બૉલીવુડના સીએ બન્યા રણબીર કપૂરની ફૂટબૉલ ટીમના પાર્ટનર

19 October, 2014 05:22 AM IST  | 

બૉલીવુડના સીએ બન્યા રણબીર કપૂરની ફૂટબૉલ ટીમના પાર્ટનર



(ગુજરાતી રોક્સ-રુચિતા શાહ)


મલબાર હિલ અને વાલકેશ્વરના એરિયામાં જ જન્મેલા, ઊછરેલા અને વિકસેલા બિમલ પારેખને મળો તો ડેફિનેટલી તમે તેમના સાલસ સ્વભાવના ફૅન થયા વિના ન રહો. પોતે જ્યાં પહોંચ્યા છે એ સ્તર પર પહોંચવા માટે લોકો દિવાસ્વપ્ન જોતા હોય છે અને છતાં આછોસરખો આડંબર પણ તેમના ચહેરા પર તમને જોવા નહીં મળે. અબજોનો બિઝનેસ કરતા બૉલીવુડના નફા-નુકસાનનાં લેખાંજોખાં રાખવાનું મહામૂલું કામ બિમલભાઈ છેલ્લાં ૨૭ વર્ષથી સુપેરે કરી રહ્યા છે. આમિર ખાન, શાહરુખ ખાન, રણબીર કપૂર, ફરહાન અખ્તર, કૅટરિના કૈફ, વિદ્યા બાલન, જુહી ચાવલા, સંજય લીલા ભણસાલી જેવા બૉલીવુડના અનેક દિગ્ગજ કલાકારોના ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ હોવાના નાતે તેમના ઇન્વેસ્ટમેન્ટ અને બૅન્કિંગને લગતા નર્ણિયો બિમલભાઈનાં સલાહસૂચનો મુજબ લેવામાં આવે છે. ભાગ મિલ્ખા ભાગ રાઉડી રાઠોડ, હૈદર, અશોકા, જોધા અકબર, રામ-લીલા, ગુઝારિશ જેવી લો બજેટથી લઈને હાઈ બજેટની ફિલ્મોનું ઑડિટિંગ તેમણે કર્યું છે. સ્ટાર્સ અને ફિલ્મોની આવકમાં મહત્વનો ભાગ ભજવતા અને તેમની ઇન્કમનું મૅનેજમેન્ટ કરી આપતા બિમલભાઈ સાથે થયેલી રોચક મુલાકાતના અંશો સાથે તેમની જીવનસફરમાં ડોકિયું કરીએ.

સ્ટ્રગલ નહીં, મહેનત ખૂબ

બિમલ પારેખ મૂળ વીસનગરના પરંપરાગત જૈન ગુજરાતી પરિવારના છે. તેમના પિતા જયંતભાઈ પણ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ હતા. કેબર કો-ઑપરેશન કંપની સાથે તેઓ જોડાયેલા હતા. બિમલભાઈનું સ્કૂલિંગ ગ્રાન્ટ રોડ નજીક આવેલી ન્યુ ઈરા સ્કૂલમાં ગુજરાતી મિડિયમમાં થયું. એ પછી સિડનહૅમ કૉલેજમાંથી તેમણે ગ્રૅજ્યુએશન કર્યું. એ પછી ચાર્ટર્ડ અકાઉન્ટન્સીનું ભણવાનું શરૂ કર્યું. તેઓ કહે છે, થોડાંક વર્ષે સુધી મેં સોહરાબ એન્જિનિયર કંપનીમાં જ કામ કર્યું. એ પછી બીજી એક ફર્મમાં જોડાયો. એ વખતે મારી આમિર ખાન સાથે મુલાકાત થયેલી. એ વખતે તે ઍક્ટર તરીકે એસ્ટૅબ્લિશ નહોતો થયો. તેની પહેલી ફિલ્મ કયામત સે કયામત તક પણ રિલીઝ નહોતી થઈ. આમિર સાથે સારો રૅપો હતો એ દરમ્યાન આમિરે કહેલું કે જો તમે તમારી પોતાની ફર્મ શરૂ કરો તો મારી પહેલી ફિલ્મનું ઑડિટિંગ તમારે કરવાનું છે. મેં મારી કંપની શરૂ કરી એના પછી મારો પહેલો ક્લાયન્ટ હતો આમિર ખાન. તેની પહેલી ફિલ્મ કયામત સે કયામત તકનું કામ મને મળ્યું હતું. એ પછી આમિરના માધ્યમે જ ઝીનત અમાન અને જુહી ચાવલા મારાં ક્લાયન્ટ બન્યાં. આગળ જતાં શાહરુખની ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની ફિલ્મ પણ મારી પાસે આવી. એ પછી તો આમિરની રંગ દે બસંતી, તારે ઝમીન પર, શાહરુખની અશોકા જેવી ઘણી ફિલ્મોનું કામ આવ્યું.એ પછી બિમલભાઈએ પાછું વળીને જોયું નથી. લગાન વખતે તેમણે ઑડિટિંગ ઉપરાંત ફાઇનૅન્સ મૅનેજમેન્ટ અને ફિલ્મ માટે ફન્ડ અરેન્જ કરી આપવાનું કામ પણ કરેલું. એ વખતે આમિરને એક ફિલ્મ માટે ઘ્ખ્નો રોલ કેટલો મહત્વનો હોઈ શકે એ સમજાયું હતું. એ વખતે તેમને ફિલ્મમાં ક્રેડિટ મળી હતી.


કહાનીની કહાની

સુપરહિટ નીવડેલી સુજૉય ઘોષની ‘કહાની’ રિલીઝ થઈ એ પહેલાં અલ્લાદ્દીન’ નામની તેમની ફિલ્મ ફ્લૉપ ગઈ હતી, જેને કારણે તેમની નવી સ્ક્રિપ્ટ કહાની કોઈ સાંભળવા તૈયાર નહોતું. તેમણે બિમલભાઈનો સંપર્ક કર્યો. બિમલભાઈએ સુજૉયના બહુ આગ્રહ પછી એ સ્ક્રિપ્ટ સાંભળી. બે-ચાર ઓળખીતા પ્રોડ્યુસર સાથે તેમણે એ સ્ક્રિપ્ટ વિશે ચર્ચા પણ કરી. એમાંથી એક પ્રોડ્યુસર જયંતીલાલ ગડાએ બિમલભાઈના વિશ્વાસ પર આ ફિલ્મના પ્રોડ્યુસર બનવાની તૈયારી દેખાડી. જોકે એ પછી તેમની ક્લાયન્ટ વિદ્યા બાલને પણ સ્ક્રિપ્ટ સાંભળી અને આખરે ફિલ્મ બની, જેણે બૉક્સ-ઑફિસ પર કેવો દેખાવ કર્યો છે એનો ઇતિહાસ સાક્ષી છે.

એટલે કે બિમલભાઈ ટિપિકલ  નથી, ફિલ્મોના પ્રોડક્શન સાથે સંકળાયેલા નથી છતાં એ કામમાં પણ તેઓ રસ લે છે. લગાન ફિલ્મના કચ્છમાં ચાલતા શૂટિંગ વખતે ત્યાંની લોકલ પબ્લિક સાથે વાત કરવા માટે આમિર સાથે તેઓ કચ્છ ગયા હતા અને પૈસાના મામલે ત્યાંના લોકોની મૂંઝવણ દૂર કરી હતી. એવી જ રીતે એક વખત દેવ આનંદને એક રેસ માટે ઘોડાની જરૂર હતી તો ફૉરેનથી ઘોડો મગાવવાનું કામ તેમણે કરી આપેલું. એકસાથે બીજી અનેક પ્રવૃત્તિઓ તેઓ કરતા હોય છે. દરેક બાબતમાં તેમનું એક્સાઇટમેન્ટ હોય છે. આ વિશે તેઓ કહે છે, મને બાળપણથી ફિલ્મોનું વિશેષ આકર્ષણ રહ્યું છે. NCPAમાં દર મંગળવારે ફૉરેનની મૂવી દર્શાવવામાં આવતી હતી. તામિલ, તેલુગુ, પૉલિશ, ચાઇનીઝ, જૅપનીઝ એવી બધી જ નૉન-હિન્દી અને નૉન-ઇંગ્લિશ મૂવી ત્યાં દેખાડવામાં આવતી. સતત ચાર વર્ષ સુધી હું દર મંગળવારે ત્યાં ફિલ્મ જોવા જતો. એટલે ફિલ્મોમાં પહેલેથી જ દિલચસ્પી તો હતી જ. એમાં કુદરતે પણ એવું ચક્કર ચલાવ્યું કે ફિલ્મી દુનિયા સાથે નજીકનો ઘરોબો થયો. એટલે અકાઉન્ટિંગ જેવા ડ્રાય સબ્જેક્ટ સાથે પણ મારો ફિલ્મો સાથેનો નાતો પણ અકબંધ રહ્યો. કદાચ એ જ કારણ છે કે ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા મારા જેટલા પણ ક્લાયન્ટ છે તેમની સાથે ક્લાયન્ટ જેવો નાતો નથી, ફૅમિલી-રિલેશન છે. તેમની કળા માટે મને માન છે.

ફૂટબૉલ સાથે કેવી રીતે?

બિમલભાઈ પોતે એક પ્રોફેશનલ બિઝનેસ-ફૅમિલીના. તેમનો ઘરોબો આર્ટિસ્ટિક વિશ્વ સાથે અને હવે તેમણે ઝંપલાવ્યું છે સ્પોર્ટ્સમાં. આંકડાબાજી અને ઍક્ટિંગ સાથેના કનેક્શન સુધી તો ઠીક હતું, પણ હવે ગેમ સાથે કઈ રીતે જોડાણ થયું એના જવાબમાં તેઓ કહે છે, એક દિવસ ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’માં આ પ્રકારની લીગ શરૂ કરવા વિશેની વિચારણા બાબતના ન્યુઝ હતા. રણબીર ફૂટબૉલ માટે ક્રેઝી છે એટલે મેં તેને રેકમન્ડ કર્યું કે આના વિશે આગળ વિચાર. પણ રણબીર કહે કે મારાથી એકલાથી નહીં પહોંચાય, તમે પણ આમાં જોડાઈ જાઓ તો? ત્યાં સુધી મને ફૂટબૉલ વિશે કંઈ જ ખબર નહોતી. અનાયાસ જ રણબીર સાથે ફૂટબૉલની ટીમ ખરીદવાની દિશામાં આગળ વધી જવાયું. જોકે હવે હું મારા દીકરા પાસે થોડું-થોડું ફૂટબૉલ વિશે શીખી રહ્યો છું. જોકે હવે બધું બહુ સ્મૂધલી થઈ રહ્યું છે. અમે બન્નેએ કામનું ડિવિઝન કરી દીધું છે. ફાઇનૅન્સ, ઍડ્મિનિસ્ટ્રેશન અને હ્યુમન રિલેશન મારા અન્ડરમાં છે. ટેãક્નકલ અને માર્કેટિંગ રણબીર જોઈ રહ્યો છે. અત્યારે દિવસમાં ૧૫ વાર તેની સાથે વાત થઈ જાય છે. ફૂટબૉલ એક જ એવી રમત છે જેમાં સાચા અર્થમાં ટીમવર્ક જોવા મળે છે.

અંગત-સંગત

બિમલભાઈએ ૨૩ વર્ષ પહેલાં અરેન્જ્ડ મૅરેજ કયાર઼્ છે. તેમની વાઇફ સ્નેહા હોમમેકર છે અને તેમને બે બાળકો છે. દીકરી ભક્તિ લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સમાં ભણે છે અને દીકરો સહજ નવમા ધોરણમાં ભણે છે. અત્યારે પણ તેઓ તેમની ફૅમિલી સાથે મલબાર હિલમાં જ રહે છે. તેમની ઑફિસ તાડદેવમાં છે.