બટાટા ખાવાની રીત સુધારીએ તો એના પણ ફાયદા થઈ શકશે

21 October, 2012 07:58 AM IST  | 

બટાટા ખાવાની રીત સુધારીએ તો એના પણ ફાયદા થઈ શકશે



આયુર્વેદનું A 2 Z - ડૉ. રવિ કોઠારી

શ્રાવણ મહિના પછી નવરાત્રિમાં ફરી એક વાર ઉપવાસની મોસમ આવી છે. સળંગ નવેનવ દિવસ ઉપવાસ રાખનારાઓ આ દિવસોમાં સારીએવી માત્રામાં બટાટા-સૂરણનું સેવન કરે છે. બહુ જ છૂટથી વપરાતા બટાટા સ્વાસ્થ્યની દૃષ્ટિએ ખૂબ વગોવાયેલા છે; કેમ કે એનાથી વજન વધી જાય છે, ડાયાબિટીઝ થાય છે, ઍસિડિટી થાય છે વગેરે ઘણું સાંભળવા મળ્યું છે. જોકે એક વાત સમજવી જરૂરી છે કે આ કંદ આપણે ધારીએ છીએ એટલું ખરાબ નથી, આપણી એને રાંધવાની અને ખાવાની રીતો સદંતર ખોટી છે.

બટાટાનું નામ પડે એટલે તમને બટાટાની કઈ વાનગી યાદ આવે? પટેટો ચિપ્સ, બટાટાવડાં, બર્ગર-પૅટીસ-ફ્રૅન્કીનો માવો, ફ્રેન્ચ ફ્રાઇઝ અને દરેક શાકમાં મિશ્રણ તરીકે વપરાતા બટાટા. આ બધી જ રીતો નુકસાનકારક છે. એનાથી બટાટાના ગુણો મરી જાય છે અને મેંદો-ચણાનો લોટ કે તેલને કારણે અવગુણોનું પ્રમાણ વધી જાય છે.

દેખીતી રીતે જોઈએ તો આયુર્વેદના અતિ પ્રાચીન ગ્રંથોમાં બટાટા વિશે ખાસ ઉલ્લેખ નથી, પરંતુ અકબર બાદશાહના સમય પછી રચાયેલાં સાહિત્યોમાં એના વિશે જણાવવામાં આવ્યું છે. બટાટા મૂળમાં દક્ષિણ અમેરિકાની પેદાશ છે. અંગ્રેજો અને પોટુર્ગીઝો એને ભારત લઈ આવ્યા. ગરમ પ્રદેશમાં બહુ સારી રીતે ઊગતા આ બટાટા સ્વભાવે ઠંડા અને વાયુકર છે. જોકે ઠંડી પ્રકૃતિને કારણે અને રસમાં મધુર હોવાથી એ પિત્તવિકારોમાં ફાયદો કરે છે. નાક, મોં કે મળમૂત્ર વાટે લોહી નીકળતું હોય તો બટાટાનો કાચો રસ ખૂબ જ લાભદાયી છે. જોકે ઠંડક અને મધુર ગુણને કારણે એ વાયુ તેમ જ કફનું પ્રમાણ વધારે છે અને લૂખા હોવાથી રુક્ષ ગુણ વધારે છે. આ જ કારણોસર ચોમાસામાં, વૃદ્ધાવસ્થામાં તેમ જ પાચનશક્તિ મંદ હોય ત્યારે બટાટાનું સેવન બધી જ રીતે હાનિકારક નીવડે છે. બટાટામાં રહેલું કાર્બોહાઇડ્રેટ કડી મહેનત કરનારા લોકો માટે ખૂબ કામનું છે અને બેઠાડુ જીવન ગાળતા લોકો માટે અભિશાપ. એટલે જ એનું સેવન કરતી વખતે વ્યક્તિગત લાઇફ-સ્ટાઇલને પણ ધ્યાનમાં લેવી જરૂરી છે.

કંદની ક્વૉલિટી પણ એના ગુણ પર અસર કરે છે. અતિશય કડક કે એકદમ પોચા બટાટા ન વાપરવા. પોચું પડી ગયેલું કંદ વાસી હોવાને કારણે એમાં ઇન્ફેક્શન્સની શરૂઆત થઈ ગઈ હોય છે. બીજું, ઘણી વાર બટાટાનો અમુક ભાગ લીલો જ રહી ગયો હોય એમાં સોલેનાઇન, ચેકોનાઇન અને આર્સેનિક જેવાં ઝેરી દ્રવ્યો હોય છે જે વધુ માત્રામાં પેટમાં જાય તો પ્રાણઘાતક નીવડે છે.

બટાટાના હેલ્ધી ઑપ્શન્સ

છાલ સાથે : તળીને ફ્રેન્ચ ફ્રાઇઝ કે વેફર બનાવી અથવા તો તીખા મસાલા, ઘી વગેરે નાખીને ખાવાથી જે ચીકાશ પેટમાં જાય છે એનાથી સ્થૂળતા વધે છે; પણ છાલવાળા બટાટાને ઉકાળીને દહીં સાથે ખાવામાં આવે તો એ એક સંપૂર્ણ આહારનું કાર્ય કરે છે.

શેકીને : બટાટાને બાફીને અથવા ગરમ રેતી કે આગમાં શેકીને ખાવા લાભદાયક અને આરોગ્યપ્રદ છે. બટાટાની છાલ ફેંકી દેવામાં આવે છે, પરંતુ છાલમાં જ ડાયટરી ફાઇબર હોય છે જે પાચન પછી કચરો બહાર કાઢવામાં મદદ કરે છે.

કાચો રસ : જે પાણીમાં બટાટા ઉકાળવામાં આવ્યા હોય એ પાણી ફેંકી ન દેતાં એ જ પાણી વડે બટાટાનો રસો બનાવી લેવો, કારણ કે એ પાણીમાં મિનરલ અને વિટામિન પુષ્કળ હોય છે. વધેલા પાણીથી ચહેરો અને હાથ ધોવાથી ત્વચા સુંવાળી બને છે.

ઔષધ પ્રયોગો

દાઝ્યા પર કે સનબર્ન પર બાફેલું બટાટું ચોળીને અથવા તો બટાટાનો કાચો રસ લગાવવાથી બળતરા શમે છે અને ઝડપથી રૂઝ આવે છે. ખસ કે ખરજવું થયું હોય તો બાફેલા બટાટાનો ગર અસરગ્રસ્ત ભાગ પર લગાવીને ટાઇટ પાટો બાંધી રાખવો.

બટાટા ક્રશ કરી દબાવીને, રસ કાઢીને એક ચમચી રસ પીવાથી અલ્સરેટિવ કોલાઇટિસના દરદીઓને રાહત થાય છે. કાચા બટાટાને ચાવીને એનો રસ ગળી જવાથી ખૂબ ફાયદો થાય છે. જે દરદીઓનાં પાચન અંગોમાં ખટાશનું પ્રમાણ વધુ હોય, ખાટા ઓડકાર આવતા હોય, ગૅસ હેરાન કરતો હોય તેમના માટે ગરમાગરમ રાખ કે રેતીમાં શેકેલા બટાટા વધુ લાભદાયક છે. ઘા વાગવાથી ચામડી ભૂરી થઈ જાય છે. એ ભૂરી જગ્યાએ કાચો બટાટો વાટીને લગાવવાથી ત્વચાનો રંગ સુધરે છે.