કાઠિયાવાડી ઘોડાઓ નામશેષ થવાના આરે?

28 October, 2012 07:31 AM IST  | 

કાઠિયાવાડી ઘોડાઓ નામશેષ થવાના આરે?



સેજલ પટેલ

૧૫૭૬ની ૨૧ જૂનનો સૂરજ માથે તપતો હતો. હલ્દીઘાટીમાં મેવાડના મહારાણા પ્રતાપ અને મુગલ સમ્રાટ અકબર વતી માનસિંહ વચ્ચે ખરાખરીનું યુદ્ધ ચાલી રહ્યું હતું. માનસિંહ ગજરાજ પર બેઠો-બેઠો સેનાને સૂચનો આપી રહ્યો હતો. ચારેકોર બન્ને પક્ષના સેંકડો ઘાયલ માણસો અને પશુઓથી રણમેદાન જાણે કબ્રસ્તાનમાં ફેરવાઈ ચૂક્યું હતું. દુશ્મનોની તાકાત જોઈને બીજો કોઈ ચારો ન દેખાતાં મહારાણા પ્રતાપે આર યા પારનો નારો લગાવ્યો. તેઓ જે અશ્વ પર બેઠા હતા એ પૂરઝડપે દોડીને માનસિંહના હાથીના કપાળ સુધી પગ ઠેકાય એટલો ઊંચો ચડી બેઠો ને એ જ વખતે રાણાએ માનસિંહને વીંધવા માટે તલવાર ઝીંકી દીધી. તલવાર શરીરની આરપાર નીકળી જતાં માણસ ત્યાં ને ત્યાં જ ઢળી પડ્યો. જોકે એ માનસિંહ નહીં પણ તેનો મહાવત હતો. નસીબનો બળિયો માનસિંહ સમયસૂચકતા વાપરીને ખસી ગયેલો.

હાથી પર હુમલો કરવામાં રાણાના પાણીદાર ઝાંખા સફેદ-જાંબુડિયા અશ્વનો ડાબો પગ લોહીલુહાણ થઈ ગયો ને માનસિંહ ચાલાકી વાપરીને એ જગ્યાએથી દૂર જવામાં સફળ થઈ ગયો, પરંતુ રાણાના ઘોડાને દુશ્મનોએ ઘેરી લીધો.

રાણાએ પહેલાં તો એક સાચા રજપૂતની જેમ યુદ્ધમાં જ ખપી જવાનું વિચાર્યું, પણ પછીથી થયું કે અત્યારે પીછેહઠ કરીશ તો ફરી કદાચ બમણા જોરથી માતૃભૂમિની રક્ષા માટે લડી શકીશ અને જો આજે અહીં મૃત્યુને વરીશ તો માતૃભૂમિને મુગલોના હાથમાં જતી બચાવવા કંઈ નહીં કરી શકું. જાણે તેમના મનની વાત પારખી લીધી હોય એમ એક ઝાલા સરદાર આગળ આવ્યો ને રાણાજી પાસેથી રાજચિહ્ન લઈને દુશ્મનોની વચ્ચે જઈ પડ્યો. દુશ્મનોએ રાજચિહ્નને જોઈ ઝાલા સરદારને જ રાણા પ્રતાપ સમજીને ઘેરી લીધા ને રાણા ઘાયલ ઘોડો લઈને યુદ્ધમેદાનમાંથી ભાગી નીકળ્યાં. ઊંડા જખમને કારણે લોહીલુહાણ અને સાવ લોથપોથ થઈ ગયો હોવા છતાં માલિકને બચાવવા માટે અfવે જીજાન લગાવી દીધા, પણ આખરે બે માઇલ પછી એક પાણીના ઝરણાને પાર કરવા જતાં એ ઢળી પડ્યો.

આ વફાદાર, વિશ્વાસુ, સહનશીલ અને માલિક માટે પ્રાણ ન્યોછાવર કરનાર અશ્વનું નામ હતું ચેતક. આજે પણ રાજસમંદ જિલ્લાના ઝારોલ ગામ પાસે જ્યાં ચેતકે છેલ્લા શ્વાસ લીધા હતા ત્યાં એનું પૂતળું છે. એ શુદ્ધ કાઠિયાવાડી ઘોડો મૂળે સુરેન્દ્રનગરના હળવદ પાસેના ખૂડ ગામમાં જન્મેલો ને મહારાણા પ્રતાપનો માનીતો અને માણસ કરતાંય વધુ વિશ્વાસુ હતો.

લગભગ ૪૩૬ વર્ષ જૂના ઇતિહાસને હમણાં ઉખેળવાનું કારણ એ કે ચેતક જેવા વફાદાર કાઠિયાવાડી ઘોડાઓના તબડક તબડકના અવાજો હવે ઇતિહાસમાં જ ખોવાઈ જાય એવી શક્યતાઓ પેદા થઈ છે.

ઝવેરચંદ મેઘાણીની ‘સૌરાષ્ટ્રની રસધાર’ વાંચીએ તો ભગવાન સ્વામિનારાયણની માણકી ઘોડી, કાદુ મકરાણીની લીલુડી અને જૂનાગઢના રાજા રા’નવઘણના અશ્વપ્રેમની આંખો ભીની થઈ જાય અને છાતી ગજગજ ફૂલે એવી આવી તો અનેક શૌર્યકથાઓ તાદૃશ્ય થઈ જાય. એક સમય હતો જ્યારે માણસનો સૌથી વિશ્વાસુ સાથી તેનો ઘોડો ગણાતો. કાઠી, ચારણ, ગઢવી, આહિર અને રજપૂત જેવી ખમીરવંતી કોમમાં તો ઘરે બે-પાંચ ઘોડા ન હોય એવું કદી ન બને. જોકે હવે લગ્નપ્રસંગે વરરાજા માટે કે દરિયાકિનારે હૉર્સરાઇડ માટેના ઘોડા જોઈને જ ખુશ થવું પડે એમ છે. યુદ્ધમાં ગજબની ચપળતા, વફાદારી, બહાદુરી, અને પ્રાણ ન્યોછાવર કરી દેવાની ભાવના ધરાવતા કાઠિયાવાડી અશ્વોની સંખ્યા સાવ ઘટી રહી છે ને જો હવે જાગવામાં નહીં આવે તો આપણા કાઠિયાવાડી અને મારવાડી ઘોડાઓની જાતિ નામશેષ થવાના આરે છે એવી શક્યતાઓ જતાવાઈ રહી છે. એનું કારણ એ છે કે છેલ્લાં ૬૦ વર્ષમાં અશ્વોની સંખ્યામાં ૮૨ ટકાનો ઘટાડો નોંધાયો છે.

ગુજરાતમાં કાઠિયાવાડી અશ્વોની સંખ્યા હાલમાં દસ હજારથી પણ ઓછી થઈ ગઈ હોવાના અહેવાલો છે, પણ ખરી હકીકત એનાથીયે ખરાબ છે. જસદણના દરબારના વંશજ અને છેલ્લાં ૩૫૦ વરસથી જેમનું કુટુંબ અશ્વસંવર્ધનના કાર્યમાં સક્રિય છે એવા સત્યજિત ખાચર Sunday સરતાજને કહે છે, ‘શુદ્ધ કાઠિયાવાડી જાતિના કહેવાય એવા અશ્વો ખૂબ જ ઓછા છે. લોકો કહે છે કે ૧૦-૨૦ હજાર જેટલી સંખ્યા દેખાય છે, પણ એ ઘોડાની સંખ્યા હશે, કાઠિયાવાડી ઘોડાની નહીં. કાઠિયાવાડી ઘોડાના દેખાવની ચોક્કસ ખાસિયત હોય છે, જે મિક્સ બ્રીડિંગને કારણે હવે બહુ ઓછા અશ્વોમાં જોવા મળી રહી છે. પ્યૉર કાઠિયાવાડી જાતિનાં લક્ષણો ધરાવતા હાલમાં કદાચ માંડ ૫૦ અશ્વો હશે. બાકી મિક્સ બ્રીડિંગને કારણે શુદ્ધ જાતિના મજબૂત ઘોડા મળવાનું હવે મુશ્કેલ છે.’

હાલમાં આ કાઠી દરબારના જસદણના ફાર્મમાં સત્યજિત ખાચરને ત્યાં ૧૧ પ્યૉર કાઠિયાવાડી ઘોડા છે, આ પહેલાં તેમના દાદા આલા ખાચર બીજા કાઠિયાવાડી ઘોડાઓ ઉપરાંત રેસ માટે વખણાતા વિદેશી થરોબ્રેડ ઘોડાઓ પણ રાખતા હતા. પોરબંદરસ્થિત કાઠિયાવાડી હૉર્સ સોસાયટી ઑફ ઇન્ડિયાના માનદ સેક્રેટરી રાજેન્દ્રસિંહ જાડેજા હાલમાં ફ્રાન્સની એક ફોટોગ્રાફર સાથે મળીને કાઠિયાવાડી અશ્વ પર પુસ્તક બનાવી રહ્યા છે. તેમણે વષોર્ જૂના પ્રમાણભૂત કહી શકાય એવા માપદંડોથી પ્યૉર કાઠિયાવાડી અશ્વો શોધવા માટે છેલ્લાં સાત વરસમાં લગભગ અઢી લાખ કિલોમીટરનો પ્રવાસ ખેડ્યો છે ને હજી સુધી તેમને માંડ ૩૦૦ કાઠિયાવાડી ઘોડા હાથ લાગ્યા છે. કાઠિયાવાડી ઘોડાઓની સંખ્યા આટલી ઓછી હોવાનું કારણ મોટા ભાગના અશ્વપાલકોની શુદ્ધ ઓલાદના સંવર્ધન બાબતેની અજ્ઞાનતા છે. એ વિશે સમજાવતાં રાજેન્દ્રસિંહજી Sunday સરતાજને કહે છે, ‘દૂર-દૂરનાં ગામોમાં જ્યાં અશ્વપાલકો હોય છે તેમને સમય આવ્યે સારા પ્યૉર કાઠિયાવાડી સ્ટૅલ્યન (પુખ્ત નર ઘોડા) મળી નથી રહેતા. જ્યારે ઘોડી ઠાણમાં બેસે ત્યારે આસપાસમાંથી જે કોઈ પણ પ્રજાતિનો ઘોડો મળે એની સાથે તેને મળાવી લેવામાં આવે. એને કારણે ઘોડાઓની સંખ્યા વધે છે, પણ ક્રૉસ-બ્રીડિંગ થવાને કારણે નસલની પ્યૉરિટી જોખમમાં મુકાઈ જાય છે. હાલમાં મારા અનુભવ પ્રમાણે ગુજરાતમાં સુદૃઢ અને પ્યૉર સ્ટૅલ્યન્સની સંખ્યા કદાચ વીસ જેટલી જ હશે.’

જાણીને નવાઈ લાગશે, પણ ઘોડાઓની નસલ નક્કી કરવા માટેના જડબેસલાક નિયમો છે. જો કોઈ ઘોડા-ઘોડીનાં માતા-પિતા, દાદા-દાદી, પરદાદા-પરદાદી, પરપરદાદા-પરપરદાદી એમ ચાર પેઢી કાઠિયાવાડી હોય તો જ એને પ્યૉર નસલનું બિરુદ મળે છે. જ્યારે હાલનો સિનારિયો કંઈક જુદો જ છે. છૂટાછવાયા ધોરણે આડેધડ ક્રૉસ-બ્રીડિંગ થતું હોવાથી શુદ્ધ જાતિને સાચવવાનું અઘરું થઈ પડ્યું છે. મતલબ કે અત્યારે સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, તામિલનાડુ, કેરળ, રાજસ્થાન અને ભારતના અન્ય ખૂણાઓમાં ઘોડાની સંખ્યા ઘણી મળે છે; પણ શુદ્ધ નસલના કડક નિયમોમાંથી પાસ થાય એવા બહુ ઓછા ઘોડા રહ્યા છે. ખરી પ્રજાતિ નક્કી કરવા માટે વંશવેલા ઉપરાંત અંગ-ઉપાંગો, સાઇઝ, ચાલ, રંગ એ બધું પણ ચકાસવામાં આવે છે. આપણા ભારતીય ઘોડાની વિશેષતા વિશે કાઠિયાવાડી હૉર્સ સોસાયટી ઑફ ઇન્ડિયાના સેક્રેટરી રાજેન્દ્રસિંહ જાડેજા કહે છે, ‘કાઠિયાવાડી અશ્વોની યુનિકનેસ એના કાન છે. કાઠિયાવાડી હૉર્સના કાન ઊંચા અને એના છેડા એકબીજાને અડેલા અથવા તો અડું-અડું થતા હોય એવા હોય છે. એનું ઓવરઑલ કદ પણ નાનું એટલે કે ૧૪.૫ ફૂટની આસપાસનું  હોય. પહોળું કપાળ, ટૂંકી મોખલી, મોટી બહાર નીકળતી આંખો, પહોળાં નસકોરાં, મોરલાની ડોક જેવી ગરદન પર ઊંચું માથું રાખવાની કાઠિયાવાડી અશ્વોની અનોખી અદા ગણાય છે.’

બીજી કોઈ જાતિના ઘોડાના કાન ઉન્નત અને એકમેકને ટચ થતા હોય એવા નથી હોતા. માત્ર ભારતીય ઘોડાઓમાં જ આ વિશિષ્ટતા છે. આ જ કારણોસર એક માન્યતા હતી કે કાઠિયાવાડી ઘોડાઓના કાનને વીંધીને એને ભેગા કરવામાં આવે છે. બીજી પણ એક ખૂબ પ્રચલિત માન્યતા છે કે કાઠિયાવાડી ઘોડાઓ અરબી પ્રજાતિમાંથી પેદા થયેલા છે. આ બન્ને વાત તદ્દન ઊપજાવી કાઢેલી છે એવું રાજેન્દ્રસિંહ જાડેજાનું કહેવું છે. તેમણે ૧૯૮૨માં કાઠિયાવાડી અને મારવાડી અશ્વપાલક સહકારી મંડળી લિમિટેડની સ્થાપના કરનારા ગોંડલ ભુવનેશ્વરી પીઠના આચાર્ય ઘનશ્યામજી મહારાજના માર્ગદર્શન હેઠળ કાઠિયાવાડી ઘોડાના ઇતિહાસનો ઊંડો અભ્યાસ કયોર્ છે.

ઝીણાં-ઝીણાં બાવીસ શારીરિક લક્ષણો છે જે કાઠિયાવાડી ઘોડાઓને અન્ય વિદેશી પ્રજાતિઓથી જુદા પાડે છે. દેખાવ ઉપરાંત સૌથી મોટો ફરક છે સ્વભાવ અને ક્ષમતાનો. જ્યારથી આ નસલનો વિકાસ થયો ત્યારથી એને એક યુદ્ધના ઘોડા તરીકે ઉછેરવામાં આવ્યા છે ને ઉત્ક્રાંતિનો નિયમ છે કે જે ક્ષમતાનો ઉપયોગ થાય એ જ વિકસે અને ન વાપરવાથી ક્ષમતા ક્ષીણ થતી જાય. એ ન્યાયે કાઠિયાવાડી ઘોડાઓની ઉપયોગશીલતા ઘટવા લાગી છે. જસદણના કાઠી દરબાર સત્યજિત ખાચર કહે છે, ‘પહેલાંના જમાનામાં રાજા-રજવાડાંઓના સૈન્યમાં ખમીરવંતા ઘોડાઓનું આગવું સ્થાન રહેતું. યુદ્ધમાં સૌથી વફાદાર સાથી એવા કાઠિયાવાડી ઘોડાઓ સ્વભાવે ખૂબ જ વફાદાર હોય છે. એ વખતે એક ગામથી બીજા ગામનો પ્રવાસ ખેડવા માટે પણ ઘોડાઓ જ વપરાતા. એટલે તેમનું સંવર્ધન કુદરતી રીતે જ થતું. અશ્વસંવર્ધનમાં કાઠીઓ મોખરે હતા ને એટલે જ આ પ્રજાતિનું નામ કાઠિયાવાડી પડ્યું. જોકે સમય જતાં રાજા-રજવાડાંઓ નષ્ટ થતાં ગયાં. યુદ્ધો બંધ થઈ ગયાં અને ટેક્નૉલૉજીનો વિકાસ થતાં ટ્રાન્સપોર્ટના અન્ય ઑપ્શન્સ પેદા થતાં ઘોડાઓનો વપરાશ ઘટવા લાગ્યો.’

ઘોડાઓની માગ ઘટી જતાં તેમના સંવર્ધન પ્રત્યે પણ બેદરકારી થવા લાગી અને છેલ્લા એક સૈકામાં અશ્વની આ બહાદુર પ્રજાતિ લુપ્ત થવાના ખતરા હેઠળ આવી ગઈ. હાલમાં કાઠિયાવાડી અશ્વોને બચાવવા માટે જૂનાગઢમાં બે હૉર્સ-બ્રીડિંગ ફાર્મ શરૂ કરાયાં છે, જ્યાં ૮૦ ઘોડા ઉછેરવામાં આવી રહ્યા છે. એ ઉપરાંત પાટણમાં પણ હૉર્સ-બ્રીડિંગ ફાર્મ શરૂ કરવાની વાતો ચાલી રહી છે.

અશ્વસંવર્ધનનાં પગલાંઓ સઘન બનાવવામાં આવ્યાં છે ત્યારે એક સવાલ એ પણ થાય કે વધતી જતી ટેક્નૉલૉજી છતાં વિશ્વમાં અન્ય અશ્વજાતો પર એટલી અસર કેમ નથી થઈ? બલ્કે, ડર્બી-પોલો જેવી રમતોને કારણે ઘોડાઓની પ્રજાતિઓ ફૂલીફાલી રહી છે. શું આપણા ભારતીય ઘોડાઓ એ રમતો માટે કામના નથી? અથવા તો શું કાઠિયાવાડી ઘોડાઓ વિદેશી પ્રજાતિઓ કરતાં ઓછી ક્ષમતાવાળા છે? કાઠિયાવાડી ઘોડાઓના સંવર્ધન માટે અશ્વપ્રદર્શન, હૉર્સ-શો, પરંપરાગત રીતે ચાલી આવતી રમતોનું આયોજન સૌરાષ્ટ્રમાં બહુ નાના પાયે શરૂ થયું છે. બાકી, ભારતની મારવાડી ઘોડાની જાતને બચાવવા માટેના સઘન પ્રયત્નો શરૂ થઈ ગયા છે.

ભારતીય ઘોડાઓની વિશેષતા વિશે જોધપુરમાં રહેતા મારવાડી હૉર્સ સોસાયટી ઑફ ઇન્ડિયાના જનરલ સેક્રેટરી ડૉ. ઉમેદસિંહજી રાઠોડ Sunday સરતાજને કહે છે, ‘દરેક ઘોડાની પોતાની લાક્ષણિકતાઓ અને વિશિષ્ટ ઉપયોગિતા હોય છે. કાઠિયાવાડી અને મારવાડી ઘોડાઓ અન્ય વિદેશી બ્રીડ કરતાં હાઇટમાં થોડાક નાના હોય છે ને તેમની મુખ્ય સ્ટ્રેન્ગ્થ છે લાંબી સવારી કરવાની. તેજ દોડ તેમની વિશિષ્ટતા નથી. આ બન્ને પ્રજાતિના ઘોડા એક દિવસમાં સો-સવાસો કિલોમીટરની ખેપ કરી શકવાની ક્ષમતા ધરાવે છે. તેજ દોડનારા ઘોડા આટલું અંતર કાપી નથી શકતા. મતલબ કે આપણે બીજી પ્રજાતિઓની દેખાદેખીમાં આવીને આપણી ઓલાદની વિશિષ્ટતાને નજરઅંદાજ ન કરી શકીએ. મારવાડી અને કાઠિયાવાડી ઘોડાનું સંવર્ધન કરવું હોય તો એમની ઉપયોગિતા વધારવી જોઈએ. વધુ ને વધુ લોકોને અશ્વસંવર્ધનમાં રસ પડે અથવા તો જે લોકો આ ક્ષેત્રમાં ઑલરેડી છે તેમને આ કામ પરવડે એવું બની રહે અને તેમનો રસ જળવાઈ રહે બની રહે એવી પ્રવૃત્તિઓ કરવી જોઈએ.’

ડૉ. ઉમેદસિંહજીના જોધપુરના ફાર્મમાં પચીસ પ્યૉર મારવાડી ઘોડાઓ છે. છેલ્લાં પંદરથી વધુ વર્ષથી તેઓ મારવાડી ઘોડાઓના સંવર્ધનમાં લાગેલા છે. ૧૯૯૮માં તેમણે પહેલી વાર ઘોડાઓની લાંબી દોડસ્પર્ધા જોધપુરમાં શરૂ કરેલી. એ વખતે મારવાડી ઘોડોઓની સાથે-સાથે મૂળ પાકિસ્તાનના સિંધી અને વિદેશી થૅરોબ્રેડ ઘોડાઓ પણ દોડતા હતા. જોકે હવે મારવાડી ઘોડાઓની ટ્રેઇનિંગ સારીએવી થઈ હોવાથી માત્ર મારવાડી ઘોડાઓની જ લાંબી રેસ એટલે કે એન્ડ્રુરન્સ રેસ યોજવાનું આયોજન છે. ૪૦, ૮૦ કે ૧૦૦ કિલોમીટર લાંબી દોડમાં શારીરિક કસોટી થઈ જાય છે ને એમાં હવે મારવાડી ઘોડાઓ સારુંએવું કાઠું કાઢતા થઈ ગયા છે.

રાજસ્થાન પછી મારવાડી ઘોડાઓની લાંબી ખેપ-રેસ અમદાવાદમાં યોજાવા લાગી છે. એક્વિસ્ટ્રિયન ક્લબ ઑફ ગુજરાતના નેજા હેઠળ છેલ્લાં બે વરસથી અમદાવાદમાં જ ઘોડાઓની એન્ડ્રુરન્સ રેસ એટલે કે લાંબી ખેપ-રેસનું આયોજન થવા લાગ્યું છે. અત્યારે ૪૦ કિલોમીટરની લૉન્ગ-રેસ યોજાય છે, જેમાં મોટા ભાગે મારવાડી ઘોડાઓ જીતે છે. આ ક્લબના કો-ફાઉન્ડર તેમ જ છેલ્લાં અઢાર વરસથી પ્રોફેશનલ એક્વિસ્ટ્રિયન ટ્રેઇનિંગ અને રાઇડિંગ ઇન્સ્ટ્રક્ટર એવા અનીશ ગજ્જર Sunday સરતાજને કહે છે, ‘હવે પ્યૉર બ્રીડ પર લોકોનું ફોકસ નથી રહ્યું. સારી ઓલાદ માટે સારી ક્વૉલિટીનો સ્ટૅલ્યન હોવો પણ એટલો જ જરૂરી છે. અત્યારે મોટા ભાગના લોકો પ્લેઝર રાઇડિંગ માટે ઇન્ડિયન ઘોડા રાખે છે. જોકે પહેલાં કરતાં અત્યારે પરિસ્થિતિ ઘણી જ સારી છે એમ કહી શકાય. મેં જ્યારે ટ્રેઇનિંગ આપવાનું શરૂ કરેલું ત્યારે અમદાવાદમાં પ્રાઇવેટ માલિકીના માત્ર ૫૦ ઘોડા હતા. હાલમાં ૩૦૦થી વધુ ઘોડા પ્રાઇવેટ ફાર્મમાં ઊછરે છે. મને લાગે છે કે પ્યૉર બ્રીડ ઘોડાઓને પણ યોગ્ય માવજત અને તાલીમ બન્નેની જરૂર રહે છે.’

ભારતીય ઉપરાંત વિદેશી ઘોડાઓને પણ ટ્રેઇન કરવામાં માહેર એવા અનીશ ગજ્જર દેશી-વિદેશી તમામ ઘોડાઓની ક્ષમતાઓ, ઍડપ્ટેબિલિટી, સ્ટ્રેન્ગ્થ, વીકનેસ વગેરેના ઝીણવટપૂર્વકના અભ્યાસુ છે ને હવે મારવાડી ઘોડાઓને પણ તેજ રેસ માટે તૈયાર કરી રહ્યા છે. અમદાવાદ અને અન્ય શહેરના લોકો જગ્યા અને જાળવણીના અભાવે પોતાનો ઘોડો ખરીદવાનું વિચારી ન શકતા હોય તેમના માટે અનીશે એવું કૉમન પ્રાઇવેટ ફાર્મ તૈયાર કર્યું છે જ્યાં લોકો પોતાના ઘોડાને રાખી શકે છે. સહિયારી જાળવણી અને ટ્રેઇનિંગ થતી હોવાથી ખર્ચ પણ ઓછો થાય છે અને પ્રોફેશનલી દેખરેખ રહેતી હોવાથી ઉછેર પણ વ્યવસ્થિત થાય છે. અનીશના ફાર્મમાં અત્યારે ૧૧ મારવાડી ઘોડા છે. તેણે ટ્રેઇન કરેલા અનેક ઘોડાઓએ લાંબી ખેપ-રેસમાં ભાગ લીધેલો ને ટાઇટલ પણ જીત્યાં છે. અનીશ કહે છે, ‘કેટલાક મારવાડી ઘોડાઓ ઇંગ્લિશ બ્રીડ જેટલી જ ઝડપ પણ આપે છે. જેટલું અંતર ઇંગ્લિશ ઘોડાઓ એક મિનિટમાં કાપે છે એ કેટલાક હાઇલી ટ્રેઇન્ડ મારવાડી ઘોડા ૫૦ સેકન્ડમાં પણ કાપે છે. મારું ફોકસ છે હવે મારવાડી ઘોડાઓને જમ્પિંગ, ડાન્સિંગ અને અન્ય ટ્રેઇનિંગ આપવાનું. એમ કરવાથી હૉર્સ-શોને વધુ રોચક બનાવી શકાશે.’

રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, તામિલનાડુ, કેરળ અને ભારતના અન્ય પ્રદેશોમાં મારવાડી ઘોડાઓનો રમતગમતનમાં ઉપયોગ ખૂબ વધારે છે; જ્યારે કાઠિયાવાડી ઘોડાઓના સંવર્ધનમાં રસ પડે એવી મનોરંજક પ્રવૃત્તિઓ બહુ ઓછી છે. આ વિશે પોરબંદરના રાજેન્દ્રસિંહ જાડેજા કહે છે, ‘કાઠિયાવાડી ઘોડા મારવાડી કરતાં એકાદ ફૂટ નાના હોય છે. લોકો માને છે કે નાનો ઘોડો હોવાથી તાકાત ઓછી હોય છે, પણ એ માન્યતા ખોટી છે. બલ્કે, નાનો બાંધો હોવાને કારણે લાંબી મજલ કાપવામાં એમનો સ્ટૅમિના ઘણો જ વધારે હોય છે. આ ઘોડા અગ્રેસિવ નથી હોતા, પણ ખૂબ સંવેદનશીલ હોય છે. જ્યારે અસ્તિત્વ સંકટમાં હોય ત્યારે સૌથી પહેલું ફોકસ વધુ ને વધુ બ્રીડિંગ થાય એ જ હોવું જોઈએ. એક વાર સંખ્યા મજબૂત થઈ જાય એ પછીથી એમને વધુ રમતો અને પ્રવૃત્તિઓ માટે કેળવી શકાશે. હવે ધીમે-ધીમે સરકાર પણ જાગ્રત થઈ છે ત્યારે બ્રીડિંગ ક્વૉલિટી પણ સુધરી રહી છે એટલે ઉજ્જવળ ભવિષ્યની આશા થઈ શકે.’

વિદેશ મોકલવાનો વિવાદ

ઍક્ટિવિટીઝ અને અવેરનેસ વધારીને મારવાડી તેમ જ કાઠિયાવાડી અશ્વોને નામશેષ થતા બચાવવાની બુમરાણ મચી છે ત્યારે ઇન્ડિજીનસ હૉર્સ સોસાયટી ઑફ ઇન્ડિયાના જનરલ સેક્રેટરી રાઘવેન્દ્રસિંહનો નજરિયો થોડોક જુદો છે. કોઈક પ્યૉર નસલના ઘોડાની વ્યાખ્યા ખૂબ સ્ટ્રિક્ટ માપદંડોથી કરતું હોવાથી સંખ્યા સેંકડોમાં ગણાવે છે તો સરકારી આંકડા હજારોની સંખ્યા ગણાવે છે. રાઘવેન્દ્રસિંહ કહે છે, ‘૨૦૧૦માં સરકારે બહાર પાડેલા આંકડાઓ મુજબ મારવાડી ઘોડાઓની સંખ્યા ૨૪,૦૦૦ હતી ને કાઠિયાવાડી ઘોડાઓ ૪૪,૦૦૦ હતા. આ સરકારી તંત્રની ગેરસમજણ જ છે. મોટા ભાગના ઘોડા રાખનારાઓ માને છે કે તેમની પાસે કાઠિયાવાડી ઘોડા છે, પણ ખરેખર લક્ષણ અને ગોત્રની દૃષ્ટિએ એ મારવાડી હોય છે. કહેવાનો મતલબ એ છે કે સરકારે અશ્વની ગણતરી વખતે કોઈ પ્રોફેશનલ એક્સપર્ટની મદદ વિના જ ગણતરી કરી હોવાથી એ આંકડા સાચા નથી. બીજી તરફ એકદમ સ્ટ્રિક્ટ માપદંડોને કારણે હવે પ્યૉર ઘોડા માત્ર ૪૦૦-૫૦૦ જ બચ્યા છે એ વિધાન પણ યોગ્ય નથી. ઉત્ક્રાંતિના નિયમ મુજબ જેમ માણસનો દેખાવ બદલાયો છે તો ઘોડાનો પણ દેખાવ થોડેઘણે અંશે તો બદલાવાનો જ. હા, હું એ વાત સાથે સહમત છું કે ઘોડાઓનું સંવર્ધન કરવામાં શુદ્ધ નસલ જળવાય એનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે, પણ એ માટે લોકોને અશ્વપાલન આર્થિક રીતે ફાયદાકારક રહે એ જોવું પણ ખૂબ જરૂરી છે.’

રજપૂત વંશના રાઘવેન્દ્રસિંહ મારવાડી અશ્વોનું સંવર્ધન કરી રહ્યા છે ને રાજસ્થાનના ઝુન્ઝુનુ જિલ્લાના ડુન્ડલોદ ગામમાં તેમનું ૭૦ મારવાડી ઘોડાઓનું વિશાળ સ્ટેબલ છે. તેમનું કહેવું છે કે ભારતીય ઘોડાઓને વિદેશ મોકલવાનું શક્ય બને તો એની પૉપ્યુલારિટી પણ વધે અને દેશ-વિદેશમાં એ જાણીતા થાય અને ભારતીય અશ્વપાલકોને એનાથી ફાયદો પણ થાય. જોકે અશ્વોને એક્સપોર્ટ કરવાનું કામ સરળ નથી એ વિશે રાઘવેન્દ્રસિંહ કહે છે, ‘૧૯૯૦ સુધી ઘોડાને વિદેશ મોકલવા પર પ્રતિબંધ હતો, કેમ કે સરકાર માનતી હતી કે વિદેશોમાં ઘોડાનું માંસ ખવાય છે. જોકે જે દેશોમાં ઘોડાનું માંસ ખવાય છે ત્યાં જે-તે સ્થળની સ્થાનિક પ્રજાતિ પુષ્કળ માત્રામાં હોવાથી માંસ માટે તેમને ભારતના ઘોડા ખરીદવાનું પોસાઈ શકે એમ નથી એટલું સાબિત થતાં ૨૦૦૦માં પ્રતિબંધ ઉઠાવવામાં આવ્યો. અમે લાઇસન્સ લીધું અને છ ઘોડા યુએસ મોકલ્યા. ૨૦૦૦ની સાલમાં અમે છ મારવાડી ઘોડા યુએસ મોકલ્યા હતા. ફ્રાન્સિસ્કા કૅલી નામની અશ્વસંવર્ધકે વિદેશમાં એનું બ્રીડિંગ શરૂ કર્યું હતું. ત્યાં પેદા થયેલા ત્રણ ઘોડા સ્પેન ગયા છે અને એક ક્વીન ઑફ ઇંગ્લૅન્ડની ડાયમન્ડ જ્યુબિલી માટે ઇંગ્લૅન્ડ મોકલ્યો હતો. એ પછી પણ અત્યારે ત્યાં આઠ ઘોડા છે. અમે ઇન્ટરનૅશનલ શોમાં ભારતીય ઘોડાઓ પ્રદર્શિત થાય અને વધુ લોકો એમાં રસ લેતા થાય એવું કંઈક કરવા ઇચ્છીએ છીએ. જોકે ભારત સરકારે ફરીથી ઘોડાઓની નિકાસમાં આડકતરી ના ભણી દીધી છે. ભારતના કૉમર્સ અને એક્સપોર્ટ ખાતાએ ઘોડાની નિકાસ કરવાની છૂટ આપી છે, પણ ઍિગ્રકલ્ચર ડિપાર્ટમેન્ટનું નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ નથી મળતું એટલે ફરીથી આ મામલો કોર્ટમાં છે.’

કાઠિયાવાડી ઘોડાની રસપ્રદ વિગતો

માણકી, ફૂલમાળ, ચાંગી, વાગલી, હરણ, જાજન, રેડી, ભૂતડી, જબાડ, કેસર, મોરણ, અખાડિયલ, બેરી, બોડણી, ફૂલમલ, રેશમ, વાનરી, લાખી, હિરલ, રામપસા, લાલ, મણિ, પાટી, સિંગાલી, લક્ષ્મી જેવી લગભગ ૨૮ સબ-ટાઇપ્સ છે.

વિશ્વની તમામ નસલોમાં કાળા રંગના અશ્વો જોવા મળે છે, પણ કાઠિયાવાડી અશ્વો સંપૂર્ણપણે ચકચકતા બ્લૅક નથી હોતા, પણ ક્યારેક જાંબુડિયો રંગ જોવા મળે.

કાઠિયાવાડી અશ્વો ઘણી ચપળતાથી કાન આગળ-પાછળ જ નહીં, લગભગ કાટખૂણા સાથે ફેરવવાની ક્ષમતા ધરાવે છે. કાન ઊંચા કરે ત્યારે કાનની ટીશીઓ એકબીજાને અડી જાય છે.

કાઠિયાવાડી અને મારવાડી નસલના અશ્વો પરંપરાગત રીતે રેવાલ ચાલના માહેર હોય છે. આ ચાલ માટે આ અશ્વો શરીરના તમામ સ્નાયુઓનો વધુમાં વધુ ઉપયોગ કરીને જાણે સ્નાયુઓ સંકોરતા હોય એમ ચાલે છે. એમ કરવાથી અશ્વોને ઘણું કષ્ટ પડે છે, પણ અશ્વારોહકને ઓછામાં ઓછો થડકો અનુભવાય છે. પહેલાંના જમાનામાં તો અશ્વની ચાલનાં પારખાં કરવા માટે અસવારના હાથમાં પાણી ભરેલી થાળી રાખીને ઘોડાને ચલાવવામાં આવતો.

અઢીથી ત્રણ વરસની ઘોડી દર મહિને ઠાણમાં એટલે કે સીઝનમાં આવે છે ને દસથી અગિયાર દિવસ રહે છે. સાતમા કે આઠમા દિવસે ઘોડી દોરાવવાનો બેસ્ટ સમય ગણાય છે. એમનો પ્રેગ્નન્સી કાળ ૧૧ મહિના અને ૨૦ દિવસ જેટલો હોય છે. બચ્ચું જન્મ પછી બીજા જ કલાકે પોતાને પગ પર ઊભું રહીને ઘોડીને ધાવતું થઈ જાય છે.

સારાં બચ્ચાં માટે ચૈત્ર કે વૈશાખ મહિના દરમ્યાન ઘોડી દોરાવવામાં આવે છે. ઉનાળા દરમ્યાન જન્મેલાં બચ્ચાંઓની રુવાંટી સુંવાળી હોય છે ને શ્રાવણ, ભાદરવો અને આસોમાં જન્મેલાં બચ્ચાંઓ દરેક રીતે નબળાં હોય છે.

ભારતીય ઘોડાની જાતો

મારવાડી અને કાઠિયાવાડી એ ઇન્ડિયાની મુખ્ય હૉર્સ પ્રજાતિઓ છે. એ ઉપરાંત પૂર્વ ભારતમાં મણિપુરી, ભુતાની, ઝંસ્કારી અને સ્પિતી પોની હોય છે; પણ એ ૧૩.૫ ફૂટ કે એથી નાની હાઇટના હોવાથી એમને ઘોડાનો દરજ્જો નથી મળ્યો, એટલે એ પોની એટલે કે નાના ઘોડા (ટટ્ટé) જ કહેવાય છે.