યે ભી થા ટાઇગર

25 November, 2012 06:57 AM IST  | 

યે ભી થા ટાઇગર



સેજલ પટેલ

૧૭ નવેમ્બરે મહારાષ્ટ્રનો વાઘ ગણાતા બાળ ઠાકરેનું અવસાન થયું એના એક અઠવાડિયા પહેલાં અમેરિકામાં પણ એક વાઘ પ્રભુને પ્યારો થઈ ગયેલો. અલબત્ત, આ વાઘ કામથી નહીં, દેખાવમાં વાઘ જેવો હતો. વાઘ જેવા દેખાવા માટે તેણે જીવનનાં પચીસથી વધુ વરસનું તપ કર્યું હતું. આ લેખ સાથેના ફોટોગ્રાફ્સ જોઈને એટલું તો સમજાઈ જ ગયું હશે કે આ ભાઈ વાઘ બનવા માટે કેટલા ડેસ્પરેટ હતા. તેમનો વાઘ બનવાનો પ્રેમ એટલો ઊંડો હતો કે તેઓ વાઘ બનવા માટે તેમના શરીર પર જાતજાતના અખતરા કરતા રહ્યા અને એમ કરતાં-કરતાં જ મોતને ભેટ્યાં.

આવું ઘનચક્કર જેવું પૅશન તેમને કેમ લાગેલું એવું કોઈ વિચારતું હોય તો સમજવું જરૂરી છે કે અમુક સવાલોના જવાબ નથી હોતા. જેમ કે કેટલાક લોકોને પોતે જે અવતારમાં જન્મ્યા હોય છે એમાં સુખ નથી હોતું. છોકરાને થાય છે કે કાશ, હું છોકરી હોત તો? તો કોઈક છોકરીને થાય છે કે કાશ, હું છોકરો બની હોત તો કેટલું સારું થાત?

પણ કોઈ માણસને માણસ નહીં, અમુક-તમુક પ્રાણી બનવાની ઇચ્છા થાય તો શું? ખરેખર શું કોઈ વિચારે ખરું કે કાશ હું કૂતરો, બિલાડી, સિંહ, દીપડો કે વાઘ હોત તો કેટલું સારું થાત? અમેરિકાના મિશિગન રાજ્યની ફ્લિન્ટ સિટીમાં જન્મેલા ડેનિસ ઍવનર નામના માણસને પણ આવી જ અળવીતરી લાય ઊપડેલી.

યંગએજમાં અમેરિકાના નૌકાદળમાં કામ કરનારા ૫૪ વર્ષના ડેનિસ ઍવનરને ૨૩ વર્ષની ઉંમરથી વાઘણ બનવાની દિલમાં કસક ઊપડેલી. એની શરૂઆત નાનાં-મોટાં ટૅટૂ બનાવીને કરેલી. ત્રીસ-પાંત્રીસ વરસે તો નોકરીમાંથી રિટાયરમેન્ટ લઈને ફુલટાઇમ પોતાના આ પૅશન પાછળ જ લાગી પડેલો. સાથે કમ્યુટર પ્રોગ્રામરનું કામ પણ ચાલુ રાખેલું. તેણે પહેલાં તો કમ્પ્યુટર પર પોતાનો વાઘણનો લુક મેળવવા શું અને કેવી-કેવી પ્લાસ્ટિક સર્જરી કરવી પડે એમ છે એનું પ્લાનિંગ કરેલું ને પછી ધીમે-ધીમે એક પછી એક ચીજો કરાવતો ગયો. છેલ્લાં વીસ વરસમાં ડેનિસે અગણિત પ્લાસ્ટિક સર્જરીઓ કરાવી હતી અને એ માટે ૧,૫૦,૦૦૦ ડૉલર એટલે કે આશરે ૭૫,૦૦,૦૦૦ રૂપિયા ખર્ચ્યા છે.

ડેનિસને કોઈ પણ ભોગે વાઘણ બનવાની ઇચ્છા હતી ને એ માટે તે કંઈ પણ કરવા તૈયાર હતો. કંઈ પણ એટલે કંઈ પણ. તેણે શું કરેલું એ સાંભળીશું તો ચક્કર આવી જશે. પોતાના આખા શરીરે વાઘ જેવા ચટાપટાનું ચિતરામણ એ સૌથી પહેલું કામ રહ્યું. માત્ર શરીર જ નહીં, ચહેરા પર પણ વાઘના પટ્ટા ચીતરાવ્યા. પછી આઇબ્રો, કપાળ અને નાકનો શેપ ચેન્જ કરાવ્યો. પોતાના અણિયાળા નાકને દબાવીને ચપ્પટ કરાવ્યું અને કપાળ, ગાલ, દાઢી વગેરેમાં સિલિકોન ઇમ્પ્લાન્ટ ભરાવીને પાતળા ચહેરાને ભરાવદાર અને ડરામણો બનાવ્યો. વાઘ જેવી ત્રિકોણ મોંફાટ માટે ઉપરના હોઠને વચ્ચેથી કાપી નાખ્યો અને બેઉ તરફ મૂછો ચીપકાવી શકાય એ માટે સત્તરથી અઢાર પિયર્સિંગ કરાવ્યાં.

કાનને પણ ઉપરથી ત્રિકોણિયા બનાવવા પૉઇન્ટેડ કરાવ્યા અને હોઠને ભરાવદાર બનાવવા માટે સિલિકોન ઇન્જેક્શન્સ લીધાં. હદ તો ત્યાં છે કે તેણે આગળના કેટલાક દાંત પડાવીને એની જગ્યાએ આર્ટિફિશ્યલ લાંબા-તીણા દાંત ઇમ્પ્લાન્ટ કરાવેલા. સાથે જ હસતી વખતે તીણા દાંત દેખાય એ માટે તમામ દાંતને ઘસાવીને ધારદાર કરાવી લીધા હતા.

ડેનિસે વાઘની ઝીણામાં ઝીણી બાબતનું ધ્યાન રાખીને પોતાના શરીરને એ મુજબ મૉડિફાય કર્યું હતું. આ બધું જ પર્મનન્ટ હતું, સિવાય કે ગ્રીન કૉન્ટેક્ટ લેન્સ. ક્યાંક બહાર જવાનું હોય ત્યારે તે આંખની કીકી લીલાશ પડતી દેખાય એ માટે ગ્રીન લેન્સ પહેરતો અને પાંપણો ફૂલેલી દેખાય એ માટે આર્ટિફિશ્યલ પાંપણ લગાવતો. હદ તો ત્યાં થઈ કે બહાર ફરવા જાય ત્યારે વાઘ જેવી આર્ટિફિશ્યલ પૂંછડી પણ લટકાવતો. ૨૦૦૮માં તેના આ પાગલપણને ગિનેસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ્સમાં પણ સ્થાન મળેલું. જોકે પચીસથી વધુ વરસથી વાઘણ બનવા આદું ખાઈને મચેલો ડેનિસ આખરે પોતાની જ આ ઇમેજથી કંટાળી ગયો. દાંત પડાવી નાખ્યા હોવાથી ખાવામાં પડતી તકલીફને કારણે તેને પૂરતું પોષણ નહોતું મળતું. ખાવાની ઇચ્છા નહોતી થતી અને આખરે તે ડિપ્રેશનમાં સરી પડ્યો. થોડાક દિવસ પહેલાં અમેરિકાના નેવાડામાં આવેલા તેના ઘરમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો. ડૉક્ટરો અને પોલીસોનું માનવું છે કે તેણે આત્મહત્યા કરી લીધી હતી.

ડેનિસનો અંજામ તો કરુણ આવ્યો, પણ આ કંઈ દુનિયાની પહેલવહેલી વ્યક્તિ નહોતી જેને પ્રાણી બનવાના કોડ જાગ્યા હોય. અનેક દાયકાઓ પહેલાં હૉરેસ રિડલર નામના ઇંગ્લૅન્ડના શોમૅને ઝિબ્રા બનીને ચકચાર જગાવી હતી. કહેવાય છે કે ૧૮૯૨માં હૉરેસ જન્મ્યો ત્યારે ખાધેપીધે ખૂબ જ સુખી અને પાણી માગતાં દૂધ મળે એવા સમૃદ્ધ કુટુંબમાં જન્મ્યો હતો. તેના પિતાના મૃત્યુ પછી તેણે જુગાર, દારૂ અને દાવતોમાં પિતાની તમામ સંપત્તિ ઉડાડી મારી. એ પછી પહેલી વર્લ્ડ વૉરમાં તેની રહીસહી મિલકત પણ ખુવાર થઈ ગઈ અને તેણે પોતાની જાતને જાતજાતની રીતે શણગારીને શેરીઓમાં શો કરીને ગુજરાન ચલાવવાનું શરૂ કર્યું. લોકોના આકર્ષણ માટે તેણે શરીર પર લાંબા પટ્ટાવાળાં છૂંદણાં છૂંદાવ્યા, પણ થોડાક વખતમાં તો એ પણ લોકો માટે રૂટીન થઈ ગયું. આખરે તેણે લોકોના મનોરંજન માટે થઈને ધીમે-ધીમે કરતાં ઝેબ્રા ક્રૉસિંગ જેવા પટ્ટા આખા શરીરે છૂંદાવી લીધા અને પશુઓનાં નાક-કાન વીંધનારા પાસે કાન અને નાકમાં હાથીદાંતની ઍક્સેસરીઝ પહેરીને ફુલ ઝિબ્રા લુક અપનાવી લીધો.

એ જમાનામાં કોઈ પોતાના શરીર સાથે આ પ્રકારના એક્સપરિમેન્ટ્સ કરે એવું ભાગ્યે જ બનતું હોવાથી તેના શો બિઝનેસની તો જાણે નિકલ પડી. લંડન ઉપરાંત ઑસ્ટ્રેલિયા, જર્મની, ન્યુ ઝીલૅન્ડ, અમેરિકા ઉપરાંત દેશ-વિદેશમાં તેના શો થતા. ૬૦ વર્ષે રિટાયરમેન્ટ લઈને ઇંગ્લૅન્ડના એક નાનકડા ગામમાં પાછલી જિંદગી ગુમનામીમાં વિતાવીને હૉરેસ રિડલરની ઝિબ્રાની જિંદગીનો અંત આવ્યો.

માણસોનો પ્રાણી બનવાનો અભરખો જરાય જૂનો નથી. એવા કેટલાક ભેજાગેપ શોખ માટે થઈને શરીર સાથે સાવ જ અળવીતરાં ચેડાં કર્યો હોય એવા બીજા લોકોને આવતા અઠવાડિયે મળીશું.