ગર્ભસ્થાપન પહેલાં જ ગર્ભપાત

21 December, 2014 07:21 AM IST  | 

ગર્ભસ્થાપન પહેલાં જ ગર્ભપાત



મેડિકલ વર્લ્ડ - ફાલ્ગુની જડિયા-ભટ્ટ

કેટલીક વાર કુદરત પણ આપણી સાથે ક્રૂર મજાક કરે છે. કલ્પના કરો કે તમારાં લગ્નને ચારેક વર્ષ થઈ ગયાં છે. છેલ્લા કેટલાક સમયથી તમે અને તમારા પતિ બાળક માટે પ્રયત્નશીલ છો અને આ વખતે તમારું માસિક શરૂ થવાની તારીખ આવીને જતી રહી હોવાથી તમને પાક્કી ખાતરી છે કે તમે પ્રેગ્નન્ટ છો. તેથી તમે રાતના જ કેમિસ્ટ પાસેથી યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટની કિટ લાવીને રાખી મૂકી છે. સવારે ઊઠતાંની સાથે તમે એ ટેસ્ટ કરો છો અને એ કિટમાં ઊપસી આવેલી રેખાઓમાં જાણે તમને તમારા જીવનનું સૌથી સુંદર સપનું સાકાર થતું દેખાય છે. તમારી ખુશીનો પાર નથી રહેતો અને સ્વાભાવિક રીતે તમે તમારા પરિવારજનો અને મિત્રો સૌકોઈમાં આ ખુશખબર ફેલાવી દો છો. એકાએક થોડા દિવસ બાદ તમારું માસિક શરૂ થઈ જાય છે અને તમે તમારા બાળકને તો કશું થયું નથીને એ ડરનાં માયાંર્‍ ડૉક્ટર પાસે પહોંચી જાઓ છો. પરંતુ ડૉક્ટર જ્યારે સોનોગ્રાફી કરે છે ત્યારે આ શું? સોનોગ્રાફીમાં તો ગર્ભાશય સાવ ખાલી દેખાય છે? ભ્રૂણ તો ક્યાંય દેખાતું જ નથી! તો શું પેલી યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ ખોટી હતી? તમારી વેદનાભરી આંખોમાં ઊપસી આવેલો આ પ્રશ્ન ડૉક્ટર સ્પક્ટપણે જોઈ શકે છે અને તેઓ તમને સખેદ જણાવે છે કે પેલી ટેસ્ટમાં આવેલું પૉઝિટિવ પરિણામ પણ ખોટું નથી અને હાલ ગર્ભાશયમાં ભ્રૂણની ગેરહાજરી પણ ખોટી નથી, કારણ કે તમે કેમિકલ પ્રેગ્નન્સીનો ભોગ બન્યાં છો; એટલે કે તમને ગર્ભપાત થયો છે. હજી તો ગર્ભાવસ્થા પૂર્ણપણે શરૂ થાય એ પહેલાં જ ગર્ભપાત? કુદરતના આ વજ્રાઘાત સામે તમારી પરિસ્થિતિ કાપો તો લોહી પણ ન નીકળે એવી થઈને રહી જાય છે.

કેમિકલ પ્રેગ્નન્સી એટલે શું?


ગર્ભાવસ્થા કોઈ પણ સ્ત્રીના જીવનની સૌથી સુંદર અવસ્થા છે. ‘તમે પ્રેગ્નન્ટ છો’ આ શબ્દો તેના કાન માટે કોઈ અત્યંત કર્ણપ્રિય સંગીતથી પણ વધુ મીઠા છે. તેથી પ્રેગ્નન્સી હજી તો પૂર્ણપણે શરૂ થાય એ પહેલાં જ ગર્ભપાત થઈ ગયો છે એ વાત તો કેવી રીતે માની શકાય? સાંભળવામાં અને સમજવામાં મુશ્કેલ લાગતા આ કોયડાનો ખુલાસો કરતાં કાંદિવલી ખાતેના જાણીતા ગાયનેકોલૉજિસ્ટ ડૉ. દિલીપ રાયચુરા કહે છે, ‘સ્ત્રીના શરીરમાં સ્ત્રીબીજ અને પુરુષબીજના મિલનથી જ ગર્ભાવસ્થાની શરૂઆત થઈ જાય છે. આ મિલનને પગલે તરત જ તેના શરીરમાં પરિવર્તન આવવાનાં શરૂ થઈ જાય છે, જેમાં લોહીમાં HCG એટલે કે હ્યુમન કોરિઓનિક ગોનાડો ટ્રોફિન નામના હૉર્મોનની ઉપસ્થિતિ દેખાવા માંડે છે. લોહીમાં આ હૉર્મોનનું પ્રમાણ અમુક ચોક્કસ અવસ્થાએ પહોંચે એટલે યુરિનમાં પણ એની હાજરી વર્તાવા માંડે છે. પરિણામે યુરિન ટેસ્ટમાં પ્રેગ્નન્સી કન્ફર્મ દેખાય છે, પરંતુ આ ફળદ્રુપ સ્ત્રીબીજે ત્યાંથી આગળ વધી ગર્ભાશયમાં ચોંટવાનું હોય છે. આ ચોંટવાની પ્રક્રિયા ગર્ભસ્થાપન તરીકે ઓળખાય છે. ગર્ભાશયમાં ગર્ભની આ સ્થાપના બાદ જ માતાના શરીરમાંથી તેને લોહીનો પુરવઠો મળવાનું શરૂ થાય છે, જે એને પોષણ આપવાનું કામ કરે છે. એવામાં જો કોઈ કારણોસર ગર્ભ ગર્ભાશયમાં ચોંટવામાં અથવા ચોંટીને રહેવામાં અસમર્થ રહે તો આપોઆપ જ માસિકના માધ્યમથી એ ફલિત સ્ત્રીબીજ શરીરની બહાર નીકળી જાય છે, જેને આપણે ગર્ભપાત કહીએ છીએ. આમ ગર્ભની સ્થાપના પહેલાં જ થયેલો ગર્ભપાત તબીબી ભાષામાં કેમિકલ પ્રેગ્નન્સી તરીકે ઓળખાય છે. તમે ઇચ્છો તો એને અ વેરી અર્લી મિસકૅરેજ પણ કહી શકો છો.’

અવનવી નહીં, અજાણી બાબત

અમેરિકન કૉલેજ ઑફ ઑબ્સ્ટેટ્રિશ્યન ઍન્ડ ગાયનેકોલૉજિસ્ટ્સ (ACOG) અનુસાર ગર્ભપાતના ૫૦-૭૦ ટકા કિસ્સા કેમિકલ પ્રેગ્નન્સીના હોય છે. ફરક માત્ર એટલો જ હોય છે કે મોટા ભાગનું સામાન્ય મિસકૅરેજ ગર્ભાવસ્થાના વીસમા અઠવાડિયા એટલે કે પાંચમા મહિના પહેલાં થાય છે, જ્યારે કેમિકલ પ્રેગ્નન્સીમાં થતો ગર્ભપાત ગર્ભાવસ્થાના પહેલા કે બીજા અઠવાડિયે જ થઈ જાય છે. તેથી જે સ્ત્રીઓ પ્રેગ્નન્સી માટે પ્રયત્નશીલ હોય છે તેઓ માસિકની તારીખ મિસ થતાં યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ કરતી હોવાથી ઍટ લીસ્ટ તેમને પોતાની પ્રેગ્નન્સીનો ખ્યાલ તો હોય છે, પરંતુ જે સ્ત્રીઓ બાળક માટે પ્રયત્નશીલ નથી તેમને પોતાની નર્ધિારિત તારીખની આસપાસ જ માસિક આવતું હોવાથી ઘણી વાર ખબર પણ પડતી નથી કે તેઓ પ્રેગ્નન્ટ હતી અને તેમને ગર્ભપાત થયો છે. ટૂંકમાં આ કોઈ અવનવી બાબત ન હોવા છતાં અજાણી બાબત ચોક્કસ છે.

ગર્ભપાત થવા છતાં ખબર પડતી નથી

મોટા ભાગે કેમિકલ પ્રેગ્નન્સી કોઈ પણ પ્રકારનાં લક્ષણો દર્શાવતી નથી. કેટલીક સ્ત્રીઓ માસિક શરૂ થવાના અઠવાડિયા પહેલાં પેટમાં થોડી પીડા કે નહીંવત્ જેવા બ્લીડિંગની ફરિયાદ કરે છે, પરંતુ પ્રેગ્નન્સી સંબંધી હૉર્મોન્સનું પ્રમાણ ખૂબ નીચું હોવાથી તેમને ગર્ભાવસ્થાના શરૂઆતના કાળમાં જોવા મળતી થાક, ઊલટી કે ચક્કર જેવી કોઈ સમસ્યા સતાવતી નથી. માસિકની તારીખ પણ લગભગ એની એ જ રહે છે. વધુમાં વધુ અઠવાડિયું પાછળ ખેંચાઈ જાય છે, જેની પાછળ સ્ટ્રેસ કે બીમારી જેવાં કારણો પણ ઘણી વાર ભાગ ભજવતાં હોવાથી મોટા ભાગની સ્ત્રીઓ એને અવગણી કાઢે છે. છેલ્લે બ્લીડિંગ શરૂ થાય ત્યારે એ સામાન્ય કરતાં થોડું વધારે હોય છે, પરંતુ એ એટલું પણ વધારે હોતું નથી કે તમે ભયભીત થઈ જાઓ. આમ આ સિવાય કેમિકલ પ્રેગ્નન્સીનાં કોઈ ખાસ લક્ષણો ન હોવાથી મોટા ભાગની સ્ત્રીઓને તો ખ્યાલ પણ આવતો નથી કે તેમને ગર્ભપાત થયો છે.

કેમિકલ પ્રેગ્નન્સીનાં કારણો

ડૉ. રાયચુરા કહે છે, ‘કેમિકલ પ્રેગ્નન્સી પાછળનાં ચોક્કસ કારણો હજી સુધી નિષ્ણાતો શોધી શક્યા નથી, છતાં મોટા ભાગના ડૉક્ટરોનું માનવું છે કે આ પ્રકારના મિસકૅરેજ પાછળ પણ એ જ કારણો જવાબદાર છે જે સામાન્ય ગર્ભપાત પાછળ કારણભૂત બને છે. એ બધાંમાં નીચે મુજબનાં કારણોને મહત્વનાં ગણવામાં આવે છે.’

ભ્રૂણના ક્રોમોઝોમમાં ખામી : માતાના ગર્ભમાં જે બાળક ઊછરી રહ્યું છે તેના ક્રોમોઝોમમાં કોઈ ખોડખાંપણ હોય તો ગર્ભપાત થવાની સંભાવના હંમેશાં વધારે રહે છે. આ ખોડખાંપણ પાછળ નબળું સ્ત્રીબીજ કે પુરુષ વીર્યથી માંડી બાળકમાં ઊતરી આવેલી માતાપિતાની

કોઈ જિનેટિક ખામી કે પછી ભ્રૂણના વિકાસ માટે થતા સેલ્સના વિભાજનમાં ગરબડ જેવાં અનેક કારણો ભાગ ભજવી શકે છે.

ગર્ભાશયમાં ખામી : કેટલીક વાર ગર્ભાશય પ્રમાણમાં ખૂબ નાનું હોય કે પછી સ્ત્રીના જન્મથી જ ગર્ભાશયના આકારમાં ખામી હોય અથવા ગર્ભાશયની અંદરની લાઇનિંગમાં કોઈ ખોટ હોય તો પણ ગર્ભનું એમાં યોગ્ય સ્થાપન કે વિકાસ થતો નથી.

હૉર્મોનલ ખામી : ગર્ભાવસ્થા

દરમ્યાન સ્ત્રીના શરીરમાં દરેક પ્રકારના હૉર્મોનનું સ્તર બરાબર જળવાઈ રહે એ બાળક અને મા બન્નેના સ્વાસ્થ્ય માટે અત્યંત આવશ્યક છે. ક્યારેક થાઇરૉઇડ કે પછી ઓવરીઝ અને પિચ્યુટરી ગ્લૅન્ડ્સમાંથી ઝરતા હૉર્મોન્સમાં ખામી પણ કેમિકલ પ્રેગ્નન્સી પાછળ જવાબદાર બની શકે છે.

પ્રોજેસ્ટેરોનની ઊણપ : ઓવરીઝમાં જે સ્થાનેથી સ્ત્રીબીજ નીકળે છે એ જ સ્થાનેથી સ્ત્રીબીજ ફલિત થયા બાદ પ્રોજેસ્ટેરોન નામના હૉર્મોનનો સ્રાવ પણ શરૂ થાય છે. આ પ્રક્રિયામાં કોઈ રીતે અવરોધ ઊભો થાય તો એ પણ કેમિકલ પ્રેગ્નન્સીનું કારણ બની શકે છે.

આ સમસ્યાને સારવારની જરૂર નથી


દુર્ભાગ્યની વાત તો એ છે કે જેમ કેમિકલ પ્રેગ્નન્સી પાછળનાં કોઈ ચોક્કસ કારણો નથી એવી જ રીતે એની કોઈ ચોક્કસ સારવાર પણ નથી. તેથી જેમને અર્લી મિસકૅરેજ થયું છે એવી સ્ત્રીઓને ડૉક્ટર માત્ર આગામી થોડાં સપ્તાહ બ્લડ-ટેસ્ટ કરાવ્યા કરવાની સલાહ આપે છે જેથી લોહીમાં ણ્ઘ્ઞ્નું સ્તર ફરી પાછું સામાન્ય થઈ ગયું છે કે નહીં એની તકેદારી રાખી શકાય. જોકે કેમિકલ પ્રેગ્નન્સીની ભવિષ્યની પ્રેગ્નન્સી પર કોઈ અસર પડતી હોવાનું પણ જોવામાં આવ્યું નથી. બલકે જે સ્ત્રીઓ સાથે એક કરતાં વધુ વાર આ પ્રકારની ઘટના ઘટી છે તેમણે જ આગળ જતાં એકથી વધુ તંદુરસ્ત બાળકને જન્મ પણ આપ્યા છે. તેથી આ પ્રકારના ગર્ભપાતને વધુ કોઈ સારવારની આવશ્યકતા પણ પડતી નથી. સ્ત્રી ઇચ્છે તો એક મહિના બાદ તરત જ ફરી પાછી ગર્ભધારણની પ્રક્રિયા શરૂ કરી શકે છે, પરંતુ એમ કરતાં પહેલાં એક વાર ડૉક્ટરની સલાહ લઈ લેવી આવશ્યક છે. હૉર્મોન્સના સ્તરમાં કે ગર્ભાશયમાં કોઈ ઊણપ હોય તો એ માટેની યોગ્ય સારવાર લીધા બાદ જ એ દિશામાં આગળ વધવું સલાહભર્યું છે.