ફ્રી પાસ માટે કે અજગર જીતવા માટે કોઈ જીવતા વાંદા ખાય?

21 October, 2012 08:03 AM IST  | 

ફ્રી પાસ માટે કે અજગર જીતવા માટે કોઈ જીવતા વાંદા ખાય?



સેજલ પટેલ

નાનાં-મોટાં જીવડાં, વાંદા, કરચલા, અળસિયાં જેવાં વમ્ર્સને જાતજાતની રીતે રાંધીને ખાનારા લોકોની દુનિયામાં કોઈ કમી નથી. કેટલાક દેશોમાં તો આ જીવો જ માણસોનો મુખ્ય ખોરાક છે. તળેલા કરચલા કે વાંદાની વાનગી જોઈને ચીતરી ચડતી હોય તો એ પણ જાણી લો કે યે તો કુછ ભી નહીં હૈ. દુનિયાના કેટલાક ખૂણાઓમાં આ સજીવોને જીવતા જ ખવાય છે અને એ પણ મોજ અને સ્પર્ધા ખાતર.

થોડા દિવસ પહેલાં અમેરિકાના સાઉથ ફ્લોરિડામાં માયામીથી ઉત્તરે ૪૦ માઇલ દૂર આવેલા ડિયરફીલ્ડ બીચ પાસેના બેન સીગલ રેપ્ટાઇલ સ્ટોરમાં આવી જ કૉક્રૉચ અને વમ્ર્સ ખાવાની સ્પર્ધા યોજાઈ હતી. એમાં જીતેલો એડવર્ડ આર્ચબોલ્ડ નામનો ૩૨ વર્ષનો યુવાન જીત્યા પછી થોડા જ કલાકોમાં મૃત્યુ પામવાને કારણે જગતભરમાં આ ઇવેન્ટની નોંધ લેવાઈ. બાકી આ સ્ટોર તરફથી તો દર વર્ષે આવી અળવીતરી સ્પર્ધા યોજાય જ છે. રેપ્ટાઇલ સ્ટોરમાં એના નામ મુજબ દુનિયાના અલભ્ય ગણાય એવા જાતજાતના સાપ અને અજગરનો ઉછેર થાય છે અને વેચાય પણ છે. લોકો સરીસૃપ પ્રાણીની અજીબોગરીબ દુનિયામાં રસ લેતા થાય એ માટે આ વખતે સૌથી વધુ કૉક્રૉચ અને વમ્ર્સ ખાનારને અલ્બિનો પાયથન એટલે કે સફેદ રંગનો અજગર ઇનામમાં મળશે એવી જાહેરાત હતી. શરીરે કોઈ રંગના ચટાપટા વિનાના સફેદ-ગુલાબી ઝાંયવાળા પાળેલા અજગરને મેળવવા માટે ૩૮ સ્પર્ધકોએ એમાં ભાગ લીધેલો.

રેપ્ટાઇલ સ્ટોરના સાપ અને અજગરોને ખવડાવવા માટે તેમના દ્વારા કૉક્રૉચ અને વમ્ર્સનો ઉછેર પણ અલગથી કરવામાં આવે છે. આ જ સ્ટૉકમાંથી જીવતા જીવોના ઢગલા માનવસ્પર્ધકો સામે ધરી દેવામાં આવે છે. અત્યાર સુધીનો રેકૉર્ડ રહ્યો છે કે ભાગ લેનારા પા ભાગના સ્પર્ધકો તો જીવતાં જીવડાં જોઈને જ હાર માની જાય છે. ખાવાનો પ્રયત્ન કરવાથી કેટલાય લોકોને ઊલટી થઈ જાય છે અને બહુ જૂજ લોકો બે-પાંચ કે દસ-બાર કૉક્રૉચ ખાઈ શકે છે. રેપ્ટાઇલ સ્ટોરમાં થયેલી કૉન્ટેસ્ટમાં જીતનાર એડવર્ડ આર્ચબોલ્ડે લગભગ બે ડઝનથી વધુ જીવતા કૉક્રૉચ અને વમ્ર્સ ખાધા હતા.

કૉન્ટેસ્ટ જીત્યા પછી જીતેલો અલ્બિનો પાયથન લઈને નીકળી રહ્યો હતો ત્યારે સ્ટોરની બહાર જ તે ઢળી પડ્યો. તાત્કાલિક હૉસ્પિટલમાં લઈ જતાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કયોર્. હજી સુધી તેના મૃત્યુના ખરા કારણની ખબર નથી પડી, પણ સ્ટોરના માલિકોનું કહેવું છે કે અમારાં કૉક્રૉચીઝમાં કોઈ એવું ઇન્ફેક્શન નહોતું જેનાથી માનવીનો જીવ જાય, કેમ કે અન્ય એક પણ સ્પર્ધકને કાંઈ જ થયું નથી.

આ સમાચાર વાયુવેગે પ્રસરવાને કારણે આવી વાંદા ખાવાની સ્પર્ધાઓ પર તવાઈ આવી છે. અમેરિકામાં ડઝનથીય વધુ અમ્યુઝમેન્ટ પાક્ર્સ ધરાવતી સિક્સ ફ્લૅગ્સ નામની એન્ટરટેઇનમેન્ટ કંપની દ્વારા ઑક્ટોબર મહિનામાં થતી આ ટાઇપની સ્પર્ધા પર બ્રેક લાગી ગઈ છે. આ પાર્ક દ્વારા દર ઑક્ટોબરમાં ૨૧ દિવસ માટે ફ્રાઇટ ફેસ્ટ ઊજવાય છે, જેમાં દર વીક-એન્ડમાં ભૂતાળવા ડ્રેસ અને મેક-અપમાં લોકો પાર્કમાં ફરવા આવે છે અને એકમેકને ડરાવવાની રમતો રમાય છે. જોકે વીક-એન્ડ પહેલાં શુક્રવારની રાતે કૉક્રૉચ ઇટિંગ કૉન્ટેસ્ટ યોજાય છે જેમાં સ્પર્ધકોએ જીવતો મડાગાસ્કર વાંદો ખાવાનો હોય છે. બાર સ્પર્ધકોને અલગ-અલગ બરણીમાં એક આંગળી જેટલો લાંબો મડાગાસ્કર વાંદો આપવામાં આવે છે. તમે એને એમ જ ગળી કે ચાવી જઈ શકો છો. એકલો ખાઈ શકાય એમ ન હોય તો બન કે બર્ગરની અંદર મૂકીને પણ ખાઈ શકો છો. શરત માત્ર એટલી જ કે એને મોંમાં મૂકો ત્યારે એ જીવતો હોવો જોઈએ. ચાવીને ગળીને તમારે જીભ બહાર કાઢીને સાબિતી આપવાની કે વાંદો તમારા પેટમાં જતો રહ્યો છે. જો તમે બાર સ્પર્ધકોમાંથી સૌથી પહેલાં વાંદાને ઓહિયાં કરી ગયા તો તમને આગામી વર્ષના બે સીઝન પાસ ફ્રી મળે. એ પછીના નંબરે આવનારાઓને વન-ડે પાસ ફ્રી મળે. અને જો વચ્ચે તમને ઊલટી થઈ જાય અથવા તો ન ખાઈ શકો તો બેટર લક નેક્સ્ટ ટાઇમ.

ન્યુ યૉર્ક, શિકાગો, કૅલિફૉર્નિયા, ટેક્સસ, ગુર્ની, જ્યૉર્જિયામાં આવેલા સિક્સ ફ્લૅગ્સના પાક્ર્સમાં આવી સ્પર્ધાઓ દર ઑક્ટોબર મહિનાના ચારેય શુક્રવારે યોજાય છે, પણ આ વર્ષે મોટા ભાગના પાક્ર્સે આ સ્પર્ધા બંધ રાખી છે.

કોઈ પાર્કના ફ્રી પાસ માટે, તો કોઈ અજીબોગરીબ અજગરના ઇનામ માટે વાંદા ખાઈ જાય છે. બોલો, છે આવી જિગર?