ભાઈ, તમારું શરીર નહીં પણ મન બીમાર છે

30 November, 2014 07:28 AM IST  | 

ભાઈ, તમારું શરીર નહીં પણ મન બીમાર છે



મેડિકલ વર્લ્ડ - ફાલ્ગુની જડિયા-ભટ્ટ


હૃષીકેશ મુખરજીની ફિલ્મ ‘આનંદ’ની શરૂઆતમાં એક દૃશ્ય આવે છે જેમાં ડૉ. ભાસ્કર (અમિતાભ બચ્ચન) પોતાના એક મિત્ર ડૉ. પ્રકાશ કુલકર્ણી (રમેશ દેવ)ના દવાખાને તેને મળવા જાય છે. અહીં એક મહિલા પોતાને કોઈ જ બીમારી ન હોવા છતાં ડૉ. કુલકર્ણી પાસે જાતજાતનાં દર્દોની ફરિયાદ કરી તેમની પાસે દવા માગે છે. ડૉ. કુલકર્ણી પણ તે મહિલાને કંઈ જ ન હોવાની ખબર હોવા છતાં સામાન્ય દવાઓ લખી આપીને છુટકારો મેળવી લે છે. આપણી આસપાસ પણ આપણે અનેક વાર એવા લોકોના સંપર્કમાં આવીએ છીએ જેઓ પોતાના મનની માની લીધેલી બીમારીનો શિકાર હોય છે. આવા લોકો સતત એવા ભયમાં જીવ્યા કરે છે કે તેમને કોઈ મોટી બીમારી છે અને એની ખોટેખોટી દવાઓ કર્યા કરે છે. આમાંના મોટા ભાગના લોકોના આ પ્રકારના વર્તન પાછળ પરિવારજનો અને અન્યો પાસેથી અટેન્શન મેળવવાની ઝંખના કામ કરતી હોય છે, જ્યારે કેટલાક લોકો એવા હોય છે જેઓ શરીરથી નહીં પણ મનથી બીમાર હોય છે. મનોવિજ્ઞાન આવી મનની માની લીધેલી બીમારીને હાઇપોકોન્ડ્રિયાસિસના નામે ઓળખે છે. પોતે બીમાર છે એવી આવા લોકોની આ માનસિકતા તેમને હંમેશાં જાતજાતના ડૉક્ટરો, દવાઓ અને ટેસ્ટમાં વ્યસ્ત રાખે છે. બલકે આ બાબતોમાં તેઓ એટલા રચ્યાપચ્યા રહે છે કે એ તેમના સંબંધો અને કામથી માંડી સમગ્ર જીવનમાં બાધા બની જાય છે.

શરીરનો નહીં, મનનો ડિસઑર્ડર

હાઇપોકોન્ડ્રિયાસિસ શું છે એ સમજાવતાં જાણીતા સાઇકિયાટ્રિસ્ટ ડૉ. અશિત શેઠ કહે છે, ‘હાઇપોકોન્ડ્રિયાસિસ શરીરનો નહીં, મનનો ડિસઑર્ડર છે. આ ડિસઑર્ડરમાં વ્યક્તિ સતત એવા ભયમાં જીવ્યા કરે છે કે તે કોઈ મોટી બીમારીનો ભોગ બન્યો છે. આ માન્યતા તેના મનમાં પારાવાર ચિંતા અને તનાવ ઊભા કરે છે. દરેક પ્રકારની ટેસ્ટ દ્વારા ખાતરી કરી લીધા બાદ પણ તેના મનનું સમાધાન થતું નથી અને થોડા દિવસ બાદ તે ફરી પાછી એ જ અથવા નવી ફરિયાદો સાથે ડૉક્ટર પાસે પહોંચી જ જાય છે.’

હાઇપોકોન્ડ્રિયાસિસ કોઈ નાટક નથી

આધુનિક મનોવિજ્ઞાન હાઇપોકોન્ડ્રિયાસિસને ઍન્ગ્ઝાયટી ડિસઑર્ડરના વિવિધ પ્રકારોમાંથી એક તરીકે જુએ છે જે હેલ્થ-ફોબિયા, ઇલનેસ-ફોબિયા તથા હેલ્થ-ઍન્ગ્ઝાયટીના નામે પણ ઓળખાય છે. કેટલાક લોકો એવું માને છે કે આવી વ્યક્તિઓ માત્ર લોકોનું ધ્યાન આકર્ષવા બીમાર હોવાનો ડોળ કરે છે. ડૉ. અશિત શેઠ કહે છે, ‘હાઇપોકોન્ડ્રિયાસિસ લોકોની સહાનુભૂતિ મેળવવા કરવામાં આવતું બીમારીનું નાટક નથી. બલકે આવા લોકો ખરેખર એવું માનતા હોય છે કે તેઓ બીમાર છે અને કોઈ તેમની તકલીફ સમજી રહ્યું નથી. તેમનામાં આત્મવિશ્વાસનો અભાવ હોય છે અને તેઓ દુનિયામાં એકલા પડી ગયા હોવાની લાગણીથી પીડાતા હોય છે. ડિપ્રેશનથી પીડાતા લોકોમાં આ ડિસઑર્ડરનાં લક્ષણો વધુ પ્રમાણમાં જોવા મળે છે. તેઓ પોતાના શરીરનાં લક્ષણો પ્રત્યે વધુપડતા જ સંવેદનશીલ હોય છે. તેથી જરાક અમથો તાવ આવી જાય તો તેમને સીધો ડેન્ગીનો જ વિચાર આવશે કે પછી કોઈ દિવસ બે વાર વધુ ટૉઇલેટ જવું પડે તો તેમને સીધો ગૅસ્ટ્રોનો જ વિચાર આવશે. તેમને શરદી, તાવ જેવી સામાન્ય બીમારીઓથી તો ચાલતું જ નથી. બલકે આમાંના ઘણા એવા હોય છે જેમણે પોતાને હાર્ટ-અટૅક, કૅન્સર કે એઇડ્સ જેવા ભયંકર રોગ હોવાનું સ્વીકારી જ લીધું હોય છે. તેથી તેઓ વારંવાર આ બીમારી માટેની ટેસ્ટ કરાવ્યા કરશે, કાર્ડિયોગ્રામ કઢાવ્યા કરશે અને આ બીમારીઓને લગતું સાહિત્ય વાંચ્યા કરશે.’

ઇન્ટરનેટ બન્યું છે વિલન

એમાં પણ હવેના સમયમાં ઇન્ટરનેટ પર કોઈ પણ વિષયને લગતી ભરપૂર માહિતીના ખજાનાએ પરિસ્થિતિ વધુ બગાડી મૂકી છે. આ માહિતીઓનું વધુપડતું વાંચન તેમને એવું માનવા પર મજબૂર કરી દે છે કે તેમનામાં પણ એ બધાં જ લક્ષણો છે જે તેમના વાંચવામાં આવ્યાં છે. તેથી ડૉક્ટર પાસે તેઓ વધુ ઍડ્વાન્સ ટેસ્ટની અપેક્ષા રાખશે. વળી કેટલાક તો તેમની સારવાર કેવી રીતે કરવી એની સલાહ પણ ડૉક્ટરને આપતા અચકાશે નહીં. એવામાં જો ડૉક્ટર તેમને કહી દે કે તેમને કશું જ થયું નથી તો તેમનું દિલ તૂટી જશે અને તેઓ તરત જ બીજા ડૉક્ટરના દવાખાના ભણી રાહ પકડી લેશે. આવા લોકોનું સમગ્ર જીવન તેમની માની લીધેલી બીમારીની આસપાસ ફર્યા કરતું હોય છે. તેઓ પોતાના કામકાજમાં ધ્યાન પરોવી શકતા નથી, તેમને સતત થાક અને અજંપો રહ્યા કરે છે, તેઓ નોકરી-ધંધાના સ્થળે જવાનું ટાળે છે. તેમના ઘરમાં પણ જાતજાતની દવાઓ ઉપરાંત વિવિધ પ્રકારની બીમારીઓને લગતાં પુસ્તકો, અખબારોનાં કટિંગ્સ, ઇન્ટરનેટ પરથી કાઢેલી પ્રિન્ટઆઉટ્સ વગેરેનો ખડકલો જોવા મળે છે. પોતાના સ્વજનોથી પણ તેઓ અતડા થઈ જાય છે. જેઓ એઇડ્સ જેવા ચેપી રોગોનો માનસિક ભોગ બન્યા હોય તેઓ પોતાના પાર્ટનરને એ રોગ લાગુ ન પડી જાય એ ઇરાદાથી તેની સાથે શારીરિક સંબંધો બાંધવાનું પણ ટાળે છે. વળી ડૉક્ટરો, દવાઓ અને વિવિધ ટેસ્ટ માટેના ધક્કા અને ખર્ચા તેમને શારીરિક અને આર્થિક બન્ને રીતે પાયમાલ કરી શકે છે.

વ્યક્તિગત-પારિવારિક કારણો જવાબદાર

અહીં એ પ્રશ્ન થાય કે કોઈને આવું સતત બીમાર રહેવાનું કેવી રીતે ગમી શકે? ડૉ. અશિત શેઠ કહે છે, ‘આ ડિસઑર્ડર પાછળનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી, પરંતુ કેટલીક બાબતો એની પાછળ જવાબદાર હોવાનું વારંવાર નોંધવામાં આવ્યું છે. જેમ કે કોઈની લાગણીઓને ભયંકર આઘાત લાગ્યો હોય, જેને પગલે તેઓ ડિપ્રેશન કે ઍન્ગ્ઝાયટી ડિસઑર્ડરનો ભોગ બન્યા હોય કે પછી કોઈના સ્વજનનું કે મિત્રનું કોઈ મોટી બીમારીને પગલે મૃત્યુ થયું હોય તેમને આવો ભય વધુ સતાવે છે. એવી જ રીતે ઑબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઑર્ડરથી પીડાતા લોકોમાં પણ આ બીમારીનાં લક્ષણો જોવા મળે છે. બીજી બાજુ કેટલાંક મમ્મી-પપ્પા પોતાના બાળકની નાની-નાની બીમારીથી પણ વધુપડતાં ચિંતિત થઈ જતાં હોય છે. આવાં મમ્મી-પપ્પાનાં સંતાનો પણ મોટાં થઈ તેમની જેમ જ ભયમાં જીવ્યા કરે છે. એવી જ રીતે તમારી સાથે લોહીનો સંબંધ ધરાવતી કોઈ વ્યક્તિને આ ડિસઑર્ડર હોય તો તમને પણ એ લાગુ પડવાની શક્યતા રહ્યા કરે છે.’

સાઇકોલૉજિકલ ઍનૅલિસિસ દ્વારા નિદાન

કેટલીક વાર દરદી પોતે અનેક ડૉક્ટરોની અઢળક દવાઓ કર્યા બાદ થાકીને મનોચિકિત્સક પાસે આવે છે તો કેટલીક વાર ડૉક્ટર જ તેની માનસિક સ્થિતિ સમજી તેને સાઇકિયાટ્રિસ્ટ પાસે જવાની સલાહ આપે છે. અલબત્ત, આ ડિસઑર્ડરના મોટા ભાગના દરદીઓ તેમની બીમારી શરીરમાં નહીં, મનમાં છે એ માનવા તૈયાર થતા નથી. છતાં જો કોઈક રીતે તેઓ મગજના ડૉક્ટર પાસે પહોંચી જાય તો તેમનો ઇતિહાસ, આપવીતી તથા તેમના પરિવારજનો સાથે થયેલી ચર્ચા પરથી તેમની સાઇકોલૉજિકલ ઍનૅલિસિસ કરવામાં આવે છે જેના આધારે આગળ સારવારની દિશા નક્કી થાય છે.

દવાઓ અને સપોર્ટ દ્વારા સારવાર

હાઇપોકોન્ડ્રિયાસિસની સારવારનો મુખ્ય હેતુ દરદીને આનંદિત રાખવાનો અને તેના રોજિંદા જીવનની ગતિવિધિમાં બને ત્યાં સુધી સામાન્યપણું જાળવી રાખવાનો હોય છે. આ માટે તેની બીમારીનાં બધાં લક્ષણો દૂર થવાં જરૂરી નથી. ડૉ. અશિત શેઠ કહે છે, ‘જે દરદીઓમાં આ ડિસઑર્ડર માઇલ્ડ હોય તેમને અમે બિહેવિયરલ થેરપી આપવાનું પસંદ કરીએ છીએ. એમાં ખૂબ જ ધીરજ અને ખંતપૂવર્‍ક દરદીને એ સચ્ચાઈથી વાકેફ કરાવવામાં આવે છે કે તેની બીમારી શરીરમાં નહીં, મનમાં છે. ત્યાર બાદ કાઉન્સેલિંગ દ્વારા તેની વિચારપ્રક્રિયા બદલવાનો પ્રયત્ન થાય છે. આ સાથે તેને કસરત, યોગ અને પ્રાણાયામ દ્વારા સ્ટ્રેસ ઊભું કરતાં લક્ષણો પર કાબૂ મેળવવાનું પણ શીખવવામાં આવે છે. આ થેરપી દરદીનું સામાજિક અને અંગત જીવન નૉર્મલ કરવામાં મદદરૂપ થાય છે. જે દરદીઓમાં આ બીમારીનાં લક્ષણો ગંભીર હોય તેમને ઍન્ટિ-સાઇકોટિક ડ્રગ્સની આવશ્યકતા પડી શકે છે. આ દવા દરદીનું તેની બીમારી પ્રત્યેનું વળગણ ઓછું કરવામાં સહાયક થાય છે. એવી જ રીતે કેટલાક દરદીઓને સિલેક્ટિવ સેરોટોનિન રીઅપટેક ઇન્હિબિટર્સ દવાઓ પણ અપાય છે, જેના દ્વારા તેમની વિચારપ્રક્રિયા પર નિયંત્રણ મેળવી શકાય છે. જેઓ ડિપ્રેશન કે ઍન્ગ્ઝાયટી ડિસઑર્ડરનો ભોગ બન્યા હોય તેમને ઍન્ટિ-ઍન્ગ્ઝાયટી અથવા ઍન્ટિ-ડિપ્રેશન્ટ ડ્રગ્સ પણ સૂચવવામાં આવે છે.’

આવા દરદીઓએ સતત પોતાના વિશ્વાસુ સાઇકિયાટ્રિસ્ટના સંપર્કમાં રહેવું જોઈએ જેથી ડૉક્ટર તેમનાં લક્ષણો પર ચાંપતી નજર રાખી શકે અને જો ખરેખર તેમને કોઈ શારીરિક બીમારી થઈ રહી હોય તો તરત જ એ તરફ ધ્યાન દોરી યોગ્ય માર્ગદર્શન આપી શકે. આમાં ડૉક્ટરનું ફોકસ દરદીને હિંમત અને સપોર્ટ આપવા પર રહે છે, જેથી તેને ખોટેખોટી દવાઓ અને ટેસ્ટની જંજાળમાંથી બચાવી શકાય.