રાંધતી વખતે ગીતો ગાતી સ્ત્રીને વિધુર સાથે પરણવું પડે છે

28 October, 2012 07:18 AM IST  | 

રાંધતી વખતે ગીતો ગાતી સ્ત્રીને વિધુર સાથે પરણવું પડે છે



માનો યા ન માનો

રાત્રે સૂતાં પહેલાં નાહવાની આદત હોય તો નહાયા પછી વાળ કોરા કર્યા વિના જ સૂઈ ન જવું. જો એમ કરવામાં આવે તો માણસ અચાનક પાગલ થઈ જઈ શકે અથવા તો દૃષ્ટિ ચાલી જઈ શકે છે.

જમ્યા પછી નાહવાથી પેટ ફૂલી જાય છે એટલે નાહવાની ક્રિયા ભૂખ્યા પેટે જ કરવાનો અહીં વણલખ્યો નિયમ છે.

ફિલિપીન્સની બિકોલાનો જાતિના લોકો માને છે કે દાંત આપમેળે પડી જાય તો વાંધો નહીં; પણ જો દાંત સડી જાય, તૂટી જાય કે અન્ય કોઈ કારણસર એને હાથે કરીને પડાવાય નહીં. જો કોઈ ડેન્ટિસ્ટ પાસે જઈને દાંત પડાવે તો એ ઘરમાં કોઈનું મૃત્યુ થાય છે.

અહીં ઘરમાં દાદરાનાં પગથિયાંની ગણતરી કરીને જ બનાવવામાં આવે છે. એક સ્ટેપ ઑરો (ગોલ્ડ), બીજું સ્ટેપ પ્લૅટા (સિલ્વર) અને ત્રીજું સ્ટેપ મૅટા (ડેથ) એમ ત્રણેય સ્ટેપ્સ રિપીટ થતાં રહે છે. જો દાદરાનું છેલ્લું સ્ટેપ મૅટા (ડેથ) પર પૂરું થતું હોય તો એ ઘરમાં કોઈને સુખચેન મળતું નથી.

ઘરની વાડીમાં ઉગાડેલા ફળના વૃક્ષ પર ફળ ન આવતાં હોય તો એની છાંયમાં મરેલા પ્રાણીનું શબ દાટવામાં આવે તો વૃક્ષ પર ફળો આવવા લાગે છે અને એ ખૂબ મીઠાં પણ હોય છે.

ડાઇનિંગ ટેબલ પર કોઈ જમી રહ્યું હોય ત્યારે જ એની સફાઈ કરવાની શરૂ કરી દેવાથી જમનાર વ્યક્તિનાં કદી લગ્ન નથી થતાં.

જે સ્ત્રી રાંધતી વખતે ગીતો ગાય છે એને વિધુર પુરુષ સાથે પરણવું પડે છે.

પૂનમ પહેલાંની ચૌદસના દિવસે લગ્ન કરવાથી લગ્નજીવન સુખી અને સમૃદ્ધ બને છે.

જમી લીધા પછી તમને થાળીમાં ખૂબબધી ચીજો છોડવાની આદત હોય તો તમારાં લગ્ન ખરાબ સ્કિન ધરાવતી વ્યક્તિ સાથે થશે એવું મનાય છે.

લગ્ન પહેલાં કન્યાના બ્રાઇડલ ગાઉન એટલે કે લગ્નના દિવસે પહેરવાનાં વસ્ત્રો તેના થનારા પતિને બતાવાય નહીં.

નવા વર્ષનું આગમન થાય એ ઘડીએ એટલે કે રાત્રે બાર વાગ્યાના ટકોરે જો તમે ઊછળીને શક્ય એટલો ઊંચો કૂદકો લગાવો તો આગામી વર્ષ તમારી પ્રગતિ અને વિકાસ લાવે છે.

ઑફિસના વર્કટેબલ પર બેસવું નહીં, એમ કરવાથી નોકરી પર ખતરો આવે અને બિઝનેસ હોય તો એમાં ખોટ થાય.