આ ભાઈ છેલ્લાં ૧૧ વર્ષથી રિવર્સમાં જ ટૅક્સી ચલાવે છે

28 December, 2014 07:05 AM IST  | 

આ ભાઈ છેલ્લાં ૧૧ વર્ષથી રિવર્સમાં જ ટૅક્સી ચલાવે છે



માનો યા ન માનો - સેજલ પટેલ

છોકરાઓને ૧૮ વર્ષ થાય એ પછી જ વેહિકલ ચલાવવાનું લાઇસન્સ મળે છે. ટીનેજ પૂરી થાય ત્યારે બેફામ ડ્રાઇવિંગ કરનારા યંગસ્ટર્સની કોઈ કમી નથી. જોકે યંગસ્ટર્સની ગાડી જ્યારે ટેક્નિકલ ખામીને કારણે અટકી પડે ત્યારે તેઓ એનો કંઈક ક્રીએટિવ રસ્તો શોધી જ કાઢે છે. પંજાબમાં ભટિંડા શહેરમાં રહેતા હરપ્રીત દેવ નામના યુવકે આવા જ એક હાદસામાંથી પ્રેરણા લઈને જબરો અજીબ કારનામો નોંધાવ્યો છે.

૨૦૦૩ની સાલમાં ભાઈ તેમની પ્રિય ફીઆટ પદ્મિની લઈને જઈ રહ્યા હતા ત્યારે રાતના સમયે અચાનક ગાડીના ગિયરમાં કંઈક ગરબડ સરજાઈ. કેટલુંય કર્યું, પણ ગાડી આગળ જાય જ નહીં. ભટિંડા ગામથી લગભગ પાંચેક કિલોમીટર દૂર ગાડીએ દગો દીધેલો. જોકે રિવર્સ ગિયરમાં ગાડી પાછળ જઈ શકતી હતી એટલે ભાઈએ ફીઆટને રિવર્સ ગિયરમાં નાખીને મંઝિલ ભણી ઊલટી દોટ લગાવી દીધી. રાતના અંધારામાં પાંચ કિલોમીટર સળંગ રિવર્સમાં ગાડી ચલાવીને ઘરે પહોંચ્યો ત્યાં સુધીમાં તો હરપ્રીતને બૅકવર્ડ ડ્રાઇવિંગનો ચસકો લાગી ચૂક્યો હતો.

બીજા દિવસે ફીઆટ રિપેર કરાવીને સીધેસીધી ગાડી હંકારવાની જાણે મજા જ મરી ગઈ હતી એટલે તેણે થોડાક દિવસ શોખ ખાતર જ રિવર્સ ગિયરમાં ગાડી ચલાવવાનું શરૂ કરી દીધું. ભટિંડાની ગલીકૂંચીઓમાં શાર્પ ટર્ન લેવામાં પણ ભાઈને ફાવટ આવવા લાગી એટલે તેણે પોતાની જાતને જ બૅક ગિયર ચૅમ્પિયન એવું ઉપનામ આપી દીધું. બીજા લોકો કરતાં કંઈક હટકે કરવાની તમન્નાને પગલે ભાઈએ કારને જ આખી મૉડિફાય કરી નાખી. સામાન્ય રીતે ચાર નૉર્મલ ગિયર હોય અને એક રિવર્સ ગિયર, પણ તેણે પોતાની ટૅક્સીમાં ચાર રિવર્સ ગિયર અને એક નૉર્મલ ગિયર નાખ્યું. એ મૉડિફિકેશનને કારણે તેની બૅકવર્ડ ડ્રાઇવિંગની સ્પીડમાં પણ જબરદસ્ત વધારો થયો. રસ્તો સાફ હોય તો હરપ્રીત ૮૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાર દોડાવી શકે છે.

નવી ડિઝાઇન કરેલી ફીઆટને રિવર્સમાં ચલાવવા માટે તેણે ગવર્નમેન્ટ પાસેથી સ્પેશ્યલ લાઇસન્સ લીધું છે જેને કારણે ઉત્તર ભારતનાં બધાં જ રાજ્યોમાં તેને ઊલટી દિશામાં ગાડી ચલાવવાની છૂટ છે. ભટિંડાથી શરૂ થયેલો આ દોર માત્ર આસપાસનાં ગામો પૂરતો જ સીમિત નથી રહ્યો, હરપ્રીત રિવર્સ ચલાવીને રાજસ્થાનથી પાકિસ્તાનના લાહોર સુધી જઈ આવ્યો છે. બે દેશો વચ્ચે શાંતિનો માહોલ બનાવવામાં આવે એ માટે ખાસ પીસ-રૅલી તેણે રિવર્સ ગાડી ચલાવીને કાઢી હતી.

૧૧ વર્ષથી અવળી ગાડી ચલાવ્યા પછી તેનું સપનું ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં નામ નોંધાવવાનું હતું, પણ રેકૉર્ડ બનાવવા માટે તેણે આટલાં વષોર્નાં નૉન-સ્ટૉપ વિડિયો ફુટેજ રજૂ કરવાં પડે એમ હતાં; જે થઈ શક્યું ન હોવાથી ગિનેસ વિના જ હરપ્રીતે કંઈક હટકે કર્યાનો સંતોષ માનવો પડ્યો છે. રિવર્સમાં ગાડી ચલાવવા માટે તેને સતત ગરદન વાળીને પાછળ જોતાં રહેવું પડતું હોવાથી તેના શરીરના સાંધાઓ જવાબ આપી રહ્યા છે. ગરદન અને કમરને સતત અટેન્શનમાં અવળી દિશામાં વળેલાં રહેવું પડતું હોવાથી એ ભાગોમાં જબરો દુખાવો થતો હોવા છતાં હરપ્રીતે રિવર્સમાં ડ્રાઇવિંગ કરવાની રઢ મૂકી નથી.