આશરે ૧૨,૦૦૦ કરોડ રૂપિયાનું સામ્રાજ્ય ધરાવતા પૉન્ટી ચઢ્ઢાની દૂધથી દારૂકિંગ સુધીની દાસ્તાન

25 November, 2012 07:04 AM IST  | 

આશરે ૧૨,૦૦૦ કરોડ રૂપિયાનું સામ્રાજ્ય ધરાવતા પૉન્ટી ચઢ્ઢાની દૂધથી દારૂકિંગ સુધીની દાસ્તાન




સેજલ પટેલ

પહેલાં બાળ ઠાકરેનું અવસાન અને પછી આતંકવાદી અજમલ કસબની અચાનક ફાંસીને પગલે એક બહુચર્ચિત મર્ડરકેસ દબાઈ ગયો. ગયા શનિવારે દક્ષિણ દિલ્હીના છત્તરપુરમાં આવેલા ફાર્મહાઉસની માલિકી બાબતે વિવાદ થતાં ઉત્તર પ્રદેશના ચર્ચાસ્પદ બિઝનેસમૅન પૉન્ટી ચઢ્ઢા એટલે કે ગુરદીપ સિંહ ચઢ્ઢા અને તેના ભાઈ હરદીપ ચઢ્ઢાનું સામસામા ફાયરિંગમાં મોત થયું. કહેવાય છે કે પૈતૃક સંપત્તિ પર કબજો મેળવવા માટે પૉન્ટીએ પહેલાં પોતાના માણસો ફાર્મહાઉસ પર મોકલ્યા હતા. એ સાંભળીને હરદીપનું લોહી ઊકળી ઊઠ્યું અને તે ફાર્મહાઉસ પર પહોંચી ગયો. જોકે તેના પહેલાં પૉન્ટી ચઢ્ઢા ત્યાં પહોંચી ગયેલા અને બન્ને વચ્ચે થયેલા ઝઘડાએ ઉગ્ર રૂપ લેતાં સામસામા ગોળીબારમાં બન્નેનું મૃત્યુ થયું. પૉન્ટીને સાત અને હરદીપને બે ગોળી વાગેલી. જોકે કોણે પહેલાં ગોળી છોડી અને કોણે કઈ પિસ્તોલથી કેટલા રાઉન્ડ છોડ્યા એ બાબતમાં હજી વિવાદ છે. બે ભાઈઓ સિવાય બીજા કોણે ગોળીઓ છોડેલી અને આ ગોળીબારનું સાચું કારણ શું છે એ સવાલોને હજી પોલીસ મમળાવી રહી છે. બીજી તરફ બે ભાઈઓના ઝઘડાનો કોઈ ત્રીજાએ જ લાભ ઉઠાવ્યો હોવાની સીબીઆઇને શંકા છે.

મર્ડર મિસ્ટરી તો પોલીસ સૉલ્વ કરશે, પણ ઉત્તર પ્રદેશમાં દારૂના ધંધામાં એકહથ્થુ શાસન ધરાવતા અને ૬૬૦૦ કરોડથીયે વધુની મિલકતના આસામી કહેવાતા પૉન્ટી ચઢ્ઢાનું મર્ડર થયા પછી બહાર પડેલા કેટલાક અહેવાલો મુજબ તો તેનું સામ્રાજય ૧૨,૦૦૦ કરોડનું હતું એવા દાવા થયા છે. પૉન્ટીનું વ્યક્તિત્વ રહસ્યમય હતું એ તો કહેવું જ પડે. એક દૂધવાળાથી દારૂકિંગ સુધીનું સડસડાટ ચડાણ તેમણે ખૂબ ટૂંકા સમયમાં સર કર્યું હતું. ઉત્તર પ્રદેશ સહિત અન્ય છ રાજ્યોમાં પૉન્ટીનો શરાબનો વ્યવસાય ફેલાયેલો છે. પૉન્ટી ચઢ્ઢાની પહોંચ માત્ર દારૂના વ્યવસાયમાં જ નહીં; રિયલ એસ્ટેટ બિઝનેસ, મલ્ટિપ્લેક્સ, શુગર મિલ્સ, ફિલ્મ-પ્રોડ્યુસર, આંગણવાડીના ફૂડ-કૉન્ટ્રૅક્ટર એમ ઠેર-ઠેર સુધી હતી અને આ બધાનો ફાળો તેના પૉલિટિકલ કનેક્શનને જાય છે. છેલ્લા થોડાક વખતથી તો ચર્ચાવા લાગ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં સરકારો ભલે બદલાતી રહે, ખરું રાજ તોે પૉન્ટી ચઢ્ઢાનું છે.

જરાક પહેલેથી વાત કરીએ તો પૉન્ટી ચઢ્ઢાનો પરિવાર મૂળ પાકિસ્તાનનો છે. ભારત-પાકિસ્તાનના ભાગલા પછી પિતા કુલવંત સિંહ અન્ય પાંચ ભાઈઓ સાથે દિલ્હીના મુરાદાબાદમાં આવીને વસ્યા. શરૂઆતમાં કુલવંત સિંહ નાના ભાઈ હરભજન સિંહ સાથે મળીને દૂધ વેચવાનું કામ કરતા હતા. એ વખતના એક્સાઇઝ ઑફિસર એસપી અદીબના ઘરે પણ ચઢ્ઢાભાઈઓ દૂધ પહોંચાડતા હતા. દૂધ વેચવાની સાથે કુલવંત સિંહ અને તેના દીકરાઓ દેશી દારૂની એક દુકાનની બહાર સિંગચણા અને નમકીન વેચવાનો થેલો લઈને બેસતા હતા. કુલવંત સિંહે એસપી અદીબની મદદથી પહેલાં તો તાડી વેચવાની દુકાન લીધી અને પછી તેના થેલાની સામેની દુકાનમાં દારૂ વેચવાનું લાઇસન્સ મેળવ્યું. એ પછીથી ચઢ્ઢા પરિવારનું નસીબ બદલાવા લાગ્યું. એક પછી એક દારૂની દુકાનો ખોલવી શરૂ થઈ. માત્ર મુરાદાબાદ જ નહીં; આખા ઉત્તર પ્રદેશ, પંજાબ અને દિલ્હીમાં પણ દારૂની દુકાનોની ચેઇન ખૂલી ગઈ. ૧૯૬૩માં કુલવંત સિંહે દારૂના વ્યવસાયની સાથે-સાથે રિયલ એસ્ટેટ ક્ષેત્રે કામ શરૂ કર્યું અને એમાંથી ચઢ્ઢા ગુþપની શરૂઆત થઈ.

કુલવંત સિંહના ત્રણ દીકરાઓમાંથી સૌથી મોટો ગુરદીપ સિંહ ચઢ્ઢા (પૉન્ટી) બિઝનેસની આંટીઘૂંટીની બાબતમાં બાપ કરતાં સવાયો નીકળ્યો. આમ તો ગુરદીપ સિંહ, હરદીપ સિંહ અને રાજીન્દર સિંહ ત્રણેય સાથે મળીને ચઢ્ઢા ગ્રુપ સંભાળતા હતા. અલબત્ત, થોડાંક વષોર્ પહેલાં કંપનીને ચઢ્ઢા ગુþપમાંથી નવું બ્રૅન્ડનેમ આપવામાં આવ્યું હતું વેવ. વેવ ઇન્કૉપોર્રેશન બિઝનેસ ગ્રુપના નેજા હેઠળ ચૅરમૅન પૉન્ટીએ સફળતાનું જબરદસ્ત ઊંચું વેવ ઉછાળ્યું. સમાજવાદી પાર્ટીના મુલાયમ સિંહ યાદવ સાથેના સુંવાળા સંબંધોનો લાભ લઈને પૉન્ટીએ એક પછી એક ક્ષેત્રે હરણફાળ ભરવી શરૂ કરી. ૨૦૦૪માં તેણે ઉત્તર પ્રદેશમાં આંગણવાડીમાં ફૂડ પહોંચાડવાનો કૉન્ટ્રૅક્ટ હસ્તગત કરી  લીધો. બાળકો માટે સપ્લિમેન્ટરી ન્યુટ્રિશન માટેની આ સ્કીમનો તેણે સેંકડો કરોડનો કૉન્ટ્રૅક્ટ મેળવી લીધો. હજારો એકર જમીન આ જ અરસામાં પાણીના ભાવે ખરીદવાનું શરૂ કર્યું.

સમાજવાદી પાર્ટીને બદલે ઉત્તર પ્રદેશમાં માયાવતી સરકાર આવી ત્યારે ફરી એક વાર ભય ઊભો થયો કે હવે પૉન્ટીનું રાજ ખતમ થશે, પણ એવું ન થયું. તેણે બહુજન સમાજ પાર્ટીને પણ પોતાની કરી લીધી. ઊલટાનું માયાવતીએ તો એવી એક્સાઇઝ નીતિઓ બનાવી કે પૉન્ટી આખા ઉત્તર પ્રદેશમાં લિકરકિંગ બની બેઠો. માયાવતી સરકારે આબકારી નીતિઓમાં બે મહત્વપૂર્ણ પરિવર્તનો કર્યો. એકવર્ષીય આબકારી નીતિ પ્રણાલીને બદલે દ્વિવર્ષીય એક્સાઇઝ નીતિ લાગુ કરી અને સાથે જ આખા ઉત્તર પ્રદેશમાં દારૂ વેચવાના તમામ અધિકારો પૉન્ટી ચઢ્ઢાની કંપનીને આપી દીધા. કોઈ એક વ્યક્તિને આખા પ્રદેશમાં લિકર ડિસ્ટ્રિબ્યુશનનો અધિકાર આપી દેવામાં આવે એવું આપણા દેશમાં પહેલી વાર બન્યું. માયાવતીના આ બે નિર્ણયોમાંથી પેદા થયો દારૂમાફિયા પૉન્ટી ચઢ્ઢા.

પોતાની તરફેણમાં ઘડાયેલી નીતિઓ પછી તો પૉન્ટીએ પાછું વળીને જોયું જ નહીં. અલબત્ત, આ નીતિઓથી સૌથી વધુ નુકસાન ગ્રાહકો અને દારૂના નાના ડીલરોને જ થયું. ઉત્તર પ્રદેશમાં દારૂ વેચવો હોય તો એ પૉન્ટીની કંપની પાસેથી જ ખરીદવો પડે એમ હોવાથી મોં માગ્યા દામ અને મનમાની ચાલતી રહી. એવું કહેવાય છે કે ક્યાંય કોઈ જગ્યાએ બીજી કંપની દ્વારા શરાબનું વિતરણ નથી થતુંને એ ચેક કરવા માટે પૉન્ટીએ આખી ઇન્ટેલિજન્સ બ્યુરો જેવી ખુફિયા ટીમ ઊભી કરેલી જેમાં ૧૫૦૦ લોકો હતા જે સાદાં કપડાંમાં ઉત્તર પ્રદેશના ચપ્પા-ચપ્પા પર નજર રાખતી હતી. કાયદો તેની તરફેણમાં હોવાથી દારૂના નાના ડીલર્સ સામે તેની મનમાની ચાલતી રહી. જે ચઢ્ઢાને સરન્ડર ન કરે તેની દુકાન વેચવાની નોબત આવતી અને એ ચઢ્ઢાની જ કંપની ખરીદી લેતી. ધીમે-ધીમે ઉત્તર પ્રદેશમાં રીટેલ શરાબના વેચાણ માટેની ૬૦ ટકા દુકાનો પૉન્ટીની કંપનીની થઈ ગઈ. એકલા લખનઉની જ વાત કરીએ તો ત્યાં પૉન્ટીની ૯૨ દેશી દારૂની, ૧૧૫ અંગ્રેજી દારૂની, ૧૮ બિયરની અને ૩૫ મૉડલ શૉપ છે. આખા રાજ્યમાં નાની મોટી બધું મળીને ૧૬,૦૦૦ દારૂની શૉપ્સ પૉન્ટી ચઢ્ઢાની હતી.

આટલું ઓછું હોય એમ માયાવતી સરકારે પૉન્ટીને નવી કમાણી માટેના નવા પગ આપ્યા. ૨૦૧૦માં માયાવતી સરકારે ઉત્તર પ્રદેશની ૧૧ ખાંડમિલો પૉન્ટીને નાખી દેવાના ભાવે વેચી દીધી. એ વખતે મિલોની કિંમત આશરે ૧૩૫૦થી ૧૫૦૦ કરોડ રૂપિયાની અંકાતી હતી, પણ પૉન્ટીને એ માત્ર ૨૭૬ કરોડમાં મળી ગઈ. આંગણવાડીનો ફૂડ-કૉન્ટ્રૅક્ટ પણ માયાવતી સરકારે રિન્યુ કરી આપ્યો. જોકે ફેબ્રુઆરી ૨૦૧૧માં પૉન્ટીના વધતા જતા સામ્રાજ્ય સામે ઇન્કમ-ટૅક્સ ડિપાર્ટમેન્ટની આંખ લાલ થઈ. જોકે રાજ્યની ૧૧ ચાલતી ખાંડમિલો જે ભાવે પૉન્ટીને આપી દેવામાં આવી એ બાબતે ગવર્નમેન્ટ ઑડિટર્સની આંખ ઊઘડી અને  અચાનક જ ૬૦૦૦ કરોડ રૂપિયાના આસામી બની ગયેલા પૉન્ટી ચઢ્ઢા કદાચ પહેલી વાર એ વખતે લાઇમલાઇટમાં આવ્યા. સિનેમાઝ, મૉલ્સ અને ફાર્મહાઉસ એમ એકસાથે ૧૭ જગ્યાએ આવકવેરા વિભાગના દરોડા પડ્યા જેમાં ૧૭૫ કરોડ રૂપિયાની હિસાબ વિનાની રોકડ રકમ અને જ્વેલરી મળી આવ્યાં હતાં.

એ વખતે સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવે પૉન્ટી ચઢ્ઢા પ્રત્યે આકરું વલણ અપનાવેલું અને પોતે જો ચૂંટાઈ આવશે તો પૉન્ટીના પિટારાને બેનકાબ કરવાની મોટી-મોટી વાતો પણ કરેલી. એટલું જ નહીં, માયાવતીએ વેવ ગ્રુપને અનુકૂળ આવે એવી જે એક્સાઇઝ નીતિઓ બનાવેલી છે એને તાત્કાલિક ધોરણે રદ કરવાની ડિમાન્ડ પણ કરેલી. જોકે માર્ચ ૨૦૧૨માં અખિલેશ યાદવે મુખ્ય પ્રધાનપદના શપથ લીધા ત્યારે એ વિધિમાં પૉન્ટી ચઢ્ઢા હાજર રહેલા. લોકો માનતા હતા કે કદાચ પૉન્ટીએ જે રીતે પહેલાં મુલાયમ સિંહને સાથ આપ્યો અને પછી તેમને છોડીને માયાવતીના માનીતા બની ગયેલા એ જોતાં સમાજવાદી પાર્ટી એનો બદલો જરૂર લેશે. અખિલેશ મુખ્ય પ્રધાન બનીને સૌથી પહેલી પૉન્ટીની જ વાટ લગાડશે એવી શંકા સેવનારાઓની શંકા સાવ જ ઊલટી પડી, કેમ કે શપથવિધિ પછી આખું દૃશ્ય બદલાઈ ગયું. પૉન્ટી ચઢ્ઢાના શરાબના સામ્રાજ્યને ઊની આંચ પણ ન આવી. અખિલેશે આ બાબતના સુધારાઓ થોડાક વખત પછી કરવામાં આવશે એમ કહીને કડવા નિર્ણયો ટાળી દીધા હતા એટલું જ નહીં, આંગણવાડીના મધ્યાહ્ન ભોજનનો ત્રણ વર્ષનો કૉન્ટ્રૅક્ટ અગેઇન ચઢ્ઢાની જ કંપની ગ્રેટ ફૂડ વૅલ્યુને આપ્યો. ઉત્તર પ્રદેશમાં પાર્ટીઓ ભલે બદલાતી રહે, પૉન્ટીને એનાથી કોઈ ફરક નહોતો પડતો; કેમ કે તે સત્તાધીશ પાર્ટીને યેનકેન પ્રકારેણ પોતાની તરફેણમાં નિર્ણયો કરવા માટે કન્વીન્સ કરી લેવામાં માહેર હતા.

પૉન્ટીના ગોટાળાઓની અને પ્રૉફિટ માટે પાર્ટીઓ બદલવાની આટઆટલી રમતો નિહાળી હોવા છતાં તેના મૃત્યુ પર અનેક નેતાઓએ શોક જતાવ્યો છે. ખુદ સમાજવાદી પાર્ટીના મુલાયમ સિંહ યાદવે આ મર્ડરકેસ બાબતે ખેદ વ્યક્ત કર્યો હતો. હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રકાશ ઓમ પ્રકાશ ચૌટાલા તો અંતિમયાત્રામાં પણ ગયેલા. પંજાબ અને ઉત્તર પ્રદેશના કૉન્ગ્રેસ અને બીજેપીના કેટલાક વિધાનસભ્યો પણ અંતિમવિધિમાં હાજર રહ્યા હતા. તમામ પાર્ટીની સરકારોને તેઓ કઈ રીતે પોતાના ઇશારે નચાવી શકતા હતા એ એક મોટો કોયડો છે.

હવે ચઢ્ઢા ગ્રુપની બાગડોર પૉન્ટીના દીકરા મૉન્ટી એટલે કે મનપ્રીત સિંહ અને નાના ભાઈ રાજિન્દરના હાથમાં છે. લિકરના હોલસેલ વેચાણના હકોનું લાઇસન્સ ચાર મહિનામાં એક્સ્પાયર થઈ જાય છે અને નવેસરથી લાઇસન્સ મેળવવાની પ્રક્રિયા ડિસેમ્બર મહિનામાં જ શરૂ થઈ જશે ત્યારે હવે મૉન્ટી પપ્પા પૉન્ટીની જેમ રહસ્યમય રીતે લાઇસન્સ રિન્યુ કરાવવી શકશે ખરો? જો નહીં તો પૉન્ટીએ બનાવેલા સામ્રાજ્યની પડતીની શરૂઆત નક્કી છે.

બૉલીવુડ કનેક્શન

પૉન્ટી ચઢ્ઢા ફિલ્મોના શોખીન હતા. મલ્ટિપ્લેક્સ બાંધીને માત્ર રિયલ એસ્ટેટ સુધી જ તેઓ આગળ નહોતા વધ્યા, પણ ફિલ્મ-ડિસ્ટ્રિબ્યુટર તરીકે પણ ઘણા પાવરફુલ હતા. ઉત્તર પ્રદેશ અને દિલ્હી બાજુના મોટા ફિલ્મ-ડિસ્ટ્રિબ્યુટરોમાં તેમની ગણના થતી હતી. ‘હમરાઝ’, ‘ખાકી’, ‘કયામત’, ‘ગદર- એક પ્રેમકથા’, ‘નો એન્ટ્રી’, ‘મર્ડર-૨’, ‘કહાની’ જેવી ફિલ્મોના રીજનલ વિતરણના હકો પૉન્ટીની કંપનીએ ખૂબ મોટી રકમ આપીને ખરીદેલા. ૨૦૦૫માં તેમણે સની દેઓલની ‘જો બોલે સો નિહાલ’ પ્રોડ્યુસ પણ કરેલી. એ ફિલ્મની નિષ્ફળતા છતાં હજી તેઓ બીજી કેટલીક ફિલ્મોના નિર્માણ માટેની વાટાઘાટો ચલાવી રહ્યા હતા. તેમણે પૂજા ભટ્ટ અને ડિનો મોરિયા સાથે ફિલ્મ પ્રોડ્યુસ કરવાનો કૉન્ટ્રૅક્ટ કરેલો. છથી સાત ફિલ્મમેકરોની ચઢ્ઢા સાથે ફિલ્મનિર્માણની વાટાઘાટો ચાલતી હતી. તેમનું મર્ડર થયું એના થોડાક કલાકો પછી ડિરેક્ટર આનંદકુમારની સંજય દત્ત, અર્શદ વારસી અને વિવેક ઑબેરૉયની ફિલ્મ ‘ઝિલા ગાઝિયાબાદ’નું સ્પેશ્યલ સ્ક્રીનિંગ થવાનું હતું જે જોઈને ફિલ્મમાં પૈસાના રોકાણ બાબતે તેઓ નક્કી કરવાના હતા.

અનોખો અંદાજ

છત્તરપુરના જે ફાર્મહાઉસમાં ચઢ્ઢાભાઈઓની લાશ ઢળી ત્યાં જ થોડાક મહિનાઓ પહેલાં ત્રણેય ભાઈઓના પરિવારો હળીમળીને રહેતા હતા. કહેવાય છે કે ૧૩ એકરમાં ફેલાયેલા આ ફાર્મહાઉસમાં એવી કોઈ ચીજની કમી નહોતી જે માટે કોઈએ બહાર જવું પડે. જોકે અહીંની સિક્યૉરિટી જડબેસલાક હતી. એવું કહેવાય છે કે પૉન્ટી ચઢ્ઢાને ગમે ત્યારે પોતાના પર કોઈનો હુમલો થશે એનો સતત ભય રહેતો હતો અને એટલે તેમના ઘરની આસપાસ ઠેર-ઠેર ફિલ્મોના ડૉનનાં ઘરોમાં જેમ હથિયારધારી કમાન્ડો તહેનાત હોય છે એવો જ સિનારિયો રહેતો હતો.

કોઈ મહેમાન માટે ફાર્મહાઉસનો ૨૫થી ૩૦ ફૂટ ઊંચો ગેટ ખોલતાં પહેલાં પૉન્ટી ચઢ્ઢાના પર્સનલ સિક્યૉરિટી ઑફિસરની પરવાનગી લેવામાં આવતી. તેની હા પછી જ ગેટ ખોલીને મહેમાનની ગાડી અંદર આવી શકતી. એ પછી ગાડીનો નંબર નોંધાય અને અંદર કશું છે કે નહીં એનું ચેકિંગ થાય. એક હથિયારધારી ઑફિસર મહેમાનને ગાડીમાંથી ઉતારે, મહેમાનનું બૉડી ચેકિંગ કરે અને ત્યાંનો ડ્રાઇવર ગાડી લઈને પાર્કિંગમાં જાય.

હથિયારધારી ઑફિસર સાથે ચાલીને મેઇન ગેટ જે ૧૨ ફૂટ ઊંચો છે અને બર્માના ખાસ લાકડાથી બનેલો છે ત્યાં સુધી લઈ જાય. એ પછી પૉન્ટી તરફથી ગ્રીન સિગ્નલ મળે પછી જ તેને ઘરની અંદર લઈ શકાય.

પંજાબ અને ઉત્તર પ્રદેશના મિનિસ્ટર્સની અવારનવાર આવનજાવન રહેતી હતી અને એ બધા માટે આ જ નિયમ રહેતો હતો.

પૉન્ટી ક્યારેય મીટિંગો, કોઈ પાર્ટી કે ઇવેન્ટમાં હાજર રહે ત્યારે તેમના પૈસાનો ભભકો ઝાઝો દેખાતો નહીં; પણ જો તેમના દેખાવ પરથી તેમની ફાઇનૅન્શિયલ પરિસ્થિતિનો અંદાજ લગાવીને તેમના ઘરમાં પ્રવેશનાર વ્યક્તિની આંખો ફાટી પડે. દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા કેટલાક ખાસ વેપારીઓનું કહેવું છે કે ‘તેના ઘરની એકેએક આઇટમ ઇમ્પોર્ટેડ, ક્લાસિક અને એકદમ હટકે છે. જાણે તેના ઘરની દીવાલોમાં તેણે પૈસા ચણી રાખ્યા હોય એવું લાગે છે. જે સમૃદ્ધિની વ્યક્તિ કલ્પના પણ ન કરી શકે એટલો પૈસો તેની પાસે હતો.’

તેના ફાર્મહાઉસમાં જ ૨૦,૦૦૦ સ્ક્વેરફૂટમાં પથરાયેલું પર્સનલ સ્પા છે. અહીં દુનિયાના કોઈ પણ ખૂણે મળતી સ્પા ટ્રીટમેન્ટ થઈ શકતી હતી.

એક મલ્ટિપ્લેક્સના સ્પેશ્યલ સ્ક્રીનિંગ માટેની સાઇઝનું હોમ થિયેટર પણ તેના ફાર્મહાઉસમાં છે, જ્યાં મિત્રો સાથે બેસીને ચઢ્ઢા પરિવારની કોઈ પણ વ્યક્તિ ફિલ્મો માણી શકે છે.

તેના ઘરમાં ઈરાનથી લાવેલા પ્યૉર સિલ્કના હાથવણાટના પડદા આંખે ઊડીને વળગે એવા છે. તેના ઘરમાં પંદરથી વીસ ફૂટ ઊંચી છત છે ને વિશાળ પડદા પર ગુરુ ગોવિંદ સિંહનું ચિત્ર છે.

તેના બિઝનેસ સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે તેની જે લાઇફસ્ટાઇલ હતી એને વર્ણવવા માટે લૅવિશ, લક્ઝુરિયસ, ગ્રૅન્ડ જેવા શબ્દો પણ ખૂબ નાના પડે એવા છે.

પૉન્ટી બહાર જાય ત્યારે બને એટલી સાદગી દેખાડતા હતા. છતાં કોઈ પાર્ટીમાં જાય ત્યાં એક પર્સનલ બટલર જરૂર રાખતા. પોતાની પર્સનલ લૅવિશ લાઇફનો એક છાંટો પણ તેઓ બહાર બતાવતા નહોતા.

ગમેએટલી મોટી બિઝનેસ મીટિંગમાં પણ તે કદી નોટપૅડ કે પેન લઈને જતા નહીં. તેમને નજીકથી જાણનારા લોકોનું કહેવું હતું કે તેમને આંગળીઓ નહોતી, પણ તેમનું મગજ આપણી આંગળી કરતાં અનેકગણી ઝડપથી ગણતરીઓ માંડી લેતું અને ભૂલો પકડી પાડતું હતું.

કોઈ બિઝનેસ કે ડીલ માટે વાટાઘાટમાં પૉન્ટી ચઢ્ઢાને કન્વીન્સ કરવાનું ખૂબ જ અઘરું હતું.

કમર્શિયલ પ્રૉપર્ટીઝ

ઉત્તર પ્રદેશના નોઇડાનો સેન્ટર સ્ટેજ મૉલ - ૩,૫૦,૦૦૦ સ્ક્વેરફૂટ

ઉત્તર પ્રદેશના કૌશુમ્બીમાં વેવ મૉલ - ૯૭,૦૦૦ સ્ક્વેરફૂટ

ઉત્તર પ્રદેશના લખનઉમાં વેવ મૉલ - ૩,૧૪,૦૦૦ સ્ક્વેરફૂટ

પંજાબના લુધિયાણામાં વેવ મૉલ - ૪,૭૦,૦૦૦ સ્ક્વેરફૂટ

ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં વેવ મૉલ - ૧,૫૦,૦૦૦ સ્ક્વેરફૂટ

ન્યુ દિલ્હીમાં વેવ સિનેમાઝ - ૨૫,૦૦૦ સ્ક્વેરફૂટ

રેસિડેન્શિયલ પ્રૉપર્ટીઝ

પંજાબના મોહાલીમાં ૨૬૪ એકરમાં પથરાયેલી ફેરલેક્સ ટાઉનશિપ

ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં ૫૨ એકરમાં પથરાયેલું વેવ ગ્રીન્સ

ગ્રેટર નોઇડામાં ૨૯ એકરમાં ફેલાયેલી પ્લુમેરિયા ગાર્ડન એસ્ટેટ

ગાઝિયાબાદમાં ૪૮૦૦ એકરમાં ફેલાયેલું હાઇ-ટેક સિટી

અન્ડર પાઇપલાઇન :

મોહાલીમાં સુપર-લક્ઝુરિયસ વેવ એસ્ટેટ ટાઉનશિપ

નોઇડામાં અત્યંત આધુનિક સુવિધાઓવાળું વેવ સિટી સેન્ટર

એ ઉપરાંત જયપુર, અમ્રિતસર, બરૈલી અને મેરઠમાં પણ અતિ વિશાળ કદના પ્રોજેક્ટ્સની ટૂંક સમયમાં જાહેરાત થવાની હતી

પેપર અને શુગરની ઇન્ડસ્ટ્રીઝ

ઉત્તર પ્રદેશના ધનૌરામાં વેવ ઇન્ડસ્ટ્રીઝ

દસુયામાં એબી શુગર્સ

પંજાબના ગુરદાસપુરમાં એબી ગ્રેઇન

ઉત્તરાખંડના બિલાસપુરમાં ચઢ્ઢા પેપર્સ

ઉત્તર પ્રદેશમાં મનોરમા પેપર

પંજાબના અમ્રિતસરમાં વેવ બેવરેજિસ

પંજાબમાં અમ્રિતસર ક્રાઉન કૅપ

વેવ સિનેમાઝ

ન્યુ દિલ્હી, નોઇડા, કૌશુમ્બી, લુધિયાણા, લખનઉ, મુરાદાબાદ અને હરિદ્વારમાં થઈને વેવ સિનેમાઝની ૨૮ સ્ક્રીન્સ છે જેમાં ૮૧૦૭ સીટ છે.