લગ્ન પહેલાંના એક મહિનાથી રડવાનું શરૂ કરવું પડે

14 October, 2012 07:48 AM IST  | 

લગ્ન પહેલાંના એક મહિનાથી રડવાનું શરૂ કરવું પડે



માનો યા ન માનો

રંગેચંગે લગ્નની વિધિ પતી જાય અને છેલ્લે કન્યાવિદાયની ઘડી આવે એટલે ફૂલગુલાબી વાતાવરણ એકદમ શોકમગ્ન થઈ જાય છે. નવવધૂની આંખમાંથી દડદડ આંસુ પડે છે અને તેનાં માતાપિતા, મિત્રો-સ્નેહીજનો બધાંને દીકરી હવે પારકી થઈ ગઈ એ વિચારે આંખો ભરાઈ આવે છે. કન્યાવિદાય વખતે રડવું આવવું એ સહજ પ્રક્રિયા છે, પિયુઘરે જવા તલપાપડ થતી કન્યા પણ લગ્ન પછીની આ ઘડીએ છલકી ઊઠે છે. આ સહજ પ્રક્રિયા ચીનના એક પ્રાંતમાં રિવાજ છે એટલે કે ત્યાં કન્યાએ રડવું જ પડે છે અને માત્ર કન્યાવિદાયની ઘડીએ જ નહીં, લગ્નની તારીખના એક મહિના પહેલાંથી રોજ રડવું પડે છે.

દક્ષિણ-પશ્ચિમ ચીનના સિચુઆન પ્રાંતના ઘણા વિસ્તારોમાં લગ્નની વિધિ પહેલાં આવો રડવાનો રિવાજ છે જે લગભગ ૧૬૪૪ની સાલથી ચાલ્યો આવતો હોવાનું મનાય છે. હવે તો મોટા ભાગના ચીનાઓમાં આ રિવાજ માત્ર માનવા પૂરતો જ મનાય છે, પણ તુજિયા જાતિના લોકો હજીયે આ રિવાજનું પૌરાણિક શાસ્ત્ર અનુસાર અક્ષરશ: પાલન કરે છે. એવું મનાય છે કે બીફોર ક્રાઇસ્ટના સમયમાં ઝાઓ રાજ્યની રાજકુમારીએ યાન રાજ્યના કુમાર સાથે લગ્ન કર્યા ત્યારે રાજકુમારીની માતા દીકરીને વળાવતી વખતે એટલીબધી ભાંગી પડેલી કે તેણે દીકરીને બનેએટલું જલદીથી પાછા પિયર આવી જવા માટે તેના પગે પડીને વિનવેલી. રાજકુમારી પણ એ દિવસે બેભાન થઈ જાય એટલું રડેલી. લગ્ન પછી આ રાજકુમારીનાં ભાગ્ય ખૂલી ગયાં અને તે ખૂબ સુખી થઈ. એ પછીથી એક લોકવાયકા વહેતી થઈ કે લગ્નટાણે જે કન્યા અને કન્યાના ઘરવાળા ખૂબ રડે તે દીકરી વહુ બનીને સુખી થઈ જાય.

એ પછી કેટલોય સમય આ એક લોકવાયકા જ રહી, પણ ૧૬૪૪થી આ માન્યતાને રિવાજનું રૂપ આપવામાં આવ્યું. આ રિવાજમાં એક મહિના પહેલાંથી કન્યાના ઘરે એક ખાસ બેઠક શરૂ થઈ જાય છે જેમાં લગ્નેચ્છુક કન્યા હૉલમાં બેસીને લગભગ એક કલાક સુધી રડે છે. રોજ બપોર પછીના સમયે તે ઘરના મુખ્ય હૉલમાં બેસીને રડે છે. દસેક દિવસ પછી આ રડવાની પ્રક્રિયામાં તેની મમ્મી પણ જોડાય છે. એ પછીના દસ દિવસે તેની દાદી, કાકી, બહેન, ભાભી જે કોઈ પણ નજીકની મહિલા મેમ્બર હોય એ બધા જ આ એક કલાક દરમ્યાનની ક્રાઇંગ સેરેમનીમાં જોડાય છે. ત્યાંની ભાષામાં આ કસ્ટમને ઝુઓ ટૅન્ગ (હૉલમાં બેસવું) કહેવાય છે. આ સેરેમનીમાં કન્યા રડતાં-રડતાં વિદાયનાં ગીતો ગાય છે અથવા તો જુદી-જુદી રીતે રડીને અને પિયરના ગુણગાન બોલીને પિયરિયાંઓ માટેની તેની ભાવના વ્યક્ત કરે છે.

ગીતો ગાતી વખતે કન્યા લગ્ન માટે તેનું જોડકું ગોઠવી આપનારી મધ્યસ્થી મહિલાને પણ હલકા શબ્દો કહે છે. ગુજરાતી લગ્નોમાં જેને ફટાણાં કહે છે એવું જ કંઈક કન્યાપક્ષના લોકો લગ્ન જોડી આપનારી મહિલા માટે ગાય છે.