અમેરિકામાં બધું અવળે પાટે ચડેલું છે

28 October, 2012 07:10 AM IST  | 

અમેરિકામાં બધું અવળે પાટે ચડેલું છે


સાંઈરામનું હાયરામ - સાંઈરામ દવે

હું મારા ડાયરાના છ કલાકારોની ટીમ સાથે થોડા દિવસ પહેલાં અમેરિકાના પ્રવાસે ગયો હતો. મારી સાથે મારો પ્રિય મિત્ર અતુલ અને અક્કલનો બારદાન મંજીરાવાદક ચકો પણ હતા. અમેરિકાના અમારા અનુભવો બહુ જોરદાર રહ્યા.

એક ધોળિયાએ મને ઇંગ્લિશમાં પૂછ્યું, ‘યુ આર અ ફોક આર્ટિસ્ટ ધેન ટેલ મી ધ ડિફરન્સ બિટ્વીન અમેરિકન કલ્ચર ઍન્ડ ઇન્ડિયન કલ્ચર ઇન વન લાઇન.’

મેં પણ હટીને જવાબ આપ્યો, ‘ઇફ ઇન ઇન્ડિયા યુ આસ્ક ઍનીબડી ધૅટ હાઉ મૅની બ્રધર્સ ઍન્ડ સિસ્ટર્સ યુ આર? ધેન ઍની ઇન્ડિયન વિલ સે, આઇ હૅવ ટૂ બ્રધર્સ ઍન્ડ ટૂ ઑર વન સિસ્ટર. બટ ધ સેમ ક્વેશ્ચન ઇફ યુ આસ્ક ઇન અમેરિકા ધેન ઍની અમેરિકન વિલ સે ધૅટ આઇ હૅવ ટૂ બ્રધર્સ ફ્રૉમ માય ફસ્ર્ટ ડૅડ ઍન્ડ ટૂ સિસ્ટર્સ ફ્રૉમ માય લાસ્ટ મૉમ!’

ધોળિયાનું મોઢું પડી ગયું. એના પછી તેણે મને કંઈ પૂછ્યું જ નહીં. ઍની વે; અમેરિકા વર્ક, વુમન, વેધર અને વ્હિસ્કી પર ટકેલો દેશ છે. અમેરિકામાં વરસાદ પડે એટલે લોકો આકાશ સામે જોઈને અચૂક બોલે કે વૉટ અ રેઇન! ને ભારતમાં વરસાદ પડે ત્યારે લોકો પહેલાં રસ્તાના ખાડા સામે જુએ ને પછી બોલે કે એ બાપ રે... વરસાદ પડ્યો!

સોમથી શુક્ર તો અમેરિકામાં બધા મશીનની જેમ કામે વળગે છે. શનિ-રવિના વીક-એન્ડમાં જ લોકો જિંદગી જીવે છે. મંગળવારે કોકનાં બા કે બાપા ગુજરી જાય તોય તેની સ્મશાનયાત્રા શનિવારે જ નીકળે છે. ત્યાં સુધી કોઈને લાશ દફનાવવાનો પણ સમય નથી. મા-બાપની કિંમત સાવ ડસ્ટબિન જેવી થઈ ગઈ છે. છોકરાઓ સાચવવા કૅરટેકરનો ખર્ચ ન કરવો પડે એટલે અમુક ગુજરાતીઓ મા-બાપને સાથે રાખે છે.

આપણા દેશમાં જેટલા માણસો છે એટલી અમેરિકામાં ગાડીઓ છે. અહીં માણસદીઠ એક કાર છે અને ભારતમાં દર ચારસો માણસદીઠ એકાદ ગૅસવાળી ફીઆટ છે! દરેકની ગાડી અને મોબાઇલમાં નેવિગેશન સિસ્ટમ છે જેને લીધે કોઈ કોઈને રસ્તો કે સરનામું પૂછતું નથી (જોકે આયાં કોઈ સરનામું બતાવવા નવરું પણ નથી હોતું). નેવિગેશન સિસ્ટમમાં તમે ઍડ્રેસ મેસેજની જેમ ટાઇપ કરો એટલે ઈ તમને તમારી મંજિલનો રસ્તો ચીંધાડે છે. અમે એક વાર ચાઇનીઝ નૂડલ્સ ટાઇપ કર્યું તો નેવિગેશન સિસ્ટમે અમારી જ મોટેલનો પાછળનો ભાગ નકશામાં બતાવ્યો. અમે તો નૂડલ્સ ખાવા માટે હોંશે-હોંશે મોટેલના પાછળના ભાગમાં દોડી ગયા. ત્યાં જઈને જોયું તો એક કચરાપેટીમાં કોકે એંઠવાડમાં નૂડલ્સ ફેંકી દીધેલાં ઈ જોવા મળ્યાં. હે રામ!

અમેરિકન લાઇફ-સ્ટાઇલ વિશે કહું તો એંસી-એંસી વરસની ડોસિયું જીન્સ અને ટી-શર્ટ પહેરીને મેક-અપ કરીને ન્યુ યૉર્ક અને ન્યુ જર્સીના બજારમાં આંટા દેતી અમે અમારી સગી આંખે જોઈ. અહીં ધોળિયાવ સૌથી વધુ સબવે સૅન્ડવિચ ખાય છે જે લગભગ એકાદ ફૂટ લાંબી ડબલ બ્રેડમાં વચ્ચે કચુંબર જેવું ઘાસફૂસ નાખીને બનાવવામાં આવે છે. અમેય મોટા ઉપાડે ન્યુ યૉર્કની સબવે સૅન્ડવિચ ખાધી, પણ માંડ-માંડ પૂરી થઈ પછી ચકો તરત બોલ્યો કે ‘સાંઈરામભાઈ, આના કરતાં તો આપણી રાજકોટની હાઇવેની સૅન્ડવિચ સારી હોં!’

અમેરિકામાં ગાડીનું સ્ટિયરિંગ ડાબી બાજુએ છે. હવે આપણે ત્યાં જમણી બાજુ સ્ટિયરિંગ હોય એટલે ચકો દરેક વખતે કાર ખોલીને ડ્રાઇવિંગ સીટ પર જ બેસી જાય ને પછી એવો ભોંઠો પડે. અમેરિકામાં ડ્રાઇવર અને તેની બાજુમાં બેઠેલાએ સીટ-બેલ્ટ પહેરવો ફરજિયાત છે, પણ ચકો ઈ સીટ-બેલ્ટને ગળાફાંસો કહીને બોલાવે. ચકો કયે, ‘આ પટ્ટો રોજ પહેરવો એના કરતાં તો શર્ટ પર પટ્ટાની ડિઝાઇન જ કરાવી લીધી હોય તો ન ચાલે?’

મેં કહ્યું, ‘ચકા, અમેરિકામાં લોકો ટ્રાફિક-પોલીસ માટે બેલ્ટ નથી પહેરતા પરંતુ પોતાની સલામતી માટે પહેરે છે, ઓકે? તું અર્થ વગરના સવાલ કરી-કરીને માથું પકવ નહીં.’

ïપછી ચકો શાંત પડ્યો.

બીજી મહત્વની વિશેષતા ઈ કે અમેરિકામાં તમામ સ્વિચ નીચેની સાઇડ ઑફ થાય અને ઊંચી કરો તો ઑન થાય છે. તો વળી રેલવેનાં એન્જિન પણ ઊંધાં દોડે છે. આમ સાલ્લું આયાં બધું અવળે પાટે ચડેલું છે. પુરુષોએ અહીં જાત-જાતનાં ટૅટૂ વાંહામાં, છાતી પર ને હાથ પર છૂંદાવેલાં છે. અમુક ગોરાઓ તો આ ટૅટૂના ક્રેઝને લીધે આખા બ્લુ-બ્લુ થઈ ગયા છે અને શરમની વાત એ છે કે પુરુષોએ પૅન્ટ કમરની હેઠે એવી રીતે લબડતાં પહેયાર઼્ હોય છે કે આપણને એમ થાય કે હમણાં પકડી નહીં રાખે તો ક્યાંક...!

અહીં જુવાનિયાવ જાણે આપણા પર ઉપકાર કરતા હોય એમ કપડાં પહેરે છે. આડેધડ-ઊંધાંચત્તાં અને ફાટેલાં-તૂટેલાં કપડાં પહેરવાને આખી એક પેઢી ફૅશન ગણે છે. દરજીની ભૂલને અહીં નવી ફૅશનનું નામ અપાયું છે. આ દૃશ્યો જોઈને અતુલથી ન રહેવાયું. ઈ ક્યે, ‘સાંઈ, આવાં કપડાં પહેરવા એના કરતાં તો આ લોકો કોક ગરીબ સાથે સાટાપાટા કરીને બદલાવી લેતા હોય તો?’

મેં કહ્યું, ‘વ્હાલા અતુલ, અમેરિકામાં ગાડિયુંનાં સ્ટિયરિંગ ડાબી બાજુએ છે ને હૃદય જમણી બાજુએ! આ બિચાકડા પાસે કપડાં છે, પણ પહેરવાની સમજણ નથી; પણ આપણે તો મુસાફિરો છીએ, આપણું માનશે કોણ?’

અમેરિકામાં અમે ક્યાં-ક્યાં ફર્યા અને કેવા ગોટે ચડ્યા ઈ જાણવું હોય તો આવતા રવિવાર સુધી ઇન્તેજાર કરવો પડશે. વગર વીઝા, વગર ટિકિટે શબ્દદેહે મફત અમેરિકામાં ફરવું હોય તો એક વીક રાહ જોવી પડશે.

(ક્રમશ:)