ વચ્ચે વિવેક કરવાનો છે અને સંઘ જ્યાં સુધી એ ન કરે ત્યાં સુધી બીજેપી કાંઈ કરવાની સ્થિતિમાં નથી.

બીજેપીની મૂંઝવણનું બીજું કારણ પક્ષની અંદર ચાલી રહેલી યાદવાસ્થળી છે. ગડકરીના અનુગામી કોણ બને? સંઘ પણ આ વાતે મૂંઝવણ અનુભવે છે. પક્ષના દિલ્હીસ્થિત નેતાઓ લોકસમર્થન ધરાવતા નથી. વ્યાપક લોકસમર્થન ધરાવતા પક્ષના રાજ્યોના નેતાઓ કોઈને ગાંઠતા નથી. પક્ષને પણ તેમણે ગૌણ બનાવી દીધો છે. પક્ષમાં રાષ્ટ્રીય નેતૃત્વની જગ્યા ખાલી પડતાંની સાથે જ નરેન્દ્ર મોદી એને કબજે કરવા મેદાને પડશે એવો પક્ષને અને સંઘને ડર છે. નરેન્દ્ર મોદી મેદાનમાં આવતાંની સાથે જ પક્ષમાં નવાં ધ્રુવીકરણો પેદા થશે, નવાં સમીકરણો રચાશે જે પક્ષના વિભાજન સુધી દોરી જઈ શકે છે. સંઘને વિશેષ ડર એ વાતનો છે કે જો નરેન્દ્ર મોદી પક્ષમાં સર્વેસર્વા બનશે તો એક દિવસ તે સંઘને જ હાંસિયામાં ધકેલી દેશે જે આજે ગુજરાતમાં જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત નરેન્દ્ર મોદીની ઇમેજને કારણે રાષ્ટ્રીય રાજકારણમાં બીજેપી એકલી પડી જાય. અટલ બિહારી વાજપેયીએ માંડ-માંડ બીજેપીને સ્વીકાર્ય બનાવી હતી એ પાછી અનટચેબલ બની જાય. આમ વીંછીનો દાબડો ખોલવા કરતાં ગડકરીને બીજી મુદત આપી દેવામાં વધારો લાભ હતો. પક્ષ અને સંઘના દુર્ભાગ્યે હવે એ શક્ય લાગતું નથી.

બિહારના નાયબ મુખ્ય પ્રધાન યોગ્ય વિકલ્પ

મારા મતે સંઘ માટે અને બીજેપી માટે આ સંકટમાંથી બહાર નીકળવાનો શ્રેષ્ઠ માર્ગ બિહારના નાયબ મુખ્ય પ્રધાન સુશીલકુમાર મોદીને પ્રમુખ બનાવવાનો છે. તેઓ પ્રામાણિક છે. બિહારમાં પક્ષને તેમણે ઠીક-ઠીક પ્રતિષ્ઠા અપાવી છે. તેઓ મધ્યમમાર્ગી અને વિવેકી છે, મૂળ સાથે જોડાયેલા છે અને નિરાભિમાની હોવાથી કૅડર સાથે રૅપો ડેવલપ કરી શકે છે. લાલકૃષ્ણ અડવાણીની માફક તેઓ પોતાની જાત કરતાં પક્ષને વધુ પ્રેમ કરે છે. પક્ષ જો આવો નર્ણિય લે તો પશ્ચિમમાંથી આક્રમણ થવાનો ભય ખરો, પરંતુ રાજકારણ અંતે જુગારનું બીજું નામ છે. ભ્રષ્ટ ગડકરીઓ, દિલ્હીના ડ્રૉઇંગરૂમ બૉય્ઝ તરીકે ઓળખાતા નેતાઓ અને પોતાને વિરાટ સ્વરૂપે જોનારા અહંકારપીડિત નરેન્દ્ર મોદીઓથી પક્ષને બચાવવો હોય તો જુગાર ખેલવા સિવાય બીજેપી અને સંઘ પાસે બીજો કોઈ વિકલ્પ નથી. આવા જુગારમાં સુશીલકુમાર મોદી બેસ્ટ બેટ છે.