ડાકુ : વટ, વચન અને વેર - પ્રકરણ ૯૧

26 October, 2014 07:38 AM IST  | 

ડાકુ : વટ, વચન અને વેર - પ્રકરણ ૯૧


નવલકથા - રશ્મિન શાહ

ડગ્લસ સાથે વાત કરી રહેલા ફોજદારે નજર ભૂપત સામે ફેરવી હતી અને તેને પણ વાતમાં લીધો હતો. દેખાવ એવો હતો જેમાં તે ભૂપત સાથે વાત કરી રહ્યો હોય, પણ એની સાથોસાથ તે ભૂપત પરથી નજર હટાવવા માટે તૈયાર નહોતો એ પણ સાબિત થઈ રહ્યું હતું. આંખના પલકારામાં ચપળતાપૂર્વક સરકી જવાનું કૌવત ધરાવતા ભૂપતસિંહ પર ફોજદાર કોઈ ભરોસો કરવા માટે તૈયાર નહોતો.

‘તમે જ કહો મારે શું કરવાનું?

આ કીડીનો આદેશ માનવાનો કે પછી અમદાવાદમાં બેઠેલા પેલા મોટા મંકોડાનો...’

ભૂપતે દાંત ભીંસ્યા. બીજલ પણ પરિસ્થિતિ પામી ગઈ હતી. એનો ઉકળાટ ચાલમાં દેખાઈ રહ્યો હતો અને ભૂપત લગામ પકડીને એને ખેંચીને ઊભો હતો.

‘કીડી અને મંકોડાના આ આદેશની લપમાં ક્યાંક મગરમચ્છ ખાઈ ન જાય એનું ધ્યાન રાખવાનું...’

‘વાહ...’ ફોજદારે હાથના ઇશારા સાથે લહેકો કર્યો અને પછી ટોણો પણ માર્યો, ‘કબજામાં આવ્યા પછી પણ ફૂંફાડા તો એવા મારે છે કે જાણે હજી પણ બાજી પોતાના હાથમાં હોય...’

‘ફોજદાર, બાજી રમવી ક્યારે અને સમેટવી ક્યારે એ નક્કી કરવાનું કામ હંમેશાં ભૂપતે કર્યું છે...’ ભૂપત બીજલને સંભાળવામાં સતત વ્યસ્ત હતો અને એ પછી પણ તેની આંખો ફોજદાર પર ખોડાયેલી હતી, ‘બાજી હાથમાં રાખવી એ તો ફિતરત છે ફોજદાર, પણ જે હાથમાં ન હોય એવી બાજીને પણ પોતાની કરવી એ ભૂપતની ખાસિયત રહી છે...’

‘તારી આ ખાસિયત હવે ઝાંખી પડી ગઈ છે ભઈલા...’ ફોજદારે માર્મિક સ્મિત સાથે જવાબ વાળ્યો, ‘તું અત્યારે જ્યાં ઊભો છે એ જગ્યા અને એ સંજોગોને ભૂલવાને બદલે વાસ્તવિકતાનો સામનો કરવાની કોશિશ કર...’

‘વાત તો તમારી બહુ સાચી છે, પણ એક ખુલાસો કરી દઉં ફોજદાર... વાસ્તવિકતાનો સામનો તમારે કરવાનો છે.’ ભૂપતસિંહના ચહેરાના ભાવ અકળ હતા, ‘ઇલાકો મારો, જંગલ મારું, રસ્તો મારો અને કોતર મારી... ત્યારે તમારો આ આત્મવિશ્વાસ તમને હેરાન કરી શકે છે...’

‘હા... હા... હા...’ ફોજદારના અટ્ટહાસ્યથી આખું જંગલ ભરાઈ ગયું, ‘બેટમજી, હોશિયારી કરવામાં તું ઉસ્તાદ હોઈ શકે, પણ ફિશિયારી કરવામાં તો હું તારો પણ બાપ છું... નજર કર જરા આજુબાજુમાં, તને બધું સમજાઈ જશે.’

ફોજદારે તાળી પાડીને જેવો ઇશારો આપ્યો કે તરત જ આજુબાજુના વતુર્ળમાંથી ઝાડીઓ હટવા માંડી અને એ ઝાડીની પાછળથી ફોજદારની સેના બહાર આવી. નિયત કરેલા સ્થળ અને સમયની ફોજદારને કેવી રીતે ખબર પડી એ વાતથી હતપ્રભ થયેલા માઇકલ ડગ્લસ માટે આ ક્ષણ વધુ ઝાટકો આપનારી હતી, કારણ કે ફોજદારના માણસો રીતસર ઝાડી ઓઢીને બેઠા હતા. જેવા એ સૌ બહાર આવ્યા કે તરત જ તેમણે હાથમાં પકડેલી ઝાડીઓ ફગાવી દીધી હતી અને જ્યાં તે સૌ ઊભા હતા એ જગ્યાએ એક નાનકડું મેદાન બની ગયું હતું. આ કામ કરવા માટે યુદ્ધની ઝડપ જોઈએ અને ભૂપતે તો આગલી રાતે જ આ સ્થળ નક્કી કર્યું હતું. ડગ્લસને ખાતરી થઈ ગઈ કે તેના ઘરમાં જ કોઈ એવું છે જે ફોજદારને માહિતી પહોંચાડવાનું કામ કરે છે. ઘરે જઈને પહેલું કામ ઘરમાં જે કોઈ કામ કરનારા છે એ સૌને હટાવવાનું કરવું છે એવા વિચારો ડગ્લસના મનમાં ચાલી રહ્યા હતા, પણ એ વિચારો કરતાં પણ તીવ્ર વિચારો તો એ બાબતના હતા કે અત્યારે આ સ્થળેથી ભૂપતને કઈ રીતે સલામત રીતે રવાના કરવો.

ડગ્લસને ખબર હતી કે ફોજદારનું આવી જવું એ એક ખરાબ અકસ્માત માત્ર હતો, પણ એ અકસ્માતમાં જો કોઈ અણધારી ઘટના બને તો તે જિંદગીભર પોતાની જાતને કોસતો રહેશે. પોતે એક જ નહીં, ભૂપતના ઘરના બધા પણ એવું જ માનશે કે ડગ્લસે તેમની સાથે ગદ્દારી કરી છે.

‘ફોજદાર, જે થઈ રહ્યું છે એ યોગ્ય નથી...’ ડગ્લસ આગળ વધ્યો અને ફોજદારની નજીક પહોંચ્યો, ‘હું હજી પણ તમને આદેશ આપું છું કે આ સ્થળ છોડીને રવાના થઈ જાઓ, જલદી...’

ફોજદારે ડગ્લસની સામે જોયું અને ધીમેકથી તેની નજીક આવીને તેની હડપચી પકડી.

‘આદેશ આપવો હોય તો એ તમારી કચેરીમાં આપવાનો... રણમેદાનમાં નહીં.’

‘તમે અત્યારે...’

‘મારી વાત હજી પૂરી નથી થઈ સાહેબ... પહેલાં પૂરી વાત સાંભળી લો.’ ફોજદારે ડગ્લસની આંખોમાં આંખ પરોવી, ‘જવાનો આદેશ જેવી દૃઢતાથી આપો છો એટલી જ દૃઢતા સાથે અમે પણ કહીએ છીએ કે આ સ્થળ છોડીને નીકળી જાઓ. લોહીની નદી તમારાથી નહીં જોવાય... જલદી જાઓ અને ઘરે જોઈને ધોળા રંગની ચામડીવાળાં ભાભીની સાથે મજા કરો. જાઓ...’

‘યુ આર ક્રૉસિંગ યૉર લિમિટ...’ ડગ્લસને ફોજદાર પર ગુસ્સો આવી રહ્યો હતો. જો તેનું ચાલ્યું હોત તો તે અત્યારે આ સમયે ફોજદારને થપ્પડ મારતાં પણ ખચકાયો ન હોત, ‘બ્લડી ઇન્ડિયન...’

‘ઓયે સાહેબ... ગાળો ભાંડવાનું બંધ કરો. બાકી એવી ગાળો આપીશ કે એનો અર્થ શોધતાં-શોધતાં બુઢ્ઢા થઈ જશો.’ ફોજદારે દૂર ઊભેલા બે હવાલદારને ઇશારો કરીને પાસે બોલાવ્યા, ‘આ સાહેબને અહીંથી રવાના કરવાના છે. ઝાડીની પાછળ તેમની ગાડી ઊભી છે. જઈને ગાડીવાળાને અહીં બોલાવી લો.’ - ધિસ ઇઝ ટૂ મચ... ફોજદારને એ પણ ખબર હતી કે મેં ગાડી ક્યાં પાર્ક કરી છે. એનો અર્થ એવો થયો કે તેનો પીછો સતત થઈ રહ્યો હતો.

માઇકલ ડગ્લસને પોતાના પર જ ગુસ્સો આવવો શરૂ થઈ ગયો. તેણે મનમાં પણ એવું નહોતું વિચાર્યું કે તેનો પીછો થશે અને તેની પાછળ માણસો મૂકવામાં આવ્યા હશે. અરે, તે બિચારાને તો એવી પણ કલ્પના નહોતી કે તેનો આખો પ્લાન કોઈના સુધી પહોંચી ગયો હશે. ડગ્લસ મુસ્તાક હતો કે તે બધાને અંધારામાં રાખીને કામ કરી રહ્યો છે, પણ તે પોતે જ અંધારામાં હતો.

‘ફોજદાર, હું તમારી સામે લીગલ ઍક્શન લઈશ.’

‘વાંધો નઈ સાહેબ, વાંધો નઈ... પણ પગલાં લેતાં પહેલાં એટલું યાદ રાખજો કે તમે જે માણાને મળવા આવ્યા’તા તે અત્યારે રાજ્યનો સૌથી મોટો ગુનેગાર છે અને તમને તેનાથી અંતર રાખવાનો આદેશ મોટા સાહેબ લાંબા સમય પહેલાં આપી ચૂક્યા હતા.’ ફોજદાર ભારોભાર શ્રદ્ધા સાથે બોલી રહ્યો હતો જાણે તેનો વાળ પણ વાંકો થવાનો ન હોય, ‘મારો તો વાળ પણ વાંકો નઈ થાય સાહેબ, પણ તમે તો મોટા સાહેબનો આદેશ નહીં માનવામાં આખેઆખા વાંકા વળી જશો એ ભૂલતા નહીં...’

ભૂપત શાંતચિત્તે બન્નેની વાત સાંભળી રહ્યો હતો, પણ હવે તેને કંટાળો આવતો હતો. તેણે મોટા અવાજે ફોજદાર અને ડગ્લસનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું, ‘અલ્યા એય, અંદરોઅંદર વાતો કરશો કે પછી આ મહેમાનની સામે પણ ધ્યાન આપશો?’

ફોજદારે ડગ્લસને બદલે હવે ભૂપતની દિશા પકડી તેની નજીક આવ્યો. જોકે નજીક આવ્યા પછી પણ ફોજદારે બીજલથી એક ચોક્કસ અંતર જાળવી રાખ્યું હતું. ડગ્લસ માટે બીજલ એક સામાન્ય ઘોડી હતી, પણ ફોજદાર બીજલને વષોર્થી ઓળખતો હતો. આ જ બીજલ કર્ણવીરસિંહની હત્યાના દિવસે ભૂપતને તેના ગળા પર વળગાડીને છેક ઘર સુધી દોડી આવી હતી. જો એ સમયે બીજલ ન હોત તો નિર્ધારિત યોજના મુજબ ભૂપતને પણ ત્યાં જ ખતમ કરવાનો હતો. જો બીજલ ન હોત તો... જો બીજલ ન હોત તો આજે જે ક્ષણ ફોજદાર જોઈ રહ્યો હતો એ ક્ષણ પણ આવી ન હોત અને ભૂપત નામના બહારવટિયાને કારણે ફોજદારે ઢળતી ઉંમરે જંગલમાં ભટકવું પડ્યું ન હોત. બધું બીજલને કારણે થયું હતું. એક આખું અને નિરાંતે બનાવેલું કાવતરું આ ઘોડીએ ઢોળી નાખ્યું હતું.

બીજલથી અંતર રાખતી વખતે ફોજદાર અને બીજલની આંખો એક થઈ. બીજલ પણ જાણે જૂની વાતો મનમાં વાગોળી રહી હોય એમ જેવું ફોજદારે એની સામે જોયું કે તરત જ એના નાકનાં ફેણવાં ફુલાયાં અને મોઢામાંથી થૂંક બહાર આવ્યું. બીજલે ભૂપતના હાથમાંથી છૂટવાનો પ્રયાસ પણ કર્યો હતો, પણ ભૂપતની મજબૂત પકડને એ તાબે થઈને રહી હતી. એવું નહોતું કે ભૂપતની તાકાત બીજલની તાકાતથી ચડિયાતી હતી, પણ ભૂપતના આદેશને માનવો એ બીજલના સ્વભાવમાં હતું.

‘મહેમાન બહુ ફૂદક-ફૂદક થાય છેને કંઈ?!’ ફોજદારે આંખ મીંચકારી, ‘લાગે છે કે અગાઉની મહેમાનગતિ આ મહેમાન ભૂલી ગયા છે...’

‘ના, આ મહેમાનની સૌથી ખરાબ વાત એક જ છે. એને ભૂલતાં આવડતું નથી...’ ભૂપત જોરથી જમીન પર થૂંક્યો અને મનની કડવાશ બહાર ઓકી, ‘એ મહેમાનનવાજીના કારણે તો આજે તમે આમ તડકામાં જાતને શેકી રહ્યા છો ફોજદાર...’

‘એ સમયે એક નાનકડી ભૂલ થઈ ગઈ, પણ... આ વખતે એવી કોઈ ભૂલ નહીં થાય. તું ચિંતા નઈ કર...’

‘ગંજીપામાં હુકમનો એક્કો જેના હાથમાં હોય તે ચિંતા ન કરે ફોજદાર...’

‘ઘેરો ઘાલીને ઊભેલા મારા સિપાઈઓને જોઈને પણ તારો રોફ અકબંધ છે હજી હોં...’

ફોજદારે પૂરા કાઠિયાવાડી લહેકા સાથે ભૂપતને કહ્યું, પણ ભૂપતે જે જવાબ વાળ્યો એની સાથે જ ફોજદારના ચહેરાનું નૂર ઊડી ગયું.

‘વાત તો સો ટચના સોનાની છે. ઘેરો ઘાલીને તમારા સિપાઈઓ ઊભા છે, પણ એ ઘેરાની પાછળ બીજો ઘેરો જે છે એ જોઈને મારો રોફ અકબંધ રહ્યો છે... જો, જરા તારા સિપાઈઓની પાછળ... એની પાછળ તને મારી ટોળકી દેખાશે.’

ફોજદારે ઝાટકા સાથે પાછળ ફરીને જોયું. ડગ્લસની પ્રતિક્રિયા પણ બિલકુલ એવી જ હતી અને ફોજદાર આણિ મંડળીની ચેષ્ટા પણ એ જ રહી હતી. વતુર્ળના કેન્દ્રમાં ડગ્લસ, ફોજદાર અને ભૂપતસિંહ હતા તો આ વતુર્ળના પરિઘ પર ફોજદારના સિપાઈઓ ઊભા હતા, જ્યારે એ સિપાઈઓની પાછળના ભાગમાં એક જ ઝાટકે ભૂપતસિંહની ટોળકીના સાથીઓ આવીને ગોઠવાઈ ગયા હતા.

‘સાહેબ માફ કરજો, પણ હરામખોરી કરનારા લોકોની આજુબાજુમાં રહેવાનું બને તો નાછૂટકે હરામખોર બનવું પડતું હોય છે...’ ભૂપતસિંહ ડગ્લસને કહ્યું, ‘રમત કોણ રમી રહ્યું છે એ તો ખબર નથી, પણ એટલી ચોક્કસ ખબર છે કે રમતનો શિકાર અત્યારે હું બન્યો છું. રાતથી મનમાં કંઈક આવો જ ભાવ આવી રહ્યો હતો અને એટલે પૂર્વતૈયારી સાથે આવવાનું નક્કી કર્યું. વિચાર્યું હતું કે જો આ મુલાકાત ભાઈબંધીમાં પૂરી થઈ તો એને ભાઈબંધી સાથે નિભાવીશ અને એ પણ નક્કી કર્યું હતું કે આ મુલાકાતમાં નાલાયકી કરવામાં આવી તો નાલાયકી કરવાની તક પણ ચૂકીશ નહીં...’

ભૂપતસિંહે નિસાસો નાખ્યો.

‘તમે પુરવાર કર્યું કે ભૂપતસિંહની ભાઈબંધીની લાયકાત તમારામાં નથી... પણ વાંધો નહીં, ભાઈબંધી ના સહી... છાતી પર ભડાકો ખમવાની લાયકાત તો તમારામાં છે જને.’

‘ઇરાદો સહેજ પણ એવો નહોતો કે સંબંધો પર એની અસર થાય...’ ડગ્લસના ચહેરા પર ભૂપત માટેનો પ્રેમ ઝળકી રહ્યો હતો. પ્રેમની સાથોસાથ એ જ ચહેરા પર માયૂસી પણ હતી, ‘એટલી ખબર છે ભૂપત કે સાચા માણસ સાથે જ્યારે ખોટું થાય ત્યારે સાચો માણસ જંગલમાં જઈને બે જ રસ્તા વાપરે... કાં તો તે સંન્યાસી બને અને કાં તો તે શેતાન બને. હતું કે તને શેતાનમાંથી ફરી માણસ બનાવું...’

‘ઇરાદો સારો હતો, પણ મારી એક અરજ છે...’ ભૂપતે નમ્રતા સાથે કહ્યું હતું, ‘પહેલાં તમારા સમાજમાં રહેલા આ ફોજદાર જેવા શેતાનને માણસાઈના રસ્તે વાળો... જો એ થઈ ગયું તો મારા જેવા કોઈએ શેતાનીનો રસ્તો વાપરવો નહીં પડે.’

‘પત્યું તમારા બન્નેનું?!’ ફોજદારની રાડે ડગ્લસ અને ભૂપતસિંહનું ધ્યાન તેમના તરફ ખેંચ્યું, ‘જો તમારી પ્રેમલા-પ્રેમલીની વાતો પૂરી થઈ હોય તો હું સરકારી કામગીરી આગળ વધારું?’

માઇકલ ડગ્લસ કે ભૂપતસિંહ ચૌહાણ કંઈ જવાબ આપે એ પહેલાં ફોજદારે પોતાના કમરપટ્ટા પરથી બંદૂક ઉતારીને ભૂપતસિંહ સામે ધરી.

‘ભૂપત, તું ચારે તરફથી ઘેરાયેલો છે... ખબર છે કે તારા માણસો પણ અહીં જ છે, પણ એ બધામાં જીવ તારો જશે... બહેતર છે કે કોઈ જાતની ચાલાકી વિના તું શરણાગતિ સ્વીકારી લે...’

‘શરણાગતિ તો હવે યમરાજની ફોજદાર...’ ભૂપતે પૂરી મર્દાનગી સાથે જવાબ વાળ્યો, ‘બાકી આ જન્મે તો તમારી શરણાગતિ સ્વીકારું તો મારું લોહી લાજે.’

‘આખરી વાર કહું છું...’ ફોજદારે રિવૉલ્વર પર પકડ મજબૂત કરી અને જમણા હાથની પહેલી આંગળી ટ્રિગર પર મૂકી, ‘અત્યારે દિલથી નહીં દિમાગથી નિર્ણય લેવામાં માલ છે...’

ફોજદારના મનમાં ચાલી રહેલો ઉત્પાત અને ટ્રિગર દબાવવા માટે પ્રગટી રહેલી તાલાવેલી માઇકલ ડગ્લસને પણ દેખાઈ રહી હતી. તે નહોતા ઇચ્છતા કે આ ઘડીએ કોઈ એવી ઘટના બને જેમાં ભૂપતનો જીવ જોખમમાં મુકાય. તેમણે વેપારી બુદ્ધિ વાપરીને ભૂપતને ટપાર્યો.

‘ભૂપત, વિશ્વાસ રાખ. હું તારી સાથે છું... અત્યારે દલીલ કર્યા વિના હથિયાર મૂકી દે.’ ડગ્લસના સ્વરમાં કાકલૂદી પણ હતી, ‘તને પૂરતો ન્યાય અપાવીશ. મારો વિશ્વાસ રાખ...’

‘સાહેબ, એ જ વિશ્વાસના આધારે તો અહીં ઊભો છું... આ પરિસ્થિતિ વચ્ચે... અને સાહેબ, આ પરિસ્થિતિનું નિર્માણ તમારા પર રાખેલા વિશ્વાસને કારણે થયું છે.’

ડગ્લસની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. ભૂપત જે આક્ષેપ કરી રહ્યો હતો એ તેના દૃટિષ્કોણથી સહેજ પણ ખોટો નહોતો. આંખ સામે જે દેખાતું હોય એ જ હકીકત હોય એવું ધારવામાં કંઈ ખોટું પણ નથી હોતું.

ભૂપતની આંખો ડગ્લસ પર હતી અને ડગ્લસની આંખોમાં એ ક્ષણે આંસુઓની આછીસરખી ઝાંય હતી. એ સમયે ફોજદાર પોતાની નજર ભૂપત પર ચીટકાવીને અડગ ઊભો હતો તો ફોજદારના સાથીઓ મનમાં ભય સાથે ઊભા હતા. આ આખી પરિસ્થિતિનું નિર્માણ કંઈક વિચિત્ર સંજોગોમાં થયું હતું અને આ સંજોગ વચ્ચે બધા પોતપોતાની રીતે મનોમંથન પણ કરી રહ્યા હતા. આ મનોમંથન વચ્ચે જો કોઈ મુસ્તાક રહી શકે એવું હોય તો એ માત્ર કાળુ હતો. કાળુ પર કોઈની નજર પડી નહોતી. ડગ્લસને મળવા માટે ભૂપત આવ્યો ત્યારે કાળુ તેની સાથે નહોતો અને એ કારણે ફોજદાર પણ એ બાબતમાં નિષ્ફિકર હતા કે ભૂપત આ ક્ષણે એકલો જ છે. ભૂપતે જ્યારે પોતાના સાથીઓને બહાર આવવાનો આદેશ કર્યો ત્યારે પણ ફોજદારને એ સાથીઓમાં ક્યાંય કાળુ દેખાયો નહોતો. જો કાળુ દેખાયો હોત તો ફોજદાર ચોક્કસપણે સજાગ થઈ ગયો હોત અને તેણે કોઈ પણ રીતે કાળુને પણ પોતાની સામે ઊભો રાખીને ભૂપત-કાળુ બન્નેને નજરકેદમાં કરી લીધા હોત, પણ કાળુ ક્યાંય દેખાયો નહીં અને પરિસ્થિતિ થોડી કાબૂ હેઠળ હતી એટલે ફોજદારને દિમાગમાં તકલીફ આપી શકે એવી વ્યક્તિની યાદ આવી નહીં, જે કાળુના હિતમાં હતી.

જે સમયે નીચે આ વાતાવરણ હતું એ સમયે ફોજદાર જેવી જ મનોદશા અમુક અંશે ભૂપતની પણ હતી. ભૂપતે જ્યારે પોતાના સાથીઓને બહાર નીકળવાનું કહ્યું અને સાથીઓ બહાર આવ્યા એ સમયે કાળુ ક્યાંય દેખાયો નહોતો. કાળુ જો દેખાયો હોત કે કાળુ જો એ સમયે ત્યાં હોત તો તે કોઈ કાળે ભૂપતની આવી લાચારીવાળી ક્ષણ જોઈ ન શકે. તે ચોક્કસપણે કોઈ ને કોઈ રસ્તો કાઢે અને એ રસ્તાનો અમલ કરીને ભૂપતને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢે, પણ વાતો અને ધાકધમકી લાંબી ચાલી એ પછી પણ કાળુ કે તેનું કોઈ કારસ્તાન દેખાયું નહીં એટલે ભૂપતના મનમાં પણ અસમંજસનું વાતાવરણ ઘડાઈ ગયું હતું. ભૂપતની આ અસમંજસ અને ફોજદારની આ બેદરકારી વચ્ચે કાળુ ભૂપતના માથા પર ઝળૂંબી રહેલા ઝાડ પર સાવચેતી સાથે પોતાનું કામ કરી રહ્યો હતો.

હા, એ સમયે કાળુ ઝાડ પર હતો. એ જ ઝાડ પર જેની નીચે ભૂપત ઊભો હતો અને તેની સામે ફોજદાર અને માઇકલ ડગ્લસ ઊભા હતા. ભૂપતે જે સમયે ડગ્લસને મળવા જવાની તૈયારીઓ કરી હતી ત્યારે કાળુએ એ વાતનો વિરોધ કર્યો હતો અને એ વિરોધ વચ્ચે તેણે ભૂપતની સાથે આવવાની જીદ પણ પકડી હતી. ભૂપત એ જીદ માન્યો નહોતો અને તેણે દલીલ પણ કરી હતી કે વચનબદ્ધતા છોડવી ન જોઈએ.

‘વચનબદ્ધતાની તો માને...’ જીભ પર તો કાળુએ ગાળને રોકી લીધી હતી, પણ મનોમન તેણે એ ગાળનો ઉપયોગ કરી લીધો હતો, ‘જો ભૂપત, મને એવી કોઈ ડાહી વાતમાં રસ નથી. ડાહી વાતું ઝવેરચંદ મેઘાણીની વાર્તામાં સારી લાગે, તારી ને મારી જિંદગીમાં નહીં...’

ભૂપતે સહેજ કતરાતી નજર સાથે કાળુની સામે જોયું હતું, પણ એ નજરની કાળુ પર કોઈ અસર થઈ નહોતી. ભૂપતે કાળુની સામે મોટી આંખ કરીને જોયું તો તે નાના બાળકની જેમ તેની નજીક જઈને મોટી આંખ કરીને ઊભો રહી ગયો. કાળુ બોલ્યો પણ ખરો, ‘ડોળા કાઢતાં તો મને પણ આવડે છે...’

કાળુની આ હરકતથી ભૂપતથી હસી પડાયું હતું. ભૂપત જેવું હસ્યો કે તરત જ કાળુએ પોતાની જીદ ફરી પકડી લીધી.

‘હું તો ભેગો આવવાનો છું.’

‘વાત એકલા મળવાની થઈ છે... મારે એકલા જવું જોઈએ.’

‘હં...’ કાળુએ મોં ફુલાવ્યું, ‘મને તો એમ કે આપણે એક જ છીએ.’

ભૂપત કંઈ બોલ્યા વિના કાળુની નજીક ગયો. કાળુ પીઠ ફેરવીને ઊભો રહી ગયો હતો, બિલકુલ પાંચ વર્ષના બાળકની જેમ. કાળુની આવી હરકતો ભૂપતને હંમેશાં તેના માટે વહાલ જન્માવતી. ભૂપતે કાળુના જમણા ખભા પર હાથ મૂક્યો અને તેને પોતાની તરફ ઘુમાવવા માટે જોર લગાવ્યું. કાળુ પણ જાણે કે આવું જ કંઈક થશે એવું સમજી ગયો હોય એમ તેણે પણ જોર દઈને ફરવાનું ટાળ્યું.

‘મારી ભૂલ થઈ ગઈ...’ ભૂપતે ધાર્યું હોત તો એક જ ઝાટકે તે કાળુને પોતાની તરફ ફેરવી શક્યો હોત, પણ તેણે એવું કંઈ કર્યું નહીં અને પ્રેમથી કામ લેવાનું શરૂ કર્યું, ‘મારો કહેવાનો અર્થ એ હતો કે અત્યારે એ લોકો મને એકને નહીં, મારા અડધા રૂપને મળવા માગે છે... તો મારા અડધા રૂપને જ જોઈ લેવા દઈએને.’

‘એવું નો હોય હવે...’ કાળુએ છણકો કર્યો, ‘જ્યાં શરીર હોય ત્યાં આત્મા પણ ભેગો હોય... ને જ્યાં ઘરવાળો હોય ત્યાં બૈરી પણ ભેગી હોય.’

‘જેમ વનવાસમાં રામની સાથે સીતામા પણ ગયાં હતાં એમ?’

‘હા, એમ જ... તે બિચારાને એ નહોતી ખબર કે કેટલી તકલીફો વેઠવી પડશે ને તારી આ બૈરીને એ ખબર નહોતી કે જંગલમાં કેટલી ભાગદોડ કરવી પડશે.’

ભૂપત હસી પડ્યો, પણ હસવાની સાથોસાથ તેણે કાળુને પ્રેમથી સમજાવવાનું પણ શરૂ કરી દીધું હતું, ‘જો ભઈલા, હું એકલો જ મળવા જઉં એ જ યોગ્ય છે. જો કોઈ ચાલાકી થઈ તો એ ચાલાકીનો જવાબ આપવા માટે કોઈ તો બહાર હોવું જોઈએને.’

બસ, કાળુએ ભૂપતની આ જ વાત પકડી લીધી.

‘ખોટી વાત છે એ. કોઈ ચાલાકી થાય એની રાહ જ શું કામ જોવી છે આપણે. મળવા તું એકલો જશે, પણ જો કોઈ ચાલાકી થાય તો એ સમયે એ ચાલાકીને ત્યાં જ ધરમૂળથી કાપી નાખવા માટે હું ત્યાં રહીશ.’

‘એવું કંઈ નહીં થાય... તું ચિંતા નહીં કર.’

‘તું બંધ થાને ચિંતાવાળી...’ કાળુએ હવે પોતાની ભાઈબંધીવાળી સત્તા વાપરી લીધી હતી, ‘હવે તો હું આવું જ છું... સામે તું એકલો જશે પણ હું નજીકમાં રહીશ. તને જોઈ શકાય એ રીતે.’

‘ગાંડો નહીં થા...’ ભૂપત ઉશ્કેરાયો હતો, ‘જો ચાલાકી કરવામાં આવવાની હશે તો એ કોઈ એકાદ માણસ નહીં કરે. આખી પોલીસ-પલટન હશે ત્યાં.’

કાળુએ આંખ ઝીણી કરીને ભૂપતની સામે જોયું.

‘જ્યારે મનમાં શંકાઓના કીડાઓ દોડતા હોય ત્યારે પહેલું કામ એ કીડાને મારવાનું કરવું જોઈએ...’ કાળુએ આંખ મીંચકારી, ‘અત્યાર સુધી હું એકલો સાથે આવવાનું કહેતો હતો, પણ હવે એકલા-બેકલા જવાની વાત ખોટી... જો તેઓ પૂર્વતૈયારી સાથે આવવાના હોય તો પછી આપણે પણ એવી જ તૈયારી સાથે જવું પડે.’

‘કાળુ, વાત જો અને તોની છેને...’

‘મેં ક્યાં એવું કીધું કે ન્યાં જઈને બધાને કાપી નાખવા છે...’ કાળુએ મોઢું ફુલાવ્યું, ‘જો એ લોકો કાંય કરવાના હઈશે તો આપણે પણ કાંય કરીશું...’

કાળુને હવે રોકવાનું અને તેને કાબૂમાં લેવાનું કામ અઘરું થઈ ગયું હતું. નાછૂટકે ભૂપતે કાળુની વાત માનવી પડી હતી અને માનવામાં આવેલી એ વાતનો ફાયદો અત્યારે, આ ક્ષણે તેને થઈ રહ્યો હતો. ફોજદારે કરેલી ચાલ વચ્ચે જો તે એકલો હોત તો તેણે હિંમત ન હારી હોત, પણ સ્વાભાવિક રીતે એ હિંમતનું ધાર્યું પરિણામ આવવાની ટકાવારી ઘટી ગઈ હોત. કાળુએ કરેલી જીદ અને ભૂપતના શબ્દોના પૃથક્કરણ પછી તેણે કરેલા નિર્ણયનો સીધો ફાયદો ભૂપતને થઈ રહ્યો હતો. કાળુએ શું વ્યૂહરચના રાખી હતી એ તો ભૂપતને એ સમયે નહોતી ખબર પડી, પણ તેને એટલી ખબર હતી કે કાળુમાં પણ સરદાર બનવાની લાયકાત હતી. આ લાયકાતનો પરચો અત્યારે આપવાની પેરવી કાળુ કરી રહ્યો હતો.

ભૂપત જે જગ્યાએ ઊભા રહીને માઇકલ ડગ્લસની રાહ જોઈ રહ્યો હતો એ જગ્યાએ એક ઝાડ હતું. ભૂપતની નજર છુપાવીને કાળુ એ ઝાડ પર ચડી ગયો હતો. ઝાડ પર તેણે બરાબરનું સ્થાન જમાવી લીધું હતું. આ સ્થાનના આધારે જ તે સૌથી પહેલાં ફોજદારને જોઈ ગયો હતો. ફોજદાર એક હોત તો કાળુએ ઝાડ પરથી જ નિશાન લઈને તેની ખોપરી ફાડી નાખી હોત, પણ ફોજદાર સાથે પલટન હતી એ જોયા પછી કાળુએ તરત જ દૂર બેઠેલા સાથીઓને ઇશારો કરીને એ પલટનની પાછળ ગોઠવી દીધા હતા. ગોઠવાઈ ગયેલા આ સાથીઓમાંથી એક સાથીએ તક મળતાં ભૂપતસિંહને ઇશારો કરીને ખેરિયતનો સંદેશો આપી દીધો હતો. આ સંદેશાના આધારે જ જે ક્ષણે ફોજદારે પોતાની પલટનને બહાર કાઢી એ જ ક્ષણે ભૂપતે પણ વળતો દાવ રમી લીધો હતો. આ દાવ ભૂપતને રમવા મળ્યો હતો, પણ કાળુ જે દાવ રમી રહ્યો હતો એનાથી ભૂપત અજાણ હતો.

ઝાડ પર બેઠેલો કાળુ આખી પરિસ્થિતિનો તાગ મેળવીને ધીમે-ધીમે ઝાડની એ ડાળી તરફ આવવાનો શરૂ થયો જે ડાળી ફોજદાર અને ભૂપત વચ્ચે પડતી હતી. આ ડાળી પર ખળભળાટ થાય તો સ્વાભાવિક રીતે ફોજદાર સહિત સૌનું ધ્યાન ઉપરની દિશામાં ખેંચાય એવું બને એવી પૂરી શક્યતા હતી અને આ શક્યતાને વજૂદ નહોતું આપવું એટલે કાળુ બિલ્લીપગે આગળ વધી રહ્યો હતો. ઝાડની જે કોઈ ડાળી અવાજ કરી શકે એમ હતી એ ડાળીને પણ કાળુ સાવ ધીમેકથી હલાવીને આગળ વધવાની જગ્યા બનાવતો હતો.

ડાળી પાસે પહોંચ્યા પછી કાળુએ ધીમેકથી ઉપરથી જ નજર કરી. કાળુએ જ્યારે જોયું ત્યારે ફોજદારના હાથમાં બંદૂક હતી અને તેણે બંદૂક ભૂપતસિંહ સામે તાકી રાખી હતી. ફોજદાર અને ભૂપત વચ્ચે લગભગ દસ ફૂટનું અંતર હતું તો ફોજદાર અને બીજલ વચ્ચે લગભગ સાત ફૂટનું અંતર હતું. બીજલની શરીરની બોલી કહી રહી હતી કે અત્યારે એ ભારોભાર ગુસ્સામાં છે, પણ માલિકના આદેશનું પાલન કરીને એ સમસમીને ઊભી છે. કાળુએ માઇકલ ડગ્લસને પણ જોઈ લીધો. ડગ્લસના ચહેરા પર રહેલી મૂંઝવણ સ્પષ્ટ દેખાઈ રહી હતી. આ મૂંઝવણ કહેતી હતી કે જે કંઈ બન્યું છે એમાં તેનો કોઈ હાથ નથી.  કાળુએ ધીમે રહીને પોતાની રિવૉલ્વર પાટલૂનમાંથી બહાર કાઢી. આ એ જગ્યા હતી જ્યાંથી તે ફોજદાર પર વાર કરી શકતો હતો, પણ જો તે ફોજદાર પર વાર કરે તો બીજી જ ક્ષણે ફોજદારની પલટનની ગોળીબારી શરૂ થઈ જાય અને જો એવું થાય તો ભૂપત ચોક્કસ ઘવાય. શક્યતા તો એ પણ હતી કે ભૂપતનો જીવ પણ જોખમમાં મુકાઈ જાય. જે સમયે વાત જીવની હોય ત્યારે સામાન્ય ઘસરકાને આર્શીવાદ માની લેવા જોઈએ. કાળુએ પણ આ જ વાતને અમલમાં મૂકી. તેના માટે અત્યારે ભૂપત બહાર આવી જાય એ જ વાત મહત્વની હતી. ફોજદાર સામે બદલો લેવાની તક ફરી મળવાની જ હતી, પણ ભૂપત સલામત અને સુરક્ષિત રહે એ જોવું જરૂરી હતી.

કાળુએ એ યુક્તિને અમલમાં મૂકી જે તે અને બીજલ બે જ જાણતા હતા.

કાળુએ બરાબર લાગ શોધીને ઝાડની ડાળી પર જગ્યા બનાવી અને રિવૉલ્વરથી નિશાન બીજલના આગળના પગનું લીધું. યુક્તિને અમલમાં મૂકતાં પહેલાં કાળુ ઇચ્છતો હતો કે બીજલનું ધ્યાન તેના તરફ ખેંચાય અને બીજલનું ધ્યાન પોતાના તરફ ખેંચવા માટે તેણે પોતે હતો એને બદલે બાજુમાં રહેલી ડાળી પરથી થોડાં પાન તોડીને જમીન પર ફેંક્યાં. એ પાન જમીન પર ફેંકાયાં ત્યારે ફોજદાર અને ભૂપત વચ્ચે વાક્યુદ્ધ ચાલી રહ્યું હતું. આ વાક્યુદ્ધ વચ્ચે કોઈનું ધ્યાન ઉપરની દિશા તરફ ગયું નહીં, પણ બીજલે મારકણી આંખે માલિકની સુરક્ષા માટે ઉપર જોઈ લીધું.

જેવું બીજલનું ધ્યાન ઉપર ગયું કે તરત જ કાળુએ અંગૂઠાના નિશાન સાથે તૈયારી કરી લેવાનો ઇશારો કરી દીધો. બીજલે આંખની પાંપણથી સામે સહમતી પણ આપી દીધી. બસ, જેવી સહમતી મળી કે તરત જ કાળુએ બીજલના જમણા પગનું નિશાન ફરી વખત તાક્યું અને આંખ બંધ કરી મનોમન ચામુંડા માનું નામ લઈ લીધું.

‘માડી, સાથ આપજે.’

માના નામ પછી કાળુએ આંખ ખોલી અને ટ્રિગર પર આંગળીનું વજન મૂકી દીધું.

ધડામ...

બીજલના પગથી એક ફૂટ દૂર એક જોરદાર ધમાકો થયો. બધાની નજર પહેલાં એ ધમાકાની દિશામાં એટલે કે જમીન પર ગઈ. જમીન પર પડેલી એ નજર ઊંચકાય એ પહેલાં તો બીજલ પોતાના કામે લાગી ગઈ. બીજલે પોતાના આગળના બન્ને પગ ઝાડની જેમ ઊભા કરી દીધા અને છ ફૂટ લાંબી બીજલ હવામાં આઠ ફૂટ ઊંચી થઈ ગઈ. ભૂપતે સમયસૂચકતા વાપરીને લગામ સંભાળી લીધી એટલે તે પીઠ પરથી ફેંકાયો નહીં, પણ ફોજદાર આ દૃશ્ય જોઈને ડરી ગયો. ડર સાવચેતી બક્ષે તો કેટલીક વખત એ જ ડર પણ ભૂલ કરાવવાનું કામ કરતો હોય છે. એ ક્ષણે એવું જ થયું.

બીજલનું આ રૂપ જોઈને ફોજદાર ડરી ગયો અને ડરના માર્યા તેણે પોતાની રિવૉલ્વરમાંથી ફાયરિંગ કરી દીધું.

ધડામ...

ધડામ...

ધડામ...

એકસાથે ત્રણ ગોળી છૂટી.

રિવૉલ્વરમાંથી છૂટેલી એ ત્રણમાંથી પહેલી ગોળી બીજલના પેટમાં ખૂંપી ગઈ. બીજલ એક ધ્રુજારી સાથે જમીન પર પછડાઈ. એ પછડાઈ રહી હતી ત્યારે જ ફોજદારની રિવૉલ્વરમાંથી બીજી ગોળી છૂટી જે સીધી બીજલના કપાળમાં ઊતરી ગઈ.

ધડામ...

રિવૉલ્વરમાંથી છૂટેલી ત્રીજી ગોળીએ ભૂપતની ખોપરી છેદવાનું કામ કર્યું અને ખોપરીના ફુરચા ઊડ્યા. માઇકલ ડગ્લસની આંખો સ્તબ્ધ થઈ ગઈ. આ સ્તબ્ધતા તૂટતાની સાથે જ તેના મોઢામાંથી ચીસ નીકળી ગઈ હતી.

(વધુ આવતા રવિવારે)