સેક્સલેસ સંબંધો સ્વસ્થ કહેવાય?

21 December, 2014 07:25 AM IST  | 

સેક્સલેસ સંબંધો સ્વસ્થ કહેવાય?




સંબંધ-સરિતા - ડૉ. રવિ કોઠારી

પતિ-પત્નીના કે બૉયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડના રોમૅન્ટિક સંબંધોમાં શારીરિક સંબંધો તો હોય જ એવી સહજ માન્યતા સૌના મનમાં હોય છે. ભારતીય સંસ્કૃતિ મુજબ લગ્ન થાય એટલે સેક્સ કરવાનું લાઇસન્સ મળે. જોકે લગ્નનાં અમુક વષોર્ પછી ધીમે-ધીમે રોમૅન્સનો રસ સુકાતો જાય.

સેક્સ-લાઇફમાં ઓટ આવવા લાગે અને લગ્નજીવનમાં પણ સમસ્યાઓ ઊગવાનું શરૂ થઈ જાય. ઉંમર, સમય અને સંજોગો સાથે સંબંધોમાં આવતું આ એક સહજ પરિવર્તન છે; છતાં એક ગ્રંથિ મનમાં ઘર કરી જાય છે કે શારીરિક સંતોષ મળતો નથી એટલે સંબંધોમાં તનાવ આવે છે. શું સેક્સ-સંબંધો વિના પણ સંબંધોમાં આત્મીયતા અને રોમૅન્સ અનુભવાય ખરો? શું લગ્નજીવન કે રોમૅન્ટિક સંબંધોને ટકાવી રાખવા માટે સેક્સ ઇઝ મસ્ટ?

સુખી સંબંધો માટે સેક્સની ફ્રીક્વન્સી કેટલી હોવી જોઈએ એવો સવાલ આપણે ત્યાં વારેઘડીએ થાય છે. જીવનના અમુક દાયકા પછી સેક્સની ફ્રીક્વન્સી ઘટતી જાય છે એ પણ એટલું જ સ્વાભાવિક છે. કેટલાક લોકો માને છે કે ભારતમાં જ પાછલી વયે સેક્સનું પ્રમાણ સાવ ઓછું છે. જોકે વિદેશોમાં પણ પાછલી વયે સેક્સનું પ્રમાણ ઓછું જ છે. સેક્સલેસ સંબંધો સ્વસ્થ હોઈ શકે કે નહીં એ બાબતે વિદેશોમાં સારોએવો અભ્યાસ થયો છે.

અમેરિકન રિસર્ચરોએ આ બાબતે સઘન અભ્યાસ કયોર્ છે. સંશોધકોના અંદાજ મુજબ રોમૅન્ટિક રિલેશનશિપ ધરાવતા લગભગ ૪ કરોડ લોકો સેક્સલેસ સંબંધો ધરાવતા હશે. આમાંથી ૨૦થી ૨૫ ટકા જેટલાં યુગલો સેક્સલેસ સંબંધોથી સંતુષ્ટ છે. મતલબ કે તેમને સંબંધોમાં કે જીવનમાં કશું ખૂટતું હોય અને અસંતોષ રહી જતો હોય એવું નથી. અમેરિકાના સૅન ડીએગો યુનિવર્સિટીના સાઇકોલૉજિસ્ટો અને મૅસેચુસેટ્સના કૅમ્બ્રિજ સેન્ટર ફૉર બિહેવિયરલ સ્ટડીઝ દ્વારા થયેલા અભ્યાસમાં નોંધાયું હતું કે જીવનની ચાળીસીમાં ૩૦ ટકા પુરુષો અને પાંચમા દાયકામાં ૩૪ ટકા પુરુષોએ છેલ્લું એક વર્ષ સેક્સલેસ ગાળ્યું હોય છે. લાઇફની ફોર્ટીઝ અને ફીફ્ટીઝમાં રહેલી ૨૧ ટકા મહિલાઓએ છેલ્લા એક વર્ષમાં લગભગ સેક્સલેસ લાઇફ ગુજારી છે. આમાંથી ૧૨ ટકા પુરુષો અને ૧૮ ટકા સ્ત્રીઓ પોતાની સેક્સ-લાઇફથી સંતુષ્ટ હોવાનું સ્વીકારે છે. મતલબ કે સેક્સ વિનાના સંબંધોમાં પણ તેમને આત્મીયતા વર્તાય છે.

પશ્ચિમના દેશોમાં સેક્સલેસની વ્યાખ્યા કંઈક જુદી છે. અમેરિકન સાઇકોલૉજિસ્ટોના મતે મહિનામાં એક કરતાં ઓછી વાર અથવા તો વર્ષે દસ કે એનાથી ઓછી વાર સેક્સ-સંબંધો બંધાતા હોય તો એને સેક્સલેસ સંબંધો કહેવાય. કદાચ શારીરિક સંબંધોની દૃષ્ટિએ આ વ્યાખ્યા ઠીક હશે, પણ ભારતીય સમાજમાં હજીયે સંબંધોમાં સેક્સની ફ્રીક્વન્સી કરતાં પરસ્પરની સમજણ સાથેની સંતુષ્ટિને વધુ મહત્વ અપાય છે. ફ્રીક્વન્સીના આધારે લગ્નસંબંધોની સફળતા અને સુખનું આંકન થઈ શકે નહીં.

સેક્સ વિનાના સંબંધો સુખી ન હોય એ એક માન્યતા છે. પશ્ચિમનાં યુગલોનો સર્વે પણ કહે છે કે અમુક યુગલો સેક્સ વિના પણ સુખી રહી શકે છે. શારીરિક સંબંધો એ વ્યક્તિ માત્રની પ્રાથમિક જરૂરિયાત છે એ જરૂર સાચું છે, પણ સંબંધોમાંથી વ્યક્તિને એ જ એકમાત્ર જરૂરિયાત નથી હોતી. માણસ સામાજિક પ્રાણી છે, જો તેને સેક્સ મળી જાય પણ જેની પાસે દિલ હળવું કરી શકાય એવી મોકળાશ ન હોય તો શું એ સંબંધો સંતોષ આપે?

કેટલાક અભ્યાસોમાં એવું કહેવાતું આવ્યું કે સેક્સની ફ્રીક્વન્સી સારી હોય તો સંબંધો ટકી શકે છે. જોકે એ અર્ધસત્ય છે. કામસૂત્રના રચયિતા ઋષિ વાત્સ્યાયને આપેલી વ્યાખ્યા મુજબ જ્યારે સંભોગમાં બન્ને વ્યક્તિ સમ ભોગ એટલે કે સમાન સુખ મહેસૂસ કરે છે ત્યારે એ સંબંધોને પોષક અને સંતુષ્ટિ આપે છે. યુગલ કેટલી વાર સંભોગ કરે છે એને બદલે કેટલું સુખ ભોગવી શકે છે અને કેટલું સુખ બીજાને આપી શકે છે એ વધુ અગત્યનું છે.

ઘણી વાર એવું જોવા મળ્યું છે કે યુગલની કામેચ્છા મૅચ નથી થતી. જેમ બે વ્યક્તિની ભૂખ-તરસ સરખી નથી હોતી એમ બે વ્યક્તિઓની કામેચ્છા કેવી રીતે સરખી હોવાની? એક પાર્ટનરને વધુ કામેચ્છા જાગે છે અને બીજાને ઓછી. જ્યારે એમાં ખૂબ જ મોટો તફાવત હોય અને બન્નેમાંથી કોઈ પોતાની કામેચ્છા સાથે સમાધાન કરવા તૈયાર નથી હોતું ત્યારે સંબંધો વણસી જાય છે. જો બેમાંથી કોઈ એક પાત્ર સમાધાન કરીને સંબંધને તૂટતો બચાવી લેતો હોય તો એ પણ હેલ્ધી સંબંધો નથી, કેમ કે એમાં સમાધાનકારીએ જ હંમેશાં પોતાની ઇચ્છાને મારવાની રહે છે. જ્યારે બન્ને પાત્રો ‘દો કદમ તુમ ભી ચલો, દો કદમ હમ ભી ચલેં...’ની જેમ પરસ્પરની ભાવનાઓને સમજીને આગળ વધે તો એ સંબંધો સ્વસ્થ રહી શકે છે.