મ્યુચ્યુઅલ ફન્ડમાં બીજા નંબરે આવતી કંપનીના બૉસને મળીએ

30 November, 2014 07:33 AM IST  | 

મ્યુચ્યુઅલ ફન્ડમાં બીજા નંબરે આવતી કંપનીના બૉસને મળીએ




ગુજરાતી ON TOP - રુચિતા શાહ

કોઈ રેસ્ટોરાંનો માલિક તેના પરિવાર સાથે પોતાની જ રેસ્ટોરાંમાં જમતો હોય તો સ્વાભાવિક રીતે એ રેસ્ટોરાંમાં જમતા બીજા કસ્ટમરોનો એ રેસ્ટોરાં પ્રત્યેનો વિશ્વાસ ડબલ થઈ જાય. સહજ રીતે તેમના મગજમાં પહેલો વિચાર એ આવે કે આ રેસ્ટોરાંનું ફૂડ નક્કી બહુ સારું હશે તો જ વળી એનો માલિક પણ એમાં જમેને. ICICI પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફન્ડના MD અને CEO નિમેષ શાહ પણ લોકોની આ માનસિકતાને બરાબર સમજે છે એટલે જ કદાચ પોતાનું પર્સનલ લેવલનું બધું જ ઇન્વેસ્ટમેન્ટ તેમણે પોતાની જ કંપનીમાં કર્યું છે. મ્યુચ્યુઅલ ફન્ડમાં ઇન્વેસ્ટ કરનારા બીજા ઇન્વેસ્ટરોના મનમાં રહેલા રિસ્ક-ફૅક્ટરને ધ્યાનમાં રાખીને અને તેમની વિશ્વસનીયતા સાથે પોતાની કાર્યપ્રણાલી અને કંપનીના પ્રૉફિટ-ગ્રાફ પર ભરોસો રાખીને પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ પોતાની જ કંપનીમાં કરવાનો ઉદ્દેશ પણ પોતાની રેસ્ટોરાંમાં જમતા રેસ્ટોરાંના પેલા માલિક જેવો છે.

૧૯૯૨માં CAની ડિગ્રી મેળવીને નિમેષભાઈ બાવીસ વર્ષની ઉંમરે ICICI બૅન્ક સાથે જોડાયા હતા અને છેલ્લાં બાવીસ વર્ષથી તેઓ આ બૅન્ક સાથે જોડાયેલા છે. ICICI બૅન્ક ઇન્ડસ્ટ્રિયલ ક્રેડિટ ઍન્ડ ઇન્વેસ્ટમેન્ટ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા બૅન્ક તરીકે ઓળખાતી હતી ત્યારે તેઓ બૅન્કના પ્રોજેક્ટ ફાઇનૅન્સ સેક્શનમાં જોડાયા હતા. એક જ કંપનીમાં અનેક ચૅલેન્જિંગ જૉબ-પ્રોફાઇલ અને સુપરડુપર પર્ફોર્મન્સ આપ્યા પછી અત્યારે એક લાખ ત્રીસ હજાર કરોડ રૂપિયાની ઍસેટ્સ ધરાવતી અને મ્યુચ્યુઅલ ફન્ડ કંપનીઓમાં બીજા નંબરે આવતી ICICI પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફન્ડ ઍસેટ મૅનેજમેન્ટ કંપનીમાં નિમેષ શાહ સૌથી ટોચની પોઝિશન પર ૨૦૦૭થી આજ સુધી એટલે કે લગભગ છેલ્લાં આઠ વર્ષથી છે. પ્રોફેશનલ લાઇફની બાવીસ વર્ષની જર્નીમાં ટૉપ પર પહોંચવા સુધીની તેમની સફર પર એક નજર કરીએ.

બૅન્કિંગ પૅશન હતું જ


નિમેષ શાહનો જન્મ, ઉછેર, ભણતર અને ગ્રોથ બધું જ સાયનમાં થયું છે. પોદાર કૉલેજમાં ભણવાની સાથે CAનો અભ્યાસ શરૂ કર્યો એમ જણાવીને તેઓ કહે છે, ‘મારા પિતા CA હતા. તેઓ સ્ટૉકમાર્કેટમાં કામ કરતા હતા. નાનપણથી ઘરમાં એ પ્રકારનો માહોલ હતો. મને કૉમર્સમાં રસ હતો. બૅન્કિંગ, અકાઉન્ટિંગ વગેરે મને કરવાનું ગમતું હતું. એટલે ત્યારે જ નક્કી કરી લીધું હતું કે હું આ જ ફીલ્ડમાં આગળ વધીશ. CAની ડિગ્રી મળી ગયા પછી મેં ICWAનો કોર્સ કર્યો. શરૂઆતમાં કેટલાક રિલેટિવ સાથે પણ કામ કર્યું. એ પછી અનાયાસ જ ICICI બૅન્કમાં જૉબ મળી ગઈ. હું મારા કામમાં ખૂબ ફોકસ્ડ હતો. મારે શું કરવું છે એની ક્લૅરિટી ધીમે-ધીમે આવતી ગઈ, પરંતુ જે કંઈ કરવું છે એ આ જ દિશામાં કરવું છે એ બાબતને લઈને ખૂબ ફોકસ્ડ હતો.’

મોટા ભાગની ગુજરાતી ફૅમિલીના કલ્ચર પ્રમાણે પોતાનો બિઝનેસ કરવાનો વિચાર ન આવ્યો એ પ્રશ્નના જવાબમાં તેઓ કહે છે, ‘હું કૉમર્સમાં જ જઈશ એ ક્લૅરિટી હતી. એ પછી ધીમે-ધીમે એમાં પણ ક્લૅરિટી આવતી ગઈ કે જો હું પોતાનો બિઝનેસ કરું તો એક લિમિટમાં રહીને મારે કામકાજ કરવું પડે. હું જ્યારે ICICI બૅન્કમાં જોડાયો ત્યારે મારી જૉબ-પ્રોફાઇલ પ્રમાણે મોટા-મોટા બિઝનેસમેન અને ઇન્ડસ્ટ્રિયલિસ્ટ પોતાની કંપની માટે ફાઇનૅન્સ મેળવવા મારી પાસે આવતા હતા. પહેલા જ તબક્કે મારો પરિચય અને મારું અનુસંધાન એવા લોકો સાથે થવાનાં શરૂ થયાં જે લોકો એક મુકામ પર પહોંચી ગયા હતા અને મને લાગે છે કે આ પણ એક બિઝનેસ છે. પોતાના બિઝનેસના ગ્રોથ માટે જે કરવાનું હોય એ જ કામ અહીં પણ કરવાનું હતું. મોટી બ્રૅન્ડ સાથે કામ કરો એટલે તમારા બિઝનેસનો સ્કેલ પણ વધી જાય. મોટા સ્કેલમાં કામ કરવું અઘરું હોય છે અને એટલે જ એ મને ચૅલેન્જિંગ લાગતું હતું. ચૅલેન્જિંગ કામ કરવાની વધુ મજા પડતી હોય છે. બીજી વાત એ કે તમે જે પ્રકારની ગુણવત્તાના લોકોની આસપાસ કામ કરો એની અસર તમારી ક્વૉલિટી પર પણ પડતી હોય છે. આટલા મોટા સ્કેલના બિઝનેસ સાથે સંકળાયેલા લોકો પણ ઊંચી કક્ષાના હતા. તેમની સાથે કામ કરતાં-કરતાં ઑટોમૅટિકલી તમે પોતે પણ ગ્રોથની દિશામાં આગળ વધો છો.’

પ્રોગ્રેસની સાથે ને સાથે

નિમેષભાઈએ જ્યારે જૉઇન કર્યું ત્યારે ICICI બૅન્ક જ સિંગલ પ્રોજેક્ટ પર ફોકસ કરી રહી હતી. ICICI બૅન્કનું મૂળભૂત ડેવલપમેન્ટ ૧૯૯૦ના અંતમાં અને ૨૦૦૦ની સાલના પ્રારંભથી શરૂ થયું. જોકે એને કારણે અનેક નવી બાબતોની શરૂઆતનો હિસ્સો બનવાનો અવસર તેમને મળ્યો. ICICI બૅન્કના ઘણા નવા પ્રોજેક્ટની શરૂઆત થઈ ત્યારે એમાં તેઓ કામ કરી શક્યા. જેમ કે પહેલું ATM લગાડવાનું હતું ત્યારે તેઓ સ્પૉટ પર હતા. મિડલ ઈસ્ટ અને આફ્રિકાના અમુક દેશોમાં ICICI બૅન્કની ઓળખ ઊભી કરવાની હતી ત્યારે પાંચ-છ વર્ષ દેશની બહાર રહીને ઇન્ટરનૅશનલ બૅન્કિંગ પણ તેમણે કર્યું. ICICI બૅન્કની પ્રોગ્રેસને તેઓ ખૂબ નજીકથી જોઈ શક્યા છે. અત્યારે પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફન્ડ કંપનીની લગભગ બધી જ સ્કીમ બેહતરીન પર્ફોર્મન્સ આપી રહી છે. સમયસૂચકતા વાપરીને સ્કીમ લૉન્ચ કરવી એ તેમની ખૂબી રહી છે જેને કારણે લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. સાથે એમાં ઇન્વેસ્ટ કરનારા ઇન્વેસ્ટરોને પણ સારુંએવું રિટર્ન મળ્યું છે. મ્યુચ્યુઅલ ફન્ડ પર રિસર્ચ કરતી અને એને લગતી કંપનીને ગ્રેડ આપતી અમેરિકન-બેઝ્ડ કંપની મૉર્નિંગ સ્ટારે ઇક્વિટી, ડેટ અને મિક્સ ઍસેટના બેસ્ટ મૅનેજમેન્ટ માટેના બધા જ અવૉડ્ર્સ ICICI પ્રુડેન્શિયલ ઍસેટ મૅનેજમેન્ટ કંપનીને આપ્યા છે.

અંતમાં પોતાનો બિઝનેસ-મોટિવ જણાવતાં નિમેષ શાહ કહે છે,

‘સાદી-સરળ ભાષામાં કહું તો અમારું કામ લોકોના પૈસા મૅનેજ કરવાનું છે. જોકે માત્ર લોકોના પૈસા જ નહીં, લોકોનો વિશ્વાસ પણ અમારા પર હોય છે. કોઈ પણ મ્યુચ્યુઅલ ફન્ડમાં ઇન્વેસ્ટ કરે છે એ કસ્ટમર રિટર્નની અપેક્ષા અને વિશ્વાસ સાથે કરે છે. એટલે જ અમે કંપનીને સેલ્સ-સેન્ટ્રિક બનાવવાને બદલે ઇન્વેસ્ટમેન્ટ-સેન્ટ્રિક બનાવી છે. કસ્ટમરો અને શૅરહોલ્ડરોને તેમના રોકાયેલા પૈસાનું સારું રિટર્ન મળે છે અને એમાં કંપનીનો પણ ગ્રોથ હોય છે. કેટલાક અંશે એમાં અમને સફળતા મળી છે.’