દુનિયા બદલી નાખશે આ ૨૫ શોધ

30 November, 2014 07:30 AM IST  | 

દુનિયા બદલી નાખશે આ ૨૫ શોધ



સ્પેશ્યલ સ્ટોરી - જયેશ અધ્યારુ

જમીનથી એક ઇંચ ઉપર ઊડતું હોવરબોર્ડ

કિંમત : ૬.૧૮ લાખ રૂપિયા

પૈડાંવાળું સ્કેટબોર્ડ અને દરિયાનાં મોજાં પર તરતું સર્ફબોર્ડ તો આપણે જોયું છે, પરંતુ મહાભારતમાં જેમ યુધિષ્ઠિરનો રથ જમીનથી એક વેંત ઊંચો રહેતો હતો એ રીતે કોઈ પાટિયું આપણને હવામાં અધ્ધર રહીને સરકવા દે તો? આવું જ એક પાટિયું સાયન્સ ફિક્શન ફિલ્મ ‘બૅક ટુ ધ ફ્યુચર’માં બતાવવામાં આવ્યું હતું, પરંતુ હવે કૅલિફૉર્નિયાની હેન્ડો નામની એક કંપનીએ હોવરબોર્ડ નામનું આવું જ એક પાટિયું બનાવ્યું છે. એના નીચેના ભાગમાં બૅટરીથી ચાલતાં ચાર ખાસ પ્રકારનાં હોવર-એન્જિન ફિટ કરવામાં આવ્યાં છે, જે ચાલુ કરતાંવેંત આપણા વજન સાથે પાટિયાને હવામાં એક ઇંચ અધ્ધર કરી દે છે. બસ, પછી આપણે પાટિયાને આગળ ધક્કો મારવાનો એટલે એ આપણને જાદુઈ શેતરંજીની જેમ હવામાં તરાવવા લાગે! લોચો માત્ર એટલો જ છે કે અત્યારે એની બૅટરી માત્ર પંદર મિનિટ ચાલે છે અને એની કિંમત પણ છ લાખ રૂપિયા જેટલી છે. એટલે જ હજી એનું વેપારી ધોરણે ઉત્પાદન પણ શરૂ નથી થયું, પરંતુ પરિવર્તનનો શંખ ફૂંકાઈ ચૂક્યો છે.

ટાંકણીથી તાજમહલનું 3D પ્રિન્ટિંગ

પ્રિન્ટિંગ ટેક્નૉલૉજીમાં થ્રી ડાઇમેન્શનલ (3D) એટલે કે ત્રીજું પરિમાણ ઉમેરાયું છે. એ સાથે જ મૅન્યુફૅક્ચરિંગ વિશ્વમાં ક્રાન્તિ આવવાનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે. ખાસ પ્રકારનું 3D પ્રિન્ટર કમ્પ્યુટર સાથે જોડીને કમ્પ્યુટરમાં તૈયાર કરેલા મૉડલની પ્રિન્ટ આપીએ કે તરત જ આબેહૂબ એ વસ્તુ બનીને નીકળે એ કલ્પના હવે વાસ્તવિકતામાં પલટાઈ ગઈ છે. વ્યક્તિઓના ચહેરા, મશીન, રમકડાં વગેરે વસ્તુઓ કોઈ જાદુની જેમ 3D પ્રિન્ટિંગમાં છપાઈને નીકળે છે. આ 3D પ્રિન્ટિંગમાં પ્લાસ્ટિક તથા અન્ય મટીરિયલનો કાચા માલ તરીકે ઉપયોગ થાય છે.

સબસે સસ્તા, સબસે અચ્છા : મંગલયાન

કિંમત : ૪૫૭ કરોડ રૂપિયા

હૉલીવુડની ફિલ્મ ગ્રૅવિટી કરતાં પણ ઓછા ૭૪ મિલ્યન ડૉલર (૪૫૭ કરોડ રૂપિયા)ના બજેટમાં આપણે મંગળની કક્ષામાં સફળતાપૂવર્‍ક યાન મોકલી આપ્યું, એ પણ પહેલે જ ધડાકે. આપણા માનવરહિત મંગલયાનમાં કલર કૅમેરા, મંગળ પર મિથેનનું પ્રમાણ માપતું સેન્સર, ઇન્ફ્રારેડ કિરણોનું ઍનૅલિસિસ કરતું સ્પેક્ટ્રોમીટર વગેરે પાંચ ઇન્સ્ટુમેન્ટ મૂકવામાં આવ્યાં છે, જેનું વજન પંદર કિલોગ્રામ જેવું થાય છે. છ મહિના સુધી કાર્યરત રહેનારા આ સફળ મિશને ભારતને અમેરિકા, સોવિયેટ રશિયા, યુરોપિયન યુનિયન જેવા દેશોની હરોળમાં મૂકી આપ્યું છે.

ઘરઘરમાં સૂર્ય : હાઈ બીટા ફ્યુઝન રીઍક્ટર

હિરોશિમા અને નાગાસાકી પર ફેંકાયા હતા એના જેવા અણુબૉમ્બમાં થાય છે એનાથી તદ્દન ઊલટી પ્રક્રિયા આપણા સૂર્યમાં થાય છે. હાઇડ્રોજન વાયુના બે અણુને પ્રચંડ તાકાતથી ભેગા કરો તો બન્ને એકબીજા સાથે જોડાઈને હિલિયમ વાયુનો એક અણુ બનાવે છે. ફ્યુઝન તરીકે ઓળખાતી આ પ્રક્રિયામાં અણુબૉમ્બ કરતાં ત્રણથી ચાર ગણી વધુ પાવરફુલ ઊર્જા‍ ઉત્પન્ન થાય છે. એટલે જ સંશોધકો આ ફ્યુઝન એટલે કે સંલયનની પ્રક્રિયા દ્વારા ઊર્જા‍ પેદા કરવાની ફિરાકમાં છે. હવે અમેરિકાની ઍરોસ્પેસ કંપની લૉકહીડ માર્ટિને એવું ફ્યુઝન રીઍક્ટર બનાવવાની જાહેરાત કરી છે જે મૅગ્નેટિક મિરર કન્ફાઇનમેન્ટ નામની પ્રક્રિયાથી સંયમિત રીતે ઊર્જા‍ ઉત્પન્ન કરશે. વળી એમાં કોઈ પણ જાતનું પ્રદૂષણ પણ નહીં ફેલાતું હોય. એકાદ દાયકામાં આવનારું આ રીઍક્ટર એટલું કૉમ્પૅક્ટ હશે કે એને ટ્રકના પાછળના ભાગમાં પણ ફિટ કરી શકાશે. જો આવું થશે તો માણસને ઊર્જા‍ની કોઈ જ ખોટ નહીં રહે અને પેટ્રોલિયમની મોનોપૉલી પણ તૂટી જશે.

ઍપલ વૉચ

કિંમત : ૨૧,૦૦૦ રૂપિયાથી શરૂ

વિશ્વભરના ઇલેક્ટ્રૉનિક શોઝમાં છેલ્લાં બે-ચાર વર્ષથી સ્માર્ટવૉચ પ્રદર્શિત થતી આવી છે, પરંતુ મોટા ભાગની સ્માર્ટવૉચ સ્માર્ટફોનનું સંકોચી નાખેલું વર્ઝન જ સાબિત થતી આવી છે. વળી એનાં રિઝલ્ટ્સમાં પણ ઝાઝો ભલીવાર હોય નહીં. હવે ઍપલે આ સ્માર્ટવૉચ બનાવવામાં ઝુકાવ્યું છે. ટચ અને દબાવી શકાય એવાં બટનવાળી આ ઍપલ વૉચનો આખો જ ઇન્ટરફેસ નવેસરથી ડિઝાઇન કરવામાં આવ્યો છે. કાંડે બાંધી શકાય એવા કમ્પ્યુટર જેવી આ ઍપલ વૉચ સમય બતાવવા ઉપરાંત મેસેજ વાંચી-મોકલી શકે છે, દિશાસૂચન કરી શકે છે, વાયરલેસ પેમેન્ટ કરી શકે છે એટલું જ નહીં; એમાં ફિટનેસ-ટ્રૅકરને પણ સમાવી લેવામાં આવ્યું છે. ફૅશનની દૃષ્ટિએ પણ આ ઘડિયાળને સારા માક્સર્‍ મળે છે. એનું મોંઘુંદાટ હાઈ-ઍન્ડ વર્ઝન ૧૮ કૅરૅટ સોનાનું બનેલું છે.

વાયરલેસ ઇલેક્ટ્રિસિટી

જો આપણે વાયરલેસ ફોન અને ઇન્ટરનેટ વાપરી શકતા હોઈએ તો વાયરલેસ ઇલેક્ટ્રિસિટી કેમ ન હોય? મૅસેચુસેટ્સની વિટ્રિસિટી નામની કંપનીએ આ વાત પણ સાકાર કરી બતાવી છે. તેણે પ્લગ-ઇન કરી શકાય એવી કૉઇલ બનાવી છે. આ કૉઇલ જે વીજચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે એનાથી આઠેક ફૂટ છેટે રહેલું વિદ્યુત ઉપકરણ પણ ચલાવી શકાય છે. આ ટેક્નિક ધરાવતી ખાસ પ્રકારની પાવર-મેટ પર રાખીને ટૉયોટાની કાર અને કમ્પ્યુટર સુધ્ધાં ચાર્જ કરવાના સફળ પ્રયોગો થઈ ચૂક્યા છે. આ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર કહે છે કે આવનારા સમયમાં આખા રૂમ જ આ ટેક્નિકથી બનેલા હશે જેમાં રહેલાં લૅમ્પ, ટીવી, સ્ટિરિયો વગેરે ઉપકરણો વાયર વિના જ વીજળી ખેંચીને ચાલી શકશે.

તમને સીધાદોર કરી નાખશે : લુમો લિફ્ટ

કિંમત : ૬૧૮૫ રૂપિયા

કલાકો સુધી કમ્પ્યુટર સામે ચીટકી રહેવાની અને કાન તથા ખભાની વચ્ચે (ચાલુ વાહને) મોબાઇલ ફોન દબાવી રાખીને વાતો કરતા રહેવાની આદતોએ પીઠ અને ગરદનના અસહ્ય દુખાવાની સમસ્યાઓને જન્મ આપ્યો છે. વળી આ સમસ્યાઓ પૉશ્ચરલ એટલે કે આપણા શરીરની સ્થિતિને આધારિત હોવાથી જ્યાં સુધી આપણી આદત ન બદલે ત્યાં સુધી સમસ્યા પણ સંપૂર્ણપણે ઉકેલાતી નથી, પરંતુ મોનિશા પ્રકાશ નામની ભારતીય મૂળની અમેરિકન બાનુની કંપની લુમો બૉડી ટેક એક ખાસ પ્રકારની ચિપ લઈને આવ્યું છે જે આપણને યોગ્ય પૉશ્ચરમાં બેસવાની ટેવ પાડે છે. લુમો લિફ્ટ નામની ટપાલટિકિટ જેવડી નાનકડી રીચાર્જેબલ ચિપ શર્ટ પર ક્લિપ વડે ચોંટાડી દેવાની. પછી જ્યારે પણ આપણે વધુપડતા ઝૂકીએ કે તરત જ એ ધ્રુજારી આપીને આપણને સીધા થવાનો સંકેત આપે. વળી એ આપણી બેસવાની-ઝૂકવાની કે ગરદન ફેરવવાની પૅટર્નનો અભ્યાસ કરીને અને આપણી કસરતનો ડેટા પણ ઍપ્લિકેશન મારફતે આપણા સ્માર્ટફોનને મોકલે છે. કંપનીના દાવા પ્રમાણે ધીમે-ધીમે એ આપણને સીધાદોર કરી દેવાની ટેવ પાડે છે.

BMW i3 : ખરેખરી પાવરફુલ કાર

કિંમત : ૨૫.૫૮ લાખ રૂપિયા

વાતાવરણને પ્રદૂષિત કરતો ધુમાડો ઓકતી પેટ્રોલ-ડીઝલથી ચાલતી ગાડીઓના એક સશક્ત વિકલ્પરૂપે ઇલેક્ટ્રિક ગાડીઓને પ્રોજેક્ટ કરવામાં આવે છે, પરંતુ ઇલેક્ટ્રિક ગાડીઓનો સૌથી મોટો પ્રૉબ્લેમ એ છે કે એક તો એ પ્રમાણમાં ધીમી ગતિએ ચાલે છે, એને કલાકો સુધી ચાર્જ કરવી પડે છે અને એ પછી પણ ક્યારે એની બેટરી ઊતરી જાય એનું કશું ઠેકાણું નહીં. અધૂરામાં પૂરું એની કિંમત લાકડાછાપ હોય. ત્યારે બવેરિયન મોટર વર્ક્સ (BMW) કંપનીએ i3 મૉડલની એવી ઇલેક્ટ્રિક કાર રજૂ કરી છે જે ત્રણ કલાકના સિંગલ ચાર્જિંગમાં ૧૧૩થી ૧૭૭ કિલોમીટર સુધી દોડી શકે છે. વળી એમાં ઍક્સલરેટર અને બ્રેકને એક જ પેડલમાં સમાવી લેવામાં આવ્યાં છે. ગાડી ફાસ્ટ કરવા માટે પેડલ દબાવવાનું અને ધીમી પાડીને ઊભી રાખવા માટે છોડતાં જવાનું. આનાથી પાવરની પણ બચત થશે. વળી આ કારમાં એક પેટ્રોલથી ચાલતી બૅક-અપ મોટર પણ જે અધવચ્ચે બૅટરી ઊતરી જાય તો ફટાફટ ચાર્જ પણ કરી આપે છે. આ કાર ઑલરેડી માર્કેટમાં આવી ગઈ છે.

બ્લૅકફોન : સિક્યૉરિટી ફર્સ્ટ

કિંમત : ૩૯,૦૦૦ રૂપિયા

અમેરિકનો તો એવું દૃઢપણે માને છે કે કોઈ તેમના ફોન અને ટૅબ્લેટમાંથી થતી દરેકેદરેક હિલચાલ પર નજર રાખે છે. આપણે ત્યાં પણ જરાય ખાતરીપૂવર્‍ક કહી શકાય એમ નથી કે કોઈ આપણી જાસૂસી કરી રહ્યું નથી. તો પછી કરવું શું? આપણા ફોનને સિક્યૉર બનાવવાનો કોઈ રસ્તો ખરો? બ્લૅકફોન નામની સ્માર્ટફોન બનાવતી કંપનીએ આ જ નામનો એક સ્માર્ટફોન માર્કેટમાં મૂક્યો છે જે ઍન્ડ્રૉઇડ ઑપરેટિંગ સિસ્ટમને એવી રીતે કસ્ટમાઇઝ કરી આપે છે જેથી એને એન્ક્રિપ્ટ ન કરી શકાય. મતલબ કે આ ફોનના ડેટાને કોઈ સિસ્ટમ દ્વારા વચ્ચેથી આંતરી લઈને જાસૂસી કરી શકવાની શક્યતા અત્યંત ઓછી થઈ જાય છે. વળી આ ફોન એવા સૉફ્ટવેર સાથે આવે છે જે કૉલ, મેસેજ, બ્રાઉઝિંગ હિસ્ટરી વગેરેને રેગ્યુલર સ્માર્ટફોન કરતાં ક્યાંય વધારે ફુલપ્રૂફ બનાવી દે છે એટલું જ નહીં; ડેટા લીક કરવા માટે કુખ્યાત હોય એવી ઍપ્સને તો એ ફોનમાં ઘૂસવા જ નતી દેતો. એમ છતાં એના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર કહે છે કે આ ફોન સિક્યૉર છે, પણ તમારે ચેતતાં રહેવું સારું. જોકે અત્યારથી જ આ ફોન સિક્યૉરિટી સંસ્થાઓને આંખમાં કણાની જેમ ખૂંચવા લાગ્યો છે.

એકદમ કૂલ એવું કૂલેસ્ટ કૂલર

ક્યાંય પિકનિક કરવા જઈએ એટલે ઠંડાં પીણાં પીવાના શોખીનો સાથે કૂલર લઈ જવાનો આગ્રહ રાખે. થર્મોકોલનું બનેલું આ બૉક્સ આઇસક્યુબ્સ અને ઠંડાં પીણાંની બૉટલો સાચવી રાખે, પરંતુ રાયન ગ્રેપર નામના ભાઈને થયું કે આ કૂલરને જ વધારે સ્માર્ટ બનાવવું જોઈએ. એટલે તેણે પહેલા તો કૂલરમાં પાવરફુલ બૅટરી બેસાડી. પછી ૧૮ વૉટનું આખેઆખું મિક્સર-ગ્રાઇન્ડર નાખ્યું. પછી એના ઢાંકણામાં લાઇટ-એમિટિંગ ડાયોડ (LED) લાઇટ ફિટ કરી. એને યુનિવર્સલ સિરિયલ બસ (USB) સ્લૉટ સાથેના બૅટરી-ચાર્જરથી સજ્જ કર્યું. પિકનિકમાં જલસો કરવા માટે એમાં સ્પીકર્સ બેસાડ્યાં. ખાવા પ્લેટ્સ રાખી. શાક-ફળો સમારવાનું કટિંગ બોર્ડ રાખ્યું અને એક તરફ બૉટલ ઓપનર પણ બેસાડ્યું. અને હા, આ આખા પુલિંદાને આસાનીથી હેરફેર કરવા માટે એમાં સ્ટ્રૉલી બૅગ જેવાં પૈડાં અને ખેંચી શકાય એવું હૅન્ડલ પણ આપ્યું. અત્યારે આ રાયનકુમાર આ કૂલેસ્ટ નામના કૂલરનું જથ્થાબંધ ઉત્પાદન કરવા માટે પૈસા એકઠા કરી રહ્યો છે.

માઇક્રોસૉફ્ટ સર્ફેસ પ્રો-૩ : લૅપટૉપની છુટ્ટી કરી નાખે એવું ટૅબ્લેટ

કિંમત : ૫૦,૦૦૦ રૂપિયા

વાપરનારાઓને સુપેરે ખ્યાલ છે કે ટૅબ્લેટ ગમે એટલાં નગારાં વગાડી લે, પરંતુ લૅપટૉપ એટલે કે ફુલફ્લેજ્ડ કમ્પ્યુટરોની સામે તો એ વેંત ટૂંકાં જ પડે છે. નબળી બૅટરી-લાઇફ, હેવી સૉફ્ટવેર ન ચલાવી શકવાની મર્યાદા કે પછી એકદમ નાજુક હોવાને લીધે રફટફ ઉપયોગ ન કરી શકવાની લિમિટેશન જેવી મર્યાદાઓ ટૅબ્લેટને લૅપટૉપનું સ્થાન લેતાં રોકે છે, પરંતુ માઇક્રોસૉફ્ટે એની સર્ફે‍સ સિરીઝનું પ્રો-૩ ટૅબ્લેટ-કમ-લૅપટૉપ લૉન્ચ કરીને આ મર્યાદાઓનો છેદ ઉડાડી દીધો છે. એક તો એમાં ઇન્ટેલનાં i3, i૫, i૭ જેવાં ર્ફોથ જનરેશનનાં પાવરફુલ પ્રોસેસર નાખવામાં આવ્યાં છે. તદુપરાંત ૪ અને ૮ ગીગાબાઇટની રૅમ તથા ૫૧૨ ગીગાબાઇટ સુધીની મેમરી એને એક કમ્પ્લીટ લૅપટૉપની જ શક્તિ આપી દે છે. હા, ટાઇપ કરવા માટે છૂટું કરી શકાય એવું કીબોર્ડ એને લૅપટૉપ જ બનાવી દે છે અને એનું વજન? માત્ર ૮૦૦ ગ્રામ! એટલા માટે તો કોકા કોલા જેવી કંપનીઓએ પણ પોતાના કર્મચારીઓને લૅપટૉપને બદલે આ સર્ફે‍સ પ્રો-૩ જ પકડાવી દીધાં છે.

ફોનનો પૈગામ લાવતી વીંટી : રિંગલી

કિંમત : ૧૨ હજાર રૂપિયાથી શરૂ

આપણા સ્માર્ટફોનમાં દર થોડી વારે કોઈ ને કોઈ નોટિફિકેશન આવતાં રહે છે, પરંતુ મોટે ભાગે એ ફૉર્વર્ડેડ ઈ-મેઇલ્સ કે વૉટ્સઍપના લવારા નીકળે છે. દર થોડી વારે ફોન ઓપન કરીને ચેક કરી લેવાની આદતને લીધે ઘણા લોકોને ખોટી રિંગના ભણકારા (રિંગઝાયટી) પણ વાગવા માંડે છે, પરંતુ અમેરિકાની રિંગલી નામની એક કંપનીએ અફલાતૂન વીંટીને જ આપણા સ્માર્ટફોન સાથે કનેક્ટ કરી દીધી છે. એની ઍપ આપણા ફોનમાં ડાઉનલોડ કરીને વીંટીને એની સાથે કનેક્ટ કરાવી દેવાની. એટલે જ્યારે પણ આપણા ફોનમાં કામનાં નોટિફિકેશન આવે કે તરત જ વીંટી વાઇબ્રેટ થશે અને એની એક સાઇડે રહેલી ટાંકણીના ટોપકા જેવડી લાઇટ ઝબૂક-ઝબૂક થશે. આમાં આપણે કામનાં નોટિફિકેશન્સ જેમ કે અમુક મેસેજ, મેઇલ, અલાર્મ, ચોક્કસ નંબરના ફોનકૉલ્સ વગેરે સેટ કરી શકીએ છીએ. પહેલા લૉટમાં કંપનીએ આવી એક હજાર રિંગલી વીંટીઓ લૉન્ચ કરેલી, એ લૉન્ચ થયાના એક જ દિવસમાં વેચાઈ ગયેલી.

હેમોપ્યુરિફાયર : એબોલાને ગાળી નાખતું ફિલ્ટર

આફ્રિકન દેશોથી શરૂ થયેલા એબોલા વાઇરસથી ફેલાતા રોગનો હાહાકાર હવે વિશ્વના અન્ય દેશોમાં પણ ફેલાયો છે. ગણતરીના દિવસોમાં તો એબોલા વાઇરસ શરીરના સમગ્ર રોગપ્રતિકારતંત્રનો કબજો લઈ લે છે. પછી માણસનું બચવું અત્યંત અઘરું થઈ જાય છે. એની અસરકારક દવા કે વૅક્સિન શોધાય ત્યારની વાત ત્યારે, પરંતુ અત્યારે અમેરિકાના સૅન ડિએગોની ઍથલૉન મેડિકલ નામની કંપનીએ વિકસાવેલું હેમોપ્યુરિફાયર નામનું ફિલ્ટર અસરકારક કામગીરી બતાવી રહ્યું છે. એને દરદીના ડાયાલિસિસ મશીન સાથે જોડવામાં આવે છે ત્યારે એમાંનું લૅક્ટિન ફિલ્ટર એમાંથી પસાર થતા લોહીમાંથી એબોલાના વાઇરસને ચૂસી લે છે. આવનારા સમયમાં હિપેટાઇટિસ કે ઈવન હ્યુમન ઇમ્યુનોડેફિશ્યન્સી વાઇરસ (HIV)ના દરદીઓ પર પણ એનો ઉપયોગ થાય એવું લાગી રહ્યું છે.

બ્લુ રૂમ : જેલમાં કુદરતનું અવતરણ

સતત જેલમાં પુરાયેલા રહેતા અને એમાંય લગભગ આખો દિવસ એકલા કોટડીમાં પૂરી રાખવાની સજા પામેલા કેદીઓના અભ્યાસમાં બહાર આવ્યું છે કે તેમનામાં માનસિક રોગોનું અને આત્મહત્યાનું પ્રમાણ વધી જાય છે. આવી સ્થિતિ નિવારવા માટે ભારતીય અમેરિકન રિસર્ચર નલિની નાડકર્ણીએ એવો આઇડિયા સૂચવ્યો કે જેલમાં એક્સરસાઇઝ, રૂમોની દીવાલો પર વૃક્ષો, વનરાજી, ઝરણાં, નદીઓ વગેરેનાં દૃશ્યો પ્રોજેક્શનથી બતાવવા. આનું એટલું પૉઝિટિવ પરિણામ મળ્યું કે કેદીઓના સ્વભાવમાં નોંધપાત્ર શાંતિ જોવા મળી હતી. આવા રૂમને બ્લુ રૂમ નામ આપવામાં આવ્યું છે અને ઑરેગોન રાજ્યની સ્નેક રિવર કરેક્શનલ ઇન્સ્ટિટ્યુશને તો અમલમાં પણ મૂકી દીધો છે.

પિલપૅક : ગોળીઓ ગળાવતું બૉક્સ

કિંમત : દવા પ્રમાણે અલગ-અલગ

બ્લડપ્રેશર અને ડાયાબિટીઝથી લઈને વિટામિનની ગોળીઓ સુધી કમનસીબે દવાઓ આપણા રોજિંદા જીવનનો એક ભાગ બની ગઈ છે. એમાંય કઈ દવા ક્યારે ગળવાની એ યાદ રાખવાનું અને ઉપરથી એક પણ ડોઝ મિસ ન થાય એનું ટેન્શન. અમેરિકાની એક ફાર્મસીએ આનું પિલપૅક નામનું એકદમ સિમ્પલ અને અત્યંત અસરકારક સૉલ્યુશન કાઢ્યું છે. આપણને ડૉક્ટરે લખેલી દવાઓ અને ડોઝની વિગતો આ ફાર્મસીને આપી દેવાની. એટલે ફાર્મસી એ પ્રમાણે આપણા ઘરે દવાઓનું એક બૉક્સ મોકલી આપે. આ બોક્સમાં દવાઓ ડોઝ પ્રમાણે અલગ-અલગ સૅશે જેવાં પૅકેટોના હારડામાં વીંટેલી હોય. વળી, દરેક સૅશે પર અંદર રહેલી દવાઓની વિગતો અને એને લેવાનો ટાઇમ છાપેલો હોય. બસ, આપણે પેપર-નૅપ્કિન લેતાં હોઈએ એ રીતે દવાનું સૅશે ફાડીને લઈ લેવાનું. મુસાફરીમાં આ બૉક્સ પણ સાથે લઈ જઈ શકાય. બે અઠવાડિયાં થાય એટલે વળી પાછું આપણા દરવાજે નવું બૉક્સ હાજર થઈ જાય.

મોશનસૅવી યુનિ : હવે મૂક-બધિરો પણ બોલશે

કિંમત : ૧૨ હજાર રૂપિયાથી શરૂ


દરરોજ વિશ્વભરના કરોડો બોલી ન શકતા અને સાંભળી ન શકતા લોકો બે હાથની મદદથી બોલાતી સાઇન-લૅન્ગ્વેજથી વાતો કરે છે, પરંતુ નૉર્મલ લોકો તેમની ભાષા સમજી શકતા નથી. આ જ મર્યાદા બોલી ન શકતા અને સાંભળી ન શકતા લોકોને સમાજમાં ભળતાં રોકે છે. સૅન ફ્રાન્સિસ્કોસ્થિત મોશનસૅવી કંપનીએ યુનિ નામનું એવું ટૅબ્લેટ બનાવ્યું છે જે મૂક-બધિર લોકોના હાથની ભાષા વાંચે છે અને એ જ સમયે સ્પીકર વડે લખીને તથા બોલીને બતાવે છે એટલું જ નહીં, સામેની વ્યક્તિ જે કંઈ પણ બોલે એ સાંભળીને મૂક-બધિર વ્યક્તિને ટૅબ્લેટની સ્ક્રીન પર વંચાવે છે. એથી કમ્યુનિકેશન આડેના તમામ અંતરાય દૂર થઈ જાય છે. બાય ધ વે, આ કંપની મોશનસૅવીનો રાયન-હૈત કૅમ્પબેલ પોતે પણ સાંભળી શકતો નથી.

આફ્રિકન બાળકોનો અંધાપો નિવારશે સુપરબનાના

ઑસ્ટ્રેલિયન બાયોજિનેટિસ્ટ જેમ્સ ડેલ ૨૦૦૦ના અરસામાં યુગાન્ડા ગયા ત્યારે તેમણે જોયું કે અહીંનાં પાંચ વર્ષથી નીચેનાં ત્રીસ ટકા બાળકો અંધ થવાના ઓથાર હેઠળ હતાં. કારણ એ હતું કે આંખની સુરક્ષા માટે જવાબદાર વિટામિન-A પૂરતા પ્રમાણમાં તેમને નહોતું મળતું. એટલે જેમ્સ ડેલને વિચાર આવ્યો કે આ લોકોના ખોરાકમાં કેળાનું સારુંએવું પ્રમાણ છે. જો કોઈક રીતે કેળામાં જ આ વિટામિન-A ઉમેરી દઈએ તો તેમની સમસ્યાનું આપોઆપ સૉલ્યુશન આવી જાય. ડેલે બિલ ઍન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનની સહાય લઈને વિકસાવ્યાં વિટામિન-ખ્થી સમૃદ્ધ એવાં સુપરબનાના. હવે આફ્રિકન દેશોનાં ગામડાંના વડાઓને આવા સુપરબનાનાના છોડ આપવામાં આવશે જે ધીમે-ધીમે સમગ્ર આફ્રિકામાં ફેલાશે.

ધક્કો મારે અને ધક્કાથી ચાર્જ થાય : કોપનહેગન વ્હીલ

કિંમત : ૫૦ હજાર રૂપિયા

એક વાત સ્પક્ટ છે, સ્વસ્થ રહેવું હોય કે ટ્રાફિકમાંથી ફટાફટ નીકળવું હોય, સાઇકલ ચલાવવાથી બહેતર ઑર કોઈ રસ્તો નથી, પરંતુ લાંબા અંતર સુધી જવું હોય તો સાઇકલ ચલાવતાં નાકે દમ આવી જાય. આના ઇલાજરૂપે મૅસેચુસેટ્સની સુપરપેડેસ્ટ્રિયન નામની કંપનીએ ખાસ્સું રિસર્ચ કરીને એક પૈડું બનાવ્યું. નામ આપ્યું કોપનહેગન વ્હીલ. આ વ્હીલ કોઈ પણ સાઇકલના પાછળના ટાયરની જગ્યાએ ફિટ થઈ શકે છે. એના વચ્ચેના ભાગમાં બેસાડેલી લાલ રંગની ડિશમાં એક લિથિયમ બૅટરી બેસાડેલી છે. જેવી આપણે સાઇકલ ચલાવવાની શરૂ કરીએ કે તરત જ આ બૅટરી સાઇકલને ધક્કો મારવાનું શરૂ કરી દે. વળી સાઇકલના ચાલવાની સાથોસાથ એ ફરી-ફરીને રીચાર્જ પણ થતી રહે. આ વ્હીલની મોબાઇલ ઍપ્લિકેશનથી આપણને આપણે ચલાવેલી સાઇકલ વિશેની માહિતી, હવામાન, આગળના રસ્તા પરના ખાડા કે ટ્રાફિક વગેરેની માહિતી મળતી રહે છે. આપણે ઇચ્છીએ તો બૅટરી માત્ર ઢાળ ચડતી વખતે જ ઍક્ટિવેટ થાય એવી પણ ગોઠવણ કરી શકીએ.

સેલ્ફીનો જાદુગર : સેલ્ફી-સ્ટિક

કિંમત : ચારસો રૂપિયાથી લઈને કંપની પ્રમાણે અલગ-અલગ


આપણા વડા પ્રધાનથી લઈને બાજુમાં રહેતાં કોકિલાબહેન સુધી સૌ હવે તો સેલ્ફીનાં દીવાના થઈ ગયાં છે. સાદા શબ્દોમાં કહીએ તો આપણા સ્માર્ટફોનથી આપણો પોતાનો (અંગ્રેજીમાં સેલ્ફનો) ફોટો લઈએ એને કહેવાય સેલ્ફી. આ વર્ષે તો આખી દુનિયામાં જાણે સેલ્ફીનો વાયરો ફૂંકાયો છે. બદલાતો પવન જોઈને વિવિધ કંપનીઓએ સારામાં સારી રીતે સેલ્ફી પાડી શકાય એવી સેલ્ફી-સ્ટિક પણ બનાવવા માંડી. આ સેલ્ફી-સ્ટિક આપણા સ્માર્ટફોનને પકડી રાખે છે અને એને જરૂર પ્રમાણે લાંબી-ટૂંકી પણ કરી શકાય છે. બદલી શકાય એવા મસ્ત ઍન્ગલ્સ, વધુ ને વધુ લોકોવાળા ગ્રુપ સેલ્ફી અને રિમોટથી ઍક્સેસ એ આ નવી-નવી સેલ્ફી-સ્ટિકનાં ફીચર્સમાં સામેલ છે.

ઍરોસ : ઠંડક આપે, વીજળી પણ બચાવે

કિંમત : ૧૭ હજાર રૂપિયા


૩૨ કરોડ અમેરિકનો વર્ષેદહાડે ૬૮૦ અબજ રૂપિયાની વીજળી માત્ર પોતાનાં ઘર-ઑફિસોને ઍર-કન્ડિશન્ડ રાખવા માટે જ બાળી નાખે છે. પરિણામે એક અબજ ટન કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં છોડે છે. હવે કલ્પના કરો કે સતત ગરમ થઈ રહેલા સવા અબજના આપણા દેશમાં આ આંકડો ક્યાં પહોંચતો હશે! ગાર્થન લેઝ્લી નામના ઇન્ફર્મે‍શન ટેક્નૉલૉજી કન્સલ્ટન્ટને આવો જ વિચાર આવ્યો અને તેમણે વિકસાવ્યું એક સ્માર્ટ વિન્ડો ઍર-કન્ડિશનર (ખ્ઘ્). આ વિન્ડો ખ્ઘ્ આપણી ઠંડકની જરૂરિયાત, ચાલુ-બંધ કરવાની પૅટર્ન, આપણું લોકેશન વગેરે બધું જ એક મોબાઇલ ઍપ્લિકેશન થકી માપતું રહે છે અને મિનિમમ વીજળી વાપરીને મૅક્સિમમ ઠંડક આપે છે. ગાર્થને પોતાનો આઇડિયા જનરલ ઇલેક્ટ્રિક કંપનીની વેબસાઇટ ક્વર્કીને આપ્યો અને ક્વર્કીએ આ આઇડિયાને સાકાર કરીને વેચવા માટે પણ મૂકી આપ્યો. બાય ધ વે, આઇડિયાઝથી ફાટફાટ થતી આ ક્વર્કીની વેબસાઇટ જોવા જેવી છે.

૯૪ફિફ્ટી સ્માર્ટ સેન્સર : બાસ્કેટબૉલ-કમ-કોચ

કિંમત : ૧૨,૩૫૫ રૂપિયા


ક્રિકેટ હોય કે બાસ્કેટબૉલ કે પછી બીજી કોઈ પણ રમત, પ્રૅક્ટિસનો કોઈ વિકલ્પ નથી; પરંતુ આધુનિક ટેક્નૉલૉજી આપણી પ્રૅક્ટિસની પળેપળ પર નજર રાખે અને એનો ડેટા ભેગો કરીને આપણી ભૂલો સુધારે તો? માઇલક ક્રૉલી નામના ભાઈની કંપની ઇન્ફોમોશન સ્પોટ્ર્સ ટેક્નૉલૉજીઝે આવું જ કર્યું. એણે એવો સ્માર્ટ બાસ્કેટબૉલ તૈયાર કર્યો જેમાં પૂરાં નવ સેન્સર અને એક બ્લુટૂથ ચિપ બેસાડેલી છે. આપણે ૯૪ફિફ્ટી સ્માર્ટ સેન્સર નામનો આ બાસ્કેટબૉલ ખરીદવાનો અને એની એક ઍપ્લિકેશન મોબાઇલમાં ડાઉનલોડ કરી લેવાની. બસ, પછી બૉલને ટપ્પા ખવડાવીએ એટલે સેન્સર ઍક્ટિવેટ થઈ જાય અને આપણે કયા ઍન્ગલથી, કેટલા ર્ફોસથી દડો બાસ્કેટ તરફ ફેંકીએ છીએ એનો બધો જ ડેટા ઍપમાં સંઘરાવા માંડે. એનો અભ્યાસ કરીને આપણે આપણી ગેમ સુધારી શકીએ એટલું જ નહીં, ઍપમાં રહેલા વચુર્‍અલ કોચ આપણને બોલીને સૂચના પણ આપે કે ભાઈ, જરા જોરથી દડો ફેંક, ખાતો નથી?!

ઇલેક્ટ્રિક ઑબ્જેક્ટ્સ : ઘરની દીવાલો પર ડિજિટલ કળા

કિંમત : ૨૪ હજાર રૂપિયા (પ્રત્યેક ફ્રેમના)


અત્યારે ઇન્ટરનેટ પર એટલીબધી કળાકૃતિઓ છે, પરંતુ એ ક્યારેય સ્માર્ટફોન, ટૅબ્લેટ કે લૅપટૉપની સ્ક્રીનમાંથી બહાર જ આવતી નથી. આવી ડિજિટલ કલાકૃતિઓને બહારની વાસ્તવિક દુનિયામાં લાવવા માટે જૅક લેવાઇન નામના ડિજિટલ આર્ટિસ્ટે તૈયાર કરી ડિજિટલ ફોટોફ્રેમ. ૨૨ƒ૧૩ ઇંચની આ ફોટોફ્રેમ આપણા ઘરની દીવાલ પર કોઈ તસવીરની જેમ ટીંગાયેલી રહે છે અને સાથોસાથ એ આપણા સ્માર્ટફોન મારફતે ફૂ-વર્લ્ડ સાથે પણ જોડાયેલી રહે છે. આવી દરેક ફ્રેમ પ્રકાશની ઉપલબ્ધતા પ્રમાણે પોતાની બ્રાઇટનેસ, શાર્પનેસમાં આપમેળે એવા વધારા-ઘટાડા કરે છે કે જોનારને એ એકદમ અસલી પેઇન્ટિંગ જ છે એવું લાગે. આપણે આપણા મૂડ પ્રમાણે આ ડિજિટલ પેઇન્ટિંગ્સને બદલતા રહી શકીએ.

ઑસ્મો : વચુર્અલ અને ઍક્ચ્યુઅલ દુનિયાનો સંગમ

કિંમત : ૫૦૦૦ રૂપિયા


બાળકોને મોબાઇલ અને ટૅબ્લેટમાં ગેમ્સ રમવી ગમે છે. પ્રમોદ શર્મા નામના ગૂગલમાં કામ કરી ચૂકેલા એન્જિનિયર ભાઈની દીકરી પણ એવી જ છે, પરંતુ પ્રમોદભાઈએ જોયું કે દીકરી તો આખો દિવસ આઇપૅડમાં જ માથું ઘાલીને રમ્યા કરે છે. એટલે પ્રમોદભાઈને થયું કે આ તો ખોટું. આમેય સંશોધનોએ એવું સાબિત કરી આપ્યું છે કે લાંબા સમય સુધી ટૅબ્લેટમાં જોયા કરતાં બાળકોમાં અટેન્શનના અને સ્થૂળતાના પ્રશ્નો સર્જા‍ય છે. એટલે તેમણે પોતાના જેરોમ શોલર નામના મિત્ર સાથે મળીને ઑસ્મો નામની આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સવાળું એક નાનકડું ડિવાઇસ વિકસાવ્યું, જે આઇપૅડના કૅમેરા પર ફિટ થઈ જાય છે. પછી ટૅબ્લેટની સામે બાળક જિગ્સો જેવી જે પણ પઝલ્સ રમે એનું રીફ્લેક્શન આઇપૅડની સ્ક્રીનમાં દેખાય અને બાળકને નવું સ્ટેજ રમવાના પૉઇન્ટ્સ પણ મળે. મતલબ કે વાસ્તવિક અને વચુર્‍અલ દુનિયાનો સંગમ. આ ડિવાઇસ ઑલરેડી ઍપલ સ્ર્ટોસમાં વેચાવા લાગ્યું છે.

વિકી પર્લ : હવે રૅપર સાથે ચૉકલેટ-આઇસક્રીમ ખાઈ જાઓ

કિંમત : જેના પર વીંટેલું છે એ વસ્તુ પ્રમાણે અલગ-અલગ


જરા વિચાર કરો! ચૉકલેટ, આઇસક્રીમ, ચીઝ, યોગર્ટ, ફળો વગેરેને પ્લાસ્ટિકમાં વીંટવા માટેનાં રૅપર બનાવવા વિશ્વમાં રોજ કેટલું પ્લાસ્ટિક વપરાતું અને સરવાળે એ પર્યાવરણને નુકસાન કરતું હશે? વિકી ફૂડ્સ નામની કંપનીના માલિક ડેવિડ એડ્વડ્ર્સે આધુનિક વિજ્ઞાનને કામે લગાડ્યું અને તૈયાર થયું એવું રૅપર જેને પરબારું ખાઈ શકાય. તેમણે સૂકવેલાં ફ્રૂટ્સ કે અન્ય કુદરતી પદાર્થોના નાનકડા પાર્ટિકલ્સની એક અનોખી લાક્ષણિકતા જોઈ કે એ વિદ્યુતીય રીતે એકબીજા સાથે ચોંટેલા રહેતા હતા. વધુમાં એમાં કૅલ્શિયમ કે ખાંડ ઉમેરીએ તો એની મજબૂતીમાં ઑર વધારે થયો. વળી ગમે એવી ગરમી, ઠંડી કે ભેજમાં પણ એને કશું જ થતું નહોતું કે એ ગંદાં પણ થતા નહોતા. હવે આ તkવોનું એક એવું પાતળું કોચલું બનાવવામાં આવે જે ચૉકલેટ, આઇસક્રીમ વગેરે પર વીંટી દઈએ તો એવું પર્ફે‍ક્ટ રૅપર તૈયાર થઈ જાય જેને સીધું જ ખાઈ શકાય. બસ, માર્કેટમાં આવ્યું વિકી પર્લ, જે પારદર્શક હોવાથી એને વસ્તુ પર વીંટેલું છે એવો ખ્યાલ સુધ્ધાં આવતો નથી.

આઇ ઍમ એલિમેન્ટલ : ગર્લ પાવર

કિંમત : ૪૦૦૦ રૂપિયા (સાત ઢીંગલીઓના સેટના)


આપણને ક્યારેય એવો સવાલ થયો છે કે દીકરીઓ હંમેશાં નાજુક નમણી બાર્બી જેવી ઢીંગલીઓ સાથે જ શા માટે રમે છે? જ્યારે સંશોધનો એવું કહે છે કે બાળકોની પર્સનાલિટી અને તેમની કારકિર્દીની મહત્વાકાંક્ષાઓ તે બાળપણમાં કેવાં રમકડાંથી રમે છે એના પર ઘણે અંશે આધારિત હોય છે. એટલે જ્યારે ડૉન નાદો અને જુલી કર્વિન નામની બે મમ્મીઓ પોતાની દીકરીઓ માટે પર્ફે‍ક્ટ ઢીંગલીઓ લેવા નીકળી ત્યારે તે નિરાશ થઈ. એટલે તે બન્નેને વિચાર આવ્યો કે દીકરીઓની પર્સનાલિટી ઘડે એવી ઢીંગલીઓ બનાવવી જોઈએ. તે બન્નેએ ખાસ્સું વિચાર્યું, કેટલાય લોકોની મદદ લીધી અને પછી પંદરમી સદીની પ્રખ્યાત લડાયક યુવતી જૉન ઑફ આર્કના ચહેરા પરથી પ્રેરણા લઈને બનાવી સાત ઢીંગલીઓનો સેટ, આઇ ઍમ એલિમેન્ટલ. આ સાત ઢીંગલીઓ માણસની સાત મૂળભૂત શક્તિઓનું પ્રતિનિધિત્વ કરે છે. જેમ કે બ્રેવરી (બહાદુરી), એનર્જી‍ (ઊર્જા‍), ઑનેસ્ટી (પ્રામાણિકતા), ઇન્ડસ્ટ્રી (ઉદ્યમ), એન્થ્યુઝિએઝમ (ઉત્સાહ), પર્સિસ્ટન્સ (દૃઢતા) અને ફિયર (ભય). આ લડાયક ઢીંગલીઓની સર્જક મમ્મીઓ કહે છે કે ઉદ્દેશ દીકરીઓને એવું શીખવવાનો છે કે ગલ્ર્સ પણ સુપરહીરો છે અને એ દુનિયાને બચાવી શકે છે.