ઇન્સ્ટ્રક્ટેબલ્સ: સર્જનાત્મકતાના ચાકડે, કંઈ પણ ઘડીએ

28 December, 2014 06:59 AM IST  | 

ઇન્સ્ટ્રક્ટેબલ્સ: સર્જનાત્મકતાના ચાકડે, કંઈ પણ ઘડીએ


વેબ-વર્લ્ડ - જયેશ અધ્યારુ

અલાદ્દીનના ચિરાગવાળા જીનની જેમ ઇન્ટરનેટ ચૂટકી બજા કે માગો તે માહિતી ઉલેચી લાવે છે, પરંતુ નેટ સર્ફિંગના નામે માત્ર ફેસબુકના જ ગુલામ બની રહીએ તો ક્રિયેટિવિટીને ગળે ટૂંપો દેવાય તેવી પૂરેપૂરી શક્યતા છે. અરે, બાળકો છાનાંમાનાં જમી લે એ માટે સ્માર્ટફોન કે ટૅબલૅટમાં વીડિયો શરૂ કરીને તેની સાથે ચિટકાડી દેનારાં મમ્મી-પપ્પાઓની સંખ્યા વધતી જ જાય છે. આવાં બાળકો નવું નવું શીખવાને બદલે નેટના બંધાણી ન બને તો જ નવાઈ. ત્યારે હળવેકથી જો એમને ઇન્સ્ટ્રક્ટેબલ્સ (www.instructables.com) જેવી વેબસાઇટનો પણ ચસ્કો લગાવીએ તો એમની સર્જનાત્મકતાને નવી જ પાંખો ફૂટે.

૨૦૦૪માં મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજીમાં ભણતા ચાર મિત્રોએ સ્ક્વિડ લેબ્સ નામની કંપની સ્થાપી. ટેક્નૉલૉજી અને ક્રિયેટિવિટીનો સંગમ કરીને અવનવી પ્રોડક્ટો બનાવવી એ આ કંપનીનો ઉદ્દેશ. એક જ વર્ષમાં આ મિત્રો પાસે એવા આઇડિયા ભેગા થઈ ગયા કે એને એક જગ્યાએ મૂકવા માટે એક પ્લૅટફૉર્મની જરૂર પડી એટલે ૨૦૦૫માં એમણે વેબસાઇટ શરૂ કરી ઇન્સ્ટ્રક્ટેબલ્સ. એક જ વાક્યમાં કહીએ તો આ સાઇટ પર આવતા લોકો આપણને વિવિધ વસ્તુઓ જાતે બનાવતા શીખવે છે. હવે જરા માંડીને વાત કરીએ.

ઇન્સ્ટ્રક્ટેબલ્સ સાઇટ પર પહોંચીએ એટલે હોમ પેજની ટોચ પર લેટ્સ મેઇક (ચાલો બનાવીએ)ના લટકણિયા સાથે એક સર્ચબાર દેખાશે. તેમાં તમને ફેવરિટ એવી કોઈ પણ વસ્તુનું નામ લખો. આ વસ્તુ અભ્યાસ, રમતગમત, એક્સર્સાઇઝ, ખાણીપીણી, પ્રવાસ, સંગીત કોઈ પણ ક્ષેત્રની હોઈ શકે. ધારો કે આપણે લખ્યું બાઇસિકલ એટલે તરત જ સાઇકલને ધ્યાનમાં રાખીને બનતી અવનવી વસ્તુઓ બનાવવાની રેસિપીઓનો ઢગલો હાજર થઈ જશે. જેમ કે, ઍન્ટિક બાઇસિકલ, સાઇકલથી ચાલતી બોટ, ડાયનેમોવાળી લાઇટ, જૂની સાઇકલને પેઇન્ટ કરવી, સાઇકલ માટે સાઇડકાર, વાંસમાંથી સાઇકલ, અંધારામાં ચમકતી સાઇકલ, સાઇકલના પૈડામાંથી ઘડિયાળ, નાના તારમાંથી સાઇકલનું મૉડલ વગેરે એટલી બધી વસ્તુઓની રેસિપીઓ હાજર થઈ જાય છે કે બધી ગણાવવા બેસીએ તો પાર જ ન આવે. આમાંથી કોઈ પણ એક રેસિપી પર ક્લિક કરો એટલે તે વસ્તુ કઈ રીતે બનાવવી તેની ટૂંકી ને ટચ સ્ટેપ બાય સ્ટેપ પદ્ધતિઓ હાજર. અહીં શબ્દો ઓછા અને તસવીર વધુ બોલતી હોય છે. ઘણે ઠેકાણે આખી વસ્તુ બનાવવાનું ડેમોન્સ્ટ્રેશન આપતો વીડિયો પણ મોજુદ હોય.

આવી એક લાખથી પણ વધારે વસ્તુઓ-વાનગીઓ બનાવવાની પદ્ધતિઓ આ સાઇટ પર અવેલેબલ છે. મજાની વાત એ છે કે આ તમામ વસ્તુઓ બનાવવાની રીતો આપણા જેવા ઉત્સાહી લોકોએ જ અપલોડ કરી હોય છે. એટલું જ નહીં, તેને બનાવવાની મોટા ભાગની સામગ્રી આપણા ઘરમાંથી જ મળી રહે તેવી હોય છે. વળી, દરેક રેસિપીની નીચે મુલાકાતીઓ એકબીજા સાથે પોતાના આઇડિયા-અનુભવો પણ શૅર કરતા રહે છે.

જો આ સાઇટમાં સાંગોપાંગ રસ પડવા માંડે તો તેમાં આપણને ગમી ગયેલી વસ્તુઓની રીતોનું કલેક્શન પણ કરી શકીએ અને મિત્રો સાથે શૅર પણ કરી શકીએ. અહીં થ્રીડી ડિઝાઇન, વૂડન કોન્ટેસ્ટ, હોમમેઇડ ગિફ્ટ્સ, અંધારામાં ગ્લો થાય એવી વસ્તુઓ વગેરે બનાવવાની અવનવી સ્પર્ધાઓ પણ ચાલતી હોય છે પણ હા, એના માટે આ સાઇટ પર સાઇન-અપ થવાનો એક નાનકડો વિધિ કરવો પડે.

ઈન ર્શોટ, આપણી સર્જનાત્મકતાની બાટલીનું ઢાંકણું ખોલી આપતી આ સાઇટ બાળકો માટેના પ્રોજેક્ટ બનાવવા માટે તો બેસ્ટ છે જ, વૅકેશન અને રજાઓને પણ એકદમ ફ્રૂટફુલ બનાવી દેશે તેની પણ ફુલ ગૅરન્ટી છે. બસ ત્યારે, હવે ઓવર ટુ યુ.