દિલ્હી કે ગાંધીનગરના ધક્કે જે કોઈ ચડે એ પછી ગોત્યા ન જડે

25 November, 2012 06:59 AM IST  | 

દિલ્હી કે ગાંધીનગરના ધક્કે જે કોઈ ચડે એ પછી ગોત્યા ન જડે



સાંઈરામનું હાયરામ - સાંઈરામ દવે

કવિ અશોકપુરી ગોસ્વામીનો મને ગમતો એક શેર છે:

પોટાશ જેવો આજનો આ વર્તમાન છે

ને કમનસીબે આપણે રૂની દુકાન છે!

ગુજરાતમાં ચારે બાજુ ચૂંટણીપ્રચારનાં ભૂંગળાં શરૂ થઈ ગયાં છે. ખાદીવાળા, ઝભ્ભાવાળા, ગાડિયુંવાળા ને ફાંદુવાળાની આખી એક ફોજ મતવાળામાંથી જરૂરિયાતવાળાને ગોતી રહી છે. મુંબઈથી મારા એક ચાહકે મને પણ મેઇલ કરીને આગ્રહ કર્યો, ‘સાંઈરામ, તમેય વિધાનસભામાં ઝંપલાવોને!’

મેં બહુ પ્રામાણિકતાથી ઉત્તર આપ્યો, ‘વહાલા, મારા માટે વિધાનસભા અને લોકસભા કરતાં વધુ મહત્વની હાસ્યસભા છે. એક વિધાનસભ્ય કે સંસદસભ્ય કરતાં વધુ પ્રેમ એક કલાકાર તરીકે તમામ વર્ગના અને તમામ પક્ષના લોકો અમને કરી રહ્યા છે તો પછી અમારે શું કામ આ જામેલ બીડી ફેંકીને નવી સળગાવવી જોઈએ?’

વળી ભૂતકાળમાં નજર કરજો. જેટજેટલા ફિલ્મસ્ટારો, ટેલીવુડસ્ટારો કે કલાકારો રાજકારણમાં ઘૂસ્યા અથવા તેમને સિઝેરિયન કરીને કલાકારમાંથી નેતા બનાવવામાં આવ્યા તે બિચાડાના ખરા હાલ થયા છે. સૌ ધોબીના કૂતરા જેવી હાલતમાં આવી ગયા છે. દિલ્હી કે ગાંધીનગરના ધક્કે જે ચડે એ પછી ગોત્યા ન જડે. રાજકારણ કરવું એ મારો વિષય નથી ને હું તો મારા ઘરમાં માંડ ઊભો રહી શકું એમ છું. ચૂંટણીમાં મારે શું કામ ઊભા રહેવું જોઈએ?

અમારા હિંમતદાદા કાલે જ મને કહેતા હતા, ‘આ ઉમેદવારો ઊભા શું કામ રહેતા હશે? બેસીને ચૂંટણીન લડાય?’

મેં કહ્યું, ‘દાદા, સત્તાની સીટ પર પછી પાંચ વરસ બેસીને જલસા જ કરવાના હોય છે. ઠંડા-ઠંડા ખ્ઘ્વાળી ઑફિસમાં ગરમ મસાલા જેવો મગજ મેઇન્ટેઇન કરવાનો હોય છે. ભવિષ્યમાં ઘણુંબધું કમાવા માટે અટાણે ઘણુંબધું વેરવું પડતું હોય છે એટલે ચૂંટણીમાં ઊભા જ રહેવું પડે છે... ઉમેદવાર બેસી જાય તો તેમની બૂંધ બેહી જાય.’

સ્કૂલમાં મેં એક દિવસ બાળકને સવાલ પૂછ્યો, ‘સત્ય અને અસત્યમાં અંતર કેટલું?’

એક ઇન્ટેલિજન્ટ નંગે જવાબ આપ્યો, ‘સર છત્રીસ કિલોમીટરનું!’

મેં પૂછ્યું, ‘ઈ કઈ રીતે?’

છોકરો કયે, ‘ગાંધીઆશ્રમ અમદાવાદથી સચિવાલય ગાંધીનગર સુધી (અથવા તો દિલ્હીની ગાંધીબાપુની સમાધિથી સંસદભવન સુધી).’

જવાબથી હું તો છક થઈ ગયો. મેં બીજો સવાલ કાઢ્યો, ‘દુર્ઘટના અને હોનારત વચ્ચેનો ભેદ ઉદાહરણ આપીને સ્પષ્ટ કરો.’

બીજો એક નંગ કહે, ‘સાહેબ, દુકાન સળગે એ દુર્ઘટના કહેવાય અને દુકાળ પડે એ હોનારત કહેવાય.’

ત્યાં ત્રીજા એક છોકરાએ સિક્સ મારી, ‘એમ તો સાહેબ, કોઈ નેતાજી પ્લેનમાં બેઠા હોય ને ઈ પ્લેન ક્રૅશ થાય ઈ દુર્ઘટના કહેવાય અને ઈ નેતાજી એમાંથી જીવતા નીકળે એ હોનારત!’

એક વાર એક છોકરાએ તેના પપ્પાને પૂછ્યું, ‘પપ્પા, આ રાજકારણની વ્યાખ્યા એક્ઝામ્પલ આપીને સમજાવોને!’

પપ્પાએ થોડું વિચારીને કહ્યું, ‘જો બેટા, આપણા ઘરનાં જ પાત્રોમાં તને સમજાવું તો તારી મમ્મી સરકાર છે, હું મૅનેજમેન્ટ છું, આપણી કામવાળી કંચન કર્મચારી છે, તું જનતા છે અને તારો નાનો ભાઈ ભવિષ્ય છે! સમજાઈ ગ્યું?’

છોકરો ક્યે, ‘વાહ, સાવ સમજાઈ ગયું.’

એમાં રાત પડી. બન્ને ભાઈઓ એક રૂમમાં સાથે સૂતા હતા. એમાં નાના ભાઈએ છી કર્યું ને ઈ રડવા લાગ્યો એટલે છોકરો મમ્મી-પપ્પાના બેડરૂમમાં તેમને ઉઠાડવા ગયો. ત્યાં તેણે રસોડામાં નજર કરી તો પપ્પા કામવાળીનું શોષણ કરતા હતા. મમ્મીના દરવાજે ઘણી રાડું પાડી, પણ મમ્મી જાગી જ નહીં. છોકરો થાકી ગયો. બીજે દિવસે સવારે છોકરાએ પપ્પાને કહ્યું, ‘પપ્પા, તમારી રાજકારણની વ્યાખ્યા ખૂબ વાસ્તવિક છે. કાલ રાતે મને અનુભવ થઈ ગયો.’

આ દેશનું ભવિષ્ય ગંદકીમાં ગરકાવ છે. સરકાર ઊંઘી ગઈ છે. મૅનેજમેન્ટ કર્મચારીનું તમામ પ્રકારે શોષણ કરે છે અને જનતા બિચારી લાચાર અને નિ:સહાય અવસ્થામાં છે.

આવી ચૂંટણીની મોસમ ગુજરાતમાં ધીરે-ધીરે કલર પકડી રહી છે. ટીવીની તમામ ચૅનલોમાં જાહેરાતોનાં ઘોડાપૂર દોડી રહ્યાં છે. કૉન્ગ્રેસ તરફથી નાની ઉંમરનાં એક નાજુક-નમણાં બહેન સતત દશા અને દિશા બદલવાની વાત કરે છે (પણ કોની એ ચોખવટ નથી કરતાં!) તો વળી બીજેપીની જાહેરાતમાં તો ફડાકાવાળી થઈ છે. દર સાતમી મિનિટે એક ભાઈને કેન્દ્ર સરકારના અન્યાયના નામે ઝાપટ સહન કરવી પડે છે (નક્કી ચૂંટણી પછી ઈ બિચાડા કલાકારે ગાલની પ્લાસ્ટિક સર્જરી કરવી પડશે) તો ગુજરાત પરિવર્તન પાર્ટીવાળાએ પણ મહાગુજરાત જનતા પાર્ટીને પોતાના ઉદરમાં સમાવીને પોતાનો અલગ ચોકો જમાવ્યો છે. ત્રિપાંખિયો જંગ ગુજરાતમાં કદાચ પહેલી વાર ખેલાઈ રહ્યો છે. હવે જોઈએ કે આમાં જનતારૂપી દેવીના ચરણે કયું નાળિયેર વધેરાય છે, કયું ગડગડિયું થાય છે ને કયું મોતીએ મઢાય છે ઈ તો વખત આવ્યે જ ખબર પડશે, પણ આ દેશના ભ્રષ્ટ નેતાઓ માટે મિત્ર કવિ કૃષ્ણ દવેની એક તેજાબી કવિતા લ્યો મમળાવો:

મારે જરૂર છે ટેકાની ભાઈ મારા

ને તારે જરૂર છે કૅશની

હાલોને પથારી ફેરવીએ દેશની...

છ મહિના હાલે તો ગંગાજી નાહ્યા

આ વર્ષોની વાર્તાયુ મેલો

સાત પેઢી નિરાંતે બેસીને ખાય

બસ, એટલો જ ભરવો છે થેલો

દોવા દે ત્યાં સુધી જ આરતી ઊતરે છે

કાળીડિંબાગ આ ભેંશની

હાલોને પથારી ફેરવીએ દેશની...

ફાઇલોનાં પારેવાં ઘૂઘૂ કરે છે

હવે ચોકમાં દાણા તો નાખો

ગમે એ કામ રાખો અમને ક્યાં વાધો છે

આપણા પચાસ ટકા તો રાખો

ચૂલે બળેલ કૈંક ડોશિયુના નામ ઉપર

આપી દ્યો એજન્સી ગૅસની

હાલો પથારી ફેરવીએ દેશની...

દેકારા-પડકારા-હોબાળા રોજ-રોજ

વાગે છે નિતનવા ઢોલ

જેને જે સોંપાયો એવો ને એવો

અહીં અદ્દલ ભજવે છે સૌ રોલ

નાટકની કંપનિયુ ઈર્ષા કરે છે

હવે આપણે ત્યાં ભજવાતા વેશની

હાલો પથારી ફેરવીએ દેશની...