કિંગફિશર ફડચામાં ગઈ એની કિંમત કોણ ચૂકવશે? વિજય માલ્યા કે દેશ?

28 October, 2012 07:38 AM IST  | 

કિંગફિશર ફડચામાં ગઈ એની કિંમત કોણ ચૂકવશે? વિજય માલ્યા કે દેશ?




યુનાઇટેડ બ્રુઅરીઝ ગ્રુપના માલિક વિઠ્ઠલ માલ્યા વિશે એમ કહેવાય છે કે તેઓ હિસાબ-કિતાબમાં નિષ્ણાત હતા અને ચોખ્ખા હિસાબના આગ્રહી હતા. એક વાર દોસ્તો સાથે રમતાં-રમતાં પુત્ર વિજયના ખિસ્સામાંથી ચાર આના પડી ગયા તો વિઠ્ઠલ માલ્યાએ એ ચાર આના ખાતાવહીમાં વિજય માલ્યાના ખાતે ઉધારી નાખ્યા હતા. વિઠ્ઠલ માલ્યા દૂરંદેશી ધરાવતા હતા. લશ્કરમાં તબીબી સેવા આપતા તબીબ પિતાના પુત્ર વિઠ્ઠલ માલ્યાએ પરિવારની તમામ બચત યુનાઇટેડ બ્રુઅરીઝમાં રોકી હતી અને માત્ર બાવીસ વર્ષની ઉંમરે યુનાઇટેડ બ્રુઅરીઝના ડિરેક્ટર બન્યા હતા. બીજાં બે વર્ષમાં કંપનીના અધ્યક્ષ બન્યા હતા. સાઇલન્ટ અને સ્ટ્રૅટેજિક ઇન્વેસ્ટમેન્ટ દ્વારા કંપની ટેકઓવર કરવાનો લગભગ અજોડ એવો એ પ્રસંગ હતો. વિઠ્ઠલ માલ્યાની સાદગીના પણ કિસ્સાઓ છે.

કિંગફિશર ઍરલાઇન્સનો ફિયાસ્કો જોતાં એમ લાગે છે કે વિજય માલ્યાને તેમના પિતા પાસેથી હિસાબ-કિતાબનો અને સાદગીનો વારસો મળ્યો નથી. સ્વૈચ્છિક સાદગી તો બાજુએ રહી, પછેડી જોઈને સોડ તાણવા જેટલી સાદી-સાદી સમજ પણ તેઓ ધરાવતા હોય એવું લાગતું નથી. વિજય માલ્યા રંગેચંગે જીવનારા છેલછોગાળા છે. વહેમ તો એવો આવે છે કે તેઓ ચાર્વાકના વંશજ છે જે ઉધારી કરીને પણ ઘી પીવામાં માને છે. કિંગફિશર ઍરલાઇન્સના ૬૦૦૦ કર્મચારીઓને આઠ મહિનાથી પગાર ચૂકવવામાં આવ્યો નથી. ઍરર્પોટ ઑથોરિટી ઑફ ઇન્ડિયાની માલિકીનાં વિમાનમથકો વાપરવાનું ભાડું મહિનાઓથી ચૂકવવામાં આવ્યું નથી. કરવેરાઓ ચૂકવાયા નથી. બૅન્કોનાં વ્યાજ અને મુદ્દલ બધું જ ચૂકવવાનું બાકી છે. માથાના વાળ જેટલું દેવું થઈ ગયું હોય એ છતાંય કંપનીનો માલિક તાગડધિન્ના કરતો હોય તો આટલાં જ તારણ નીકળી શકે : કાં તો તેને ધંધો કરતાં આવડતું નથી અને કાં પછી તેનો ધંધો કરવાનો કોઈ ગંભીર ઇરાદો જ નહોતો. જો લાગે તો તીર નહીં તો થોથું. ચાલી જશે તો કમાઈશું અને નહીં તો લેણદારોને ડુબાડીશું. કિંગફિશર ઍરલાઇન્સનો ફિયાસ્કો ધંધાકીય સાહસની નિષ્ફળતા છે કે પછી બૅન્કો સાથેની ગણતરીપૂર્વકની છેતરપિંડી છે એ બન્ને પ્રશ્નો અહીં ઉપસ્થિત થાય છે.

જાણકારો કહે છે કે ૨૦૦૫માં કિંગફિશર ઍરલાઇન્સ શરૂ થઈ ત્યારથી આજ સુધી ઍરલાઇન્સે નફો કર્યો નથી. હજી તો ભાંખોડિયે ચાલતાં નહોતું આવડતું એ પહેલાં જ દોડવાનું સાહસ વિજય માલ્યાએ કર્યું હતું. તેઓ ગણતરીના દિવસોમાં જેટ ઍરવેઝને પાછળ ધકેલી દેવા માગતા હતા અને ભારતના વિમાનઉદ્યોગના નરેશ ગોયલ બનવા માગતા હતા. કાયદા મુજબ આંતરરાષ્ટ્રીય વિમાનસર્વિસ શરૂ કરવા માટે દેશઆંગણેની વિમાનસર્વિસનો પાંચ વર્ષનો અનુભવ જરૂરી છે. વિજય માલ્યા પાંચ વર્ષ રાહ જોવા માગતા નહોતા. તેમણે ભળતા ભાવે ઍર ડેક્કન નામની કંપની ખરીદી લીધી હતી અને એના લાઇસન્સનો ઉપયોગ કરીને આંતરરાષ્ટ્રીય વિમાનસર્વિસમાં ઝંપલાવ્યું હતું. માત્ર લાઇસન્સ મેળવવા તેમણે ખોટનો સોદો કર્યો હતો.

આ દુ:સાહસ હતું. આ દુ:સાહસ તેમણે એ સમયે કર્યું હતું જ્યારે યુરોપ અને અમેરિકામાં મંદી બેસી ગઈ હતી. પેટ્રોલના ભાવ રોજેરોજ વધતા હતા, ટિકિટો મોંઘી થતી જતી હતી અને ઉતારુઓની સંખ્યા ઘટતી જતી હતી. મોંઘવારીને કારણે પગાર અને બીજા ખર્ચાઓમાં તોતિંગ વધારો થયો હતો. આ ઉપરાંત વિજય માલ્યાએ બિઝનેસ સ્ટ્રૅટેજીમાં પણ ભૂલ કરી હતી. ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન શશી થરુરે ભારતીય વિમાનસર્વિસને કેટલક્લાસ તરીકે ઓળખાવી હતી. વિજય માલ્યાએ જાણે કે એ મહેણું ભાંગવાનું પ્રણ લીધું હતું. કિંગફિશર ઍરલાઇન્સની ટગલાઇન કહે છે : ફ્લાઇ ફાઇવસ્ટાર. નવાં સગવડવાળાં વિમાનો, ઉતારુને પગ હલાવવાની મોકળાશ મળે એ માટે ઓછી સીટ, વેલ મૅનર્ડ અને સુંદર ક્રૂ-મેમ્બર્સ, શ્રેષ્ઠ સર્વિસ અને મોંઘુંદાટ ભોજન. જેટ ઍરવેઝ એક પૅસેન્જર પાછળ વિમાનની અંદર ૩૦૦ રૂપિયા ખર્ચે છે, જ્યારે કિંગફિશર ૮૦૦ રૂપિયા ખર્ચતી હતી. તેમની ગણતરી એવી હતી કે સુવિધાઓને કારણે ઉતારુઓ આકર્ષાશે, ધંધો વધશે અને કંપની કમાવા લાગશે. તેમની પહેલી ગણતરી સાચી હતી. જો ભાડાં સરખાં હોય તો ઉતારુઓની પહેલી પસંદ કિંગફિશર હતી, પરંતુ એને કારણે ધંધામાં ફાયદો નહોતો થયો. મોટા ભાગના મધ્યમવર્ગીય ઉતારુઓ નાસ્તા અને સુવિધાઓ વિનાની સસ્તી વિમાનસર્વિસ વધુ પસંદ કરે છે. તેમણે બીજું દુ:સાહસ ધંધાકીય સંજોગો પ્રતિકૂળ હોવા છતાંય વિમાનોની ખરીદીની કરી હતી. માલ્યા ૨૦૦૫ના માર્ચ મહિનાથી દર મહિને એક ઍરબસ ખ્૩૨૦ વિમાનની ખરીદી કરતા હતા. કંપની પાસે ૯૨ વિમાનો છે. ગણતરી વિનાની હરણફાળ તેમને મોંઘી પડી હતી અને હજી ચાલતાં નહીં શીખેલું બાળક એકદમ નીચે ગબડવા લાગ્યું હતું.

અંતે કિંગફિશર ઍરલાઇન્સ ઊઠી ગઈ છે કે પછી વિજય માલ્યાએ એને ધિરાણ આપનારી બૅન્કોને નવડાવી નાખી છે? એકલી સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના કિંગફિશર પાસેથી ૬૫૦૦ કરોડ રૂપિયા લેવાના નીકળે છે. જાણકારો કહે છે કે બૅન્કોનું ધિરાણ પાકા પાયાનું નથી. નાણાંની વસૂલી માટે યુબી ગ્રુપની બીજી કંપનીઓની મિલકત બૅન્કો જપ્ત કરી શકશે કે કેમ એ વિશે શંકા વ્યક્ત કરવામાં આવે છે. વિમાની ઉદ્યોગ ૨૦૦૮થી સંકટમાં છે. કિંગફિશર શરૂઆતથી જ તકલીફમાં છે. શા માટે બૅન્કોએ આટલું મોટું ધિરાણ આપ્યું? શા માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કોઈ અંકુશો ન લાદ્યા? શા માટે પ્રફુલ પટેલને નાગરિક ઉડ્ડયન મંત્રાલયમાંથી ખસેડવા પડ્યા? આ બધા પ્રશ્નો રહસ્યમય છે. કિંગફિશર ફડચામાં ગઈ એની કિંમત વિજય માલ્યા ચૂકવશે કે દેશ ચુકવશે? આના ઉત્તર માટે થોડા દિવસ રાહ જુઓ.

 વિજય માલ્યાની કિંગસાઇઝ જીવનશૈલી


બીજી સમસ્યા તેમની જીવનશૈલીની છે. ધંધા સિવાયની બીજી પ્રવૃત્તિઓમાં વિજય માલ્યા વધારે રસ લે છે. તેઓ કિંગસાઇઝ જીવનશૈલી ધરાવે છે. લંડન અને ગોવામાં આલીશાન મહેલ છે જેમાં તેઓ ખાસ્સો સમય વિતાવે છે. તેમની પાસે વૈભવી યૉટ છે અને બાકીનો સમય તેઓ સમુદ્રમાં વિતાવે છે. બીજા ઉદ્યોગપતિઓની તુલનામાં ધંધા માટે તેઓ સૌથી ઓછો સમય આપે છે. બિયર અને દારૂ બનાવતી તેમની કંપની યુનાઇટેડ બ્રુઅરીઝની કમાણી એટલી મોટી છે કે માલ્યા વાસ્તવિકતા ભૂલી ગયા હતા. ગયા વર્ષે કિંગફિશર ઍરલાઇન્સ સામે પહેલી વાર સંકટનાં વાદળ ઘેરાયાં ત્યારે તેમણે તાનમાં આવીને કહ્યું હતું કે જ્યાં સુધી બૉટલમાંથી બિયર વહેતો રહેશે ત્યાં સુધી કિંગફિશરનાં વિમાનો ઊડતાં રહેશે. તેમને એ ક્યારેય ન સમજાયું કે તેમની જીવનશૈલીને કારણે તેઓ સહાનુભૂતિ ગુમાવી રહ્યા છે. વિમાનની પાંખ પર ચડીને ઍર-હોસ્ટેસોને બાથમાં લઈને ફોટા પડાવવાથી, આઇપીએલની ક્રિકેટટીમ ખરીદવાથી, ગ્રાં-પ્રિમાં ભાગ લેવાથી તેમની પ્રતિષ્ઠામાં ઘટાડો થયો છે. ઉદ્યોગજગતમાં તેમની ખ્યાતિ ચોવીસ કલાક ગેલમાં રહેનારા છેલછોગાળાની છે. ખાસ કરીને જ્યારે તેમની કંપની માંદી હોય, કર્મચારીઓને પગાર ચૂકવવાના પૈસા ન હોય, કંપનીના હિતમાં વ્યાવહારિક નર્ણિય લેવાનું ટાળીને અભિમાનમાં જીવતા હોય અને જમીન પર પગ ન હોય ત્યારે સ્વાભાવિક રીતે જ સરકાર અને બૅન્કો ધારે તો પણ માલ્યાને ન બચાવી શકે. લોકમાનસમાં તેમના વિશેની છાપ આજે તેમની સમસ્યા બની ગઈ છે એ ત્યાં સુધી કે લંડનથી ભારત પાછા ફરવામાં પણ તેમને ડર લાગે છે.