માહિતીના અધિકારના કાયદાએ કેન્દ્ર સરકારની ઊંઘ કરી હરામ

28 October, 2012 07:36 AM IST  | 

માહિતીના અધિકારના કાયદાએ કેન્દ્ર સરકારની ઊંઘ કરી હરામ



કૉન્ગ્રેસ પક્ષના જનરલ સેક્રેટરી દિગ્વિજય સિંહે એનડીટીવીને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે અમે રાજકીય પક્ષના નેતાઓનાં સંતાનોની પ્રવૃત્તિ તરફ આંખ આડા કાન કરીએ છીએ, કારણ કે સંતાનોની ધંધાકીય પ્રવૃત્તિ માટે તેમનાં રાજકીય મા-બાપને દંડવાં એ ખોટું છે. તેમણે ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના જમાઈ રાજન ભટ્ટાચાર્યનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે રાજન ભટ્ટાચાર્યના ભ્રષ્ટાચાર વિશે કૉન્ગ્રેસ પાસે જાણકારી હોવા છતાંય પક્ષે એને મુદ્દો નહોતો બનાવ્યો. તેમણે આ વાત બીજેપીએ સોનિયા ગાંધીના જમાઈ રૉબર્ટ વાડ્રાના ભ્રષ્ટાચાર વિશે જાણકારી હોવા છતાં શા માટે ચુપકીદી સેવી એના સંદર્ભમાં કરી હતી. દિગ્વિજય સિંહના કથનનો અર્થ એ થયો કે રાજકીય પક્ષો વચ્ચે એક વણલખી સમજૂતી છે કે એકબીજાને એક હદથી વધારે ઈજા ન પહોંચાડવી. બને ત્યાં સુધી એકબીજાને સાંભળી લેવા. બહુ ઉઘાડી ભાષામાં કહેવું હોય તો તેરી ભી ચૂપ ઔર મેરી ભી ચૂપ એવો ઘાટ છે. અંગ્રેજીમાં આને કૉન્સ્પિરસી ઑફ સાઇલન્સ કહેવામાં આવે છે. ભારતીય રાજકારણમાં એકબીજાને સંભાળી લેવાની રમત વરસોજૂની છે. આમાં હવે ત્રીજો પક્ષ મિડિયાનો ઉમેરાયો છે. મિડિયા અત્યંત પાવરફુલ નેતાઓને અને ઉદ્યોગપતિઓને સંભાળી લે છે. ચોવીસ કલાક ન્યુઝચૅનલો શરૂ થઈ એને એક દાયકો થઈ ગયો છે, પરંતુ આજ સુધી શક્તિશાળી નેતાઓ અને શક્તિશાળી ઉદ્યોગપતિઓને મિડિયાને ઉઘાડા પાડ્યા હોય એવું જોવા મળ્યું નથી. જે વાત અત્યારે તારસ્વરે કહેવાઈ રહી છે એ વાત છાને ખૂણે વરસોથી કહેવાઈ રહી હતી. બધા બધું જ જાણતા હતા અને બધા મૂંગા હતા.

અચાનક કૉન્સ્પિરસી ઑફ સાઇલન્સનો અંત આવી ગયો એનાં બે કારણો છે. સૌથી મોટું કારણ માહિતીના અધિકારનો કાયદો છે. સાત વર્ષ પહેલાં યુપીએ-૧ સરકારે આ કાયદો ઘડ્યો અને જદ્દોજહદ કરીને સંસદમાં એને પસાર કરાવ્યો ત્યારે સરકાર ક્રાન્તિકારી કાયદો લાવવા માટે પોરસાતી હતી. વહીવટી તંત્રમાં પારદર્શકતા લાવવા માટે અને પ્રજાતંત્રમાં લોકો પરત્વે સરકારના ઉત્તરદાયિત્વ માટે આ કાયદો ઉપયોગી નીવડવાનો હતો. માહિતીના અધિકારનો કાયદો ક્રાન્તિકારી છે, કારણ કે એણે આમ આદમીને જાણવાની સત્તા આપી છે અને જાણકારી ખતરનાક નીવડે છે. જાણભેદુ શબ્દ શક્તિવાચક છે.

કેન્દ્ર સરકાર આ કાયદો લાવી ત્યારે એને કલ્પના નહોતી કે એક દિવસ આ જ કાયદો શાસક વર્ગની ઊંઘ હરામ કરી દેશે. છેલ્લાં બે વર્ષથી ઇન્ફર્મેશન કમિશનરોના રાષ્ટ્રીય અધિવેશનમાં વડા પ્રધાન માહિતીના અધિકારના કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે એવી ફરિયાદ કરી રહ્યા છે. ૧૨ ઑક્ટોબરે મળેલા સાતમા વાર્ષિક અધિવેશનમાં પણ તેમણે ગયા વષ્ોર્ કહેલી વાત દોહરાવી હતી. વડી અદાલતો અને સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓ પણ વખતોવખત માહિતીના અધિકારના દુરુપયોગની વાત કરી રહ્યા છે. તેમની વાત કેટલેક અંશે સાચી છે. ઘણા લોકો ફાલતુ માહિતી માટે આ કાયદાનો દુરુપયોગ કરે છે. કેટલાક વળી હરીફને ધંધ્ાામાં પરાસ્ત કરવા કે કનડવા માટે આ કાયદાનો દુરુપયોગ કરી રહ્યા છે. ઘણી વાર મોટા માણસની અંગત વાત જાણવા માટે આ કાયદાનો દુરુપયોગ થાય છે.

દુરુપયોગના બહાનાને આગળ કરીને મહિતીના અધિકારના કાયદાને મોળો પાડવાની અને એના પર કેટલાક અંકુશ લાદવાની ચર્ચા થઈ રહી છે. હકીકત એ છે કે સરકાર આ કાયદાના દુરુપયોગને કારણે નહીં પણ સદુપયોગને કારણે ગભરાઈ ગઈ છે. માહિતીના કાયદાને મોળો પાડવામાં આવે એમાં વિરોધ પક્ષોની છૂપી સંમતિ છે. તમે કદાચ નોંધ્યું હશે કે માહિતીના કાયદાને મોળો પાડવાના સૂચનનો ડાબેરી પક્ષોને છોડીને બીજા કોઈ રાજકીય પક્ષે વિરોધ નથી કર્યો. આ કાયદાને કારણે રાજકીય નેતાઓના કબાટમાંનાં હાડપિંજરો બહાર આવી રહ્યાં છે. તેમને ચિંતા આ વાતની છે. આ કાયદાને કારણે મૂંગા રહેવાની રમતનો અંત આવી ગયો છે. વડા પ્રધાનથી લઈને અદના ચપરાસી સુધી કોઈ સલામત નથી એ તેમને સમજાઈ ગયું છે. માહિતીના અધિકારના કાયદાનો ઉપયોગ કરીને કૌભાંડો બહાર પાડનારા કાર્યકરોની એક પછી એક હત્યાઓ થઈ રહી છે એનું કારણ આ કાયદાની અસરકારતા છે. બીજેપીના પ્રમુખ નીતિન ગડકરીના જેમના પર ચાર હાથ છે એ આઇઆરબી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના માલિક વીરેન્દ્ર મહિસ્કર સામે પુણેના રાઇટ ટુ ઇન્ફર્મેશન ઍક્વિવિસ્ટ સતીશ શેટ્ટીની હત્યા કરવાનો આરોપ છે. મુંબઈ-પુણે એક્સપ્રેસવે બાંધવાનો કૉન્ટ્રૅક્ટ આઇઆરબીને મળ્યો હતો. એ માટે કંપનીએ ખેડૂતો પાસેથી જે જમીન મેળવી હતી એમાંથી ૧૨૦૦ એકર જમીન રોડ બંધાયા પછી ખેડૂતોને પાછી આપી નથી. પાણીના ભાવે મેળવેલી આટલી મોટી જમીન કંપનીએ પચાવી પાડી છે. ગુજરાતમાં અમિત જેઠવાની હત્યા કરવાનો આરોપ બીજેપીના વિધાનસભ્ય દિનુ બોધા સોલંકી પર છે. આ કાયદો સત્તાધારીઓને સતાવી રહ્યો છે.

પરસ્પર મૂંગા રહેવાના કાવતરાનો અંત આવી ગયો એનું બીજું કારણ સોશ્યલ નેટવર્કિંગ છે. માહિતીના પ્રસાર માટે હવે અખબારો અને ટીવી-ચૅનલો એકમાત્ર માધ્યમ નથી. ૧૯૭૫માં ઇન્દિરા ગાંધીએ ઇમર્જન્સી લાદી અને અખબારો પર સેન્સરશિપ લાગુ કરી ત્યારે એનો પ્રભાવ એવો હતો કે ખુદ ઇન્દિરા ગાંધીને જ સાચી માહિતી મળતી નહોતી. ૧૯૭૭માં ઇન્દિરા ગાંધી અખાબરોનું ગળું ટૂપવાને કારણે છેતરાયાં હતાં અને ચૂંટણી હાયાર઼્ હતાં. એ સમયે અખબારો માહિતીના પ્રસારણનું એકમાત્ર માધ્યમ હતાં. ૨૦૦૫માં જ્યારે માહિતીનો અધિકાર આપવામાં આવ્યો ત્યારે કેન્દ્ર સરકારને કલ્પના નહોતી કે સોશ્યલ નેટવર્કિંગનું જાળું આટલા મોટા પ્રમાણમાં વિસ્તરશે. આજે મોબાઇલ અને ઇન્ટરનેટ દ્વારા દરેક માહિતી દરેક વ્યક્તિ માટે ઉપલબ્ધ છે. એને દબાવવાનો કોઈ માર્ગ નથી. ગયા વષ્ોર્ નીરા રાડિયાની ટેપ બહાર આવી ત્યારે એમાં કેટલાક માતબર ઉદ્યોગપતિઓ અને વરિષ્ઠ પત્રકારોની સંડોવણી હોવાને કારણે રાજકારણીઓએ અને મિડિયાએ ચૂપ રહેવાનો, કૉન્સ્પિરસી ઑફ સાઇલન્સનો માર્ગ અપનાવ્યો હતો. ધીરે-ધીરે ઇન્ટરનેટ દ્વારા એ ટેપ ઘરે-ઘરે પહોંચવા લાગી. અખબારો અને ટીવી-ચૅનલોમાં એક શબ્દ આવતો નહોતો, પરંતુ લોકો બધું જ જાણતા હતા. અંતે સ્થિતિ એવી બની કે પત્રકારો માટે ચૂપ રહેવું મુૂશ્કેલ બની ગયું. જેમનાં કોઈ સ્થાપિત હિત નથી એવા લોકો માટે માહિતી છુપાવવા માટે કે એને પ્રસારિત થતી રોકવા માટે કોઈ કારણ નહોતું. ઊલટું, કૉન્સ્પિરસી ઑફ સાઇલન્સ જોઈને ચિડાયેલા લોકો વધુ આક્રમતાપૂર્વક માહિતી પ્રસારિત કરતા હતા. નીરા રાડિયા ટેપના પગલે જે બન્યું એ નજીકનો ઇતિહાસ છે.

એક બાજુ કૉન્સ્પિરસી ઑફ સાઇલન્સ પ્રવર્તતી હતી તો બીજી બાજુ ખાસ કોઈ ઘોંઘાટ વિના માહિતીના અધિકાર દ્વારા તેમ જ સોશ્યલ નેટવર્કિંગ દ્વારા સાઇલન્ટ રિવૉલ્યુશન આકાર લઈ રહ્યું હતું. સરવાળે આમાં તેરી ભી ચૂપ મેરી ભી ચૂપનો માર્ગ અપનાવનારાઓ છેતરાઈ ગયા. આ નવી સ્થિતિને રિવૉલ્યુશન ફ્રૉમ બિલો કહીએ તો કેમ?    

રમતના નિયમો બદલાયા

માહિતીનો અધિકાર અને સોશ્યલ નેટવર્કિંગના જાળાએ ખેલના નિયમો બદલી નાખ્યા છે. આનું તાર્કિક પરિણામ હવે આવી ગયું છે. માહિતીના અધિકારનો અને સોશ્યલ નેટવર્કિંગનો ઉપયોગ કરનારા સિવિલ સોસાયટીના સભ્યો હવે રસ્તા પર ઊતરી આવ્યા છે. આનું મુખ્ય કારણ હતાશા છે. ભ્રષ્ટાચારની તેમ જ અનીતિની વિસ્ફોટક માહિતી બહાર આવવા લાગી ત્યારે એમ માનવામાં આવતું હતું કે સરકાર તેમ જ અદાલત ગુનેગારોને સજા કરશે, મિડિયા ગુનેગારોને સવાલો પૂછશે અને વ્યવસ્થામાં સુધારો થશે. કમનસીબે આમાંનું કંઈ જ ન થયું. ઊલટું, આપણા નેતાઓ એ જ જૂનો રાગ આલાપતા રહ્યા કે આ અમને બદનામ કરવાનું કાવતરું છે. વિકાસમાં અવરોધ પેદા કરવાના આરોપ પણ કર્મશીલો પર કરવામાં આવે છે. વિદેશી હાથ હોવાના ઇશારા પણ કરવામાં આવતા રહ્યા છે. રૉબર્ટ વાડ્રા, નીતિન ગડકરી, રમણ સિંહ, વીરભદ્ર સિંહ, શરદ પવાર, અજિત પવાર વગેરેના ભ્રષ્ટાચારનાં પ્રકરણોમાં આવી જ દલીલો સાંભળવા મળી રહી છે.

હદ તો એ વાતની છે કે આપણા શાસક વર્ગને હજી સુધી નથી સમજાતું કે રમતના નિયમો બહુ ઝડપથી બદલાઈ રહ્યા છે. પરંપરાગત રીતના જાહેર જીવનમાં રતીભારનો પણ રસ નહીં લેનારાઓ પ્રજાજીવનના પ્રશ્નોમાં ઊંડો રસ લઈ રહ્યા છે. તે ક્યાં છે, કોણ છે, શું કરે છે એની કોઈને જાણ નહોતી. જો આપણો શાસક વર્ગ આ નવી સ્થિતિને સમજી શક્યો હોત અને વિધાયક પ્રતિસાદ આપ્યો હોત તો પેલો અજાણ પણ સજાગ નર એક ખૂણામાં બેસીને અનીતિ તરફ આંગળી ચીંધવાના કામ પૂરતો સીમિત રહ્યો હોત. જાહેર જીવનમાં પ્રવેશવાનો તેનો કોઈ એજન્ડા નથી. સત્તાની તેને લાલચ નથી. પ્રસિદ્ધિનો મોહ નથી. શાસક વર્ગે વિધાયક પ્રતિસાદ આપવાની જગ્યાએ અવળો પ્રતિસાદ આપ્યો એટલે પેલો અજાણ નર રસ્તા પર ઊતરી આવ્યો છે. માહિતીનો અધિકાર, સોશ્યલ નેટવર્કિંગ અને શાસક વર્ગની નીંભરતાનું આ તાર્કિક સ્વાભાવિક પરિણામ છે. અરવિંદ કેજરીવાલ આ નવી સ્થિતિનું નેતૃત્વ કરી રહ્યા છે કે એનો લાભ લઈ રહ્યા છે એ તો સમય કહેશે, પરંતુ એક વાત નક્કી છે કે આ નવી સ્થિતિ (ફિનોમિનન)એ બધાને ઉઘાડા પાડી દીધા છે.