ડૉગીઓ જ્યારે દરિયામાં સર્ફિંગ કરવા નીકળ્યાં

14 October, 2012 07:49 AM IST  | 

ડૉગીઓ જ્યારે દરિયામાં સર્ફિંગ કરવા નીકળ્યાં



સેજલ પટેલ

દરિયાનાં મોજાંની સાથે હિલોળા લેતા સર્ફરો માટે સ્વર્ગ સમાન દક્ષિણ કૅલિફૉર્નિયાના ઑરેન્જ કાઉન્ટીમાં આવેલા હન્ટિંગ્ટન બીચમાં ગયા અઠવાડિયે જબરદસ્ત ફેસ્ટિવ સીઝન જામેલી. બારેમાસ આ બીચ સર્ફિંગ માટે આઇડિયલ ગણાય છે. માંડ દોઢ-બે લાખની વસ્તી ધરાવતું આ શહેર દેશ-વિદેશના સર્ફરોના આવાગમનથી જ ધમધમતું રહે છે એમ કહીએ તોય ચાલે. આખું શહેર બીચના કિનારે આવેલું છે અને એમાંથી લગભગ ૧૩.૭ કિલોમીટરનો વિશાળ અને સળંગ બીચનો પટ્ટો સર્ફિંગ માટે વપરાય છે.

આ લેખ સાથેના ફોટોગ્રાફ્સ જોશો તો સમજાઈ જશે કે આજે આ પ્રદેશના ભૂગોળની વાતો કેમ માંડી છે. અહીં થોડા દિવસ પહેલાં ડૉગીઓ માટેની સર્ફિંગ કૉન્ટેસ્ટ યોજાઈ ગઈ. એમાં ૪૬ પાલતુ ડૉગીઓએ એમની કળાનું જાંબાઝ પ્રદર્શન કર્યું હતું. અઢી વરસનાં નાનાં પપીથી લઈને પુખ્ત શ્વાનોએ દરિયાનાં મોજાંમાં ખાબકીને દર્શકોને જબરી મજા કરાવેલી. માણસોની જેમ હવે તેમનાં પેટ્સ પણ અખતરેબાજ થઈ રહ્યાં છે એની આ નિશાની છે. આજકાલ ટૉમી, મોતી કે સિમ્બા જેવા પાલતુ કુરકુરિયાંઓને માત્ર ઇન્સ્ટ્રક્શન પ્રમાણે બૉલ લઈ આવવા કે તમારું ચીંધ્યું કામ કરી આપવા જેવી ટ્રેઇનિંગ જ નથી અપાતી. એમને કહ્યાગરા બનાવવા ઉપરાંત જાંબાઝ પણ બનાવવામાં આવે છે અને એ માટેના બાકાયદા ટ્રેઇનિંગ ક્લાસિસ પણ ચાલે છે. સર્ફિંગ એક્સપર્ટો દ્વારા આખા વરસ દરમ્યાન અવારનવાર ડૉગી સર્ફિંગ વર્કશૉપ્સ થાય છે. જોકે માણસોને સર્ફિંગ શીખવવા કરતાં શ્વાનોને આ કળા શીખવવાના એક્સપર્ટોને ત્રણ ગણા પૈસા મળે છે. એમને જાંબાઝ બનવું હોય છે કે કેમ એ તો ખબર નથી, પણ હવેના અખતરાપ્રેમી ડૉગી-ઓનર્સને એમાં મજા પડે છે.

હન્ટિંગ્ટન બીચ પર ઇવેન્ટના દિવસે ડૉગ-ઓનર્સ અને સહેલાણી દર્શકો કરતાં એમનાં પેટ્સનો જબરો દબદબો હતો. કેટલાય સ્પર્ધકોએ મૉડલિંગ કરતા હોય એવી અદાથી બીચ પર એન્ટ્રી મારી હતી. કેટલાંક તો મજાનાં કપડાં, ચડ્ડી, ગળામાં સ્કાર્ફ અને ગોગલ્સ સુધ્ધાં પહેરીને ફર્યા હતાં. ચારપગાં પ્રાણીઓ માટેની સર્ફિંગ કૉન્ટેસ્ટનું આ ચોથું વરસ હતું. એમાં ડૉગીઓ પણ ખાસ્સા અનુભવી થઈ ગયા હોય એવું જણાતું હતું. બપોરના સમયે જ્યારે મોજાંઓની હાઇટ પ્રમાણમાં ઓછી હોય એ સમયે ડૉગ સર્ફિંગ કૉન્ટેસ્ટ શરૂ થયેલી. મોટા ભાગના ડૉગીઓ બેથી અઢી ફૂટ ઊંચાં મોજાંઓ સુધી સર્ફિંગ કરે એવી તાલીમ અપાયેલી.

શ્વાનોની સેફ્ટી માટે બધાને લાઇફ-જૅકેટ પહેરાવવામાં આવેલું અને નાનાં અને નવાં ગલૂડિયાંઓની સાથે તેમના ટ્રેઇનરો પણ પાણીમાં ખાબક્યા હતા. કેટલાકના ગળે વૉટર-પ્રૂફ કૅમેરા પણ હતા, જેથી તેઓ પાણીમાં ક્યાંક પડી જાય તો તરત જ એમને શોધીને બહાર કાઢી લઈ શકાય.

કૅલિફૉર્નિયાના આ બીચ પર છેલ્લાં ત્રણ વર્ષથી આ કૉન્ટેસ્ટ યોજાય છે. આ ચોથું વરસ હતું. આ પહેલાં યોજાયેલી ત્રણેય સ્પર્ધાઓ કરતાં આ વરસનું સ્પર્ધક ડૉગીઓનું પ્રદર્શન અફલાતૂન રહ્યું. એમની સર્ફિંગ સ્ટાઇલને મૂલવવાના ચાર ક્રાઇટેરિયા જજિઝે રાખેલા. સૌથી પ્રાઇમરી પૉઇન્ટ ડૉગ સર્ફ-બૉર્ડ પર બેસી રહે એનો હતો. સર્ફ-બૉર્ડ પર બે પગે ઊભા રહેલા ડૉગીઓને એનાથી વધુ પૉઇન્ટ મળે. ચારે પગે ઊભા રહેનારને એનાથી વધુ પૉઇન્ટ મળે અને ઊભા રહીને ઊંચા ઊછળતાં મોજાંની સાથે હવામાં સર્ફ-બૉર્ડ પર ચકરી ખાઈ શકે એને સૌથી વધુ પૉઇન્ટ મળે.

છેલ્લાં ચાર વરસના અનુભવી એવા એક જર્મન બૉક્સર ડૉગીએ તો આ બધું જ કરી બતાવ્યું. ત્રણ ફૂટ ઊંચાં મોજાંઓ પર ચડીને ચકરી ખાધી એટલું જ નહીં, સૌથી લાંબું અંતર પણ સર્ફ કરીને કાપ્યું.

જોકે પહેલી વાર ભાગ લઈ રહેલા કેટલાક ગભરુ જીવોએ જાણે તેમના માલિકોએ પરાણે પાણીમાં ખાબકાવ્યા હોય એમ ડરીને ભાગભાગ કરી મૂકેલી. જોકે ઓવરઑલ મોટા ભાગના ડૉગીઓ એમને બેસાડવામાં આવેલા સર્ફ-બૉર્ડ પર બેસીને મજાની રાઇડ માણી હતી.

તમે ક્યારેય સર્ફિંગ કર્યું હોય તો ખબર હશે કે એ કેટલું અઘરું કામ છે. ઘણાની તો બીજાને દરિયાનાં મોજાંની સાથે ઉછાળા મારતા જોતી વખતે પણ ધડકન તેજ થઈ જાય છે. જોકે હવે આ કૉન્ટેસ્ટ જોઈને જરૂર થશે યાર, આપણે આ ડૉગીઓ જેટલીયે હિંમત નથી ધરાવતા?