સિંહની સવારી

28 October, 2012 07:07 AM IST  | 

સિંહની સવારી



રેકૉર્ડ મેકર

ગીરના જંગલમાં તમારી ગાડી ફરતી હોય અને રસ્તામાં અચાનક જ વનરાજા આવી પડે તો જીવ હથેળી પર આવી જાય અને હૃદયની ધડકનો તેજ થઈ જાય. પણ જો કોઈ માણસ સિંહની પીઠ પર જાણે ઘોડેસવારી કરતો હોય એમ બેસીને સિંહસવારી કરે તો એને શેર માથે સવાશેર જ કહેવું પડે. રશિયામાં ઍસ્કોલ્ડ અને એડગર્ડ ઝૅપૅશ્ની નામે બે ભાઈઓ છે જેઓ સર્કસ ચલાવે છે ને એમાં તેઓ હાથી, ઘોડા, વાંદરાની સાથે-સાથે વાઘ અને સિંહને પણ પોતાની આંખના ઇશારે નચાવે છે.

કહેવાય છે કે સાવજ શિકાર કરવા માટે પણ બહુ લાંબી તરાપ મારવાનું કે વધુ દોડવાનું પસંદ નથી કરતો. દિવસમાં ૧૫થી ૧૮ કલાક સૂવા ટેવાયેલા આ પ્રાણી પાસે માનવી પોતાનું કહ્યું કરાવી શકે એ લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. સિંહ જેવા આળસુ પ્રાણી પાસે સર્કસના ખેલ કરાવવા અને એ માટે એને ટ્રેઇનિંગ આપવામાં માહેર એવા ઍસ્કોલ્ડ અને એડગર્ડ બન્ને સિંહસવારી કરી શકે છે. તેમણે ટ્રેઇન કરેલા માઇકલ નામના સિંહને તેઓ એક રિંગ પરથી બીજી રિંગ પર કુદાવી પણ શકે છે. ૨૦૦૬માં ઍસ્કોલ્ડે માઇકલને બે રિંગ પર ૭.૬ ફૂટ લાંબો કૂદકો મરાવીને ગિનેસ વલ્ર્ડ રેકૉર્ડમાં સ્થાન મેળવ્યું હતું. એ પછી તો અનેક વાર આ બે ભાઈઓએ દેશ-વિદેશમાં સિંહસવારીનું અનોખું પ્રદર્શન કરી દેખાડ્યું છે. દરેક વખતે આ કારનામું કયાર઼્ પછી તેઓ તેમના સાવજદોસ્ત માઇકલને નાક પર ચુમ્મી આપે છે અને માઇકલ પણ જીભ કાઢીને તેમને ચાટી લે છે.

આ બે રશિયન જાંબાઝોએ સર્કસ માટે માત્ર સિંહોને જ નહીં પણ વાઘ, હાથી અને ઘોડાઓને પણ જબરજસ્ત તાલીમ આપી છે. વાઘને પાછલા બે પગ પર કૂતરાની જેમ ઊભા થતાં અને સળગતી રિંગમાંથી કૂદીને નીકળી જતાં શીખવવા જેવાં કરતબો શીખવ્યાં છે. સિંહ પછી તેમનું બીજું કારનામું ઘોડાઓ સાથેનું છે, એ પણ ગિનેસમાં નોંધાયેલું છે.

સામાન્ય રીતે ઘોડા પર બેઠેલો માણસ આખેઆખો ઊંચોનીચો થતો હોય છે એટલે કે સ્થિર નથી રહી શકતો. પણ એડગર્ડે બે ઘોડાઓને એવી રીતે ચાલવાની ટ્રેઇનિંગ આપી છે જેનાથી બન્નેની ગતિ અને ઉપરનીચે થવાની રિધમ એકસરખી અને જરાય ઝટકા વિનાની રહે. હવે આ રિધમ કેટલી સરસ રીતે સેટ થઈ છે એનાં પારખાં કરવા માટે ભાઈએ બે દોડતા ઘોડા પર ઊભા રહેવાનું શરૂ કર્યું અને જરાક ડિફિકલ્ટી લેવલ વધારવા માટે થઈને અન્ય બે અસિસ્ટન્ટ્સને પોતાના ખભે એક પર એક ચડાવી. દોડતા ઘોડા પર ઊભેલા એડગર્ડના ખભા પર એક છોકરી અને એ છોકરીના ખભે બીજી છોકરી એમ ત્રણ માણસોનો સિંગલ થર બનાવીને તેમણે દોડતા માનવ પિરામિડનો રેકૉર્ડ કાયમ કયોર્ છે. આ રીતે તેમણે લગભગ વીસ મીટર જેટલું અંતર કાપ્યું હતું.