ભારતની સંસદીય લોકશાહીમાં મતના રાજકારણનો ઘણો પ્રભાવ

21 October, 2012 08:36 AM IST  | 

ભારતની સંસદીય લોકશાહીમાં મતના રાજકારણનો ઘણો પ્રભાવ



નો નૉન્સેન્સ - રમેશ ઓઝા

હરિયાણાની ખાપ પંચાયતનું મહાઅધિવેશન (જેને સર્વ ખાપ તરીકે ઓળખવામાં આવે છે) ગયા અઠવાડિયે સોનેપતમાં મળ્યું હતું, જેમાં કાયદામાં સુધારો કરીને કન્યાવિવાહ ૧૬ વર્ષની ઉંમર પહેલાં કરવા દેવામાં આવે એવી માગણી વિશે ચર્ચા કરવામાં આવી હતી. આખા દિવસની ચર્ચા પછી ઠરાવ કરવાનું તો જાણે માંડી વાળવામાં આવ્યું હતું, પરંતુ ખાપના મોટા ભાગના સભ્યો આ માગણીને અનુકૂળ મત ધરાવતા હતા એમ કહેવામાં આવે છે. ખાપની અન્ય માગણીઓમાં સગોત્ર લગ્ન અને આંતરજાતીય લગ્નો પરના પ્રતિબંધનો પણ સમાવેશ છે.

ખાપનું તર્કશાસ્ત્ર અજીબ છે, પરંતુ એ તર્કશાસ્ત્રના સમર્થકો હજી ઘણા છે. હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમ પ્રકાશ ચૌટાલાએ પણ ખાપની માગણીને ઉચિત ગણાવી હતી. હરિયાણામાં દલિતકન્યાઓ સાથે બળાત્કારની ઉપરાઉપરી ઘટનાઓ બની રહી છે એને ધ્યાનમાં રાખીને ચૌટાલાએ કહ્યું હતું કે જો કન્યાનાં લગ્ન ૧૬ વર્ષ પહેલાં કરી દેવામાં આવે તો આવી ઘટનાઓ નિવારી શકાશે. રાજકીય પક્ષોના નેતાઓ આ વિશે ચૂપ છે. કાયદાની સર્વોપરિતાની, બંધારણીય જોગવાઈની, લગ્નોત્સુક યુવાન અને યુવતીનાં તે ઇચ્છે તેની સાથે લગ્ન કરવાના મૂળભૂત અધિકારની અને આરોગ્યને લગતા પ્રશ્નની હિમાયત કરવા જેટલી હિંમત તેઓ ધરાવતા નથી. મૂલ્યો કરતાં મતની કિંમત તેમના માટે વધારે છે.

પ્રાગ-આધુનિક (પ્રી-મૉડર્ન) એટલે કે મધ્યકાલીન સમાજરચનાના કેટલાક અવશેષો ભારતમાં હજી કાયમ છે અને ખાપ એમાંનો એક છે. આધુનિક અને પ્રાગ-આધુનિક સમાજવ્યવસ્થાનાં લક્ષણો પ્રારંભમાં સમજી લેવાં જોઈએ. આધુનિકતાનું પ્રધાન લક્ષણ એ છે કે એમાં વ્યક્તિનું સ્વાતંhય અને તેના અધિકારોને સર્વોપરી ગણવામાં આવ્યા છે. પ્રાગ-આધુનિક સમાજરચનામાં સમૂહને એટલે કે સામાજિક સંસ્થાઓ (જેમાં જ્ઞાતિ, કુળ, ધર્મ અને પરિવારનો સમાવેશ થાય છે)ને સર્વોપરી માનવામાં આવતી હતી અને વ્યક્તિને એ સમૂહનું અંગ માનવામાં આવતી હતી. સમૂહ સર્વોપરી હોવાને કારણે વ્યક્તિએ સમૂહના રીતરિવાજો પાળવા એ અનિવાર્ય ગણાતું હતું. એ પ્રાગ-આધુનિક યુગમાં સામાજિક અને ધાર્મિક બંધનો એટલાં કડક હતાં કે વ્યક્તિ માટે અંગત અધિકારો જરા પણ નહોતા. આમાં પણ સ્ત્રી સૌથી વધુ લાચાર હતી. પરિવારમાં પુરુષ કેટલાક અધિકાર ભોગવતો હતો, પરંતુ પરિવારની અંદર સ્ત્રી ગુલામ હતી. મધ્યકાલીન યુગમાં સ્ત્રી ધર્મની, સમાજની અને પરિવારની બંધક હતી.

ઓગણીસમી સદીમાં પાશ્ચાત્ય શિક્ષણ દ્વારા ભારતને આધુનિક મૂલ્યવ્યવસ્થાનો પરિચય થયો હતો અને ધીરે-ધીરે એનાં મૂળિયાં ભારતમાં જામવા લાગ્યાં હતાં. પ્રાચીન પરંપરાગ્રસ્ત ભારતીય સમાજ માટે તદ્દન અજાણી એવી આધુનિક મૂલ્યવ્યવસ્થાનો સ્વીકાર કરવો એ બહુ આસાન કામ નહોતું, સીધાં ચડાણ હતાં અને એ માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. રાજા રામમોહન રૉયથી લઈને મહાત્મા ગાંધી સુધીના સુધારકોએ પ્રબોધન અને સંઘર્ષ બન્ને કર્યાં હતાં. તેમના અથાક પ્રયત્નોને કારણે દેશના આઝાદ થવા સુધીમાં વ્યાપક સુધારાઓનો સ્વીકાર કરવા જેટલું ભારતીય માનસ અનુકૂળ થઈ ગયું હતું.

ભારતીય બંધારણ આધુનિક મૂલ્યવ્યવસ્થા પર આધારિત છે. બંધારણમાં મૂળભૂત માનવીય અધિકારોનો ફોડ પાડીને સમાવેશ કરવામાં આવ્યો છે અને એ સાથે જ કેટલાક મધ્યકાલીન ધાર્મિક તેમ જ સામાજિક રીતિ-રિવાજોના પાલન પર ફોડ પાડીને પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. ઉદાહરણાર્થ સતીપ્રથા, અસ્પૃશ્યતા, બાળવિવાહ, કન્યાવિક્રય, દરેક પ્રકારના ભેદભાવ વગેરેનો આમાં સમાવેશ છે. ભારતના બંધારણના કેન્દ્રમાં માનવી છે, વ્યક્તિ છે; સમૂહ નથી. ભારતીય રાજ્ય બંધારણીય રીતે આધુનિક રાજ્ય છે. વ્યવહારમાં કેટલીક બાબતમાં આધુનિક થવાનું હજી બાકી છે એ જુદી વાત છે.

સુધારકોએ આધુનિકતા માટે સફળ સંઘર્ષ કર્યો અને બંધારણે એને માન્યતા આપી એટલે સમાજે આધુનિકતાને સંપૂર્ણપણે સ્વીકારી લીધી છે એવું નથી. પરિવર્તનો વ્યાપક પ્રમાણમાં થયાં છે એ વાત સાચી, પરંતુ હજી મધ્યયુગીન સમાજરચનાના કેટલાક અવશેષો બાકી રહી ગયા છે. સમસ્યા એ છે કે બાકી રહેલા અવશેષોને તોડવા માટે હવે સામાજિક સ્તરે પ્રયત્નો થતા નથી. ૧૯મી સદીમાં જ્યારે મધ્યકાલીન સમાજવ્યવસ્થાનો ઢાંચો અકબંધ હતો ત્યારે એને તોડવા માટે સમાજસુધારકોએ અને સુધારાની હિમાયત કરતી મંડળીઓએ અવિરત પ્રયત્નો કર્યા હતા. અંગ્રેજ સરકાર એમાં તેમને મદદ કરતી હતી. સુધારકો અને સુધારાઓનો વિરોધ કરનારા રૂઢિચુસ્તો વચ્ચે વ્યાપક ચર્ચાઓ થતી હતી. કેટલીક વાર તો તેમની વચ્ચે શાબ્દિક યુદ્ધ થતાં હતાં. અત્યારે હવે મધ્યકાલીન સમાજરચનાનો એ મજબૂત ઢાંચો તૂટી ગયો છે ત્યારે બાકી રહેલા અવશેષોને ખતમ કરવા સામાજિક સ્તરે કોઈ પ્રયત્નો થતા નથી. જે લોકોનું માનસપરિવર્તન હજી સુધી થયું નથી તેમના માનસપરિવર્તન માટે તેમનું પ્રબોધન કરવામાં આવતું નથી. સામાજિક સ્તરે વ્યાપક વિમર્શની પ્રક્રિયા થંભી ગઈ છે. આધુનિક મૂલ્યવ્યવસ્થામાં શ્રદ્ધા રાખનારાઓએ એ કામ સરકાર પર છોડી દીધું છે. સંસદીય લોકશાહીમાં મતનું રાજકારણ પ્રભાવી હોવાને કારણે સરકાર હળવે હલેસે કામ લે છે અને મોટા ભાગે એ તરફ આંખ આડા કાન કરે છે.

બીજું, સમાજનો એવો સ્વભાવ છે કે એ મૂળ ઢાંચા કરતાં અવશેષને વધારે જોરથી પકડી રાખે છે. એમાં સમાજને એની અસ્મિતા અને ઓળખ નજરે પડે છે. જે-તે સમાજના સભ્યોને એમ લાગે છે કે જો તેઓ જૂના રીતરિવાજોના બાકી બચેલા અવશેષોને પણ છોડી દેશે તો તેમની ઓળખ ગુમાવી દેશે અને વ્યાપક સમાજમાં ઓગળી જશે. બૃહદ સમાજમાં ઓગળી જવાનો ભય તેમને પરંપરાવાદી બનાવે છે. હરિયાણાના જાટ સમાજના કેટલાક લોકોને એમ લાગે છે કે જો તેઓ તેમની સેંકડો વર્ષ જૂની પરંપરા છોડી દેશે તો તેઓ જાટત્વ ગુમાવી દેશે. અસુરક્ષિત જાટત્વને બચાવી લેવા માટે તેઓ આક્રમક બની રહ્યા છે. આવા અવશેષને વળગી રહેવાની માનસિકતાનો મુકાબલો કરવામાં સરકાર ઊણી ઊતરે એ સ્વાભાવિક છે. આ કામ નવા સમાજમાં વિશ્વાસ રાખનારા સુધારકોનું છે, પરંતુ સુધારકોએ એ કામ છોડી દીધું છે. સુધારકો રૂઢિચુસ્તોને કાં હસી કાઢે છે અને કાં તેમની ઉપેક્ષા કરે છે. આમિર ખાનના બહુ વખણાયેલા કાર્યક્રમ ‘સત્યમેવ જયતે’માં ખાપ પરની ચર્ચામાં સુધારકોનું આવું વલણ જોવા મળ્યું હતું. ખાપના નેતાઓને લજવાયેલા બતાવવામાં આવ્યા હતા. આમાં વિજયનો ભલે અનુભવ થતો હોય, સમસ્યાનો ઉકેલ એમાં નથી.    

દરેક સમાજમાં અન્યાયકારી અવશેષો

ભારતમાં માત્ર જાટ સમાજ આવી માનસિકતા ધરાવે છે એવું નથી. મુસલમાનો, સિખો, જૈનો અને બીજી અનેક જમાત આ પ્રકારના અવશેષને અને અવશેષ દ્વારા ઓળખને વળગી રહેવાની માનસિકતા ધરાવે છે. જેટલી અસુરક્ષિતતા વધુ એટલી ઓળખને વળગી રહેવાની માનસિકતા વધુ. ભારતના લગભગ દરેક સમાજે મધ્યકાલીન સમાજરચનાના કોઈ ને કોઈ અન્યાયકારી અવશેષો જાળવી રાખ્યા છે. આ અવશેષોને નિ:શેષ કરવામાં કાયદાઓ કરતાં સામાજિક વિમર્શ વધારે પરિણામકારી નીવડી શકે છે.