સાત પગથિયાં સેફ અને સંતુષ્ટ સેક્સ-લાઇફનાં

26 October, 2014 07:45 AM IST  | 

સાત પગથિયાં સેફ અને સંતુષ્ટ સેક્સ-લાઇફનાં



સંબંધ-સરિતા - ડૉ. રવિ કોઠારી


મોટા ભાગે જ્યારે સેક્સ-લાઇફમાં સમસ્યા પેદા થાય ત્યારે કાં તો લોકો મન મારીને હવે સેક્સ-લાઇફ પૂરી થઈ ગઈ એવું ચૂપચાપ સ્વીકારી લે છે કાં પછી સાચી-ખોટી કોઈ પણ જગ્યાએથી એનો ઉકેલ લાવવા માટે ઉધામા કરે છે. સેફ અને સંતુષ્ટ સેક્સ્યુઅલ લાઇફ માટે શું તકેદારી રાખી શકાય અથવા તો કેવા નિયમો પાળવા જોઈએ એ જોઈએ.

૧. કૉન્ડોમ કમ્પલ્સરી

હંમેશાં કૉન્ડોમનો ઉપયોગ કરવો. અહીં હંમેશાં શબ્દ ખૂબ જ મહત્વનો છે. જો તમે પ્રેગ્નન્સી અવૉઇડ કરવા માટે વાપરતા હો તો પણ અને સેક્સ્યુઅલ ડિસીઝથી બચવા ઇચ્છતા હો તો પણ. જેમને એક કરતાં વધુ સેક્સ્યુઅલ પાર્ટનર્સ છે તેમણે સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝથી પ્રોટેક્શન મેળવવા માટે કૉન્ડોમ હરહંમેશ વાપરવું મસ્ટ છે.

૨. વફાદારી

જાતીય રોગોના ફેલાવાથી એ જ લોકો બચી શકે જે પરસ્પરને વફાદાર હોય. એક કરતાં વધુ પાર્ટનર્સ સાથે સંબંધો રાખનારા લોકોમાં સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝની શક્યતાઓ વધુ હોય છે.

૩. સ્કૉચ, સ્મોક અને સ્ટ્રેસ

સેક્સ-લાઇફના સૌથી મોટા દુશ્મન તરીકે આ ત્રણ S છે. સ્કૉચ એટલે દારૂનું વ્યસન અને સ્મોકિંગ વ્યક્તિની સેક્સ-લાઇફને પણ ખોરંભી નાખે છે. જો તમે બીડી-સિગારેટ, ગુટકા કે આલ્કોહોલ જેવું વ્યસન ધરાવતા હો તો તમારી સેક્સ-લાઇફમાં ગમે ત્યારે ઓટ આવી શકે એમ છે. ઘણા લોકો માને છે કે હું તો દસ વર્ષથી ગુટકા ખાઉં છું અને મને હજી સુધી તો કોઈ અસર નથી થઈ. જો તમે પણ એવું માનતા હો તો એક વાત સમજી લેજો કે આ વ્યસનને કારણે જ્યારે સેક્સ-લાઇફમાં અચાનક બમ્પ આવી જશે ત્યારે એ જગ્યાએથી પાછા ફરવાના કે પરિસ્થિતિને સુધારા તરફ વાળવાના ચાન્સિસ બહુ જ ઘટી ગયા હશે. સો બેટર લેટ ધૅન નેવર.

૪. હાઇજીન

પ્રાઇવેટ પાર્ટ્સની નિયમિત સ્વચ્છતા જાળવવી જરૂરી છે. સ્ત્રી-પુરુષ બન્નેએ રોજ દિવસમાં બે વાર પ્રાઇવેટ પાર્ટ્સને સાબુ ચોળીને ખૂબબધા પાણીથી ચોખ્ખા કરવાની આદત પાડવી જોઈએ. આ આદત હોય તો સેક્સ-અપીલ સુધરે છે એટલું જ નહીં, કોઈ ચેપ લાગવાની સંભાવનાઓ પણ ઘટે છે. સમાગમ પછી જનનાંગોને સાફ કરવાની આદત પણ એટલી જ જરૂરી છે.

૫. ફોરપ્લે અને આફ્ટરપ્લે

ફિઝિકલ ઍક્ટમાં સંભોગ સંતુષ્ટિ આપનારો હોય છે, પણ એ ત્યારે જ શક્ય બને જ્યારે એના પહેલાંની ક્રિયાઓમાં સંતોષ મળ્યો હોય. ખાસ કરીને સ્ત્રીઓને માનસિક અને શારીરિક રીતે ઉત્તેજિત કરવા માટે આ બન્ને સેશન્સ ખૂબ જ અગત્યનાં હોય છે. યોગ્ય ફોરપ્લે વિના પૂરતી ઉત્તેજનાના અભાવને કારણે ઘર્ષણ, બળતરા, પીડા જેવી સમસ્યાઓ પેદા થઈ શકે છે. આફ્ટરપ્લે વિના જ સૂઈ જવામાં આવે કે કામે વળગી જવામાં આવે ત્યારે સ્ત્રીઓને લેફ્ટ અલોનની ફીલિંગ આવી શકે છે. લાંબા સમય સુધી આવી સ્થિતિ થયા કરે તો એની સીધી-માઠી અસર મહિલાઓની કામેચ્છા પર પણ પડી શકે છે.

૬.  અકેલે હમ, અકેલે તુમ

આજની ભાગદોડભરી જિંદગીમાં ઑફિસ, ઘર, બાળકોની જવાબદારી અને સામાજિક ફંક્શનોને પહોંચી વળવામાં જ માણસ ખેંચાઈ જતો હોય છે. એવા સમયે રાતે એકાંત મળે ત્યારે પતિ-પત્ની એટલાં થાકેલાં હોય છે કે એ સમયમાં ધારો કે ફિઝિકલ ઇન્ટિમસી થાય તો પણ એ માત્ર શારીરિક સંતોષ આપનારી હોય છે. કોઈ પણ ઉંમરનું યુગલ હોય, જો મહિને એક વાર આખો દિવસ એકલું ગાળે તો તેમની વચ્ચેનું બૉન્ડિંગ વધુ મજબૂત થાય છે. ખાસ કરીને સ્ત્રીઓને એ બાબત માનસિક રીતે વધુ સંતુષ્ટ કરનારી છે.

૭. લાઇફ-સ્ટાઇલ ડિસઑર્ડર્સ

ઓબેસિટી, ડાયાબિટીઝ, કૉલેસ્ટરોલ, બ્લડ-પ્રેશર જેવા લાઇફ-સ્ટાઇલ ડિસઑર્ડર્સ દૂર રહેશે તો સેક્સ-લાઇફ પણ સ્વસ્થ રહેશે. આ રોગો ઇન્દ્રિય-ઉત્થાનની સમસ્યાઓમાં વધારો કરે છે. બેકાબૂ બનેલા આ રોગો ધીમે-ધીમે કરતાં સેક્સ્યુઅલ પર્ફોર્મન્સને નબળો પાડે છે. નિયમિત યોગ-પ્રાણાયામ, યોગ્ય ડાયટ, પૂરતી ઊંઘ અને સ્ટ્રેસમુક્ત થવાય એવી પ્રવૃત્તિઓને દૈનિકચર્યામાં સ્થાન આપવાથી શરીર અને મન પણ સ્વસ્થ રહેશે અને સેક્સ્યુઅલ લાઇફ પણ વધશે. એક ખાસ વાત એ કે આ રોગો આવે એ પછી એને કાઢવા મથવાને બદલે આવી સમસ્યાઓ આવે જ નહીં એ માટે સાચી દિનચર્યા કેળવવી જરૂરી છે.