ચાર વેદનો સૌપ્રથમ ગુજરાતીમાં અનુવાદ કર્યો છે આ વિદ્વાને

28 December, 2014 07:07 AM IST  | 

ચાર વેદનો સૌપ્રથમ ગુજરાતીમાં અનુવાદ કર્યો છે આ વિદ્વાને




ગુજરાતીની પૅશનપંતી - પલ્લવી આચાર્ય

જીવનની સંધ્યાએ ડૉ. દયાળજી મુનિએ ૬ વર્ષ સુધી રોજના ૧૦ કલાક કામ કરી ચાર વેદના ૨૦,૫૦૦થી વધુ શ્લોકોના ૭,૬૮,૦૦૦ સંસ્કૃત શબ્દોનો માત્ર અનુવાદ નથી કર્યો, સરળ ગુજરાતી ભાષામાં ભાષ્ય તૈયાર કર્યું છે, જે કુલ ૮ ભાગમાં પ્રકાશિત થઈ રહ્યું છે. ૮માંથી ૬ ભાગ પ્રિન્ટ થઈ ગયા છે, સાતમો અને આઠમો ભાગ પ્રિન્ટિંગમાં છે. આ પહેલાં ચારે વેદના બધા શ્લોકોનો ગુજરાતીમાં અનુવાદ થયો નથી. ગુજરાતીઓને આ વિદ્વાને જે પ્રદાન કર્યું છે એ અતુલ્ય છે. આ પ્રદાન બદલ આજે ઘાટકોપરની આર્ય સમાજ સંસ્થા તેમને સન્માનિત કરી રહી છે ત્યારે જોઈએ વાંચનની ધૂન આ માણસને ક્યાંથી ક્યાં લઈ આવી છે.

ધૂન નહીં મહાધૂન

તેલના દીવાના અજવાળે રાતે બે વાગ્યા સુધી વાંચીને હું સંસ્કૃત શીખ્યો. ૧૫ વર્ષનો હતો ત્યારથી મને વાંચવાની ચાનક ચડેલી. વાંચનની ધૂન કહો તો ધૂન, રોગ કહો તો રોગ મને છે. મને ખાવાનું ન મળે તો ચાલે, પણ પુસ્તકો જોઈએ. મારા ઘરે હજારો પુસ્તકો છે, જેમાંનાં ઘણાં અલભ્ય છે અને એ બધાં મેં વસાવેલાં છે. મોરબી નજીકના ટંકારા ગામ (મહાન સમાજસુધારક મહર્ષિ દયાનંદ આ ગામના છે)ના ૮૧ વર્ષના આ વિદ્વાનની વાતો અટકતી જ નથી. જોકે વાંચન, લેખન, અધ્યાપન અને આયુર્વેદનાં ક્ષેત્રોમાં તેમણે એટલુંબધું કામ કર્યું છે કે સ્વાભાવિક છે વાતો ન ખૂટે. આયુર્વેદની માનદ્ ડિગ્રી આયુર્વેદ ચૂડામણિ તથા શ્રી ભગવાન ધન્વંતરિ લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ સહિત ૧૦થી વધુ અવૉર્ડ, સન્માનો અને પુરસ્કારો તેમને મળ્યાં છે.

લેખન, સંપાદન, અનુવાદ વગેરે મળી ૫૧ પુસ્તકો લખનારા ડૉ. દયાળજીએ માત્ર ૨૦ વર્ષની ઉંમરે મહાભારતથી લઈને મહર્ષિ દયાનંદ સુધીના સમયમાં થયેલાં ધાર્મિક આંદોલનો વિશેનું પુસ્તક ‘મહાભારતથી મહર્ષિ દયાનંદ’ લખ્યું અને પોતાના ખર્ચે પ્રકાશિત કર્યું હતું. ‘સત્યાર્થ પ્રકાશ’ સહિતનાં મહર્ષિ દયાનંદનાં ૮ પુસ્તકોનો અનુવાદ કર્યો અને જે અનુવાદિત હતાં એનું કરેક્શન પણ કર્યું. જામનગરની આયુર્વેદ કૉલેજથી ગ્લ્ખ્પ્ (બૅચલર ઇન સર્જરી, આયુર્વેદ ઍન્ડ મેડિસિન) એટલે કે આયુર્વેદાચાર્યની ડિગ્રી મેળવી, અધ્યાપક બન્યા અને આ કૉલેજના મેડિસિન વિભાગના હેડ બન્યા. અહીં તેમણે આયુર્વેદના અનેક ગ્રંથોમાં કરેક્શન કર્યું. આયુર્વેદનાં ‘ચરકસંહિતા’, ‘સુશ્રુતસંહિતા’, ‘માધવનિદાન’ સહિતનાં પુસ્તકોની વ્યાખ્યા કરી, ‘કાય ચિકિત્સા’, ‘શલ્ય વિજ્ઞાન’, ‘સ્વસ્થ વૃત્ત’, ‘રોગવિજ્ઞાન’ વગેરે પુસ્તકો લખ્યાં છે, જે બધાં જ ૧૮ પુસ્તકો આયુર્વેદ યુનિવર્સિટી જામનગરમાં અભ્યાસક્રમમાં સંદર્ભગ્રંથોમાં ચાલે છે.

વેદના અનુવાદની પ્રેરણા

અમદાવાદથી મોડાસા જતાં આવતા રોજર ગામ નજીક આવેલા વાનપ્રસ્થ સાધક આશ્રમના સ્થાપક આચાર્ય જ્ઞાનેશ્વર પાસે દયાળજી યોગ શીખવા જતા હતા. અહીં યોગદર્શન ભણ્યા અને વાનપ્રસ્થની દીક્ષા લઈ ડૉ. દયાળજી માવજી પરમારમાંથી દયાળજી મુનિ બન્યા. વેદનું જ્ઞાન ઈશ્વરીય જ્ઞાન છે એની વાત કરતાં દયાળજી કહે છે, ‘વેદના મંત્રોની એવી રચના છે કે એક-એક શબ્દો છૂટા પાડી શકાય. આત્માના આનંદ માટે એ છે અને લેખન મારી હૉબી છે.’

વેદના અનુવાદની તેમને પ્રેરણા જ્ઞાનેશ્વરસ્વામીએ આપી. જોકે ત્યારે આ મહાન કાર્ય કરવાની ક્ષમતા વિશે તેમને સંદેહ થતાં થોડા ડગી ગયા, પણ જ્ઞાનેશ્વરજીએ તેમનામાં વિશ્વાસ જગાવ્યો કે તેઓ આ કામ જરૂર કરી શકશે. આમ શરૂ થઈ આ વિકટ યાત્રા. છ વર્ષ સુધી રોજ ૧૦થી વધારે કલાક કામ કરીને તેમણે ચારેય વેદનો અનુવાદ જ નહીં, ભાષ્ય પણ કર્યું. એટલે કે સરળ સમજ આપી.

આ કામ માટે દયાળજીએ જરાય મહેનતાણું નથી લીધું, ઊલટાનું કામ માટેના કાગળ સહિતનો ખર્ચ પણ પોતે ઉપાડ્યો. કુલ ૮ ભાગમાં એ છપાયા છે. એમાંના છ ભાગ છપાઈ ચૂક્યા છે એનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગાંધીનગરમાં થયું હતું. અથર્વવેદના બે, ઋગ્વેદના ૪, સામવેદ અને યજુર્વેદના એક-એક ભાગ છે.

ઊડનારને પડે આસમાન ટૂંકું

ડૉ. દયાળજીના પિતા દરજીકામ કરતા હતા અને ભાગલા પહેલાં કરાચીમાં હતા ત્યારે જ આર્ય સમાજના પરિવારમાં જોડાયા હતા. પાંચમી સુધી ભણીને દયાળજી પણ પિતાની સાથે દરજીકામમાં જોડાયા. ટંકારામાં આર્ય સમાજનું પુસ્તકાલય હતું. વાંચનનો શોખ હોવાથી દયાળજી ત્યાંથી પુસ્તકો લઈને વાંચતા. તેલના દીવાના અજવાળે રાતે બે વાગ્યા સુધી વાંચતા. પોતાના ઘડતરમાં આ પુસ્તકાલયની ભૂમિકાને બહુ બધી બિરદાવતાં દયાળજી કહે છે, ‘ટંકારા આર્ય સમાજે મારો વિકાસ કર્યો છે, મારું ઘડતર કર્યું છે. એના પુસ્તકાલયે જ આજે હું જે છું એ બનાવ્યો છે.’

લખવાનો પણ શોખ હોવાથી એ દરમ્યાન ગુજરાતી પેપરોમાં પહેલાં ટુચકા પછી બાળ વિભાગમાં અને પછી કટારો લખવા લાગ્યા. દરજીકામની સાથોસાથ તેઓ ટંકારામાં ચાલતી સંસ્કૃત પાઠશાળામાં સંસ્કૃત શીખ્યા. એક્સટર્નલ પરીક્ષાઓ આપી સંસ્કૃત પારંગતની ડિગ્રી લઈ સ્કૂલમાં સંસ્કૃતના ટીચર બન્યા. ચારેક વર્ષ સ્કૂલમાં ભણાવ્યું પછી આયુર્વેદના અભ્યાસનો નાદ લાગ્યો ત્યારે સવારે સ્કૂલમાં ભણાવતાં અને દિવસે દરજીકામ કરતા. જામનગરની આયુર્વેદ કૉલેજમાં ભણવા ગયા ત્યારે તેમણે સ્કૂલ છોડી દીધી અને આયુર્વેદાચાર્યની ડિગ્રી લીધી. એ દરમ્યાન પણ તેમણે આયુર્વેદ પર ખૂબ લખ્યું. 

દરજીકામ પણ બહુ ગમતું  

દયાળજીને લખવામાં જ રસ હતો, દરજીકામ નહોતું ગમતું એવું જરાય નથી. તેઓ કહે છે, ‘મને દરજીકામમાં પણ બહુ રસ હતો. ૬ મહિના મુંબઈમાં કામ કર્યું, પણ તબિયતને ન ફાવ્યું એથી પાછો ટંકારા જતો રહ્યો. મુંબઈના ૬ મહિનામાં પણ દરજીકામમાં તેમણે નામ કરેલું. આર્થિક રીતે પણ બહુ સંઘર્ષ તેમણે કરવો પડ્યો છે, પણ પિતા અને ત્રણ ભાઈઓએ બહુ મદદ કરી. તેઓ ભણવા જામનગર ગયા ત્યારે તેમના પરિવારે તેમનાં વાઇફ અને બાળકોને સાચવ્યાં.

અંગત સંગત

ડૉ. દયાળજી મુનિ અત્યારે ટંકારામાં પત્ની વાસંતીબહેન સાથે રહે છે. ૨૦ વર્ષની ઉંમરે તેમણે લગ્ન કરી લીધાં હતાં. તેમના દીકરા ભરતભાઈ વડોદરામાં દરજીકામ કરે છે અને પૌત્ર ધવલ વડોદરાની લોકલ ટીવી-ચૅનલ પર અને આકાશવાણી વડોદરા પર ન્યુઝ-રીડર છે. તેમના ભત્રીજા હસમુખભાઈ ટંકારા આર્ય સમાજના મંત્રી છે.