આવી કેક તમે ખાઈ શકો?

28 October, 2012 07:22 AM IST  | 

આવી કેક તમે ખાઈ શકો?



સેજલ પટેલ

હૃદયના ચાર ભાગ કઈ રીતે કામ કરતા હશે?

સિગારેટનો ધુમાડો ફેફસાંમાં શું નુકસાન પહોંચાડતો હશે?

એચઆઇવી કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝમાં ત્વચા પર કેવાં લક્ષણો દેખાતાં હશે?

આપણા શરીરનું માંસ કેવું હોય?

આંતરડાં, લિવર, કિડની જેવા આંતરિક અવયવો કેવા હોય? એમાં તકલીફ થાય ત્યારે એ કેવા દેખાય?

હાથ કે પગને ઈજા થાય તો અંદરથી શું જોવા મળે?

આમઆદમીને આવા સવાલો અવારનવાર થતા રહેતા હોય છે, પણ મેડિકલ વિજ્ઞાનની અઘરી ભાષા અને ગૂંચવણભરી વાતોને કારણે ભેજું હૅન્ગ થઈ જાય છે. આ શુક્રવારે એટલે કે ૨૫ ઑક્ટોબરે લંડનના સૅન્ટ બાથોર્લોમેવ્સ પેથોલૉજી મ્યુઝિયમમાં એક અનોખું પ્રદર્શન યોજાયું છે;

જેમાં માનવશરીરની આંતરિક વ્યવસ્થાઓને કેક, કુકીઝ અને કૉકટેઇલનાં સૅમ્પલ્સ દ્વારા રજૂ કરવામાં આવી છે. આમ જનતા માટે ખુલ્લા મુકાયેલા આ પ્રદર્શનમાં રોગવિજ્ઞાનને સમજવામાં મદદ કરે એવી ચીજોના ક્રીએટિવ નમૂનાઓ રજૂ કરવામાં આવ્યા છે.

સિગારેટ કૂકીઝની સાથે-સાથે સ્મોકિંગ કરવાને કારણે છાતીમાં ભરાતા કાર્બન ડાયોક્સાઇડને કારણે થતી ફેફસાંની હાલતનું પણ કેક દ્વારા નિદર્શન કરવામાં આવ્યું છે. ‘ઈટ યૉર હાર્ટ આઉટ’ નામની ચિત્રવિચિત્ર બેકરી આઇટમો બનાવવા માટે પ્રખ્યાત બેકરીએ આ પ્રદર્શનમાં રજૂ થયેલી આઇટમો બનાવી છે. યુરિનના સૅમ્પલ જેવું કૉકટેઇલ, સ્ટૂલ (મળ) સૅમ્પલ જેવી ચૉકલેટ સ્મૂધી, શરીર નાંનૉર્મલ આંતરિક અવયવો જેવા કે લિવર, નાનું-મોટું આંતરડું, હૃદય, કિડની, સ્ત્રી-પુરુષના પ્રજનન-અવયવો એ બધાની કેક અહીં તમને જોવા મળશે.

પૉલિસિસ્ટિક ડિસીઝ ધરાવતી કિડની, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝને કારણે થયેલા ચેપી ત્વચા-રોગો જેવા કે સિફિલિસ, એચઆઇવી અને ગોનોરિયા જેવા રોગો ધરાવતા હાથ કે પગ પણ અહીં કેકના ફૉર્મમાં છે. આંગળી પર ફંગલ ઇન્ફેક્શન થાય ત્યારની સડેલી આંગળીઓ, ત્વચાની અંદરના લેયરની રક્તવાહિનીઓ, સોજા અને લાલાશને કારણે સૂજી ગયેલા આંખના ડોળાની કપ કેક, કરોડરજ્જુના મણકા જેવી વિવિધ રચનાઓ આ ‘ઈટ યૉર હાર્ટ આઉટ ૨૦૧૨’ એક્ઝિબિશનમાં છે.


શરીરની રચના અને રોગવિજ્ઞાન બાબતે અહીં લેક્ચર્સ પણ રખાયાં છે અને બ્લડ-ડોનેશનની જરૂરિયાત, સ્મોકિંગથી થતા ખતરા, અવયવના ટ્રાન્સપ્લાન્ટ બાબતે પણ જાગૃતિ ફેલાવવાનું કામ થઈ રહ્યું છે. મૂળે, લોકો હેલ્થને લગતી ગંભીર બાબતો વિશે જોવા-સમજવા આકર્ષાય એ માટે આ અળવીતરું એક્ઝિબિશન કરવામાં આવ્યું છે. બાકી, ઈટ યૉર હાર્ટ આઉટ નામની બેકરી તો છેલ્લાં બે વરસથી આવાં ડરામણાં ડિઝર્ટ્સ બનાવીને વેચવાનો ધંધો કરે છે ને એ ધૂમ ચાલે પણ છે.



એક ચેઇન સ્મોકરને સિગારેટના પૅક પર લખેલી વૉનિંગ નથી દેખાતી. ગમેએટલું સમજાવો કે ભાઈ, ઘડીનો આનંદ તારા ફેફસાંને ચાળણી-ચાળણી કરી નાખે છે, પણ એય તેને નથી જ સમજાતો. ત્યારે કદાચ આવાં ડરામણાં ડિઝટ્ર્સથી થોડુંક કામ થાય તો એય ભલું.