કફ સુકાઈ જવાને કારણે આખો દિવસ ખોં-ખોં કરતા હો તો અરડૂસી જરૂર લો

28 December, 2014 07:01 AM IST  | 

કફ સુકાઈ જવાને કારણે આખો દિવસ ખોં-ખોં કરતા હો તો અરડૂસી જરૂર લો



આયુર્વેદનું A 2 Z - ડૉ. રવિ કોઠારી

સંધિકાળમાં કફજન્ય રોગોનું આધિક્ય રહે છે. એવા સમયે કફને સૂકવી નાખવામાં આવે એટલે ગળફો નીકળતો બંધ થઈ જાય, પણ ગળામાં કફ કરડ્યા કરે. એને કારણે ખાંસી અને ઉધરસ આવ્યા કરે. આપણી જ ખોટી સારવારને કારણે શરદી જલદી જાય, પણ ખાંસી-ઉધરસ લાંબાં મહેમાન બનીને રહે. આવું ન થાય એ માટે જાતજાતનાં કફસિરપોને બદલે  અરડૂસીનો ઉપયોગ કરવો જોઈએ. સંસ્કૃતમાં એને વાસા કે વાસિકા કહેવાય છે. કફજનિત અસંખ્ય રોગોની ભક્ષક હોવાથી તેમ જ એનાં ફૂલ સિંહના મોં જેવાં હોવાથી અરડૂસીને સંસ્કૃતમાં સિંહાસ્ય કહે છે. એનાં પાન લીલા રંગનાં અને જામફળના ઝાડ જેવા આકારનાં, પરંતુ થોડાંક પાતળાં હોય છે. અંગ્રેજીમાં એને મલબાર નટ કહેવાય છે. આયુર્વેદની દૃષ્ટિએ એના ગુણધમોર્ જોઈએ તો એ લઘુ અને રુક્ષ છે. એ કફ પાતળો કરીને બહાર કાઢે છે. કડવી, તીખી, ઠંડી હોવાથી શ્વાસનળીને નરમ રાખે છે. એ શીતર્વીય, હૃદ્ય, તીખી, કડવી અને સ્વર્ય છે. એ ઉધરસ, કમળો, શીતપિત્ત, વિષ, જ્વર, કફ, શ્વાસ, ક્ષય, તૃષા, અરુચિ, કુષ્ઠ અને ઊલટીનો નાશ કરે છે.

અરડુસી કઈ-કઈ રીતે વપરાય?

ઘણી આયુર્વેદ કંપનીઓ હવે અરડૂસો ધરાવતાં હર્બલ કફસિરપ પણ બનાવતી થઈ ગઈ છે. જો એમાં કફ સૂકવી નાખનારી અન્ય ઍલોપથી દવા ઉમેરવામાં ન આવી હોય તો એ સિરપ પણ વાપરી શકાય. બાકી આયુર્વેદમાં હંમેશાં વનસ્પતિ ઔષધોનો સીધો ઉપયોગ કરવાનું વધુ અસરકારક કહેવાય છે. આ વનસ્પતિનાં પાન, ફૂલ, મૂળ અને મૂળની છાલ વપરાય છે; પણ પાન સૌથી વધુ કામમાં આવે છે. પાન તાજાં વાપરવાં સૌથી સારાં. એના દરેક અંગને બાળીને એનો ક્ષાર બનાવવામાં આવે છે. આ ક્ષાર પણ દવામાં વપરાય છે.

શ્વસનતંત્ર માટે ઉત્તમ

ફેફસાંમાં કફ જામી ગયો હોય તો એક ચમચી અરડૂસીનાં પાનનો રસ દિવસમાં ત્રણથી ચાર વખત લેવાથી કફ છૂટો પડે છે અને ગળફા વાટે નીકળી જાય છે. બજારમાં મળતાં અનેક કફસિરપોમાં અરડૂસી હોય છે.

વ્ગ્ની બીમારીમાં અરડૂસીનાં પાનનો રસ, તુલસી અને મધ સાથે મેળવીને સવાર-સાંજ લેવાથી સારો લાભ થાય છે. અરડૂસીનાં પાન ન મળે તો સૂકાં પાનનો કાઢો બનાવીને લેવાય.

અરડૂસીનાં પાનમાં ક્ષારો હોય છે. પાનને પાણીમાં લાંબો સમય ભીંજવી રાખવામાં આવે તો ક્ષાર પાણીમાં ભળી જાય છે. પાનની ચીલમ બનાવીને બીડીની જેમ ફૂંકવામાં આવે તો ધુમાડાની સાથે બહાર નીકળે છે. એનાથી કેફ ચડતો નથી, પણ દમની બેચેની ઓછી થાય છે.

રક્ત અને ત્વચા માટે

ખાંસી, ઊલટી, કફ, નસકોરીના લોહીને અટકાવવાનો સ્તંભન ગુણ છે. ત્વચાના વિકારમાં સારો ઉપયોગ છે. રક્તજ અતિસારમાં એનાં પાનનું ચૂર્ણ અથવા પાનનો રસ આપવાથી વહેતું લોહી અટકે છે. હૃદયરોગ, રક્તપિત્ત, લોહીવાળા હરસ, વધુપડતું બ્લીડિંગ, રક્તની ઊલટીમાં પરમ ઔષધ છે. પાન સાથે મૂળ પણ વાપરવામાં આવે તો વધુ અસરકારક છે.

જેઠીમધ, મસૂરની દાળ, સિમળા કાટા આ ત્રણેયને મિક્સ કરી અરડૂસીનાં પાનના રસમાં મેળવીને પેસ્ટ બનાવવી. એને ચહેરા પર લગાવવાથી ખીલ મટે છે. અળાઈ પર એનો રસ લગાવવાથી શમે છે.

અરડૂસીનાં ઔષધો

એની વિવિધ દવાઓ બનાવવામાં આવે છે. જેમ કે વાસાસ્વરસ, વાસકાસવ, વાસાવલેહ, વાસારિષ્ઠ, વાસાપાનક, વાસાચંદનાદિતેલ.