સાડાસત્તર ઇંચની આ ઘોડીના ઘણા ચાહકો છે

07 October, 2012 07:48 AM IST  | 

સાડાસત્તર ઇંચની આ ઘોડીના ઘણા ચાહકો છે



રેકૉર્ડ મેકર

ઍવરેજ સાઇઝ ધરાવતો સામાન્ય ઘોડો પણ માણસની હાઇટ કરતાં ઘણો ઊંચો હોય છે, પણ જેમ માણસોમાં ઠીંગુજીઓની અલગ દુનિયા હોય છે એમ ઘોડાઓમાં પણ ઠીંગુજીઓ હોય છે. આવા ઘોડાની બ્રીડ જ અલગ હોય છે. મિનિએચર હૉર્સ તરીકે ઓળખાતા આ ઠીંગુ ઘોડાઓની સરેરાશ હાઇટ ૩૪થી ૩૮ ઇંચ એટલે કે આશરે ત્રણેક ફૂટની આસપાસ હોય છે. મતલબ કે સામાન્ય ઘોડો જન્મ વખતે જેટલી હાઇટનો હોય એટલી હાઇટ મિનિએચર ઘોડાઓ પુખ્ત અવસ્થાએ પહોંચે ત્યારે મેળવે છે.

જોકે વિશ્વની સૌથી ટચૂકડી ઘોડીનું કદ માત્ર અને માત્ર સાડાસત્તર ઇંચ એટલે કે આશરે દોઢ ફૂટ જેટલું જ છે. એનું નામ છે થમ્બલિના. ૨૦૦૧માં અમેરિકાના સેન્ટ લુઇસ શહેરના એક પ્રાઇવેટ ફાર્મમાં થમ્બલિના જન્મી ત્યારે એનું કદ હતું ૧૦ ઇંચ અને વજન માત્ર ચાર કિલો. એની જીવવાની શક્યતાઓ ઘણી જ ઓછી હોવા છતાં એ જીવી ગઈ અને અત્યારે ૧૧ વરસની થઈ છે ત્યારે એની હાઇટ પુખ્ત પૉમેરેનિયન કૂતરા જેટલી જ છે. બે-ત્રણ વરસની થઈ ત્યાં સુધી કૂતરાના બચ્ચા કરતાંય નાની દેખાતી થમ્બલિનાએ હવે તો ફાર્મમાં કૂતરાઓના શેડને જ પોતાનું ઘર બનાવી દીધું છે. બાળકો આ ફાર્મમાં થમ્બલિના સાથે છૂટથી રમે છે.

બાળકો માટે ફાર્મની આ ટચૂકડી ઘોડી આકર્ષણનું જબરું કેન્દ્ર બની ગઈ હોવાથી અને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ દ્વારા ૨૦૦૬માં એનું નામ નોંધાયા પછી થમ્બલિનાએ સાત મહિનામાં ૪૮ રાજ્યોમાં ચૅરિટી-ટૂર કરી છે. ૧૮૦ હૉસ્પિટલો, સ્કૂલો અને ચાઇલ્ડ-શેલ્ટર્સમાં એને લઈ જવામાં આવેલી અને એમાંથી જે ફન્ડ એકઠું થયું એ જરૂરિયાતમંદ બાળકોની સંસ્થાને આપવામાં આવેલું. હાલમાં યુરોપ, બ્રિટન અને આખા અમેરિકામાં એના લાખો ચાહકો છે અને એના નામનો કિડ્સ માટેનો સ્ટોર સેન્ટ લુઇસમાં છે. અહીં થમ્બલિના થીમ પર બાળકોનાં પુસ્તકો, પઝલ્સ, ટી-શર્ટ્સ, હૅટ, ટૉય્ઝની આખી સિરીઝ મળે છે. www.worldssmallesthorse.com પર દોઢ ફૂટની આ ઘોડીના બાળચાહકો, સ્ટોર અને એની ઍક્ટિવિટીઝ વિશે નિયમિત અપડેટ્સ મળતાં રહે છે.