આપણા મુંબઈમાં ગંદકી કરતા લોકોને આપણે ટોકવા અને રોકવા પડશે

14 October, 2012 08:03 AM IST  | 

આપણા મુંબઈમાં ગંદકી કરતા લોકોને આપણે ટોકવા અને રોકવા પડશે



આ ચોખ્ખાઈ એટલે કઈ ચોખ્ખાઈ?


માણસ પોતાને ચોખ્ખો રાખે, પોતાના ઘરને ચોખ્ખું રાખે. પોતે ચોખ્ખો રહે અને ઘર ચોખ્ખું રહે એટલે તેની ફરજ આવે છે કે તેણે પોતાના મહોલ્લાને ચોખ્ખો કરવો. આ કામ પૂરું થાય એટલે માણસે પોતાના વિસ્તારને, શહેરને, જિલ્લાને અને પછી રાજ્યને ચોખ્ખાં કરવાં. આ કામ પણ સુપેરે પાર પડે એટલે માણસની ફરજ આવે છે કે તે પોતાના રાષ્ટ્રને ચોખ્ખું કરે અને પછી માણસ ફરીથી પોતાને ચોખ્ખો કરે, પણ આ વખતે તેણે મનથી ચોખ્ખું થવાનું છે. બાપુએ આ સિવાય પણ જીવનમાં ઉતારવા જેવા બીજા અનેક નિયમો સમજાવ્યા હતા; પણ એ બધા નિયમોમાંથી આ એક નિયમ સૌથી સીધો, સાદો અને સરળ છે અને એમ છતાં આપણે બાપુના આ નિયમનું પાલન કરી નથી શકતા. નથી મનની ચોખ્ખાઈ કે નથી સ્વચ્છતાની દૃષ્ટિએ કહેવાય એવી ચોખ્ખાઈ. મનની ચોખ્ખાઈ તો માણસ પોતે ઇચ્છે નહીં ત્યાં સુધી તે ન પામી શકે; પણ ઘરની, ગલીની, મહોલ્લાની, વિસ્તારની અને પોતાના ગામ કે શહેરની ચોખ્ખાઈ તો તેના પોતાના હાથમાં છે અને એ પછી પણ આજે આપણા આ શહેરમાં ક્યાંય ચોખ્ખાઈ દેખાતી નથી, જ્યાં જુઓ ત્યાં ગંદકીનું રાજ છે. ગંદકીનું આ રાજ જોતાં મને કહેવાનું મન થાય છે કે માણસ હવે પરિસ્થિતિ અને સંજોગો સામે આંખ આડા કાન કરતો થઈ ગયો છે.

મહાત્મા ગાંધીની આત્મકથામાં જ એક જગ્યાએ તેમણે ઉલ્લેખ કર્યો છે કે સફાઈવાળા વિસ્તારમાં રહેવું એ દરેક નાગરિકનો હક છે. એ સમયે બાપુએ કદાચ ભવિષ્યમાં રાજકારણમાં ગંદકી ઘૂસશે એવું જોયું હશે, પણ બાપુએ એ નહીં જોયું હોય કે નાગરિક પોતે પોતાનો આ હક મારવા માટે તત્પર થઈ જશે. આજે આ ગંદકીને કારણે મારું મુંબઈ મરી રહ્યું છે. જ્યાં જુઓ ત્યાં ગંદકી છે. અપાર્ટમેન્ટમાં ગંદકી છે, સડક પર ગંદકી છે, દરિયામાં ગંદકી છે. મુંબઈની શાન કહેવાય એવી ચોપાટી પર ગંદકી છે અને મુંબઈનું નાક કહેવાય એવા ગેટવે ઑફ ઇન્ડિયા પાસે પણ ગંદકી છે. મને લાગે છે કે આ ગંદકી મુંબઈગરાની ગંદકી નથી પણ છેલ્લાં ત્રીસ-પાંત્રીસ વર્ષથી મુંબઈમાં રહેવા આવેલા પરપ્રાંતીય લોકોની ગંદકી છે. મારી આ દલીલ નામ પૂરતી નથી, તાર્કિક અને માર્મિક પુરાવાઓ સાથેની છે.

હું મુંબઈમાં મારી પોતાની ગાડીમાં તો ફરું જ છું, સાથોસાથ બેસ્ટની બસમાં અને વેસ્ટર્ન રેલવેની લોકલ ટ્રેનમાં પણ ફરું છું. આ બધા સમય દરમ્યાન મારાં આંખ, કાન અને નાક ખુલ્લાં હોય છે. મેં જોયું છે કે જે લોકો મુંબઈમાં દશકાઓથી સેટલ થયા છે તેમનું વર્તન અને તેમની એટિકેટ સાવ જુદાં હોય છે. દસમાંથી બે માણસો મેં એવા પણ જોયા છે જેઓ વિના સંકોચે કોઈનો નીચે પડેલો કચરો પણ ઉપાડી લે છે. હું ખાતરીપૂર્વક કહી શકું કે એ બધા ઓરિજિનલ મુંબઈવાસીઓ છે. બાકીના આઠ જે કચરો ઉપાડતા નથી પણ કચરો કે ગંદકી કરતા પણ નથી એ બધા પણ લગભગ અડધી સદીથી મુંબઈમાં સેટલ થયા છે. આ બન્ને પ્રકારના લોકોને બાદ કરતાં એવા લોકોને જોઈએ જેઓ ગંદકી ફેલાવતા રહે છે. એ બધા મુંબઈની બહારના છે. મુંબઈની બહારના આ લોકોમાં ગુજરાતીઓ પણ આવી જાય અને બંગાળી, ઉત્તર પ્રદેશના ભૈયાઓ અને આસામીઓ પણ આવી જાય. એ લોકો પોતાના પ્રદેશમાં ગંદકી કરતાં ખચકાય છે. તેમને ડર હોય છે કે હમણાં કોઈ તેમને જોઈ જશે અને ટોકશે, પણ આ બધાની હિંમત મુંબઈમાં રીતસરની ખૂલી જાય છે. કોઈ ટોકવાવાળું નથી, કોઈ રોકવાવાળું નથી. બીજાઓની ક્યાં વાત કરું, ગુજરાતના ગુજરાતીઓ આવે છે ત્યારે મોંમાં પાનનો ડૂચો ચડાવીને એ લોકો પણ ટ્રેનમાંથી પિચકારીઓ મારતા રહે છે. ગેટવે ઑફ ઇન્ડિયા પર મેં ગુજરાતીઓને જ કાગળના ડૂચાઓ પાણીમાં ફેંકતા જોયા છે.

આપણા મુંબઈમાં ગંદકી કરતા આ લોકોને આપણે જરૂર પડ્યે ટોકવા પડશે. ‘આપણે શું’ની ભાવના મનમાંથી કાઢવી પડશે અને મનમાંથી એ પણ કાઢવું પડશે કે એ લોકો સાથે લપ કરીને શું કામ સમય બગાડવો. કેટલાક બિચારાઓને એવો પણ ડર છે કે ગંદકી ફેલાવનારા આ પરપ્રાંતવાસીઓને ટોકવા જતાં નાહકનો ઝઘડો થઈ જશે, પણ આવું વિચારનારાઓને મને કહેવાનું મન થાય છે કે જો તમારા જેવું જ ગાંધીજીએ વિચાર્યું હોત તો તેમણે ક્યારેય પરપ્રાંતવાસીઓ એવા અંગ્રેજોને તેમનાં કરતૂતો માટે ટોક્યા ન હોત. આપણે ખાલી મુંબઈને ગંદું કરી રહેલા લોકોથી શહેરને બચાવવાનું છે. ભલે એ લોકો અહીં રહે, આ શહેર કોઈના બાપની જાગીર નથી એ પણ એટલું જ સાચું; પરંતુ આ શહેરની સ્વચ્છતા તો આપણા બાપની જાગીર હોવી જ જોઈએ.

જો હજી પણ આ ભાવ મનમાં નહીં જન્મે તો આ મુંબઈ મરી જશે. આમ પણ મુંબઈ બિચારું ચારે બાજુએથી ઘેરાઈ ગયું છે. પોતાનો એક પણ અવયવ નથી ચલાવી શકતું. એમાં મારી-તમારી કે આપણી સૌની નિષ્ઠુરતા ઉમેરાશે તો બિચારું એ વહેલું મરે જશે. પ્લીઝ, સેવ ઇટ.

ખાલી ઍક્ટર નથી બનાવ્યા

પ્રોગ્રામ-ડિરેક્ટર કે પછી થિયેટર-ડિરેક્ટર તરીકે મારા હાથ નીચે લગભગ સો જેટલા ઍક્ટર તૈયાર થયા છે અને આજે કમર્શિયલ થિયેટર કે પછી ટીવી-સિરિયલો અને ફિલ્મોમાં કામ કરી રહ્યા છે. તેઓ જે કોઈ કામ કરે છે એ પોતાની ક્ષમતાના આધારે કરે છે એવું મારું માનવું છે. મેં જો કોઈ યોગદાન આપ્યું હોય તો એ કે જેને ઍક્ટિંગ સ્કિલનો એકડો પણ આવડતો નહોતો પણ એક્ટર બનવા નીકળ્યાં હતા એ લોકોને કાં તો ઘરે બેસાડી દીધા અને કાં તો તેમને લાયક બીજા ફીલ્ડમાં ડાયવર્ટ કરી દીધા. આમ જુઓ તો આ મારો થિયેટર પરનો ઉપકાર છે અને બીજા શબ્દોમાં કહીએ તો આ મારો ગુરુધર્મ છે. માત્ર બાહ્ય ઝાકઝમાળ જોઈને જો કોઈને ઍક્ટર બનવાનું મન થાય તો એ ન ચાલે. પ્રેક્ષક પણ ન ચલાવે અને સારા ડિરેક્ટર પણ ન ચલાવે, પણ આ જાકારો મળે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હોય અને ઍક્ટર બનવા માગતો માણસ પોતાની જિંદગીનો મહામૂલો સમય આ ફીલ્ડમાં વેડફી ચૂક્યો હોય. આવું ન બને અને જે-તે માણસને બીજા ક્ષેત્રમાં દાખલ થવા મળે એ માટે મેં કડવા થવાનું પસંદ કર્યું છે. મારી અત્યાર સુધીની કરીઅરમાં મેં લગભગ સોથી સવાસો જેટલા લોકોને સ્ટેજ પરથી પાછા ઘરે મોકલી દીધા છે; જેમાંથી કેટલાક આજે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે તો કોઈ એન્જિનિયર, કોઈ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તો કોઈ સેલ્સ હેડની પોઝિશન પર કામ કરે છે.

કમલેશ મોતા

૪૭ વર્ષના કમલેશ મોતા ભારતીય વિદ્યાભવનના પ્રોગ્રામ-ડિરેક્ટર છે. મુંબઈમાં જન્મેલા અને મુંબઈને જ કર્મભૂમિ બનાવી ચૂકેલા કમલેશ મોતા થિયેટર અને ટીવી-સિરિયલના જાણીતા ઍક્ટર અને ડિરેક્ટર પણ છે. કમલેશ મોતાએ પોતાની કરીઅરમાં ત્રીસથી વધુ નાટકોમાં અને લગભગ એટલી જ ટીવી-સિરિયલોમાં ઍક્ટિંગ કરી છે તો પચાસથી વધુ નાટકો ડિરેક્ટ કર્યા છે. મોટિવેશનલ પ્રોગ્રામ કમલેશભાઈની ફેવરિટ ઍક્ટિવિટી છે એટલે છેલ્લાં ચાર વર્ષથી તેઓ સ્કૂલ-કૉલેજમાં પૉઝિટિવ થિન્કિંગ અને મોટિવેશનલ પ્રોગ્રામ આપવા જાય છે. આ ચાર વર્ષમાં કમલેશભાઈએ મુંબઈમાં લગભગ સિત્તેર જેટલા પ્રોગ્રામ કર્યા છે. કમલેશ મોતાને મુંબઈ માટે અનહદ લગાવ છે. મુંબઈ માટે તે કોઈ પણ જાતની પૂર્વતૈયારી વિના ચાર-છ કલાક આરામથી બોલી શકે. અહીં પણ તેઓ મુંબઈ વિશે જ વાત કરે છે.