તૃપ્તિ છતાં અતૃપ્તિ

28 December, 2014 07:06 AM IST  | 

તૃપ્તિ છતાં અતૃપ્તિ




મેડિકલ વર્લ્ડ - ફાલ્ગુની જડિયા-ભટ્ટ

૨૦૧૦નું વર્ષ રમતગમત જગત માટે આઘાતનું વર્ષ રહ્યું હતું. વર્લ્ડ્સ નંબર વન ગૉલ્ફર ટાઇગર વુડ્સે આ વર્ષે જાહેરમાં પોતે સેક્સ-ઍડિક્ટ હોવાની કબૂલાત કરી સૌકોઈને આશ્ચર્યચકિત કરી મૂક્યા હતા. વુડ્સ અને તેની પત્ની એલિનનું લગ્નજીવન ખોરંભે ચડ્યું હોવાની ચર્ચા તો ઘણા વખતથી ચાલતી જ હતી, પરંતુ અચાનક ચારે બાજુથી વુડ્સના ૧૧થી પણ વધુ લગ્નબાહ્ય સંબંધો પ્રકાશમાં આવતાં એકાએક જ તેમના દામ્પત્યજીવન પર કાયમી પૂર્ણવિરામ મુકાઈ ગયું. પત્ની અને બે બાળકોનો પ્રેમ હંમેશાં માટે ગુમાવી દેનાર ટાઇગર વુડ્સને સૌથી મોટું નુકસાન તો એ થયું કે તેણે ગૉલ્ફનું મેદાન છોડી પોતાની વાસના પર કાબૂ મેળવવા રીહૅબિલિટેશન સેન્ટરમાં દાખલ થઈ જવું પડ્યું. પરિણામે અત્યાર સુધી દુનિયાભરમાં જે વ્યક્તિને લોકો પોતાના આદર્શ તરીકે જોતા હતા તે જ અચાનક સેક્સ- ઍડિક્શન નામની માનસિક બીમારીનો ચહેરો બની ગઈ.

ભારતીય પુરાણોમાં સેક્સને માનવજીવનનું અત્યંત મહત્વનું પાંસું ગણવામાં આવ્યું છે. બલકે ત્યાં સુધી કહેવાયું છે કે જ્યાં સુધી આ બાબતમાં વ્યક્તિને પૂરેપૂરી તૃપ્તિ થતી નથી ત્યાં સુધી અધ્યાત્મના માર્ગે તેની સફર અધૂરી રહે છે. તેમ છતાં દરેક બાબતની જેમ આ મુદ્દે પણ પ્રમાણભાન જાળવવું આવશ્યક છે. વ્યક્તિ જ્યારે પોતાનું સવર્‍સ્વ ભૂલી માત્ર જાતીય સુખમાં રચીપચી રહેવા માંડે છે ત્યારે તેને તૃપ્તિની ઝંખના રહેતી નથી બલકે વ્યસન બની જાય છે. અને આ એક એવું વ્યસન છે જે વ્યક્તિની સાથે તેના સમગ્ર પરિવારને પણ તહસનહસ કરી શકે છે. તેથી સાવધ રહો, કારણ કે સૌથી મોટો ઇલાજ જ સાવધાનીમાં રહ્યો છે.

જાતીય વ્યસન એટલે શું?

ટાઇગર વુડ્સ પહેલાં માઇકલ ડગ્લસ, ડેવિડ ડ્યુકોવ્ની તથા રસેલ બ્રૅન્ડ જેવા હૉલીવુડના જાણીતા કલાકારોએ પણ જીવનના એક તબક્કે પોતાને સેક્સનું ઍડિક્શન લાગુ પડ્યું હોવાની કબૂલાત કરી હતી. આપણે ત્યાં પણ અનેક રાજકારણીઓથી માંડી ફિલ્મસ્ટાર્સ તથા સમાજના જાણીતા ચહેરા છૂપા ખૂણે આ બીમારીની સારવાર લઈ ચૂક્યા છે અને લઈ રહ્યા છે. આવું આ સેક્સ-ઍડિક્શન શું છે એ સમજાવતાં જાણીતા સેક્સોલૉજિસ્ટ ડૉ. પ્રકાશ કોઠારી કહે છે, ‘સેક્સ્યુઅલ ઍડિક્શન પણ એક પ્રકારનું વ્યસન જ છે. જેમ માણસને દારૂ, ચરસ, ગાંજો વગેરે જેવા માદક પદાર્થોનું વ્યસન હોઈ શકે છે એવી જ રીતે કેટલાક લોકોને જાતીય વ્યસન હોય છે. જેમ ઉપરોક્ત વ્યસનોમાં વ્યક્તિનો પોતાની જાત પર કાબૂ રહેતો નથી એવી જ રીતે જાતીય વ્યસનમાં પણ વ્યક્તિની કામેચ્છા બેકાબૂ બની જાય છે. એટલી બેકાબૂ કે કેમેય કરીને તેની તરસ છિપાતી નથી અને બધુંય કર્યા પછી પણ જાણે પ્યાસ અધૂરી જ રહે છે. પરિણામે વ્યક્તિ દિવસ-રાત માત્ર કામ સંબંધી કલ્પનાઓ અને પ્રવૃત્તિઓમાં રત રહ્યા કરે છે. પોતાની આ પ્રકારની વર્તણૂક યોગ્ય નથી એ જાણતી હોવા છતાં તે કેમેય કરીને એમાંથી મુક્ત થઈ શકતી નથી. ધીરે-ધીરે આ લત અંગત સંબંધોથી માંડી સામાજિક વ્યવહારો અને કામકાજના સ્થળ વગેરે જેવાં જીવનનાં બધાં પાસાંઓમાં બાધા બની તેને ખુવાર કરી નાખે છે.’

ગેરમાર્ગે દોરવાઈ જવું સરળ હોવાથી...

મનોવિજ્ઞાનમાં સેક્સ-ઍડિક્શન માટે સેક્સ્યુઅલ ડિપેન્ડન્સી, હાઇપરસેક્સ્યુઅલિટી, નિમ્ફોમેનિયા, સટાઇરિઆસિસ, કમ્પલ્સિવ સેક્સ્યુઅલ બિહેવિયર અને સેક્સ્યુઅલ કમ્પલ્સિવિટી વગેરે જેવાં નામો પણ ઉપયોગમાં લેવાય છે. સેક્સ અત્યંત અંગત બાબત હોવાથી જાહેરમાં એની બહુ ચર્ચા થતી નથી, પરિણામે આ રોગના કિસ્સાઓ પણ બહુ પ્રકાશમાં આવતા નથી. તેમ છતાં એક અંદાજ મુજબ એકલા અમેરિકામાં ૧ કરોડ ૨૦ લાખ લોકો આ વ્યસનથી પીડાય છે, જેમાં સ્ત્રીઓની સરખામણીમાં પુરુષોની સંખ્યા વધુ હોવાનું પણ બહાર આવ્યું છે. અલબત્ત, એની પાછળ સ્ત્રીઓની વફાદારી નહીં, પરંતુ પુરુષોની વધુ જાગૃત કામેચ્છાને કારણભૂત ગણવામાં આવે છે. અલબત્ત, એને માનસિક રોગોની યાદીમાં મૂકવું કે ન મૂકવું એ બાબતે મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી જોરદાર ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ હવેના સમયમાં ઇન્ટરનેટના બહુવ્યાપી ઉપયોગને પગલે સેક્સની બાબતમાં ગેરમાર્ગે દોરવાઈ જવું ખૂબ સરળ બની ગયું છે. તેથી જ પહેલાંની સરખામણીમાં હવે આ વ્યસન અને એની ગંભીર અસરોની ચર્ચા કરવી વધુ આવશ્યક બની ગયું છે.

સેક્સ-ઍડિક્શનનાં લક્ષણો

સૌથી પહેલાં તો એ સમજી લેવું જરૂરી છે કે કોઈ પણ વ્યક્તિ જન્મથી સેક્સ-ઍડિક્ટ હોતી નથી. કેટલાક પોતાના સમય, સંજોગો અને પરિસ્થિતિઓને કારણે એ દિશા તરફ દોરવાઈ જાય છે તો કેટલાક મજાકમસ્તીમાં એ દિશા તરફ ખેંચાઈ જતા હોય છે. બન્ને પરિસ્થિતિમાં વ્યક્તિ ધીરે-ધીરે પોતાનું ભાન ભૂલતી જાય છે અને તેને પોતાને પણ ખ્યાલ આવે એ પહેલાં તેને એની લત લાગી જાય છે. પરિણામે તેની કામેચ્છા બેફામ બની જાય છે; જેને પગલે સેક્સ, સેક્સની કલ્પનાઓ તથા સેક્સ સંબંધી પ્રવૃત્તિઓ તેના જીવનના કેન્દ્રસ્થાને આવી જાય છે. આવી વ્યક્તિ ઇન્ટરનેટ પર પૉર્ન ફિલ્મ્સ અને ફોટોગ્રાફ્સમાં જોવામાં કે પછી પૉર્ન ચૅટ કરવામાં કલાકો ખર્ચી નાખે છે. મસાજ પાર્લરની અવારનવાર મુલાકાત લેવામાં તેમને આનંદ આવવા માંડે છે. પોતાના જીવનસાથી પ્રત્યેની તેમની લાગણીઓ સુકાતી જાય છે અને તેઓ એક કરતાં વધુ લગ્નબાહ્ય સંબંધો તથા જોખમી વન નાઇટ સ્ટૅન્ડની જંજાળમાં ફસાતા જાય છે. તો વળી કેટલાંક કૂટણખાનાંઓનાં ચક્કર મારતા થઈ જાય છે. એનાથી આગળ વધી કેટલાકની તો વૃત્તિઓ પણ બદલાઈ જાય છે, જેને પગલે તેમને પોતાના પ્રાઇવેટ પાટ્ર્સનું અજાણી વ્યક્તિઓ સામે પ્રદર્શન કરવામાં કે પછી લોકોના બાથરૂમ કે બેડરૂમમાં તાક્યા કરવામાં મજા આવવા માંડે છે. બલકે તેઓ કોઈની જાતીય છેડછાડ કરવાથી માંડી બળાત્કાર કરવા સુધીની હદ પણ પાર કરી જઈ શકે છે. જેમ કોઈ શરાબીને શરૂઆતમાં માત્ર એક ગ્લાસ શરાબથી નશો ચડી જાય છે, પરંતુ ધીરે-ધીરે નશાની એ જ અવસ્થા સુધી પહોંચવા તેણે શરાબનું પ્રમાણ વધારતા જવું પડે છે એવી જ રીતે જેમ-જેમ આ વ્યસન જોર પકડતું જાય છે તેમ-તેમ પોતાની કામેચ્છાને તૃપ્ત કરવી તેમના માટે વધુ અઘરું બનતું જાય છે. આ અતૃપ્તિ દૂર કરવા તેઓ વધુ ને વધુ સ્ત્રીઓને પોતાના વશમાં કરવા તત્પર બને છે. બલકે સ્ત્રી જેટલી વધુ જોખમી એટલી તેમને એમાંથી વધુ થિþલ મળે છે. તેથી તેઓ વેશ્યાઓથી માંડી ટીન એજ છોકરીઓ સુધી કોઈની પણ સાથે શરીરસંબંધ બાંધતાં અચકાતા નથી. અહીં પોતાની લાક્ષણિક શૈલીમાં તેમની અવસ્થાનું નિરૂપણ કરતાં ડૉ. કોઠારી કહે છે, ‘આવા લોકોના સામાજિક જીવનની પાછળ એક ગુપ્તજીવન રહ્યું હોય છે, જેને તેઓ બધાથી છુપાડીને રાખે છે. કેટલાક એવા હોય છે જેમને સ્ત્રી સાથેના શરીરસુખ કરતાં તેને મળવામાં, તેને પોતાની સાથે શારીરિક સંબંધ બાંધવા માટે તૈયાર કરવામાં વધુ ઉન્માદનો અનુભવ થાય છે. આ ઉન્માદ અનુભવવા તેઓ કોઈ પણ જોખમ લેવા તૈયાર થઈ જાય છે. અને છેલ્લે બધી રીતે તૃપ્ત થયા પછી પણ તેમનું મન તો કાયમ અતૃપ્ત જ રહે છે.’

આવું કેમ?

કેમ કેટલાક જ લોકો જાતીય વ્યસનનો ભોગ બને છે? આ સવાલના જવાબમાં મનોવિજ્ઞાનમાં છેલ્લાં થોડાં વર્ષોમાં અનેક થિયરી અસ્તિત્વમાં આવી છે. એક થિયરી અનુસાર મગજના મીડિયલ પ્રીફ્રન્ટલ ર્કોટેક્સ નામના ભાગમાં ચાંદાં પડવાથી આ પ્રકારનું વ્યસન લાગુ પડી શકે છે. તો બીજી એક થિયરી અનુસાર મગજનાં કેટલાંક ચોક્કસ કેમિકલ્સમાં ગરબડ થવાથી પણ આ પ્રકારનું વ્યસન લાગુ પડી શકે છે. અહીં ડૉ. કોઠારી કહે છે કે ‘આ ક્ષેત્રમાં થયેલાં અમુક રિસર્ચમાં એમ પણ જાણવા મળ્યું છે કે આ વ્યસન ધરાવતા મોટા ભાગના લોકો બાળપણમાં પોતે જાતીય શોષણનો ભોગ બન્યા હોય છે. સાથે જ તેમાંનાં મોટા ભાગનાં માતાપિતા પણ એક નહીં તો બીજા પ્રકારનું વ્યસન ધરાવતાં હોવાનું જાણવા મળ્યું છે. સામાન્ય રીતે આવા લોકો જડ, લાગણીહીન, શુષ્ક અને રૂઢિચુસ્ત પરિવારમાંથી આવે છે. વળી તેમને આ વ્યસન ઉપરાંત દારૂ, સિગારેટ, ચરસ વગેરે જેવાં બીજાં વ્યસનો પણ મહદંશે હોય જ છે.’

નિદાન માટે આવશ્યક ધારાધોરણો

સેક્સ-ઍડિક્શનનાં મોટા ભાગનાં લક્ષણો અન્ય ઍડિક્શન જેવાં જ હોવાથી એના નિદાન માટે પણ અન્ય ઍડિક્શન માટેનાં ધારાધોરણો જ ઉપયોગમાં લેવામાં આવે છે. આ ધારાધોરણોમાં મુખ્યત્વે બે બાબતો ધ્યાનમાં લેવી પડે. પહેલી, વ્યક્તિની પોતાની કામેચ્છાને કાબૂમાં લેવામાં વારંવાર મળતી અસફળતા અને બીજી, પરિણામ ખતરનાક હોવાની પૂરેપૂરી સમજ હોવા છતાં ગેરવર્તણૂક ચાલુ રાખવાની અદમ્ય ઇચ્છા. કોઈ પણ વ્યક્તિ પર સેક્સ-ઍડિક્ટનું લેબલ લગાડતાં પહેલાં તેનામાં આ બન્ને ગુણો ઓછામાં ઓછા છ મહિના કે વધુ સમયથી હાજર હોવા આવશ્યક છે.

સારવાર સરળ ને સફળ બનાવવા

અહીં ડૉ. કોઠારી કહે છે, ‘આ સાથે દરદીને કોઈ બીજી માનસિક બીમારી કે કોઈ પર્સનાલિટી ડિસઑર્ડર તો નથીને એની પણ પાક્કી ખાતરી કરી લેવી આવશ્યક છે. જો આવી કોઈ માનસિક બીમારી હોય તો સારવારમાં એ માટેની દવાઓ કામ લાગી શકે, પરંતુ માત્ર જાતીય વ્યસન હોય તો તેમને એમાંથી બહાર નીકળવાના રસ્તાઓ સૂચવવા પડે. આ માટે તેઓ સંગીત, વાંચન, ગઝલો વગેરેનો શોખ કેળવે તો મનને બીજે વાળવું સરળ બને છે. આ સાથે આયુર્વેદ આવા લોકોને લૉન્ગ વૉક અને પ્રાણાયામ કરવાની સલાહ આપે છે. લાંબું ચાલવાથી મગજ સહિત શરીરના બધા જ અવયવોમાં લોહીનું પરિભ્રમણ વધે છે, જે મનને પ્રફુલ્લિત રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે; જ્યારે પ્રાણાયામથી માનસિક શાંતિ મળે છે. આ સાથે જૂના જમાનામાં માનસિક ઉન્માદ ધરાવતી વ્યક્તિઓને ગાયનું ઘી ખાવાની સલાહ આપવામાં આવતી હતી. રોજ એક ગ્લાસ ગાયના ગરમ દૂધમાં એક ચમચી ગાયનું ઘી નાખીને પીવાથી યાદશક્તિ સુધરે છે, કબજિયાત દૂર થાય છે, કૉલેસ્ટરોલ વધતો નથી અને માનસિક શાંતિ મળે છે. અંગત રીતે વ્યક્તિએ પોતે પણ એકલા રહેવાનું ટાળવું જોઈએ. બને તેટલું પોતાના અને સારા લોકોની સંગતમાં રહેવાથી ખોટાં કામો કરવાની ઇચ્છા આપોઆપ દૂર થઈ જાય છે. અમે આવી વ્યક્તિઓને ઘરમાં લૅપટૉપ રાખવાની ના પણ પાડીએ છીએ અને ટીવી પણ બેડરૂમને સ્થાને લિવિંગ રૂમમાં મૂકવાની સલાહ આપીએ છીએ. આ પ્રકારની સારવારમાં વ્યક્તિની પોતાની માનસિક તૈયારી ઉપરાંત મિત્રો અને પરિવારજનોનો સાથ પણ મળી રહે તો સોનામાં સુગંધ ભળે છે તથા સારવાર વધુ સરળ અને સફળ રહે છે.’

સેક્સ-ઍડિક્શનનાં જોખમો

આટલી જોખમી માનસિકતા સ્વાભાવિક રીતે તેમના અંગત જીવનને પણ હાનિ પહોંચાડે છે. આમાંના મોટા ભાગના લોકોનું લગ્નજીવન ખોરંભે ચડી જાય છે. પરિણીત ન હોય તો પણ તેઓ કોઈ પણ પ્રકારના સંબંધમાં સમર્પણભાવથી ટકી શકતા નથી. માનસિક સ્તરે તેઓ સતત શરમ અને અપરાધભાવથી પીડાતા હોય છે. તેમનું આત્મસન્માન તૂટીને ચકનાચૂર થઈ જાય છે અને તેઓ કાયમી એન્ગ્ઝાઇટી અને ડિપ્રેશનનો ભોગ બની જાય છે. તેમની આ માનસિક અવસ્થા કામના સ્થળે પણ નડતરરૂપ બનતી હોવાથી મોટા ભાગના કિસ્સાઓમાં તેમના નોકરીધંધા છૂટી જાય છે, જેને પગલે તેમની સાથે તેમના પરિવાર પણ આર્થિક રીતે પાયમાલ થઈ જવાની સંભાવના રહે છે. જોખમી સેક્સને કારણે તેમની સામે એઇડ્સ અને ણ્ત્સ્ વગેરે જેવા સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝનો ભય પણ હંમેશાં રહે છે ને સાથે અવાંચ્છિત ગર્ભાવસ્થાની સંભાવના પણ રહ્યા કરે છે. વળી જો તેઓ જાતીય છેડછાડ, બળાત્કાર કે વેશ્યાલયમાં અવરજવરના ગુનામાં પકડાઈ જાય તો કાનૂની સમસ્યાઓ પણ ઉદ્ભવી શકે છે. ટૂંકમાં આ વ્યસન એવું છે, જે તેમને સંપૂર્ણ વિનાશના માર્ગે દોરી જઈ શકે છે.