લાક્ષાગૃહ : દરેક સપનાની એક કિંમત હોય છે - પ્રકરણ ૨૬

25 November, 2012 06:53 AM IST  | 

લાક્ષાગૃહ : દરેક સપનાની એક કિંમત હોય છે - પ્રકરણ ૨૬



વર્ષા અડાલજા   

અમરના સદા પ્રસન્ન ચહેરા પર શ્યામ છાયા ઢળી ગઈ હતી.

પ્રિયા પાણી લઈ આવી. અમરને આટલો ઉદાસ કદી જોયો નહોતો. તે ઘરે ગઈ અને વિચિત્ર રીતે તેમના ગૂંચવાયેલા સંબંધોની વાતો ઊખળતી હતી ત્યારે પણ નહીં. તે થોડો સમય અમરથી દૂર થઈ ગઈ હતી એ વખતે પણ તેની આંખોમાં આંસુની ભીનાશ તરી આવી નહોતી.

તે અમરની સામે બેસી ગઈ. એક-એક પળ માળાના મણકાની જેમ ફરતી રહી.

‘આમ... અચાનક જ?’

આગળ શું બોલવું એ પ્રિયાને સૂઝ્યું નહીં. મૃત્યુને કદી નજીકથી જોયું નહોતું. દિલાસો આપવાની વેળા પણ આવી નહોતી. તે થોડી ગભરાઈ ગઈ હતી. તેનો પ્રશ્ન કદાચ અમરે સાંભળ્યો નહોતો. જાણે દૂર, રસ્તાના કોઈ વળાંકે તે ઊભો હતો.

પ્રિયાએ કૉફી બનાવી અને ટ્રે લઈને આવી ત્યારે અમર બાલ્કનીમાં ઊભો રહીને રસ્તાને તાકી રહ્યો હતો. પ્રિયાએ અમરને કૉફીનો મગ આપ્યો અને પછી ચૂપચાપ તેના ખભે હાથ મૂકી તેની હૂંફમાં ઊભી રહી. ગંઠાયેલી વેદના ધીમે-ધીમે પીગળતી હોય એમ સખત થઈ ગયેલો અમરનો ચહેરો થોડો કૂણો થયો.

‘હા પ્રિયા, મમ્મા અચાનક ચૂપચાપ ચાલી ગઈ, હવાની લહેરની જેમ.’

તે કૉફી પીતાં-પીતાં રસ્તાને જોઈ રહ્યો હતો. કદાચ તે અહીં નહોતો, વીતી ગયેલા સમયખંડમાં ઊભો રહી તે સમયનું દૃશ્ય જોતો હતો.

‘વંદનામાસી રોજ વહેલાં ઊઠે. હું મમ્માના રૂમમાં ત્યારે ન જાઉં. તે માલિશ કરતાં હોય. પછી અમે સાથે ચા પીએ. હું હજી પથારીમાં હતો અને વંદનામાસીએ મને ઉઠાડ્યો. ભીના સ્વરે કહ્યું કે અમર, સંધ્યા આપણને છોડીને ચાલી ગઈ. હું દોડીને માના બેડરૂમમાં ગયો. તે સૂતી હતી. ચહેરો ખૂબ શાંત અને સ્વસ્થ. વેદનાનું, કશી પીડાનું નામનિશાન નહીં. ધીરે-ધીરે દીવો બુઝાય, જ્યોત વિલીન થાય એમ આત્મા પાંખો પ્રસારી ઊડી ગયો.’

પ્રિયા ચૂપચાપ સાંભળતી રહી. કશું કહેવાનું હતું નહીં. અમરે કૉફી પૂરી કરી.

‘હું એટલો અવાક્ થઈ ગયો હતો કે મારી આંખમાં આંસુ પણ નહોતાં. પછી જે કરવું ઘટે એ માસીએ જ સંભાળ્યું. આજ સુધી અમને અને ઘરને સંભાળ્યાં હતાં એમ મને આશ્વસ્ત કર્યો. કહે કે જે મૃત્યુ પામે છે તેના માટે કોઈ આંસુ નથી સારતું, સૌ પોતાના માટે રડે છે; મારા પ્રિયજન વિના હું કેમ જીવી શકીશ એનો બળાપો, ખાલીપો, સંતાપ પાછળ રહેલાને પીડે છે એનાં આંસુ ઊમટે છે; જનાર તો મુક્તિ પામે છે.’

અમર શાંત થઈ ગયો અને નીચેના રસ્તાને જોઈ રહ્યો. ચારે બાજુ ભીડ હતી. વાહનો અને માણસો ઊભરાતાં હતાં. અડાબીડ જંગલમાં તે ખોવાઈ ગયો હોય એવી પીડાનો સણકો ઊપડી આવ્યો અને તે પ્રિયાને વળગીને ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો.

પ્રિયા છલકતી આંખે તેની પીઠ પર હાથ પસવારતી રહી. અચાનક તેને મમ્મીના શબ્દો યાદ આવ્યા : પ્રિયા! તું તારા જીવન માટે કોઈના મૃત્યુની પ્રતીક્ષા કરે છે?

પ્રિયાનો હાથ થંભી ગયો.

હવે તેનો અને અમરનો સંબંધ કેવો વળાંક લેશે? શું અમર તેના મન પર ઝળૂંબતા ભૂતકાળના ઓથારની પકડમાંથી ક્યારેય મુક્ત થઈ શકશે?

એક ઢળતી સાંજના અંધારામાં પહેલાં કદી ન જોયેલી મૃત્યુશય્યા પર સૂતેલી સ્ત્રીએ વૃક્ષની સૂકી ડાળખી જેવો હાથ લંબાવી તેને સ્પર્શ કરવા ચાહ્યો હતો, પણ તે ભયભીત બનીને ભાગી છૂટી હતી અને છતાં તે ખૂબ પાસે હતી - અમરના આશ્લેષમાં, આંસુઓમાં.

માનવસંબંધોની ગૂંચ ઉકેલવાનું કોઈ યંત્ર શોધાયું હોત તો?

€ € €

પરીક્ષા નજીક છે. કાજલ એની તૈયારીઓમાં વ્યસ્ત છે. કૉલેજ તો આમ પણ ઘણા વખતથી જતી નથી. નાની જાહેરખબરોનું કામ મળતું રહે છે અને તેના બૅન્ક-અકાઉન્ટમાં કરણ પૈસા જમા કરાવી દે છે, પણ ઝટ મળી શકતો નથી. બહેનનાં ભવ્ય લગ્નની રજવાડા જેવી તૈયારીમાં વ્યસ્ત છે.

કાજલ તેને કહી પણ શું શકે? રાત પડતાં અકળાઈ જાય છે. જે એકાંતને તે ઝંખતી હતી એ એકાંતનો અમૂલખ હીરો મળી ગયો છે, તેની હથેળીમાં ઝગમગી રહ્યો છે. નહીં કોઈનો ફોન, ન ડોરબેલ. પાડોશીઓની આવનજાવન નહીં. જે ઝંખતી હતી એ મળી ગયા પછી એનું શું કરવું એની ખબર નથી પડતી તેને. કદાચ અતૃપ્ત ઝંખના જ જીવનને રસમય બનાવતી હશે!

તેને મમ્મીના હાથનો ગાજરનો હલવો બહુ ભાવે. પરીક્ષા વખતે તો સાવિત્રીબહેન ખાસ બનાવીને ફ્રિજમાં મૂકી રાખતાં. વાંચતાં-વાંચતાં તે ખાતી જાય. તરુણ ચીડવતો : ગાજરના હલવાને લીધે જ તને વાંચવાની બુદ્ધિ મળે છે. મમ્મીના હાથનો જાદુ છે જાદુ, બાકી તારો ઉપલો માળ તો... બન્ને લડતાં. છેલ્લે તરુણ તેને આઇસક્રીમ ખાવા લઈ જતો. એ ખડખડાટ હસવાના અવાજો...

કાજલ ઘરની વચ્ચે ઊભી રહી નિ:સ્તબ્ધ શાંતિમાં કાન માંડતી. રાત ઝમઝમ વહેતી જતી હતી. એના વહેણમાં કોઈ દીવો તરતો દેખાતો નથી. તે ડરી જતી. દોડાદોડ આખા ઘરમાં ફરી વળતી. જેટલી બત્તીઓ હોય એની સ્વિચ ઑન કરી દેતી. કોઈ અદૃશ્ય ભયથી પથારીમાં કોકડું વળી જતી.

એક વખત મોડી રાત્રે ડોરબેલ વાગી ઊઠી. શાંત નિ:સ્તબ્ધ ઘરમાં એના અવાજનાં વતુર્ળો ફેલાતાં રહ્યાં.

અત્યારે મોડી રાત્રે કોણ હશે? કાજલ ભયથી કંપી ઊઠી. ઉપરાઉપરી ડોરબેલ પછી મોટેથી એક અવાજ : મૈં... ભીમસિંહ... વૉચમૅન...

કાજલે કી-હોલમાંથી જોયું. વૉચમૅન હતો. તેણે થોડું બારણું ખોલ્યું, ‘ક્યા હૈ ભીમસિંહ?’

‘દેખને કો આયા, આપ ઠીક તો હૈ?’

કાજલ થોડી સ્વસ્થ થઈ. જરા કડક અવાજે બોલી, ‘યે ટાઇમ હૈ ખબર પૂછને કા? ઇતની રાત કો...’

ભીમસિંહે નરમ અવાજે કહ્યું, ‘હમ તો મેમસાબ ડ્યુટી બજાતા હૈ. સેક્રેટરી શર્માસાબને બોલા, તુમ દેખો મેમ ઠીક હૈ? સારી રાત આપકી સબ લાઇટ જલતી હૈ, દો દિન સે બહાર નિકલી નહીં તો સાબને બોલા... આજકલ બમ્બઈ મેં રોજકા રોજ મર્ડર... લડકી પર હમલા...’

‘મૈં ઝિંદા હૂં, સમઝે?’

કાજલ ચીસ જેવા અવાજે બોલી અને ભીમસિંહના મોં પર બારણું પછાડ્યું. દોડતી આવી હોય એમ તે હાંફવા લાગી. શું બિલ્ડિંગના લોકો એમ માનતા હતા કે તેનું ખૂન થયું છે કે પછી બળાત્કાર...

કાજલ પલંગમાં ઢગલો થઈ ગઈ.

€ € €

‘પપ્પા, માની જાઓને! મમ્મી અને પ્રિયા બન્નેને ફ્લૅટ ગમ્યો છે. જોઈ તો લો એક વાર. અલગ બેડરૂમ, બાથરૂમ...’

ધીરુભાઈએ પત્ની સામે જોયું. હમણાં રોજ તરુણ કહી રહ્યો હતો. હવે હઠ જ કરતો હતો. શરૂઆતમાં તો ઘણો ગુસ્સો હતો. આ ઘર તેમણે ઊભું કર્યું છે અને એ વેચી નાખવાનું?

પણ અશાંત મન ધીમે-ધીમે ઠરે છે. સાવિત્રીએ જ એક વખત નહોતું કહ્યું : માત્ર તમારું ઘર? મારું, સૌનું નહીં? ઘર પહેલાં તો મકાન છે ઈંટ-સિમેન્ટનું, શ્રમજીવીઓની મજૂરીથી બંધાયેલું. એમાં સ્વજનો સાથે રહે છે પછી એને ઘરપણું મળે છે.

સાવિત્રીબહેન નીચું જોઈને શાક સમારી રહ્યાં હતાં. સાવિત્રીની વાત શું ખોટી હતી? સાવિત્રી ન હોત તો આ ઘર નહીં ગેસ્ટહાઉસ હોત. કેટલાં વર્ષે સાવિત્રી સાથે એકલા રહેવાનો અવસર મળ્યો હતો! સુવાંગ સહચાર અને એકાંત. પત્નીના દેહના સ્પર્શ અને સુગંધથી અતૃપ્ત ઇચ્છાઓ શમી ગઈ હતી.

તરુણ સામે જ બેઠો હતો. અધીર. પ્રિયા ટેબલ પર અખબાર પાથરીને વાંચી રહી હતી. તરુણે તેની સામે પણ જોયું નહોતું. પપ્પા કશો નિર્ણય લઈ લે એ પહેલાં આ છેલ્લો મોકો હતો કહી દેવાનો. કહીને પણ પીડા વહોરી લેવાની હતી. પપ્પા-મમ્મી બન્નેને તેણે જ સંભાળવાનાં હતાં અને ન કહીને પણ. જીવતા બારુદનો ગોળો. જો અને જ્યારે ખબર પડી ત્યારે પરિણામ કદાચ વધુ ભયંકર...

‘કેમ પ્રિયા, બોલી નહીં? તેં જોયું છે મમ્મી સાથે, ગમ્યુંને?’ તરુણે પ્રિયાને સીધું જ પૂછ્યું.

તેણે પરાણે હસીને કહ્યું, ‘હા પપ્પા, સરસ છે. પાડોશ સારો છે, ગુજરાતી છે.’

‘અને પપ્પા, રોજ સવારે તમને અને પ્રિયાને કાર સ્ટેશન સુધી મૂકી જશે, પછી?’

પ્રિયા મનમાં ધૂંધવાઈ રહી હતી. તે અખબારનાં પાનાં ફેરવતી રહી અને પોતાને કોસતી રહી : શું કામ ચિડાવું જોઈએ? મનમાં નક્કી જ કર્યું હતુંને હોની હો સો હોય.

ચિંતા તો ખરી રીતે અમરની કરવાની હતી. તેણે ઘરે આવવાની ના પાડી હતી : શા માટે આ ઔપચારિકતા? હું તો તમને મળ્યો જ છું અને માસીને મળવાની કોઈ જરૂર નથી. જે તમને મળીને પ્રસન્ન થઈ હોત તે ચાલી ગઈ છે પ્રિયા.

ના, અમરના અવાજમાં કોઈ દંશ નહોતો, પણ અમરની માતાના મૃત્યુના સમાચારથી તેનું મન ચૂભ્યું હતું : પોતાના પૂર્વગ્રહો છોડી તે એક વાર પણ મળવા ગઈ હોત તો?

સાવિત્રીબહેન રસોડામાં જવા ઊઠ્યાં, ‘શું વિચારમાં પડી ગઈ પ્રિયા તું? હા પાડતાં પહેલાં ફરી એક વાર ઘર જોઈ આવીશું? તમે તો જોયું જ નથી. તરુણ એમ કર, આજે બપોરે જ અમે આવીએ છીએ જોવા. તું ઘરની ચાવીની વ્યવસ્થા કરી લેજેને!’

ઉત્સાહથી તરુણ કૂદીને ઊભો થઈ ગયો.

‘ઓકે મૉમ-પપ્પા. સાચું કહું? યુ આર ધ બેસ્ટ ફાધર ઇન ધ વર્લ્ડ.’

ધીરુભાઈ હસી પડ્યા. મનને કેટલું સારું લાગતું હતું! મા-બાપનું ધ્યાન ન રાખતાં બેદરકાર સંતાનોની વાત રોજ અખબારોમાં વાંચતા હતા. મનમાં ગાંઠ વાળી હતી કે ઘર કોઈને વેચવા નહીં દઉં, મારી જ કમાણીથી ઘરસંસાર ચાલવો જોઈએ.

સેવંતીલાલે ખખડાવ્યો હતો, ‘શેની જીદ છે આ? માળામાં બચ્ચાં મૂક્યા પછી તેમને પાંખો નહીં ફૂટવાની?’

તેમણે દલીલ કરી હતી, ‘કાજલને પાંખો ફૂટી અને ઊડી ગઈ એમાં તમે રાજી છો?’

 સેવંતીલાલ ગમગીન થઈ ગયા હતા. કાજલ બહુ વહાલી હતી. જે રીતે લડી-ઝઘડીને પોતાના રસ્તે ચાલી ગઈ એનું તેમને ખૂબ લાગી આવ્યું હતું, પણ તરુણની વાત અલગ છે. માતા-પિતાની આમન્યામાં છે, બિઝનેસ કરે છે, જવાબદારી સમજે છે. પિતાને બીજું શું જોઈએ?

સાવિત્રીબહેન ઘરમાં મળતાવડું વાતાવરણ જોઈને પ્રસન્નતા અનુભવે છે. નિરભ્ર ભૂરા આકાશમાં અચાનક એક કાળી વાદળી આવી ચડે એમ કાજલનું નામ મનમાં ઝબકી જાય છે, પણ પછી તે પ્રયત્નપૂર્વક બીજી વાતોમાં મન પરોવે છે.

વહેલા જમી બપોરે થોડો આરામ કરી બધા ઘર જોવા ગયા. તરુણ ડ્રાઇવ કરતો હતો. ધીરુભાઈ આગળની સીટ પર હતા. જાણે રાજસિંહાસન પર બેઠા હોય એવું સુખ અનુભવાતું હતું.

બિલ્ડિંગના કૉમ્પ્લેક્સમાં કાર પ્રવેશી. વૉચમૅને કૅબિનમાંથી બહાર આવીને દરવાજો ખોલ્યો. ધીરુભાઈ અંજાઈ ગયા. ફ્લૅટમાં જતાં જ ખુશ-ખુશ. કોઈએ રુચિથી સજાવેલો. માર્બલ ફ્લોરિંગ, અદ્યતન ઢબના બાથરૂમ્સ, કૉમ્પ્લેક્સની બાજુમાં વિશાળ જૉગિંગ પાર્ક... નક્કી એની કિંમત પણ અધધધ જ હશે.

તરુણ સાવિત્રીબહેન પાસે રસોડાનાં ગુણગાન ગાઈ રહ્યો હતો. ધીરુભાઈએ ચિંતાથી પૂછ્યું, ‘તરુણ, આ ફ્લૅટ તો મોંઘો હશે. આપણા અંધેરીના ફ્લૅટની સામે નહીં આવે. જો આપણી ભાવનગરની પ્રૉપર્ટી મારા કુટુંબીઓએ ન પડાવી હોત તો આજે આ ફ્લૅટ ચપટીમાં હું જ ખરીદી લેત.’

જૂની સ્મૃતિઓ ઊભરી આવી. માંડ મનને થાળે પાડ્યું હતું. આજે પોતાના પૈસા, પોતાની પ્રૉપર્ટી હોત!

તરુણે પિતાના ખભે હાથ મૂક્યો, ‘હું સમજું છું તમને શી લાગણીઓ થાય છે. ઉપરની અદાલત તેમને નહીં છોડે પપ્પા. જે ઝૂંટવે છે તેણે ક્યારેક તો ભરપાઈ કરવું જ પડે છે. આપણા ઘરની વાત કરોને! ગમ્યુંને? ઇટ ઇઝ માય ગિફ્ટ ટુ યુ પપ્પા.’

ધીરુભાઈએ તરુણને બાથમાં લઈ લીધો. તેમનું હૈયું ભીનું થઈ ગયું. તરુણને અત્યારે, આ ક્ષણે તે જે કરી રહ્યો હતો એનો ડંખ મનમાંથી નીકળી ગયો.

પ્રિયા દૂરથી આ દૃશ્ય જોઈ રહી. તે પીઠ ફેરવી ગઈ. આ નરાતાળ જુઠ્ઠાણામાં સાથ આપીને તે સાચું કરતી હતી કે કોઈ અક્ષમ્ય અપરાધ? શું પાપ કે શું પુણ્ય એ તે જાણતી નથી.

સૂર્ય ડૂબી રહ્યો હતો. કોઈ-કોઈ ઊંચી ઇમારતના કાચ પર આથમતું તેજ ઝબકી ઊઠતું હતું. તેણે મનોમન પ્રકાશના દેવને વંદન કર્યો : હે દેવાધિદેવ! મને ક્ષમા કરજો.

€ € €

મેરી ક્રિસમસ.

હવા જાણે બારીમાંથી ઝૂકીને કહી રહી છે. ઠંડકના આછા ચમકારા સાથે ખુશનુમા મોસમ છે. કાજલ ખુશ છે. આજે પ્રતીક અને રિહાના સાથે લંચ લેવા જવાનું છે. જે રિહાના સાથે રહીને તે કંટાળી ગઈ હતી તેની સાથે જવા તે હોંશથી તૈયાર થતી હતી. દિવાળી વખતે તેણે બન્નેને આમંત્રણ આપ્યું હતું, પણ બન્ને રજાઓમાં સિંગાપોર ઊપડી ગયાં હતાં. ત્યારે તે મનોમન બળી-જળી ગઈ હતી. કરણને પોતે ઘણી વાર કહી જોયું હતું, પણ તેની નાની ના જ : કોઈ જુએ તો! મારી બહેનનાં લગ્ન વખતે જ ન્યુઝપેપર્સ અને ચૅનલવાળા પાછળ પડી જશે.

 કાજલનું મન ઘવાયું હતું. કડવા ઘૂંટડાથી મોં બેસ્વાદ થઈ ગયું હતું.

જોકે આજે કરણ પણ આવવાનો હતો અને ઘણા વખતે બધા સાથે મળીને લંચ લેવાના હતા. તેની અને રિહાનાની બહુ ઇચ્છા હતી તાજની લૅન્ડ્સ એન્ડ કે જે. ડબ્લ્યુ. મૅરિયટમાં જવાની, પણ કરણે સ્પષ્ટ ના પાડેલી : કોઈ ને કોઈ ઓળખીતું મળી જ જાય. સાઉથ બૉમ્બેની તો કોઈ રેસ્ટોરાંમાં પગ જ ન મુકાય. મેં સી પ્રિન્સેસમાં રૂમ બુક કર્યો છે. લિટલ ઇટલીમાંથી ફૂડ આવશે. વી વિલ હૅવ અ બૉલ અને કરણ હોય ત્યારે બીજું કોણ બિલ ચૂકવે?

ખૂબ મજા પડી હતી લંચમાં કાજલને. મ્યુઝિક મૂકીને બન્ને કપલે ડાન્સ કર્યો હતો. કરણે કાજલને ઊંચકીને ચુંબનોથી ગૂંગળાવી દીધી હતી. તે મદહોશીમાં તરબતર થઈ ગઈ હતી.

દરેક વાતનો એક અંત હોય છે. પાર્ટી પૂરી થઈ હતી અને હવે છૂટા પડવાનું હતું. જોકે પ્રતીક-રિહાના હવે બીજી પાર્ટીમાં જઈ રહ્યાં હતાં. કરણ ફૅમિલી ડિનર પર જવાનો હતો.

કરણે કાજલને તેના બિલ્ડિંગના દરવાજે ઉતારી ત્યારે કાજલનું હૈયું ભારે થઈ ગયું. તેણે કરણનો હાથ પકડી લીધો, ‘પ્લીઝ, આજે તો રોકાઈ જા. કેટલા દિવસથી આપણે નચિંત સાથે સમય પસાર કર્યો નથી!’

કરણનેય ખરાબ લાગતું હતું, પણ જવાનું તો હતું જ. વર્ષમાં પાંચ-છ વખત કરણનાં મમ્મી સુસ્મિતાબહેનને થોડા મિત્રો અને નજીકનાં સગાંઓને ડિનર આપવાનો શોખ હતો. દર વખતે અલગ થીમ. કોઈ વાર એનઆરઆઇ મિત્રો માટે અલાયદી પાર્ટી, કોઈ વાર માત્ર બિઝનેસના મિત્રો-ક્લાયન્ટ્સ. આ પાર્ટીઓમાં આમંત્રણ મળવું સ્ટેટસ સિમ્બૉલ ગણાતું. પાર્ટી-મેનુથી માંડીને પાર્કિંગ સગવડની વ્યવસ્થા - બધે જ તેમનું પોતાનું સુપરવિઝન રહેતું. તેમનું પ્રિય વાક્ય હતું : બધું પર્ફેક્ટ જ જોઈએ.

આ વખતે ફૅમિલી ડિનર હતું. ત્રણ-ચાર દિવસ અગાઉથી કરણને સગાંઓનાં નામ ગોખાવી રાખ્યાં હતાં. આજે તો સમયસર પહોંચવું જ પડે.

કાજલની હઠ પાસે કરણ રીતસર કરગરી પડ્યો, ‘રાત રહી જવાની વાત છોડ, હું એક મિનિટ રોકાઈ શકું એમ નથી. જાન્યુઆરીના ફસ્ર્ટ વીકમાં આપણે ક્યાંક ઊડી જઈશું, ઓકે! પ્રૉમિસ. અ જેન્ટલમૅન્સ વર્ડ, ઓકે? બાય. હૅવ અ ગુડ ટાઇમ.’

અને કરણની કાર ચાલી ગઈ.

કાજલ થોડો સમય કમ્પાઉન્ડના બગીચામાં બેસી રહી. ઘરમાં જવાનું મન ન થયું. હજી તો ધીમે-ધીમે સાંજ ઊતરતી હતી. આખું મુંબઈ ક્રિસમસ ટ્રીની જેમ ઝગમગી ઊઠ્યું હતું. બાળકો રમી રહ્યાં હતાં. ફટાકડા ફૂટવાના અવાજો પવનની પીઠ પર સવાર થઈને આવતા હતા.

સેલફોનની ઘંટડી રણકી ઊઠી. હાશ, કોઈનો ફોન હતો. કરણ ડ્રાઇવ કરે તો ફોન ન જ કરે. ઓહ! અનુનો ફોન : હાય કાજલ! કેમ છે? કલ્પના કર ક્યાંથી ફોન કરું છું? શિર્ડીથી. મમ્મીને બહુ વર્ષોથી ઇચ્છા હતી. સાંઈબાબાનાં દર્શન કરી હમણાં જ બેઠાં રેસ્ટોરાંમાં ઢોસા ખાવા. પ્લાન કરતાં હતાં કે હવે પછી ક્યાં જઈશું? મમ્મીની ઇચ્છા અંબાજી જવાની છે. નેક્સ્ટ ટ્રિપ ત્યાં કરીશું. તું કેમ યાદ આવી? બુધ્ધુ એટલા માટે કે સાવિત્રીઆન્ટીને પણ અંબાજીમાં ખૂબ શ્રદ્ધા છેને!

કાજલ અનુની ઉત્સાહભરી વાતો સાંભળતી હતી. પોતે તો હંમેશાં પોતાની ઇચ્છા, પોતાનાં સપનાં વિશે વિચારતી હતી. મમ્મીને પણ પોતાની ઇચ્છાઓ હશે. મમ્મીએ કદી ન કહ્યું તો તેણે પણ ક્યાં પૂછ્યું હતું?

કેટલી વારે ખ્યાલ આવ્યો કે અનુએ ફોન સ્વિચ્ડ-ઑફ કર્યો હતો અને ફોનની બ્લૅન્ક સ્ક્રીનને તે જોઈ રહી હતી. બહુ મોડું નહોતું થયું, પણ અંધકાર ઝડપભેર ધુમ્મસની જેમ ફેલાઈ ગયો હતો. આજે બિલ્ડિંગ પર પણ ઇલેક્ટ્રિક તોરણ ઝબૂકતાં હતાં. રંગબેરંગી કાગળના તેજસ્વી તારલાઓ બારીઓ પર ઝૂલી રહ્યા હતા. તે પરાણે ઊઠી. લૅચ-કીથી બારણું ખોલી પગ મૂકતાં જ ઊંડા કૂવામાં પડી જવાની હોય એમ ડરી ગઈ. આમતેમ જોયું. જરા વાર ઊભા રહી તે અંદર આવી. બારણું બંધ કર્યું. કપડાં બદલ્યાં. પાણી પીધું. ટીવી સામે ગોઠવાઈ. બપોરે મોડેથી ભારે લંચ લીધું હતું. હમણાં-હમણાં કેક, આઇસક્રીમ, ચૉકલેટ વધુ ખવાઈ જવાય છે. વજન વધી ગયું તો?

મનમાં ફફડાટ પેઠો - તો ઍડ નહીં મળે. કરણ લગ્ન નહીં કરે... કરશે... તે ઊભી થઈ ગઈ. કરણને વીનવવાની અત્યારથી પ્રૅક્ટિસ કરવી જોઈએ... જો કરણ... હા, કરણ તો સામે જ ઊભો છે. કાજલ બોલવા માંડી...

થાકી ગઈ. હાંફ ભરાઈ. સામે જોયું તો કરણ નહીં. તેની વાત સાંભળ્યાં વિના ચાલી ગયો હશે. ઇટ ઇઝ ઇમ્પૉસિબલ. તેણે તરત ફોન કર્યો. સ્વિચ્ડ-ઑફ. ઓકે. મેસેજિસ મોકલીશ. મેસેજ તરત ટાઇપ કર્યો. કમ્પ્યુટર પર એકસાથે ત્રણ ઈ-મેઇલ કરી.

અરે, રાતના સાડાબાર કઈ રીતે વાગી ગયા? જલદી સૂઈ જવું જોઈએ. વહેલી સવારે જિમ જઈને ખૂબ કસરત કરશે. વૉચમૅન આવશે તો? લાઇટ ક્યૂં ચાલુ હૈ? ભીમસિંહની મોટી, લાલાશ પડતી આંખો તાકી રહી હોય એમ તે ડરી ગઈ. દોડીને બધી બત્તીઓ બંધ કરી. ચોમેરથી અંધારું ધસી આવ્યું. બારીની બહારનો પ્રકાશ અંધકારની કાળમીંઢ દીવાલમાં છિદ્ર પાડીને અંદર સુધી ઝીણી પ્રકાશરેખા ખેંચતો હતો. ચકળવકળ આંખે ભયભીત બની તે પલંગમાં ગોટપોટ થઈ ગઈ. બારીબારણાં બધું મજબૂત રીતે બંધ કરી તે કિલ્લામાં પુરાઈ ગઈ હતી. હાશ, તે સુરક્ષિત હતી.

મોડી સવારે આંખ ખૂલી ત્યારે સૂરજ કિરણોની છાબ ભરી અંદર પ્રવેશી ગયો હતો અને ઘરની દરેક ચીજને સોનાનો ઢોળ ચડાવી રહ્યો હતો. કાજલ આ અદ્ભુત દૃશ્ય જોઈ રહી. અંધારું ક્યાંય નહોતું.

તે ઝડપથી બેઠી થઈ ગઈ. કાળા ઓળાઓ ક્યાં અદૃશ્ય થઈ ગયા હતા? કોઈએ કાવતરું કર્યું હશે? તે ઊભી થઈ. બાથરૂમમાં શાવર નીચે ઊભી રહી ગઈ. ખૂબ સારું લાગ્યું. જિમમાં જવા તૈયાર થવા લાગી. બધા મનના વહેમ, બીજું શું!

સરસ મસાલેદાર ચા બનાવી. બિસ્કિટ ટ્રેમાં મૂક્યાં. ટેબલ પર બેઠી. અખબાર યાદ આવ્યું. આજે મોડું થયું. જલદી બહાર ગઈ. બહાર જ પડ્યું હતું. ચા પીતાં અખબાર જોવા લાગી. સાથેની સપ્લિમેન્ટ ખોલી અને નજર પડતાં જ ઠરી ગઈ.

કરણનો ફોટો હતો. તેની બન્ને તરફ ઇરા અને નીરજા હતી. ચિયર્સ કહેતાં ત્રણેયના લંબાયેલા હાથમાં કૉકટેલ ગ્લાસ, કરણના ખભા પર નીરજાનું ઝૂકેલું માથું અને ઇરાની કમરે વીંટળાયેલો કરણનો હાથ, ત્રિપુટીના ચહેરા પર રમતું સ્મિત...

અચાનક ધરતીકંપ થયો હોય એમ ઘર હાલકડોલક થવા લાગ્યું. ચીજવસ્તુઓ ફંગોળાવા લાગી. પલંગ આખો નીચે જમીનમાં ઊતરી ગયો. તે બેઠી હતી એ ટેબલ ફંગોળાઈ ગયું અને તે ઊથલી પડી. તેના પર કાટમાળનો ઢગલો થતો ગયો. તે દટાતી ગઈ ઊંડે-ઊંડે.

કાજલને ભાન આવ્યું.

પાંચ મિનિટ થઈ હતી કે પાંચ કલાક, ખબર ન પડી. તેણે આસપાસ જોયું. ઘર ગોઠવાયેલું હતું. બધી જ વસ્તુઓ એની જગ્યાએ હતી.

તોય તેને લાગ્યું કે ધરતીકંપ તો થયો હતો અને તેનાં સપનાંનો મહેલ તૂટી પડ્યો હતો. તે જીવતી મલબા નીચે દટાઈ ગઈ હતી.

જાતને કાટમાળ નીચેથી ખેંચેલી હોય એમ તે માંડ ઊઠી. જિમની બૅગ તો ખોળામાં જ હતી. ચાનો મગ મૂકી દીધો અને બહાર જવા માટે બારણું ખોલ્યું, પણ ક્યાં જવું છે એ ભૂલી ગઈ હોય એમ દરવાજામાં શૂન્ય ચિત્તે ઊભી રહી ગઈ અને પર્સમાં મોબાઇલની રિંગ ગુંજતી રહી.

(ક્રમશ:)