જ્યાં જ્યાં નજર મારી ઠરે, ભવ્યતા નજરે પડે

28 December, 2014 07:03 AM IST  | 

જ્યાં જ્યાં નજર મારી ઠરે, ભવ્યતા નજરે પડે





નવ રાત્રિ નૉર્વેમાં - સંગીતા જોશી - ડૉ. સુધીર શાહ, ઍડ્વોકેટ


પતિ ગમે તેવો હોય, પણ પત્નીને રાજી રાખ્યા સિવાય એનો છૂટકો નથી હોતો. ઑસ્લોથી બર્ગન આવવા સવારના વહેલાં ઊઠ્યાં હતાં. આખો દિવસ જાતજાતનાં વાહનોમાં મુસાફરી કરીને છેક રાત્રિના બર્ગન પહોંચ્યાં હતાં. બર્ગનમાં એ દિવસોમાં સૂરજ થોડા કલાક માટે જ અદૃશ્ય રહેતો હતો એટલે રાત્રિના દસ વાગી ગયા હતા છતાં પણ દિવસ જેવો જ ઉજાસ હતો. વાતાવરણ તાજગીભર્યું હતું તોય થોડોક થાક તો વર્તાતો જ હતો, પણ પત્ની સંગીતાને સામે આવેલા બાગમાં ફરવાની ઇચ્છા જાગી હતી અને પતિ સુધીર એને નારાજ કરી શકે એમ નહોતો. ફટાફટ હાથ-મોઢું ધોઈ, પહેરેલાં કપડે જ અમે નીચે ઊતયાર઼્. બાગમાં લટાર મારતાં એવું લાગ્યું કે મોડી રાતના ત્યાં જવામાં અમે કંઈ ભૂલ નથી કરી. અમારી જેમ જ બીજા કંઈ કેટલાય પ્રવાસીઓ ત્યાં લટાર મારતા હતા અને ગઝેબો આગળ ઊભા રહીને ફોટાઓ પડાવતા હતા. થોડી વાર એ સુંદર જગ્યામાં ફયાર઼્ બાદ અમને થયું કે નજીકમાં જો કોઈ ગ્રોસરી સ્ટોર ખુલ્લો હોય તો ત્યાંથી જ્યૂસ ખરીદીએ. સુધીરને વ્હીસ્કીની બાટલી લેવાની પણ લાલચ જાગી હતી એટલે અમે અમારી હોટેલની બાજુના રસ્તા પર જ્યાં દુકાનો આવેલી એ તરફ ગયાં. થોડું ચાલ્યાં અને પૂછતાં જાણવા મળ્યું કે જરાક આગળ જ એક ગ્રોસરીનો ડિપાર્ટમેન્ટલ સ્ટોર હતો, જે રાત્રિના અગિયાર સુધી ખુલ્લો રહેતો હતો. અમે ઘડિયાળ તરફ નજર કરી અને ચાલવાની ઝડપ વધારીને પહોંચી ગયાં એ સ્ટોરમાં. જ્યૂસનાં પૅકેટો તો મળી ગયાં, પણ લિકર વેચવા પર રાત્રિના આઠ પછી પ્રતિબંધ હતો. પાછા વળતાં અમે જોયું કે ત્યાં આવેલી રેસ્ટોરાંઓમાં વાગતા સંગીતના તાલે લોકો મસ્તીમાં ઝૂમી રહ્યા હતા. ‘કાલે આપણે પણ અહીં ડાન્સ કરવા આવશું...’ એવું કહીને સુધીરે સંગીતાને રાત્રિએ ત્યાંની રેસ્ટોરાંમાં એ સમયે જતાં રોકી. હોટેલમાં દાખલ થયાં અને ત્યાંની લાઉન્જમાં થોડા ગુજરાતીઓને બેઠેલા જોયા. સ્વાભાવિક છે કે અમારાથી એમને ‘કેમ છો?’ એવું પુછાઈ ગયું. હવે તો અમેરિકાના પ્રેસિડન્ટ પણ ભારતીયોને આ રીતે જ સંબોધે છે ને? વાતચીત કરતાં જાણવા મળ્યું કે તેઓ એક કન્ડક્ટેડ ટૂરમાં નૉર્વે આવ્યા હતા અને બર્ગનમાં મળતાં ભોજન વિશે ફરિયાદ કરતા હતા. એમને એ વાતનો પણ વસવસો હતો કે નૉર્વે મોંઘુંદાટ હતું આથી તેઓ ત્યાં શૉપિંગનો આનંદ લઈ નહોતા શક્યા. ‘ગુડ નાઈટ, કાલે પાછા મળશું...’ એમ કહીને અમે છૂટાં પડ્યાં. બીજા દિવસની સવારે જ્યારે પહેલા માળે આવેલી રેસ્ટોરાંમાં બ્રેકફાસ્ટ કરવા ગયાં ત્યારે પાછલી રાત્રિના મળેલા ગુજરાતીબંધુઓમાંના થોડાક અમને ત્યાં મળ્યા. સંગીતાને રોજેરોજ એની હેરસ્ટાઇલ અને વસ્ત્રપરિધાન બદલવાની ટેવ છે. નાટકમાં વર્ષોથી કામ કરતી હોવાને કારણે એ પોતાના મેક-અપ અને હેરસ્ટાઈલ એવી રીતે બદલી શકે છે કે અજાણી વ્યક્તિ એેને આજે જુએ તો કાલે ઓળખી ન શકે.

આથી આ લોકોએ પણ સંગીતાને ઓળખી નહીં, પણ સુધીરને એમણે બરાબર ઓળખી કાઢ્યો. એમાંના એક પુરુષે સુધીર જ્યારે એકલો કોઈ વાનગી લેવા ગયો હતો ત્યારે તક ઝડપી લઈને એને પૂછયું: ‘ભાઈ, તમારે બે પત્નીઓ છે?’ આવો સવાલ સાંભળીને સુધીર પહેલાં તો ભડકી ગયો, પણ પછી એની સમજમાં આવ્યું કે સંગીતા આજે સાવ જુદી દેખાતી હતી એટલે એ ખડખડાટ હસી પડ્યો અને એ ભાઈની ગેરસમજ દૂર કરાવવા એને સંગીતા પાસે લઈ ગયો અને એની ઓળખાણ કરાવી.

ત્યાર બાદ તો એ ગ્રુપના લોકો બે દિવસ બર્ગનમાં રહ્યા એટલો સમય જ્યારે પણ અમને મળતાં ત્યારે સુધીરની મશ્કરી કરતાં પૂછતા: ‘આ એ જ વાઇફ છે ને?’

બ્રેકફાસ્ટ કરીને અમે હોટેલની બહાર પડ્યાં. સુધીરને અસ્થમાનો પ્રૉબ્લેમ છે. એ દિવસે એ થોડો અસ્વસ્થ હતો અને અમારો સામાન ફંફોળતાં અમને જાણ થઈ હતી કે અસ્થમા માટેનું ઇન્હેલર અમે ઑસ્લોમાં મૂકેલા અમારા સામાનમાં મૂકી આવ્યાં હતાં આથી અમે એવું જ ઇન્હેલર ખરીદવાનો વિચાર કર્યો અને ફાર્મસી ક્યાં આવી એની તપાસ આદરી. અમારી હોટેલની બહાર નીકળતાં જ સામે એક ખૂબ જ પહોળો ટોરગેલમેનિંગન નામનો રસ્તો હતો. એ આખો એરિયા જ સહેલાણીઓ માટેનો હોય એવું જણાયું. એ રસ્તા પર પાંચેક મકાનો છોડીને એક મોટો ડિપાર્ટમેન્ટલ સ્ટોર હતો. ત્યાં આવેલી ફાર્મસીમાં અમે અસ્થમા માટે ઇન્હેલર માગ્યું, પણ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર આપવાની એ લોકોએ સાફ ના પાડી. ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન લેવા જઈએ તો અડધો દિવસ બગડે એમ હતો. આટલી વારમાં તો સુધીરનો અસ્થમાનો અટૅક બેસી ગયો અને સંગીતાએ ખૂબ કહ્યું તેમ છતાં એણે ડૉક્ટર પાસે જવાનું ટાળ્યું. સારા નસીબે અમે બર્ગનમાં હતાં એટલા દિવસોમાં સુધીરને ફરી પાછો અસ્થમાનો હુમલો થયો નહોતો. આપણા દેશની જેમ યુરોપ અને અમેરિકામાં તમને કોઈ પણ દવા પ્રિસ્ક્રિપ્શન વગર મળી નથી શકતી. પરદેશ જનારાઓએ આ વાતનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ.

ડિપાર્ટમેન્ટલ સ્ટોર જોવામાં અમને ઝાઝો રસ નહોતો. યુરોપના અન્ય દેશોના જેવો જ એ એક જાયન્ટ અને અદ્યતન સ્ટોર હતો. અમે ત્યાંથી બહાર નીકળતાં હતાં એટલામાં જ સુધીરની નજર ત્યાં આવેલા બુક સ્ટોર પર પડી, પછી એ કંઈ ઝાલ્યો ઓછો રહે! નહીં, નહીં તોય પચ્ચીસ મિનિટ એ સ્ટોરમાં સુધીરે કાઢી અને નૉર્વેના જાણીતા લેખકોની અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરવામાં આવેલી થોડી વાર્તાઓનાં પુસ્તકો ખરીદ્યા પછી જ એ ત્યાંથી બહાર નીકળ્યો. અમે કોઈ પણ દેશમાં જઈએ, સુધીરનું સૌથી મોટું શૉપિંગ પુસ્તકોનું હોય છે. પુસ્તકોનું એને વળગણ છે. અમારા ઘરે કોઈ આવે તો એને એમ જ લાગે કે એ મુંબઈની સેન્ટ્રલ લાઇબ્રેરીમાં આવ્યો છે. સંગીતાને પણ પુસ્તકો વાંચવાનો શોખ છે એટલે ‘એક સે ભલે દો’ એવો ઘાટ ઘડાય છે.

અમે એક વાર ન્યુ યૉર્કથી મુંબઈ પાછાં આવતાં હતાં. ન્યુ યૉર્કના ઍરર્પોટ પર ટૅક્સી-ડ્રાઇવરે એની ટૅક્સીની ડિકીમાંથી અમારી બૅગો ઉતારવામાં અમને મદદ કરતાં એને એમાંની એક બૅગ અતિશય વજનદાર જણાઈ. છ ફૂટ ઊંચા એ કસરતબાજ આફ્રિકન ડ્રાઈવરે માંડ માંડ એ બૅગ ઊંચકતાં અમને પૂછયું હતું: ‘વ્હૉટ ડુ યુ હૅવ ઈન ધીસ બૅગ? સ્ટોન્સ ?’ (‘આ બૅગમાં શું છે? પથરા?’) અને સંગીતાએ હસતાં હસ્તાં જવાબ આપ્યો હતો: ‘નથિંગ, ઓન્લી બુક્સ.’

થોડાક આગળ ચાલ્યાં અને અમે થંભી ગયાં. બર્ગનને નૉર્વેમાં ફ્ર્યોડનું પ્રવેશદ્વાર કહેવામાં આવે છે. એ આખા શહેરને અને એના બ્રિગેન નામના રસ્તાને યુનેસ્કોને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કયાર઼્ છે. અમે જ્યાં ઊભાં હતાં ત્યાથી થોડા જ અંતરે બર્ગન શહેરનું વિશ્વવિખ્યાત ફિશ માર્કેટ આવેલું હતું. એની ડાબી બાજુએ સોગ્નેફ્ર્યોડ આવેલી હતી. એની બાજુમાં બ્રિગેન સ્ટ્રીટ પર ઊભેલાં વર્ષો જૂનાં લાકડાંનાં મકાનો હતાં અને એમની પછવાડે એ શહેર જેના માટે જાણીતું છે એ સાત ડુંગરોમાંના થોડાક ડુંગરો દેખાતા હતા. કંઈ કેટલીય વાર સુધી અમે બેઉ એ મનમોહક દૃશ્ય જોતાં ઊભાં રહ્યાં. સંગીતાએ તો ફટાફટ એના ફોટાઓ પાડવાનું શરૂ કરી દીધું અને પછી એ સુંદર સ્થળને વધુ નજીકથી જોવા અમે ફિશ માર્કેટ ભણી પ્રયાણ આદર્યું.

(ક્રમશ)