માતૃપિતૃ આશિષ લાઇબ્રેરીમાં શું ખાસ છે?

21 December, 2014 07:22 AM IST  | 

માતૃપિતૃ આશિષ લાઇબ્રેરીમાં શું ખાસ છે?



આ ગુજરાતીને સલામ કરો - રુચિતા શાહ

લોકો પોતાના પેરન્ટ્સની સ્મૃતિમાં મંદિર બનાવે, ચબૂતરો બનાવે, પાણીની પરબ બનાવે, હૉસ્પિટલ અને કૉલેજ પણ બનાવે; પરંતુ ચોપાટી પર રહેતા સંજીવ પારેખે પોતાના પેરન્ટ્સની યાદમાં લાઇબ્રેરી બનાવી છે અને એ લાઇબ્રેરીને સફળતાપૂર્વક ચલાવે પણ છે. તેમનાં માતા-પિતા પ્રવીણભાઈ અને પુષ્પાબહેન વાંચનના ખૂબ શોખીન હતાં. ઘરમાં તેમણે ઘણાં પુસ્તકો વસાવ્યાં હતાં. તેમની વિદાય પછી આ પુસ્તકોનું શું કરવું એ વિચાર સાથે જ તેમને લાઇબ્રેરી શરૂ કરવાનો વિચાર આવ્યો અને સેંકડો લોકો માટે એક અનોખી વાંચનમય સફરની શરૂઆત થઈ.

વિરોધ થયેલો શરૂઆતમાં

માતા-પિતાના મૃત્યુ પછી પહેલી વાર લાઇબ્રેરી બનાવવાનો વિચાર કેવી રીતે સ્ફુયોર્ એનો જવાબ આપતાં સંજીવભાઈ કહે છે, ‘૧૯૯૩માં એક જ મહિનાના ડિફરન્સમાં બન્ને પેરન્ટ્સને ગુમાવી દીધા હતા. એ વખતે તો લાઇબ્રેરી જેવું કંઈ બનાવવાનો વિચાર નહોતો આવ્યો, પરંતુ ૨૦૦૨માં તેમનાં પુસ્તકો પર ધ્યાન ગયું ત્યારે થયું કે આ પુસ્તકોનું શું કરવું અને એમાં લાઇબ્રેરીનો વિચાર ક્લિક થયો; કારણ કે ઘરમાં મને થોડું વાંચવાનો શોખ, પરંતુ તેમના જેટલો નહીં અને એટલો સમય પણ ન મળે. ૪૦૦-૫૦૦ પુસ્તકો હતાં. વિચાર આવ્યો કે આ પુસ્તકો કોઈ લાઇબ્રેરીને ડોનેટ કરી દઉં એને બદલે મમ્મી-પપ્પાની યાદમાં એક લાઇબ્રેરી જ શરૂ કરું તો. શરૂઆતમાં ઘરમાં કેટલાક લોકોએ વિરોધ દર્શાવ્યો અને કહ્યું કે આપણાથી એ બધામાં ન પહોંચાય, પુસ્તકોને સાચવવા અને એને વાચકો સુધી પહોંેચાડીને એનું જતન કરવું મગજમારીભર્યું કામ છે. જોકે મને વાત મનમાં ઠસી ગઈ હતી.’

શુભ શરૂઆત

૨૦૦૨માં લાઇબ્રેરી માટે અલગથી જગ્યા લેવી શક્ય નહોતી માટે સંજીવભાઈએ કાલબાદેવી ખાતે પોતાની ઑફિસની અંદર જ લાઇબ્રેરીનાં પુસ્તકો માટે જગ્યા ફાળવી દીધી. પોતાની પાસે તો માત્ર ૫૦૦ની આસપાસ પુસ્તકો હતાં એટલે શરૂઆતમાં અમુક પુસ્તકો ખરીદવામાં આવ્યાં. શરૂઆતમાં તો માત્ર ઓળખતા-પાળખતા લોકો જ તેમની પાસેથી પુસ્તકો વાંચવા માટે લઈ જતા. એ પછી માઉથ-પબ્લિસિટીથી વધુ લોકોનો રિસ્પૉન્સ મળવા લાગ્યો એટલે તેમણે બાકાયદા લાઇબ્રેરિયન રાખ્યા. પુસ્તકોને કવર ચડાવવાથી લઈને એનું લેબલિંગ કરવાનું કામ પણ તેમણે હાથ ધર્યું. આલ્ફાબેટિકલી પુસ્તકોની ગોઠવણી થઈ. પુસ્તકોના લિસ્ટને કમ્પ્યુટરાઇઝ કરવામાં આવ્યું. એના માટે બે માણસો રાખ્યા. પુસ્તકોની સંખ્યા વધારતાં ગયાં અને ફુલ લાઇબ્રેરી શરૂ થઈ ગઈ.

લાઇબ્રેરીની ખાસિયત

દર રવિવારે સવારે દસથી પાંચ વાગ્યા દરમ્યાન આ લાઇબ્રેરી ચાલુ હોય છે. શરૂઆતમાં ત્રણ-ચાર વર્ષ પુસ્તકો બદલ કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં નહોતો આવતો. જોકે એ પછી પુસ્તકો લઈ જનારા લોકો પુસ્તકની જાળવણીમાં બેદરકાર રહેતા હોવાને કારણે ૫૦૦ રૂપિયા રીફન્ડેબલ ફી લઈને મેમ્બરોને પુસ્તકો આપવામાં આવે છે. ચાર વર્ષથી લઈને ૯૨ વર્ષ સુધીના ૧૧૦૦ જણ અત્યારે લાઇબ્રેરીમાં મેમ્બર છે. ૭૦ ટકા પુસ્તકો ગુજરાતી અને ૩૦ ટકા ઇંગ્લિશ પુસ્તકો છે. ફિલોસૉફી, રિલિજિયન, સાયન્સ, પૉલિટિક્સ, ફિક્શન, જનરલ નૉલેજ, ઇતિહાસ, આત્મકથા જેવા લગભગ બધા જ વિષયોનાં પુસ્તકો છે. સંજીવભાઈ બીજી એક વાત ઉમેરતાં કહે છે, ‘દરેક વાચક માટે એક સજેશન-બૉક્સ રાખ્યું છે, જેને પણ કોઈ પુસ્તક વાંચવું હોય અને જો એ લાઇબ્રેરીમાં ન હોય તો એક અઠવાડિયામાં એ પુસ્તક ક્યાંયથી પણ મગાવી લઈએ છીએ તેમ જ દરેક પુસ્તકની જાળવણી બરાબર હોય એનું પણ ધ્યાન રાખીએ છીએ. જેમ કે કોઈ પુસ્તકનાં પાનાં પીળાં પડી ગયાં હોય, ફાટી ગયાં હોય તો તરત એ પુસ્તકને રિપ્લેસ કરીને સારી સ્થિતિવાળું નવું પુસ્તક હાજર કરી દઈએ છીએ.’

મેમ્બરો માટે સુવિધા

આ લાઇબ્રેરીના ૨૦૦ સભ્યોએ મળીને એક એન્ટરટેઇનમેન્ટ-ગ્રુપ બનાવ્યું છે જેઓ નિયમિત પિકનિક, નાટકે, ફિલ્મ જેવા ચાર-પાંચ પ્રોગ્રામો કરે છે તેમ જ દર રવિવારે ગ્રુપના મેમ્બરોમાંથી કોઈ એક્સપર્ટ માર્ગદર્શન આપે છે. જેમ કે ગ્રુપમાં કોઈ જ્યોતિષી હોય તો એક રવિવારે ચાર કલાક માટે તે લાઇબ્રેરીના સભ્યોને જ્યોતિષી તરીકેની સેવા ફ્રી આપે. એના પછીના રવિવારે ઍક્યુપ્રેશરના ડૉક્ટર નિ:શુલ્ક સેવા આપે, કોઈ અન્ય ફાઇનૅન્શિયલ કન્સલ્ટન્ટ હોય તો તે એને લગતી ફ્રી ઍડ્વાઇઝ આપે છે.