આજે મુંબઈની નવી પેઢીને પરિચય કરાવવો છે કાનજી ભુટા બારોટનો

19 October, 2014 04:48 AM IST  | 

આજે મુંબઈની નવી પેઢીને પરિચય કરાવવો છે કાનજી ભુટા બારોટનો


સાંઈરામનું હાયરામ- સાંઈરામ દવે


અત્યારે અનેક ચૅનલોમાં વલ્ગર અને દ્વિઅર્થી કૉમેડી શોની વણજાર ફાટી નીકળી છે ત્યારે શુદ્ધ, પારિવારિક અને નિર્દોષ તેમ જ સમાજને સંદેશો આપતા હાસ્ય અને લોકસાહિત્યના કાનજીબાપા એક મુઠ્ઠી ઊંચેરા માલિક હતા. નવી પેઢીને આ દિગ્ગજ કલાકારનો પરિચય થાય એ માટે જ આ લેખ લખ્યો છે.કાનજીબાપાની સેન્સ ઑફ હ્યુમર કાબિલેદાદ હતી. માથા પર અસલ અમરેલીનો સાફો, સફેદ ઝભ્ભા પર જૂનો કોટ, દેશી ચોરણી નીચે રજવાડી મોજડી ઉપર કાનજીબાપાનું પહાડી શરીર હાથમાં સિતાર લઈને આગવી શૈલીમાં જ્યારે વાર્તા માંડતું ત્યારે હવા પણ થંભી જતી.મારા ભજનિક પિતાશ્રી વિષ્ણુપ્રસાદજીને કાનજી ભૂટા બારોટના હાજરજવાબીપણાનાં અનેક ઉદાહરણ યાદ છે. એક વાર લોકલ ટ્રેનમાં મારા પિતાશ્રી કાનજીબાપાને મળી ગયા. કાનજીબાપાએ મારા પ્પ્પાને પોતાની પાસે બેસવાનો આગ્રહ કર્યો. પરંતુ ત્યાં સામેની સીટ પર બેઠેલાં એક બહેન તરત બોલ્યાં કે સૉરી અંકલ, આંયા મારા હસબન્ડ આવે છે. કાનજીબાપા તો સાવ દેશી. આ સાંભળીને તરત બોલ્યા કે ઈ તમારા હસબન્ડ છે તો આય મારા હસબન્ડ છે. બેયના હસબન્ડને સાથે બેસાડશું, એમાં શું? આવો વિષ્ણુભાઈ...!
આ સાંભળી આખો ડબ્બો ખડખડાટ હસી પડ્યો. પિતાશ્રીએ કાનજીબાપા પાસે બેસીને હળવેકથી કહ્યું કે બાપા, હસબન્ડ એટલે પતિને અંગ્રેજીમાં હસબન્ડ કહેવાય. કાનજીબાપા પણ આ સાંભળીને હસી પડ્યા કે એમ? મને તો એમ કે જે હસીને બોલે તેને અંગ્રેજીમાં હસબન્ડ કહેવાતું હશે.

કાનજીબાપા રાગે ચડાવીને દુહો ગાતા. ભલે તેમનો અવાજ ગાયકો જેટલો સૂરીલો નહોતો, પરંતુ પડછંદ અને વાતની પકડ કરતો જરૂર હતો. તેમની બારોટશૈલીને લીધે તે લોકોના ભાવજગતને સરસ રીતે સ્પર્શી અને શ્રોતાઓનાં હૃદય જીતતા. કાનજીબાપા ક્યાંય કોઈના ઘરે મેમાન થયા હોય અને તેમને ભૂખ લાગી હોય તો ઈ ઘરધણી પાસે જમવાનું ન માગે, પણ માર્મિક રીતે દુહો ફટકારતા કે પેટ વચાળે ગૂમડું એનું ઓહડ અન્ન ભીમદા ક્યે ભરી લઈ, પછી મોજું કરે મનઆ દુહો સાંભળીને ઘરધણીને ખ્યાલ આવી જાય કે કાનજીબાપાનો મહર (કટાક્ષ) ભોજનની થાળી પીરસવાનો છે. સોમનાથની સખાતે નામની અદ્ભુત લોકવાર્તા માટે ભારત સરકારે કાનજીબાપાને ઈ. સ. ૧૯૮૮માં પદ્મશ્રી અવૉર્ડથી વિભૂષિત કર્યા. ત્યાર બાદ દૂરદર્શનના એક ઇન્ટરવ્યુમાં એક અધિકારીએ કહ્યું કે ‘બાપા, તમે તમારો પેલો તંબુરો સાથે રાખજો. હવે અધિકારી હિન્દીભાષી હોવાથી તેણે સિતારને તંબુરો કહ્યો. આ સાંભળી કાનજીબાપા ખિજાયા કે તમારો ઇન્ટરવ્યુ જાય તેલ લેવા, હું તંબુરો નથી વગાડતો.

કલાકારની ખુમારી અને પોતાની લોકકલાનું ગૌરવ તેમને રોમ-રોમ વ્યાપ્યું હતું. તેમની જીભે સરસ્વતી હતી. વાતડિયું વિગતાïળયું નામનું કાનજીબાપાની શ્રેષ્ઠ એકાવન લોકવાર્તાનું પુસ્તક દરેક ગુજરાતીએ વાંચવા અને વસાવવા જેવું છે.આ તબક્કે યાદ કરાવી દઉં કે તત્કાલીન વડા પ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીએ કાનજીબાપાની જસમા ઓડણની લોકવાર્તા દોઢ કલાક સુધી રસપૂર્વક સાંભળી હતી અને દિલ્હીના ચાંદની ચોકમાં મંદોદરખાનની મસ્ત લોકવાર્તાનો વન મૅન શો જાહેરમાં કરનાર કદાચ પ્રથમ અને છેલ્લા ગુજરાતી લોકવાર્તાકાર હતા.

જીંથરોભાભો નામની સદીની શ્રેષ્ઠ હાસ્યવાર્તાથી કાનજી ભુટા બારોટ ઘર-ઘરમાં ગુંજતા થયા. પરંતુ બહુ ઓછાને ખબર હશે કે જીંથરોભાભો આકાશવાણી રાજકોટ પર રેકૉર્ડ કર્યા પછી ખુદ કાનજી બાપાએ હેમુભાઈ ગઢવીને કહેલું કે હેમભાઈ, આ વાર્તા ભૂંહી નાખજો. આ તો ફારસ કહેવાય. આ વાર્તા ટેલિકાસ્ટ ન કરતા.ત્યારે હેમુભાઈએ કહેલું કે બાપા, આ માત્ર ફારસ (હાસ્ય) નથી, અંધશ્રદ્ધા સામેની જાગૃતિની ચળવળ છે.અને પછી તો વડીલો જાણે છે કે ઈ સમયે જેના ઘરે ટેપરેકૉર્ડર નહોતાં તેના ઘરે પણ જીંથરાભાભાની કૅસેટ હતી.

આજે જે ક્રેઝ કૉમેડી શોના કપિલનો કે કરોડપતિના અમિતાભનો છે એનાથી એક હજારગણો ક્રેઝ રેડિયો પર જીંથરોભાભો સાંભળવાનો હતો. કોથળા ભરી-ભરીને લોકો આ વાર્તાના રિપીટ ટેલિકાસ્ટ માટે આકાશવાણીને પત્રો લખતા. આવા મહાન કલાકાર કાનજી ભુટા બારોટનો મુંબઈની નવી પેઢીને પરિચય થાય માટે જ આ મથામણ કરી છે. અફસોસ કે પદ્મશ્રીથી વિભૂષિત આવા દિગ્ગજ લોકવાર્તાકારના નામે આજે આખા ગુજરાતમાં ક્યાંય ઑડિટોરિયમ કે સ્ટૅચ્યુ પણ નથી. કદાચ ઈ જમાનામાં કાનજીબાપાએ નેતાઓને કડવાં વેણ કીધાં હશે કે શું? મહાન થાવા માટે મરી જાવું જરૂરી છે અને મર્યા પછી પણ કેટલું પીડાદાયક જીવી જાવું પડે છે કલાકારને...!

ઑફ ધ રેકૉર્ડ

જરૂરત ફકીરોની પણ પૂરી થાય છે
અને મહેચ્છાઓ તો બાદશાહની પણ અધૂરી રહે છે


સાંઈરામના હાયરામનું આ અંતિમ ઑફ ધ રેકૉર્ડ છે. કોઈ મનદુ:ખ કે વાંધા વગર હું મારી ઇચ્છાથી રજા લઉં છું. સર્વે રીડર બાદશાહોને વંદન, આભાર. મિસ યુ... કારણ કે હિમાદાદા ત્ઘ્શ્માં છે. ઈ જીવશે તો ફરી મળીશું, ત્યાં સુધી હસતા રેજો!