લાક્ષાગૃહ : દરેક સપનાની એક કિંમત હોય છે : પ્રકરણ ૨૨

28 October, 2012 07:00 AM IST  | 

લાક્ષાગૃહ : દરેક સપનાની એક કિંમત હોય છે : પ્રકરણ ૨૨



વર્ષા અડાલજા


વહેલી સવારે કાજલ ચા બનાવતી હતી. રિહાના હજી ઘોરતી હતી.

આટલી વહેલી તે કદી ઊઠી નહોતી. સવારથી ડોરબેલ રણકતી રહેતી. તે લહેરથી ઊંઘતી. પછી તો બેડરૂમ મળી ગયો હતો. બેડરૂમ અભેદ્ય ગઢ. મજાલ છે કોઈ અવાજની કે અંદર આવે! તે નિરાંતની નીંદર માણતી. પ્રિયા વહેલી ઊઠી જતી, પણ તેની ઊંઘ ન બગડે એટલે ચોરપગલે ફરતી. તે બહાર આવે ત્યારે ચા-નાસ્તો થઈ ગયો હોય તોય મમ્મી ગરમ-ગરમ ચા-નાસ્તો આપે. પછી તો ઑર્ડર લેતી એટલે સરસ નાસ્તાઓ.

ચા ઊકળતી હતી. કાજલે દૂધ નાખ્યું. ચા તૈયાર કરી. ટ્રેમાં કપ મૂકી ડ્રૉઇંગ-રૂમમાં આવી. પંખો કર્યો. પંખો ખખડી ગયો હતો. ખટખટ અવાજ થતો. રિહાના કહેતી : ચલતા તો હૈ ના! લેટ ઇટ બી. ઇલેક્ટ્રિશ્યન કો બુલાઓ. સાલ્લા એવરીથિંગ કૉસ્ટ્સ મની, હની.

કાજલે ગરમ ચાનો ઘૂંટ ભર્યો. મમ્મી જેવી નહોતી, પણ રિહાના કરતાં હજારગણો સ્વાદ હતો. કપ લઈને તે બારી પાસે ઊભી રહી. કમ્પાઉન્ડમાં નાનાં બાળકો રમી રહ્યાં હતાં. ગિરગામની નાની ચાલીમાંથી અંધેરી સોસાયટીમાં રહેવા આવ્યાં ત્યાં કમ્પાઉન્ડ જોઈને તાળીઓ પાડી ઊઠેલી. ત્યાં ભરચક લત્તામાં તો આવું કમ્પાઉન્ડ, નાનો બગીચો ક્યાં મળે! તે અને તરુણ રમવા ઊતરી પડતાં. તેણે હઠ કરેલી એટલે પપ્પા તરત તેના માટે ટ્રાઇસિકલ લઈ આવેલા. તેને બેસાડી, પાછળથી સીટ પકડી રાખીને તેઓ જોડે દોડતા.

કાજલે બારી તરફ પીઠ ફેરવી દીધી. ઘર છોડ્યાને માંડ ચાર-પાંચ દિવસ થયા હતા અને સ્મૃતિઓ ઘેરી વળતી હતી.

છટ્! કાજલે છેલ્લો ઘૂંટ ભર્યો. ઘર! એ ઘર હતું? ડિસિપ્લિન, પાબંદીઓ, નીતિનિયમો, મિડલક્લાસ મેન્ટાલિટી. વેરી ટિપિકલ. સંતોષની બેડીમાં લોકો એવા જકડાઈ જાય કે જિંદગીમાં ઉપર ઊઠવાનું નામ જ ન લે. વૉટ અ રેચેડ લાઇફ!

ન્યુઝપેપર આવ્યું, સાથે બિલ પણ. રિહાનાએ બંધ કરેલું : ઇકૉનૉમી બચ્ચુ, ઑફિસ મેં દેખ લેતી હૂં. પણ તેણે ફરી ચાલુ કર્યું હતું અને જૂનું બિલ રિહાનાએ ચૂકવ્યું નહોતું. કાજલે ૨૧૨ રૂપિયા આપી દીધા. આજ પહેલાં રિહાના રેસ્ટોરાંમાં ડિનર-લંચ પર મળેલી. ઘરમાં રહેતી આ ફૂવડ રિહાના કેટલી જુદી હતી! મિત્રો ઘરે આવવાના હોય તો ઘર ઠીકઠાક કરી દેતી, બાકી તો તે બેદરકાર અને કેવી ગંદી હતી! સાફસૂફી કરતી બાઈ રજા પર ગઈ હતી અને રિહાના આંગળી પણ હલાવતી નહોતી.

પરાણે કાજલે ઝાડુ હાથમાં પકડ્યું હતું, જિંદગીમાં પહેલી વાર. ઘરે તો આવાં ઘરકામ કદી તેના ભાગમાં આવ્યાં જ નહોતાં. રિહાના તો એવી ખુશખુશાલ! રસોડાનું પ્લૅટફૉર્મ તો વાંદાઓ માટે જુહુના દરિયે લટાર. વાસી ઇડલીનું પડીકું નાકે રૂમાલ દાબીને ફેંકતાં રીતસર ઊલટી જ થઈ ગઈ. સાંજે ઘરે આવતાં રિહાના તો તેને વળગી જ પડેલી : અરે! મેરી બાઈ સે ભી તુમ અચ્છા કામ કરતી હો. ક્યા બાત હૈ! અચ્છા હુઆ તુમ આ ગયી.

કાજલનું માથું તો એવું ફરી ગયું કે સંભળાવી દઉં, હું કંઈ તારી નોકરાણી છું? પણ મન મારીને તે હસતી. રિહાના પણ કહી શકે કે મારું ઘર હોટેલ કે ધર્મશાળા છે કે બેગબિસ્તરા લઈને આવી ગઈ?

કામ કરતાં મોટી ચિંતા પૈસાની હતી. તે પહેલા દિવસે આવી ત્યારે રિહાના લોખંડવાલાની હાઇપૉઇન્ટ રેસ્ટોરાંમાં લઈ ગયેલી. વાઘ ધરાય એટલું ખાઈ લાંબુંલચક બિલ તેને પકડાવી દીધેલું. હાઇપૉઇન્ટનો સંચાનો આઇસક્રીમ મસ્ત. રિહાના ઉપરાઉપરી પ્લેટ મગાવતી જ ગઈ! બીજે દિવસે પણ પબ્લિક હૉલિડે હતો. આવું છું કહીને તે બહાર ગઈ. એક કલાકે થેલો ભરીને આવી. હાય કાજલ! આઇ ઍમ બૅક. આરામથી હાથમાં બિલ પકડાવી દીધું.

પચીસ હજાર રૂપિયા?

કાજલ હળવી ચીસ પાડી ઊઠી હતી. રિહાના નિરાંતે વ્હિસ્કી અને સિગારેટ્સ કબાટમાં ગોઠવતી હતી. 

‘સૉરી કાજલ! આઇ ઍમ કમ્પ્લીટ્લી બ્રોક.’

કાજલ બોલી પડી, ‘પચીસ હજાર રૂપિયાનો દારૂ અને સિગારેટ! પાગલ હો ગઈ હો?’

‘નો બેબી, બિલકુલ સમજદાર હૂં. ફિર યે પર્ટિક્યુલર બ્રૅન્ડ મિલતી નહીં તો સ્ટૉક કર લિયા. કુછ પુરાની ઉધારી બાકી થી યુ નો!’

કાજલ ફરી-ફરી બિલ વાંચી રહી.

‘રિહાના, તેરી અચ્છી નૌકરી હૈ, ગુડ સૅલરી ઍન્ડ યુ આર બ્રોક? આઇ કાન્ટ બિલીવ ધિસ.’

રિહાનાએ સવારના પહોરમાં વ્હિસ્કીનો ગ્લાસ ભર્યો. ટિપોય પર આરામથી પગ લાંબા કર્યા.

‘અરે મેરી લાડો, પૈસા ધુઆં હો જાતા હૈ. તૂ ભી જાન જાએગી. યે ફ્લૅટ મૅચબૉક્સ જૈસા છોટા હૈ ના? દો લાખ ડિપોઝિટ ઍન્ડ ગેસ મન્થ્લી રેન્ટલ? પૂરા સોલહ હજાર રૂપિયા-સિક્સટીન થાઉઝન્ડ, ઔર ફિર? ઇલેક્ટ્રિસિટી બિલ, સેલફોન બિલ, ગ્રોસરી, બાઈ કા સૅલરી. બાકી તો ઑટો, શૉપિંગ, શૂઝ, ક્લૉથ્સ, બૅગ્સ... ઝંઝટ હૈ યે સાલા ઘર. લેકિન ક્યા કરેં? ઘર હી તો આસરા હૈ.’

કાજલે રિહાનાના હાથમાંના ગ્લાસ તરફ ઇશારો કર્યો, ‘રિહાના, સબસે મેહંગા તો તેરા શરાબ ઔર સિગારેટ્સ હૈ. ઑલ્સો નૉટ ગુડ ફૉર હેલ્થ.’

રિહાનાના મોં પર ચીડ આવી ગઈ : જે જુએ તે ઉપદેશ આપવા બેસી જાય છે!

‘દેખ કાજલ, મેરી માં બનને કી કોશિશ મત કર. વો ભી ઘડી કી માફિક ટિક્... ટિક્... ટિક્... આઇ લેફ્ટ ધ હાઉસ. તૂ ભી તો ઘર છોડકે નિકલ ગઈ ના!’

ચૂપ થઈ ગઈ કાજલ. શું ખોટું કહ્યું હતું તેણે! તેને પણ ક્યાં શિખામણો ગમતી હતી? કરણ હજી બૅન્ગલોર હતો. તેનાં મમ્મી અને બહેન હવે ત્યાં ગયાં હશે અને ત્યાંથી શ્રીલંકા હૉલિડેઝ માટે. તેની મમ્મી આવવાની હતી એટલે તો કરણે તેને મુંબઈ મોકલી દીધી હતી. છાનાછપના પાછા આવતા રહેવાનો ગુસ્સો તો હતો જ ત્યાં ઘરમાં પગ મૂકતાં જ ઝઘડો અને અણધાર્યું ઘર છોડીને નીકળી જવું પડ્યું. બધું ઝડપથી બની ગયું હતું.

એ રાત્રે જ કરણને ફોન કરેલો. તે તો ઊકળી જ ઊઠ્યો, ‘હજી તારી કરીઅર બરાબર સેટ નથી થઈ, ડિગ્રી નથી અને તું આમ ઘરમાંથી નીકળી ગઈ?’

વળતું જ તેણે કહ્યું હતું, ‘તું છેને! મને શી ચિંતા?’

કરણ સમજતો હતો. કાજલ સાથે ચર્ચા કરવાનો અર્થ નહોતો. તું છેને પર તેની વાત હંમેશાં અટકી જતી.

‘ચાર-પાંચ દિવસમાં આવું છું. રિહાના પિયક્કડ છે, સંભાળજે.’

રિહાના ઑફિસ ગઈ હતી.

જતાં-જતાં સંદેશો આપીને : આઇ વિલ બી લેટ કાજલ. શામ કો ફક્કડ ગુજરાતી ડિનર બના કે રખના. હોટેલ કે ફૂડ સે બોર હો ગઈ હૂં. હાં, ગ્રોસરી લેકે આના. બડે દો ડિબ્બે આઇસક્રીમ કે મેરી જાન ભુલિયો મત.’

થયું કે લુચ્ચી રસોઈની ઝંઝટ માથે નાખીને ગઈ. શાકભાજી,

દાળ-ચોખાથી માંડીને આઇસક્રીમનું લાંબુંલચક બિલ પણ આપવું પડશે. શું કરે! તેનો હાથ પથ્થર નીચે હતો. બળથી નહીં, કળથી કામ લેવાનું હતું. તેની સંકટ સમયની સાંકળ. કરણને ફોન કર્યો. તે નારાજ થઈ ગયો.

‘મમ્મી અને બહેન મારી સાથે છે અને ફોન કર્યો?’

કાજલ ઢીલી પડી ગઈ, ‘જાનુ, ઇમર્જન્સી છે. રિહાના ટીપે-ટીપે મને નિચોવી રહી છે. કામના ઢસરડા અને ખર્ચ બેહિસાબ. આમ તો બૅન્ક-બૅલેન્સ સાફ કરણ!’

‘ઓ માય ગૉડ! તને ચેતવતાં ભૂલી ગયો. રિહાનાની દયા ન ખાઈશ. તેનું બૅન્ક-બૅલેન્સ તગડું છે. તું પણ દાવપેચ ખેલ. એસ્ટેટ એજન્ટને કૉન્ટૅક્ટ કરવા માંડ. ડોન્ટ વેઇટ ફૉર મી. સ્ટુડિયો અપાર્ટમેન્ટ શોધવા માંડ. ઘર-ઘર કરે છે, પણ મુંબઈમાં ઘર શોધતાં તું અડધી થઈ જવાની છે ખબર છે?’

કરણની વાત સાચી હતી એ તો તરત સમજાઈ ગયું. ઘર લેવા-વેચવાની પાનાં ભરીને ન્યુઝપેપરમાં જાહેરખબરો આવતી હતી એમાંથી પોતાના બજેટને અનુકૂળ કઈ જગ્યાએ, કેટલા સ્ક્વેરફૂટ, કેવું બાંધકામ, જૂનું-નવું, પાડોશ... એવી જાતજાતની ગણતરી માંડતાં તો કાજલને થતું કે દસેક વર્ષ સુધી ઘર મળવાની કોઈ સંભાવના જ નહોતી. કાજલ આખો દિવસ રખડતી. થોડા એજન્ટોને જાહેરખબરમાંથી શોધી પોતાનો સેલફોન નંબર આપ્યો, તેમનો લીધો. પછી શરૂ થયું હાઉસ-હન્ટિંગ હૉરર. ગોરેગામ, કાંદિવલી, મલાડ, બોરીવલી, વર્સોવા... મુંબઈ શહેરનું આ અલગ રૂપ હતું. સારા, મધ્યમવર્ગીય પરિવારોની સોસાયટીના ફ્લૅટનાં લિવ ઍન્ડ લાઇસન્સનાં ભાડાં પણ હજારોમાં હતાં અને થોડાં સસ્તાં ઘર જોવા એજન્ટ લઈ ગયો ત્યારે તે ડઘાઈ જ ગઈ. નજીકમાં જ ઝૂંપડપટ્ટી, જૂનાં ત્રણ-ચાર માળનાં લિફ્ટ વિનાનાં ઘરો, ઘણાં બિલ્ડિંગ કમર્શિયલ એટલે પાર વિનાની નાની-મોટી દુકાનો અને ધંધા ત્યાંથી ચાલે. કંઈક પ્રકારના લોકોની સતત આવનજાવન. ક્યાંક પાસમાં જ ગંદકી ભરેલું નાળું. તે ઊબકા ખાતાં નાકે રૂમાલ દાબીને બહાર નીકળી ગઈ ત્યારે એજન્ટે જરા ચીડથી કહેલું, ‘મૅડમ! અહીં માણસો રહે છે. નાકનું ટીચકું ચડાવવું હોય તો જુહુમાં અમિતાભના બંગલાની બાજુમાં બંગલો ખરીદી લો, સમજ્યા! નહીં તો બાંદરામાં શાહરુખ ખાનના પાડોશી બની જાઓને! ચાંદની છેને? ચાંદની ભટ્ટાચાર્ય. ટીવી-સિરિયલ્સની ક્વીન છે. તે કલકત્તાથી નવી આવી ત્યારે મેં તેને આ જ બિલ્ડિંગમાં રૂમ અપાવેલી. ખુશી-ખુશી રહતી થી યહાં. પછી ગોરેગામમાં ત્રણ બેડરૂમનો ફ્લૅટ દોઢ કરોડ ચેક પેમેન્ટથી મેં જ અપાવેલો. આજ ભી મેરેકુ રાખી બાંધતી હૈ, બડે આએ ઘરવાલે.’

એ એજન્ટે પછી તેનો ફોન જ ન લીધો.

રાત્રે રિહાના પેગ ભરીને બેસતી. ક્યાં કેવાં ઘર જોયાં પૂછતી. તેનું ઘર શોધતાં કેવા અનુભવો થયા એનું રમૂજભર્યું વર્ણન કરીને હસાવતી. કાજલ રિલૅક્સ થઈ જતી.

‘બસ, અબ યે ઘર ઔર મેરા બૉયફ્રેન્ડ પ્રતીક દોનોં સે મૈં ખુશ હૂં યાર. લાઇફ ઇઝ ગુડ.’

વાતોમાં એક દિવસ કાજલે કહ્યું, ‘પરણી જાને પ્રતીકને! આમ પાર્ટટાઇમ લવરની સાથે કેમ જિવાય?’

રિહાના ખડખડાટ હસી પડેલી, ‘તૂ અભી ઇશ્ક કે ખેલ મેં નયી હૈ મેરી જાન. બૉયફ્રેન્ડ જબ હસબન્ડ બનતા હૈ તો બૉસ બન જાતા હૈ.’

‘પણ તું તેને ચાહે છે.’

‘લો ઔર સુનો. પ્યાર, ઇશ્ક, મોહબ્બત સબ બકવાસ હૈ. એક-દૂસરે કી કંપની ચાહિએ, સેક્સ ચાહિએ બસ. દોનોં પ્રતીક સે મિલતા હૈ. કિસ્સા ખતમ. બાકી એક બાત માનની પડેગી.’

‘ક્યા?’

‘તૂ ઇતની કચ્ચી ભી નહીં હૈ. તૂને અચ્છા બૉયફ્રેન્ડ પકડ લિયા હૈ. હૅન્ડસમ હૈ, માલદાર હૈ. મની... મની... હની.’

કાજલને અહીંથી જલદીથી નીકળવું હતું. કરણે ભલે ઘર શોધવાનું કહ્યું હતું, પણ કાજલ તો કરણના બાંદરાના ઘર પર મોહી પડી હતી. તેનું જ તો ઘર હતું. ઘૂઘવતા દરિયાની સામે બાલ્કનીમાં કરણને આલિંગીને તે સૂર્યાસ્ત જોતી હોય એવાં સપનાં દિવસે પણ તે જોતી હતી. અંતે તો રાણી બનીને તે ત્યાં જ મહાલવાની હતી.

કરણ રિહાનાને ત્યાં સીધો ઍરર્પોટથી આવ્યો કે કાજલ તેના આશ્લેષમાં સમાઈ ગઈ. તે કશું પૂછે એ પહેલાં કાજલે ઘર શોધવાની લાંબી દાસ્તાન કહેવા માંડી. કરણે તેના મોં પર હાથ દાબી દીધો.

‘પહેલાં મારી વાત સાંભળ. મેં તને પહેલાં પણ સમજાવી હતી કે ઘર છોડવાની મૂર્ખાઈ ન કરતી અને તું ધરાર એક બૅગ લઈને ઘરની બહાર નીકળી ગઈ. વાય? શું કામ કાજલ?’

કાજલની નજર સામે તમતમી ઊઠેલો પપ્પાનો ચહેરો - ગેટ આઉટ કાજલ - આખું દૃશ્ય ફરી ભજવાઈ ગયું. કેમેય કરીને કરણને કહી ન શકી. કરણે તેના ખભે હાથ મૂક્યો.

‘મારી વાત સમજવાની કોશિશ કર કાજલ, તારા હિતમાં જ કહું છું. એકલા જીવવું ખૂબ અઘરું છે. મારી વાત માન કાજલ, તું ઘરે પાછી ચાલી જા.’

કાજલ ઊંડા આઘાતથી સ્તબ્ધ બની ગઈ.

‘તેં જવાબ ન આપ્યો. તું ઘરે પાછી જશે?’

€ € €

કાજલ ઘરમાંથી ચાલી ગઈ.

ફોટોફ્રેમમાં મઢાયેલા કુળના આંબા પર કાજલ નામની મહોરેલી મંજરી અકબંધ જળવાઈ છે તોય એના ખરી પડ્યાની ઉદાસી ઘરમાં છવાઈ છે.

સાવિત્રી વહેલી ઊઠે છે હંમેશની સવારની જેમ અને દિવસ તેલ ઊંજ્યા વિનાનાં પૈડાંની જેમ કિચૂડ-કિચૂડ કરતો ગોળ ફરે છે. સવારના ચા-દૂધ, નાસ્તો, નાહીને તુલસીપૂજા અને માતાજીના ગોખમાં દીવો-અગરબત્તી. પ્રિયા, તરુણ, ધીરુભાઈ એક પછી એક ઊઠવા લાગે છે. રોજની દિનચર્યા, અખબાર, ફોન, રોજબરોજના વ્યવહારની વાતો.

માત્ર કાજલની વાત થતી નથી. કશું બદલાયું નથી. બાલ્કનીની પાળી પર બેસી નાનકડું રૂપાળું પંખી રોજ ચહેકતું હતું એ આ વિશાળ આકાશમાં ક્યાંક ઊડી ગયું છે. જે ક્ષણે કાજલ સઘળા સંબંધો કાગળની જેમ ફાડી દઈ ઘરમાંથી નીકળી ગઈ છે એ જ વખતે ધીરુભાઈએ કહી દીધું હતું : આજ પછી કાજલનું નામ પણ ઘરમાં કોઈએ બોલવું નહીં. તેના નામનું નાહીને પિંડ મૂકી દીધો છે. બસ, બધા આ વાત ગાંઠે બાંધી લો.

હા, વાત ગાંઠે તો બાંધી છે; પણ મન ન માને એનું શું? નજરે જોયું છે અને હજારો વાર સાંભળ્યું છે કે દીકરો મા-બાપ અને ઘર છોડીને ચાલી ગયો છે. અખબારમાં કેટલીયે વાર દીકરાની તસવીરો જોઈ છે અને મા-બાપે ભારે હૈયે લખ્યું છે કે હવે અમારે આ દીકરા સાથે કશો સંબંધ નથી, પણ દીકરી?

ક્યાં ગઈ હશે કાજલ? શું થશે તેનું? રોજ ટીવી, અખબારમાં કેવા ભયંકર સમાચાર આવે છે! બળાત્કાર... ખૂન... કિડનૅપિંગ... એક વાર જે કળણમાં ખૂંપે તેને ધરતી ગળી જાય છે. પ્રિયા રાતના અંધકારને તાકતી જાગતી રહે છે. આ બધા માટે તે તો જવાબદાર નહોતી? કાજલનો મિજાજ... તેનો અહમ્... ઝેરમાં ઝબોળેલાં વાક્બાણ... ભરતીમાં ઊછળી આવતાં મોજાંની જેમ ધસમસતાં આવી તેને ડુબાવી દે છે. ભયંકર ગૂંગળામણ થાય છે. પછી ઓટનાં પાણી પાછાં દરિયામાં ખેંચાતાં જાય એમ તે કાંઠે ફેંકાઈ જાય છે. કાંઠે રેતીમાં ઘસડાઈ આવેલાં શંખ-છીપલાં જડી આવે એમ ધીમે-ધીમે વેરાયેલી મધુર સ્મૃતિઓ પાલવમાં એકઠી કરે છે. અંધેરી ફ્લૅટમાં રહેવા આવ્યા ત્યારે રોજ ત્રણેય ભાઈ-બહેન નીચે બગીચામાં કેવાં પકડાપકડી રમતાં! સ્કૂલમાં કાજલ રિસેસમાં દોડી આવતી. તેની પાસે આઇસક્રીમની હઠ કરતી. તે પોતાના પૉકેટ એક્સ્પેન્સમાંથી કાજલને આઇસક્રીમ ખરીદી આપતી. ખિલખિલ હસતી કાજલ કેવી વહાલી લાગતી! તે જે માગે એ તે અને તરુણ રાજકુંવરીને નજરાણાની જેમ ધરી દેતાં.

તો ક્યાં ચૂક થઈ હતી?

પ્રિયાની આંખ ભરાઈ આવે છે. તે જાણે છે કે પપ્પાના વટહુકમની પાછળ નરી પીડા છે. તેને ક્યાં શોધવી? મળી પણ ગઈ તો કાજલ અને પપ્પા બેયને શી રીતે સમજાવવાં?

અમરે ઉકેલ શોધ્યો હતો. પહેલાં કાજલના ખબર મેળવવા જરૂરી હતા અને ઘરમાં કોઈને કહેવાનું જરૂરી નહોતું. કાજલની પર્સમાંથી બે ફોટોગ્રાફ મળ્યાં હતા. કવર પર સ્ટુડિયોનુંં સરનામું અને નંબર હતાં.

પ્રિયા અને અમર ગૌતમને મળ્યાં. તેણે તરત કહ્યું કે તેને કશી ખબર નથી; ઘણી છોકરીઓ આવે, કોની ખબર રાખે? યસ, કાજલ હૅડ કમ વિથ અનુ. ર્પોટફોલિયોના એક લાખ રૂપિયા તેણે ફી લીધી હતી.

પ્રિયા અને અમર નવાઈ પામી ગયાં. ઍડ મળ્યાં પહેલાં એક લાખ રૂપિયા કાજલે ચૂકવ્યા? એવડી મોટી રકમ તેને કોણે આપી હશે?

‘વેરી સિમ્પલ, કરણ.’

અનુએ પ્રિયા અને અમર સામે જોયું. પ્રિયા સ્તબ્ધ થઈ ગઈ.

‘કરણ? કોણ કરણ?’

અનુએ કૉફીનો ઘૂંટ ભર્યો. કાજલ ઘર છોડી ગઈ એ વાતને આઠ દિવસ થયા હતા અને તેને ખબર જ નહોતી? કાજલે ફોન સુધ્ધાં ન કર્યો? ગરમ કૉફીના ઘૂંટથી તેના હોઠ દાઝી ગયા. આટલો મિજાજ! કાજલે તેનો એક વસ્તુની જેમ ઉપયોગ કરી વાપરીને પછી નકામી ગણી ફેંકી દીધી! તેનો મકસદ પૂરો થઈ ગયો. હવે એક સાવ સાધારણ, સાડીને ફોલ મૂકતી છોકરીનું શું કામ? કાજલે જાણે ગાલ પર થપ્પડ મારી હતી. પ્રિયા આતુરતાથી તેને જોઈ રહી હતી.

‘તમને કરણ વિશે કશી ખબર નથી?’

‘ના અનુ.’

‘તો તમે સાચે જ મૂરખ છો. તે આખો દિવસ રખડતી હતી. ગજબનું શૉપિંગ કરતી હતી. પહેલી જ ધડાકેદાર ઍડ મળી ગઈ. આ બધું કાજલને પોતાની મહેનતથી મળ્યું હતું?’

અત્યારે પ્રિયા કટાક્ષના મૂડમાં નહોતી.

‘અનુ, સીધી વાત કર. કોણ કરણ?’

અનુએ શાંતિથી કૉફી પીવા માંડી. તે જાણતી હતી કે પ્રિયા સાથે આ રીતે વર્તવાનું ઠીક નહોતું, પણ એક જાતનો ભલે ક્ષણિક પણ સુખદ અનુભવ થતો હતો. ચીપ થિþલ. એમ તો એમ સહી.

‘પ્રિયાદીદી, બે ને બે ચાર થાય અને બાવીસ પણ થાય એટલુંય ન સમજાયું? જે ટ્વિન ટાવર પ્રોજેક્ટની ઍડ કરી તે બિલ્ડર બાપનો પનોતો પુત્ર કરણ. કાજલનો લવરબૉય. કૉલેજની કૅન્ટીનમાંથી બન્ને જણ એકમેકના... યુ નો વૉટ. એક સલાહ આપું? કાજલની ચિંતા છોડો. તે શું કામ પાછી આવે? તમારી બહેના કરોડોમાં ખેલશે. તે તમારા જેવી સાવ ઑર્ડિનરી ફૅમિલી સાથે સંબંધ રાખે? નો, નેવર.’

અંદરથી તો પ્રિયા ભભૂકી ઊઠી હતી. માંડ સ્વસ્થ થવા મથતી હતી.

‘તું બધું જાણતી હતી?’

‘અફકોર્સ દીદી. ત્યારે તો હું તેની એકમાત્ર ફ્રેન્ડ હતીને! એમ તો તરુણને પણ ખબર હતી.’

‘શું?’

‘હું એક વાર આવેલી કૅન્ટીનમાં. ભાઈ-બહેન વચ્ચે ઝઘડો થયો હતો. તરુણ કંઈ સેક્સકાંડ કે એવું કંઈ બોલતો હતો. મને નથી ખબર હોં પ્રિયા!’

સેક્સકાંડ શબ્દનો ડામ ચંપાયો હોય એમ પ્રિયાને ફોલ્લો થઈ આવ્યો. બળતરા થવા લાગી. અનુ ઊભી થઈ.

‘ઓકે પ્રિયા, જાઉં? મારું માનો તો તમે બન્ને કાજલ પાછળ ફાંફાં મારવાનાં છોડી દો. પ્રિયા, અમર તારો બૉયફ્રેન્ડ... ફિયાન્સે... ઓકે જે હોય તે, લગ્ન કરો તો કંકોતરી જરૂર મોકલજો. બાય.’

અનુ ચાલી ગઈ. પ્રિયાના હાથની વળી ગયેલી મુઠ્ઠી અમરે ધીમે-ધીમે ખોલી.

‘રિલૅક્સ પ્રિયા. અનુ ખરું કહે છે. કાજલ હવે ઘરે પાછી નહીં આવે.’

પ્રિયા રડું-રડું થઈ ગઈ.

‘રંગીલા છેલબટાઉ યુવાનોનો શો ભરોસો? કાજલથી મન ભરાઈ જશે તો કોઈ બીજી છોકરીને...’

‘પ્રિયા, લગ્નનાં વર્ષો પછી પણ પતિ-પત્ની એકમેકનો ભરોસો તોડી શકે છે તો પછી નવા-નવા પ્રેમીની શી વાત કરવી? માનવસંબંધો અને એમાંય પ્રેમનો વીમો નથી ઊતરાવી શકાતો. સમજો છોને મારી વાત? હવેની બાજી સમયના હાથમાં છે. કમ ઑન કોઈ મૂવીમાં જઈએ.’

શક્તિ ન હોય એમ પ્રિયા અમરનો હાથ પકડીને ઊભી થઈ અને ચૂપચાપ સાથે ચાલવા લાગી. એક વાત દિવસના ઊજળા પ્રકાશ જેવી સ્પષ્ટ હતી. કાજલ સાથેનો સંબંધ પૂરો થઈ ગયો હતો. જાણે ઝરણાની વચ્ચેથી કોઈ ચાલ્યું ગયું હતું અને જળ ખળ-ખળ વહેતું ર?ાું હતું. જળમાં પગલાનાં નિશાન હોતાં નથી.

€ € €

આખરે કાજલને એક ઘર મળ્યું. કરણ જોવા આવ્યો એ જ મિનિટે એજન્ટને ધમકાવી નાખ્યો. વર્સોવાની ગલીકૂંચીઓમાં ઘર, માથું ભમી જાય એવી માછલીની વાસ, થોડે દૂર પહોળે પટ્ટે પથરાયેલી ઝૂંપડપટ્ટી, ત્રણ માળનું મકાન - લક્ષ્મી નિવાસ. મકાનમાં દરજીની અને હજામની દુકાન, એમ્બþૉઇડરીનું કારખાનું, કુરિયરની ઑફિસ...

કાજલને તરત કારમાં બેસાડી કરણે ધૂંધવાતાં કાર રીતસર ભગાવી. કાજલે બચાવ કર્યો. તેને પણ ગમ્યું નહોતું, પરંતુ ઘર ન મળ્યું તે ૮ન મળ્યું ને બાપ રે ભાડું?

કરણે રસ્તામાં એક તરફ કાર ઊભી રાખી. કાજલને સમજાવવાની કોશિશ કરી કે પપ્પાએ મૉડલિંગ કરવા દેવાની હા તો પાડી હતી પછી તને ઘરે જવામાં શો વાંધો હતો? પ્રિયા સાથે વાત કરવા પણ તે તૈયાર હતો, પણ કાજલ મક્કમ હતી : જ્યાંથી તે પોતાનું પગેરું ભૂંસીને નીકળી ગઈ હતી ત્યાં પગ નહીં જ મૂકે; આજે નહીં, ક્યારેય નહીં.

કાજલ કરણની નજીક સરકી.

‘તારું બાંદરાનું ઘર તો છે. ત્યાં લઈ જાને મને! એ જ છે મારું સપનાનું ઘર.’

‘તને કેટલી વાર કહ્યું કે એ શક્ય નથી. મારી મમ્મીનું વહાલું છે એ ઘર. ત્યાં તે ઘણી વાર આવે છે, પાર્ટી ગોઠવે છે. આપણા બન્નેનાં માથાં સાથે વઢાશે.’

‘તો તું જ શોધી કાઢ સરસ મજાનું ઘર.’

અને કરણે શોધી કાઢ્યું ઘર. જુહુમાં ગોલ્ડન ગેટ સોસાયટીમાં. નાનો ફ્લૅટ હતો. સિટિંગ રૂમ, ઓપન કિચન, નાનો બેડરૂમ, એક તરફ થોડી જગ્યા, ટીવી કે કમ્પ્યુટર સ્પેસ. નાનું મકાન. ઓછા પાડોશીઓ. સામેના બારણા પર ડૉ. રામકૃષ્ણ ગોયલ-ડૉ. નિશા ગોયલનું બોર્ડ હતું. સોસાયટીની શરતોએ ઘર મળેલું. એકલી યુવતી છે એટલે પાર્ટીઓ નહીં આપી શકે, છોકરાઓની આવનજાવન નહીં ચલાવી લેવાય. કાજલ હસી પડેલી. મારે બીજું કોણ હોય? એક જ તો છે મારો રાજા રામચંદ્ર.

ઘર સરસ હતું. પૉશ એરિયા હતો. ભાડું હતું ચાલીસ હજાર રૂપિયા. સાંભળીને તે ડરી ગઈ હતી, પણ ભાડું કરણ ભરવાનો હતો એટલે નિરાંત હતી.

કાજલ રિહાનાને ત્યાં સામાન લેવા ગઈ ત્યારે રિહાના કરગરી જ પડી હતી, ‘કાજલ, પ્લીઝ નહીં જા. તું હતી તો મને ખૂબ સારું લાગતું હતું. તને પણ ખબર પડશે કે એકલા નહીં ગમે. માણસને માણસ જોઈએ છે કાજલ. ચાલ આપણે મોટું ઘર લઈએ. પ્રૉમિસ, બધા ખર્ચા ભાગમાં કરીશું. પ્લીઝ ડોન્ટ ગો.’

કાજલ હરખભેર ઘર શણગારવા માંડેલી. કોઈની સાથે રહેવાનું? ના રે. તેને વળી કોની જરૂર હતી! તે એકલી થોડી છે? તે અને તેનો કરણ. ઘરમાં થોડું ફર્નિચર હતું. જોઈતું ખરીદી લીધું. રસોડામાં સામાન વસાવી લીધો. કરણે મોટું ટીવી અને ફ્રિજ ગોઠવી દીધાં. પેલા નાના ખૂણામાં લૅપટૉપ, થોડાં પુસ્તકો, તેના અભ્યાસની ટેક્સ્ટ-બુક્સની શેલ્ફ મૂકી દીધી.

દસ-બાર દિવસમાં તો નાનું રૂપકડું ઘર ઝગમગી ઊઠ્યું. ખરી રીતે તો વાસ્તુ કરવું જોઈએ. મમ્મીને મોઢે ઘણી વાર સાંભળ્યું હતું: આજે તો કોઈને ત્યાં વાસ્તુમાં ગઈ હતી. વાસ્તુમાં શું કરવાનું થતું હશે! જવા દો, હાઉસ-વૉર્મિંગ પાર્ટી તો કરી શકાય. રિહાના-પ્રતીકને બોલાવી શકાય. આવું સરસ ઘર બતાવવાની હોંશ થતી હતી, પણ હજી હમણાં જ રહેવા આવી હતી અને સોસાયટીના લોકોને નારાજ નહોતા કરવા.

ઘરમાં ફુદરડી ફરતાં તે કલબલતું હસી પડી. કેટકેટલી ઝંખના કરી હતી એક સુંદર ઘરની! મુક્તિ નામનો એક અત્યંત કીમતી હીરો આજે તેની મુઠ્ઠીમાં હતો.

યસ, ધિસ ઇઝ માય ડ્રીમ હાઉસ.

(ક્રમશ:)

‘પ્રિયાદીદી, બે ને બે ચાર થાય અને બાવીસ પણ થાય એટલુંય ન સમજાયું? જે ટ્વિન ટાવર પ્રોજેક્ટની ઍડ કરી તે બિલ્ડર બાપનો પનોતો પુત્ર કરણ. કાજલનો લવરબૉય. કૉલેજની કૅન્ટીનમાંથી બન્ને જણ એકમેકના... યુ નો વૉટ. એક સલાહ આપું? કાજલની ચિંતા છોડો. તે શું કામ પાછી આવે? તમારી બહેના કરોડોમાં ખેલશે. તે તમારા જેવી સાવ ઑર્ડિનરી ફૅમિલી સાથે સંબંધ રાખે? નો, નેવર.’