પાર્ટનર જ્યારે અતિશય વહેમીલો હોય તો શું કરવું?

21 October, 2012 07:53 AM IST  | 

પાર્ટનર જ્યારે અતિશય વહેમીલો હોય તો શું કરવું?



તન-મન ને સંવનન - ડૉ. મુકુલ ચોકસી


મધ્યમ વયનું એક યુગલ ફરિયાદ લઈને આવ્યું. પત્નીની ફરિયાદ હતી કે આજકાલ મારા પતિ જાતીય જીવનમાં પૂરતો રસ નથી લેતા, તેઓ બીજી કોઈ સ્ત્રીના વિચારોમાં જ ખોવાયેલા રહે છે અને અન્ય સ્ત્રી સાથે સુંવાળા સંબંધોમાં લપેટાયેલા હોવાથી મને અવૉઇડ કરીને સેક્સ-રિલેશનથી અળગી રાખે છે. પતિનો જવાબ એવો હતો કે મારે કોઈ લગ્નેતર સંબંધ નથી અને તેનો સ્વભાવ શંકાશીલ હોવાથી તે ઈર્ષાથી વહેમાયા કરે છે. પત્નીને બે-ત્રણ સ્ત્રીઓ માટે ચરિત્રહીન હોવાની શંકા હતી. આથી રોમૅન્સ દરમ્યાન પત્ની નજીક આવવાને બદલે પતિ સાથે રીતસર ઊલટતપાસનું ઇન્કવાયરી સેશન કરતી અને પતિ પાસે સોગંદ લેવડાવતી કે તેને બીજી કોઈ સ્ત્રી સાથે કામજોડાણ થયું નથી. આ વાતમાં ઊંડા ઊતરતાં જાણવા મળ્યું કે પત્નીને તેમના આવા ર્દીઘ દામ્પત્યજીવન દરમ્યાન અનેક સ્ત્રીઓ પ્રત્યે શંકાઓ ગઈ હતી, પણ શરૂઆતમાં તે બાકીના સમયગાળા દરમ્યાન પૂછપરછ કરતી હતી. હવે તેની શંકાઓ વધી જતાં તે સમાગમના સમય દરમ્યાન જ આ બાબતની પૂછપરછ શરૂ કરી દેતી હતી. તમને હું ગમું છું? તો પછી તમારી પેલીના વિચારો કેમ કર્યા કરો છો? કાલે ફોન પર એકલા કોની સાથે વાતો કરતા હતા? માર્કેટથી આવવામાં મોડું કેમ કરો છો? અત્યારે પણ તમારા મનમાં પેલી નથી એની શું ખાતરી? વગેરે-વગેરે. પતિની મૂંઝવણ એ હતી કે પત્ની તરફથી નિકટતાને બદલે આવી નિમ્ન પૂછપરછ થતાં તે હેરાન થઈ જતો અને થોડી પળોમાં ઇચ્છા, અરાઉઝલ તથા ઉત્થાન ગુમાવી દેતો. જેવી તે ઇચ્છા, આનંદ ગુમાવી બેસે કે તરત પત્ની અકળાઈને બોલી ઊઠતી, ‘જોયું? મેં નહોતું કહ્યું કે તમને મારામાં રસ જ નથી પડતો. કેમ મારાથી દૂર ચાલ્યા ગયા? પેલીની વાત આવી એટલે મોઢું કેવું પડી ગયું? હવે કેમ હું આકરી અને અણગમતી લાગું છું? પેલી બીજી તમારા મગજમાં ભરાઈને બેઠી છે એટલા માટે જને? તો મોઢેથી ભસતા શું જોર પડે છે? એક વાર કહી દોને કે કામ પતે! એટલે હું મારે પિયર ચાલતી પકડું! પછી તેને લાવીને જલસા કરજો!’

આવા કિસ્સામાં બને છે એવું કે પત્નીના વહેમીલા વલણને લીધે પતિ નિકટ આવી નથી શકતો જેનાથી ઉશ્કેરાઈને પત્ની વધારે આક્રમક બનીને તેની શંકાશીલતામાં વધારો કરી દે છે. આવા વહેમીલા પતિઓ પણ હોય છે જે પોતાની શંકાની અસરમાં પત્નીને રીતસરની ટૉર્ચર કરે છે અને પછી પત્નીને સેક્સમાંથી રસ ઊડી જાય તો એ વાતને પત્નીની ચારિhયહીનતાનો પુરાવો માનીને વધારે વહેમીલા બની જાય છે. ખેર, શંકાશીલતા પતિ કે પત્ની કોઈ પણ પક્ષે હોય, તે યુગલના કામજીવનને છિન્નભિન્ન કરી નાખે છે. ક્યારેક પતિ-પત્ની બન્ને વહેમીલાં હોય એવું પણ બને છે. તેમનું કામજીવન અચૂક ખાડે જાય છે. દામ્પત્યજીવનમાં શંકા-ઈર્ષા ઘણી રીતે ખલેલ પહોંચાડી શકે છે. ક્યારેક એવું બને છે કે પતિ કે પત્ની ટૂંક સમય માટે કોઈ સાથે લગ્નેતર સંબંધ બાંધે છે, પણ પછી ભૂલ સમજાતાં ફરી પાછા પાર્ટનર પ્રત્યે વફાદારી બતાવી લગ્નજીવનમાં સ્થાયી થઈ જાય છે, પણ પછી પાર્ટનરના મનમાં ઊભી થયેલી શંકાઓ તેમના કામજીવનને કાયમી ધોરણે ખોરવી નાખે છે.

શંકાશીલ વ્યક્તિ આટઆટલી રીતે કામજીવનને ખોરંભે પાડી શકે છે. પહેલું તો એ કે તેના મનમાં વહેમ હોવાથી તે રોમૅન્સ, ફોરપ્લે કે નિકટતા બતાવવાને બદલે પાર્ટનરની હરકતોની જાસૂસી કરવામાંથી જ ઊંચી ન આવવાથી સામીપ્ય શક્ય જ નથી બનતું. બીજું, વહેમીલી વ્યક્તિના મનમાં સતત ત્રીજું કાલ્પનિક પાત્ર ઘૂમરાતું રહેતું હોવાથી તેને જેન્યુઇન સેક્સ્યુઅલ ડિઝાયર ઉત્પન્ન જ નથી થઈ શકતી. વળી તેને ઑર્ગેઝમની ફીલિંગ પણ યોગ્ય તીવ્રતાથી અનુભવાતી નથી. ઇરેક્શન કે લ્યુબ્રિકેશન પણ અધૂરાં રહી જાય છે. વળી તેણે કરેલા કચવાટ, અકળામણ કે ઊલટતપાસથી પાર્ટનર પણ ડઘાઈને શાંત પડી જાય છે. આમ જાતીય અવસરના તમામ મોરચે સરેઆમ નિષ્ફળતા મળે છે. જો વહેમીલી વ્યક્તિનો પાર્ટનર સરસ રીતે ફોરપ્લેમાં ઇન્વૉલ્વ થાય તો વહેમીલી વ્યક્તિ આક્ષેપ મૂકે છે કે તું મનમાં બીજા કોઈને રાખીને મને ખુશ રાખવાનું નાટક કરે છે. આમ સરવાળે વહેમ તેની જાતીયતાને ખતમ કરી નાખે છે.

ક્યારેક વહેમીલી વ્યક્તિને પાર્ટનર માટે રીતસરનું આકર્ષણ જન્મતું હોય છે. હવે વહેમીલી વ્યક્તિના મનમાં જો પાર્ટનર પ્રત્યે ઘૃણા યા તિરસ્કાર હોય તો તે સામેવાળી વ્યક્તિને કઈ રીતે ઉત્તેજિત કરી શકે? પણ ખાટલે મોટી ખોડ એ છે કે વહેમીલી વ્યક્તિ કદી જાણતી, સમજતી યા સ્વીકારતી નથી કે તે વહેમીલી છે. આથી તેની સાથે સામંજસ્ય સાધવું અશક્ય બની જાય છે. પ્રેમને બદલે વહેમ મનમાં સ્થાન લઈ લે તો કામજીવન પર પૂર્ણવિરામ મુકાઈ જઈ શકે છે.

કેટલીક વ્યક્તિ વહેમીલા પાર્ટનરથી ગભરાઈને દૂર જ રહેવાનું પસંદ કરે છે, પણ તેનાથી તો વહેમીલી વ્યક્તિને સાબિતી મળી જાય છે. આથી વહેમીલી વ્યક્તિને ક્યારેય જાતીય રીતે અવૉઇડ ન કરવી. એવું ભલે મનાતું હોય કે વહેમનું કોઈ ઓસડ નથી; પરંતુ હકીકતમાં વહેમનાં અનેક ઓસડ, ઇલાજો તથા ઉપચારો છે. વહેમીલી વ્યક્તિની માનસિક સારવાર કરી તેને પોતાની મનોદશામાંથી બહાર લાવવી રહી. તો જ કામજીવન ફરી થાળે પડી શકે. વળી વહેમીલી વ્યક્તિને મોટા ભાગે પોતાના વહેમની સાથોસાથ જ ડિપ્રેશન, ઑબ્સેશન, સુસાઇડલ વલણો વગેરે પણ હોવાની સંભાવના હોય છે. આથી કામજીવન વધારે નીરસ, સમસ્યારૂપ અને ડેલિકેટ બની જાય છે. પાર્ટનરે પુષ્કળ ધીરજ, હૂંફ, લાગણી, સંવેદના, સહાનુભૂતિ તથા કામાતુરતા દાખવવાં પડે છે તો જ તેમની ખોરંભાયેલી સેક્સલાઇફને ફરી પાટે ચડાવી શકાય છે.      

ગેરમાન્યતા

સેક્સની ઍબ્નૉર્મલિટી ધરાવતી વ્યક્તિને એ વાતની જાણકારી હોય છે

હકીકત

ઘણા લોકોને પોતાની જાતીય અસામાન્યતાની જાણ હોય છે, પરંતુ કેટલાક એવા લોકો પણ હોય છે જેમને પોતાની ગંભીર જાતીય અસામાન્યતાનીયે ખબર નથી હોતી