આખા અમેરિકાનો ડૉક્ટર છે આ ઇન્ડિયન

21 December, 2014 07:26 AM IST  | 

આખા અમેરિકાનો ડૉક્ટર છે આ ઇન્ડિયન






સ્પેશ્યલ સ્ટોરી - જયેશ અધ્યારુ

આપણે ત્યાં ધૂમ્રપાનના બંધાણીઓ સિગારેટનું પૅકેટ ખરીદે ત્યારે તેઓ જેને અવગણે છે એવી સ્ટૅચ્યુટરી વૉર્નિંગ (હિન્દીમાં વૈધાનિક ચેતાવની) એના પર છાપેલી હોય છે. અમેરિકામાં તો છેલ્લાં ૪૭ વર્ષથી આ પ્રકારની ચેતવણી સિગારેટના પૅકેટ પર છાપવામાં આવે છે, પરંતુ એને સર્જ્યન જનરલ્સ વૉર્નિંગ એવું નામ અપાયું છે. આ જ પ્રકારની ચેતવણી ૧૯૮૮થી અમેરિકામાં બનતી તમામ શરાબની બૉટલો પર પણ છાપવામાં આવે છે કે ‘ભઈ, શરાબ પીને સે લીવર ખરાબ હો જાતા હૈ!’ આ સર્જ્યન જનરલ એટલે સાદા શબ્દોમાં કહીએ તો અમેરિકાના ટૉપમોસ્ટ હોદ્દે રહેલો ડૉક્ટર જે તમામ અમેરિકનોનાં સ્વાસ્થ્ય પર, એને લગતી નીતિઓ પર ધ્યાન રાખે છે. આ ઊંચેરી પોસ્ટ પર આ અઠવાડિયે ભારતીય મૂળના તબીબ ડૉ. વિવેક મૂર્તિની વરણી પર મંજૂરીની મહોર લાગી છે. માત્ર ૩૭ વર્ષની વયે આ હાઈપ્રોફાઇલ પોસ્ટ પર બિરાજનારા વિવેક મૂર્તિ અને તેમને મળેલી આ પોસ્ટ વિશે જાણવા જેવું છે.

વાઇસ ઍડ્મિરલ

અમેરિકા ગ્રેટ બ્રિટનથી આઝાદ થયું ઈ. સ. ૧૭૭૬માં. એનાં બાવીસ વર્ષ પછી ત્યાંની કૉન્ગ્રેસે માંદા અને ઈજાગ્રસ્ત નાવિકોની સારવાર માટે મરીન હૉસ્પિટલ સર્વિસની સ્થાપના કરી, જેની ડ્યુટી અને સત્તાઓ કાળક્રમે વધારીને તમામ નાગરિકો સુધી પહોંચાડવાના હેતુથી ૧૯૪૪માં કાયદાનું સ્વરૂપ અપાયું અને પબ્લિક હેલ્થ સર્વિસ ઍક્ટ લાગુ થયો. આ કાયદા અંતર્ગત સમગ્ર અમેરિકાના પ્રજાજનોનાં આરોગ્ય તથા સુખાકારીને આવરી લેવામાં આવ્યાં. આ તમામની દેખરેખ રાખે છે એક ઉચ્ચાધિકારી તબીબ, જેના હોદ્દાને નામ આપવામાં આવ્યું ‘સર્જ્યન જનરલ’. ૧૯૮૦ સુધી આ હોદ્દો સ્વતંત્ર ઓળખ ધરાવતો હતો, પરંતુ ત્યાર પછી એને યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઑફ હેલ્થ ઍન્ડ હ્યુમન સર્વિસિસ સાથે જોડી દેવામાં આવ્યો.

સર્જ્યન જનરલનું નામ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ સજેસ્ટ કરે છે, જેને સંસદના બહુમતી વોટ મળવા અનિવાર્ય હોય છે. રસપ્રદ વાત એ છે કે ડૉ. વિવેક મૂર્તિનું નામ બરાક ઓબામાએ લગભગ દોઢ વર્ષ પહેલાં આગળ કરેલું, પરંતુ છૂટથી બંદૂકોનાં લાઇસન્સ આપવાના વિરોધમાં તેમના વિચારો જગજાહેર છે. તેમના આ જ વિચારોને કારણે ૧૭ મહિનાથી સંસદમાં તેમના નામને મંજૂરીની મહોર મળતી નહોતી. હવે ફાઇનલી ૪૩ની સામે ૫૧ વોટથી તેમના નામને મંજૂરી મળી ગઈ છે અને વિવેક મૂર્તિ સત્તાવાર રીતે અમેરિકાના સર્વોચ્ચ ડૉક્ટર બન્યા છે.

આ સર્જ્યન જનરલ અસિસ્ટન્ટ સેક્રેટરી ફૉર હેલ્થને રિપોર્ટ કરે છે. સર્જ્યન જનરલના આ હોદ્દે બિરાજતી વ્યક્તિ સમગ્ર કમિશન્ડ કૉર્ઝની હેડ ગણાય છે. આ કમિશન્ડ કૉર્ઝનો મામલો રસપ્રદ છે. ઍક્ચ્યુઅલી, સર્જ્યન જનરલની પોસ્ટ અમેરિકન સૈન્યમાંથી ઊતરી આવી છે એટલે આજે પણ સર્જ્યન જનરલને વાઇસ ઍડ્મિરલનો હોદ્દો અપાય છે. તેમના યુનિફૉર્મમાં ખભા પર ત્રણ સ્ટારવાળી પટ્ટી અને કોટની બાંય પર પબ્લિક હેલ્થ સર્વિસના લોગોવાળા બૅજ સાથે ગોલ્ડન રંગની સ્ટ્રાઇપ્સ પણ લાગે છે. સર્જ્યન જનરલ જેને રિપોર્ટ કરે છે તે અસિસ્ટન્ટ સેક્રેટરી ફૉર હેલ્થ ચાર સ્ટાર સાથેના ઍડ્મિરલ બને છે. અમેરિકામાં યુનિફૉર્મધારી ૭ સર્વિસિસ છે; આર્મી, નેવી, ઍરર્ફોસ, મરીન કૉર્ઝ, કોસ્ટ ગાર્ડ, નૅશનલ ઓશનિક ઍન્ડ ઍટ્મસ્ફેરિક ઍડ્મિનિસ્ટ્રેશન કમિશન્ડ ઑફિસર કૉર્ઝ તથા પબ્લિક હેલ્થ સર્વિસ કમિશન્ડ કૉર્ઝ. અન્ય લશ્કરી યુનિફૉર્મધારી સર્વિસિસના વડાઓથી અલગ આ પબ્લિક હેલ્થ સર્વિસના વાઇસ ઍડ્મિરલ એવા સર્જ્યન જનરલને પોતાનો હોદ્દો વર્ષોની લશ્કરી સેવા આપ્યા પછી મળતો નથી. બલકે એક રાજકારણી (એટલે કે અમેરિકન પ્રમુખ) દ્વારા નૉમિનેટ થઈને સંસદની મંજૂરી થકી પ્રાપ્ત થાય છે.

અમેરિકાની તંદુરસ્તી કી રક્ષા


ચાર વર્ષનો કાર્યકાળ ધરાવતા સર્જ્યન જનરલના હાથ નીચે પબ્લિક હેલ્થ સર્વિસના ૬૫૦૦થી પણ વધારે હેલ્થ-પ્રોફેશનલ્સ ચોવીસે કલાક ખડેપગે રહે છે. ન કરે નારાયણ ને દેશમાં ક્યાંક ભયાનક રોગચાળા જેવી મેડિકલ-હેલ્થ ઇમર્જન્સી ઊભી થાય તો તેમને એક જ હુકમથી ત્યાં દોડી જવું પડે. પાછલાં વર્ષોમાં આવેલાં વાવાઝોડાં કે ધરતીકંપો વગેરેમાં આ પ્રોફેશનલ્સને મોકલવામાં આવ્યા હતા. અત્યારે એમાંનો ઘણો સ્ટાફ એબોલાના રોગચાળાની રોકથામમાં લાગેલો છે.

સર્જ્યન જનરલની ઑફિસ તથા તેમના સ્ટાફને ઑફિસ ઑફ ધ સર્જ્યન જનરલ (ટૂંકમાં OSG) કહે છે. જોકે સર્જ્યન જનરલ બન્યા પછી ઊંચા હોદ્દે બિરાજીને માત્ર રિબન કાપતા ફરવાનું એવું હરગિજ નથી. પ્રોટેક્ટિંગ, પ્રમોટિંગ ઍન્ડ ઍડ્વાન્સિંગ હેલ્થ ઍન્ડ સેફ્ટી ઑફ ધ નેશન જેવું ધ્યેયસૂત્ર ધરાવતી આ શાખા દરેક રીતે અમેરિકનોની તંદુરસ્તી કી રક્ષા કરવા માટે કટિબદ્ધ રહે છે. એનાં મુખ્ય કાર્યોમાં કંઈક આવી પ્રવૃત્તિઓનો સમાવેશ છે : અમેરિકાના આદિવાસીઓ, અલાસ્કાના મૂળ વતનીઓ, ગરીબો વગેરેને આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવી; રોગચાળાને ઊગતો જ ડામી દેવો તથા બીમારીઓને કાબૂમાં લેવી; આરોગ્યને નુકસાન પહોંચાડે એવાં પર્યાવરણમાં રહેલાં કોઈ પણ હાનિકારક તત્વોને ઓળખવામાં કે દૂર કરવામાં મદદ કરવી; દેશવાસીઓને આરોગ્યપ્રદ જીવનશૈલી તરફ દોરી જવા; નાગરિકોનું માનસિક સ્વાસ્થ્ય જાળવવું, ખોરાક-દવાઓ શુદ્ધ રહે તથા ઇલેક્ટ્રૉનિક સાધનોમાંથી કોઈ પણ રીતે પર્યાવરણને અને સરવાળે લોકોને હાનિ પહોંચાડે એવાં (રેડિયો-ઍક્ટિવ) તત્વો બહાર લીક ન થાય એનું ધ્યાન રાખવું; બીજા દેશોની અને અન્ય આંતરરાષ્ટ્રીય સ્તરે આરોગ્યના ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ સાથે મળીને વિશ્વમાં સ્વાસ્થ્યના પ્રfનોને ઉકેલવાની દિશામાં કામ કરવું.

દેશમાં પબ્લિક હેલ્થને લગતા જેટલા પણ અવૉર્ડ અપાય છે એની સર્વોચ્ચ ઑથોરિટી એ સર્જ્યન જનરલ જ હોય છે. એ માટે અપાતો સર્વોચ્ચ પુરસ્કાર સર્જ્યન જનરલ્સ મેડાલિયન પણ આ જ ઑફિસ દ્વારા અપાય છે.

આમ છતાં રાજકારણ અને પાવરની દૃષ્ટિએ જોઈએ તો સર્જ્યન જનરલની પોસ્ટ પૉલિસી ઘડવાની રીતે એટલી પાવરફુલ ગણાતી નથી, પરંતુ સર્જ્યન જનરલના હોદ્દે બેસેલી વ્યક્તિ જેકાંઈ બોલે એની અત્યંત ગંભીરતાથી નોંધ લેવાતી હોય છે. લોકોને કદાચ પસંદ ન પડે, પરંતુ દૂરદૃષ્ટિથી વિચારતાં તેમને માટે જે સારું હોય એવી વાતો છડેચોક કહેવા માટે પણ ભૂતકાળના સર્જ્યન જનરલ ચર્ચામાં આવ્યા હતા. જેમ કે ૧૯૬૪માં નવમા સર્જ્યન જનરલ લ્યુથર ટેરીએ એક ઐતિહાસિક રિપોર્ટ બહાર પાડીને એ વખતે ભારે ચકચાર મચાવી દીધેલી. તેમણે રિપોર્ટમાં કહ્યું હતું કે સ્મોકિંગ એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પરિણામે આખા દેશમાં ઍન્ટિ-સ્મોકિંગની ઝુંબેશ શરૂ થઈ ગઈ, જે સ્મોકિંગપ્રિય અમેરિકનોને રુચેલું નહીં. જોકે આ રિપોર્ટમાં એવું બફાઈ ગયેલું કે સિગારેટની તમાકુમાં રહેલા નિકોટિનની કોઈ પણ પ્રકારની લત લાગતી નથી. એન્સાઇક્લોપીડિયા કહે છે કે આ લોચો અઢી દાયકા સુધી એમ જ સુધાર્યા વિનાનો આગે સે ચલી આતી હૈની જેમ ચાલતો રહ્યો અને પછી જઈને સુધર્યો. ૧૯૮૬માં રોનાલ્ડ રેગનની સરકાર વખતે સોળમા સર્જ્યન જનરલ સી. એવરેટ કૂપરે એઇડ્સ વિશેના રિપોર્ટમાં બિનધાસ્ત કહ્યું હતું કે બાળકો નાના ધોરણમાં હોય ત્યારે જ તેમને એઇડ્સ વિશે માહિતગાર કરી દેવાં જોઈએ. તેમણે એઇડ્સની રોકથામ માટે કૉન્ડોમના વેચાણને પૂરેપૂરો સપોર્ટ આપ્યો હતો. આવું અગાઉ થયું નહોતું. ૧૯૯૪માં જૉયસલીન એલ્ડર્સ નામનાં બાનુ જ્યારે આ હોદ્દે હતાં ત્યારે એઇડ્સની રોકથામના એક ઉપાય તરીકે તેમણે હસ્તમૈથુનને ઉત્તેજન આપવાની વાત પણ કરેલી. એ વિશે તેમને પુછાયું ત્યારે તેમણે બેધડક કહેલું કે હસ્તમૈથુન પણ માણસની જાતીય વૃત્તિના એક ભાગરૂપ જ છે એટલે એને શીખવી શકાય.

સર્જ્યન જનરલ રાજકારણીઓનો હાથો?


રાષ્ટ્રપ્રમુખ પણ એક જ પક્ષનું પ્રતિનિધિત્વ કરતા હોય છે એટલે તેમના દ્વારા કોઈ ઉચ્ચ હોદ્દે બિરાજતી વ્યક્તિની નિમણૂક થાય અને વિવાદ ન થાય તો જ નવાઈ. જ્યૉર્જ બુશ જુનિયરની સરકારમાં ૨૦૦૨થી ૨૦૦૬ વચ્ચે સર્જ્યન જનરલ રહી ચૂકેલા રિચર્ડ કાર્મોનાએ તાજેતરમાં એક અખબારી લેખ દ્વારા અમેરિકન સરકાર પર આક્ષેપ કર્યો છે કે સર્જ્યન જનરલનું પદ હવે રાજકારણ અને ફેવરિટિઝમથી ખદબદવા લાગ્યું છે. તેમણે તો ડૉ. વિવેક મૂર્તિની નિમણૂકને આટલા વિલંબ બાદ થઈ અને એ પણ અત્યંત ઓછી સહમતી (૪૩ની સામે માત્ર ૫૧ વોટ)થી થઈ એને દુખદ ગણાવ્યું છે. જો એક બિનઅનુભવી નામને આટલી ઓછી સંમતિ હોય તો પ્રેસિડન્ટે એનું મમત્વ ન રાખવું જોઈએ. જોકે ડૉ. મૂર્તિના ઓછા અનુભવ સામે તેમના અત્યંત તેજસ્વી અભ્યાસ તથા પાછલાં વર્ષોમાં તેમણે હાથ ધરેલી પ્રવૃત્તિઓ તેમના વિરોધીઓનાં મોઢાં બંધ કરી દેવા માટે પૂરતી છે.

ડૉ. વિવેક મૂર્તિ : ઉજ્જ્વળ કારકિર્દીની TWENTY20ના ખેલાડી

૩૭ વર્ષના ડૉ. વિવેક મૂર્તિ સૌથી નાની વયે અમેરિકાના ૧૯મા સર્જ્યન જનરલ બન્યા છે. કર્ણાટકના કન્નડ ભાષા બોલતા પરિવારના ફરજંદ એવા મૂર્તિમાં નાની ઉંમરે જ્વલંત અભ્યાસ અને ઝુંબેશકારનું ગજબ કૉમ્બિનેશન છે. વિવેક મૂર્તિનો જન્મ ઇંગ્લૅન્ડના હડ્ર્સફીલ્ડમાં થયેલો, પરંતુ વિવેક જ્યારે ત્રણ વર્ષના હતા ત્યારે તેમનો પરિવાર અમેરિકાના ફ્લૉરિડા રાજ્યના માયામીમાં શિફ્ટ થઈ ગયો, જ્યાં મૂર્તિએ પોતાનું બાળપણ પિતાના પ્રાઇમરી કૅર ક્લિનિકમાં રમતાં-રમતાં વિતાવ્યું. અહીંથી જ તેમનામાં મેડિકલ-લાઇનમાં જવાનાં બીજ વવાયેલાં. પ્રાથમિક શિક્ષણ વિવેક મૂર્તિએ માયામીમાં જ મેળવ્યું. અહીંથી તેમણે વાટ પકડી પ્રતિષ્ઠિત એવી હાર્વર્ડ યુનિવર્સિટીની. ત્યાં તેમણે ત્રણ વર્ષનો અભ્યાસ કરીને બાયોમેડિકલ સાયન્સમાં બૅચલર્સની ડિગ્રી મેળવી. ત્યાર પછી MD (ડૉક્ટર ઑફ મેડિસિન)નો અભ્યાસ કરવા માટે તેઓ અમેરિકાની જ બીજી પ્રતિષ્ઠિત સંસ્થા યેલ સ્કૂલ ઑફ મેડિસિનમાં ગયા. જોકે આટલો અભ્યાસ કર્યા પછીયે તેમને સંતોષ થયો નહીં એટલે તેમણે આ જ યેલ યુનિવર્સિટીના સ્કૂલ ઑફ મૅનેજમેન્ટમાંથી હેલ્થ કૅર મૅનેજમેન્ટમાં સ્પેશ્યલાઇઝેશન સાથે MBA કર્યું. એ વર્ષ હતું ૨૦૦૩નું.

એ પછી તેઓ જોડાયા બૉસ્ટનમાં આવેલી બ્રિગહૅમ ઍન્ડ વિમેન્સ હૉસ્પિટલ સાથે ફિઝિશ્યન તરીકે. અહીં તેમણે ધાર્યું હોત તો તેઓ શાંતિથી નોકરી કરીને ડૉલર રળી શક્યા હોત, પરંતુ નોકરીની સાથોસાથ તેમણે હાર્વર્ડ મેડિકલ સ્કૂલમાં પોતાની સેવા આપવાનું શરૂ કર્યું. ત્યાર પછી તેમણે જે કામ કર્યું એ તેમને અમેરિકાઝ ડૉક્ટર બનાવવામાં ઘણે અંશે નિમિત્ત બન્યું છે. ૨૦૦૮માં તેમણે ડૉક્ટર્સ ફૉર અમેરિકા નામની ઝુંબેશ શરૂ કરી. દેશભરના તબીબો અને મેડિકલ સ્ટુડન્ટ્સને સાંકળતી આ ઝુંબેશનો હેતુ સૌને રાહતના દરે સ્વાસ્થ્ય-સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો હતો. આ ઝુંબેશની શરૂઆત ડૉક્ટર્સ ફૉર ઓબામાના નામે થયેલી અને સ્થાપનાના થોડા મહિનાઓમાં જ એમાં ૧૦,૦૦૦થી પણ વધુ સભ્યો જોડાઈ ગયેલા. અત્યારે અમેરિકાનાં તમામ પચાસ રાજ્યોમાં થઈને આ ઝુંબેશમાં ૧૫,૦૦૦થી વધુ સભ્યો કાર્યરત છે. ડૉક્ટર્સ ફૉર અમેરિકાએ અમેરિકન કૉન્ગ્રેસને સમગ્ર દેશની હેલ્થ કૅર પૉલિસી બદલવા માટે પણ બહારથી દબાણ ઊભું કર્યું. તેમણે વૉઇસિસ ઑફ ફિઝિશ્યન્સ નામની વેબસાઇટ પણ શરૂ કરી, જ્યાં તબીબો અમેરિકાની હેલ્થ સિસ્ટમ સામે પોતાના બખાળા કાઢી શકતા હતા.

મૂર્તિને સર્જ્યન જનરલ બનાવવા માટે ત્યાંના વગદાર ભારતીયો ઉપરાંત અમેરિકાની ટોચની ૧૦૦ જેટલી સંસ્થાએ પોતાનો સપોર્ટ જાહેર કરેલો, પરંતુ મૂર્તિના વિરોધીઓ તેમને ઓબામાના માણસ કહીને ઉતારી પાડે છે. તેમને સર્જ્યન જનરલ બનાવવાના વિરોધમાં એવી દલીલ થતી હતી કે એક તો તેમનો અનુભવ તદ્દન ઓછો છે અને ઉપરથી તેમની અત્યાર સુધીની કારકિર્દી ગન-કન્ટ્રોલ માટે (વાંચો, ઓબામા માટે) તથા પૉલિટિકલ કૅમ્પેન્સ કરવામાં જ વીતી છે. અમેરિકામાં છાશવારે થતા બેફામ ગોળીબારથી આખી દુનિયા વાકેફ છે. એનું કારણ છે ત્યાં અત્યંત સરળતાથી મળી જતાં બંદૂકનાં લાઇસન્સ. મૂર્તિ આનો સખત શબ્દોમાં વિરોધ કરવા માટે જાણીતા છે. વળી અમેરિકામાં ગન-કન્ટ્રોલનો મુદ્દો એટલે ત્યાંના બે મુખ્ય રાજકીય પક્ષો ડેમોક્રૅટ્સ વર્સસ રિપબ્લિકનમાંથી કોઈ એકની પંગતમાં બેસી જવું. એટલા માટે જ ત્યાંની વગદાર ગન-લૉબી અને નૅશનલ રાઇફલ અસોસિએશને ત્યાંના સેનેટ મૅજોરિટી લીડર તથા સેનેટ રિપબ્લિકન લીડરને પત્ર લખીને મૂર્તિની નિમણૂક ન થાય એ જોવાની ભલામણ પણ કરી હતી. વિવેક મૂર્તિના એઇડ્સ અને સ્મોકિંગ વિશેના વિચારોથી પણ એ ખાસ્સા અળખામણા છે. કેરી ખાવાના શોખીન ડૉ. વિવેક મૂર્તિના શોખ વિશે તેમને પૂછો તો કહેશે કે ગ્લોબલ હૅપીનેસ ક્વૉશન્ટ વધારવાનો.