ઘેરબેઠાં વર્લ્ડ ટૂર!

19 October, 2014 04:44 AM IST  | 

ઘેરબેઠાં વર્લ્ડ ટૂર!



વેબ-વર્લ્ડ- આર્યન મહેતા


તમે આ વાંચતા હશો ત્યાં સુધીમાં દિવાળીની મોટા ભાગની તૈયારીઓ થઈ ગઈ હશે. ખાસ તો આ વેકેશનમાં ક્યાં ફરવા જવું હશે એનું તો બધું જ પ્લાનિંગ થઈ ચૂક્યું હશે. પહેલી વાર કોઈ સ્થળ જોવા નીકળેલા લોકો એ વાતે ઉત્સુક હશે કે ત્યાં એક્ઝૅક્ટ્લી શું-શું જોવાનું હશે, જ્યારે ઘણા લેટ લતીફ મહાનુભાવો હજી ક્યાં ફરવા જવું એના પ્લાનિંગના તબક્કે હશે. હજી ત્રીજો એક મોરચો એવો પણ છે જેઓ એવી સનાતન વાત કરતા હશે કે કોણ આ મોંઘવારીમાં કશે ફરવા જાય? એક તો લોકોની ગિરદી કહે મારું કામ અને ઉપરથી ખર્ચાના ખાડામાં ઊતરીએ એ અલગ.

આ ત્રણે પાર્ટીઓને મજા પડે એવી એક સર્વિસ ગૂગલ છેલ્લાં ઘણાં વષોર્‍થી ચલાવી રહ્યું છે. નામ પાડ્યું છે : ગૂગલ સ્ટ્રીટ વ્યુ. આમ તો આ સર્વિસ ગૂગલ મૅપ્સના એક એક્સ્ટેન્શન સ્વરૂપે છે, પરંતુ ગૂગલમાં સ્ટ્રીટ વ્યુ લખીને સર્ચ મારીએ એટલે પહેલો વિકલ્પ એનો જ આવે છે (છતાં ડાયરેક્ટ ત્યાં પહોંચવા માટે આ રહી લિંક : WWW.Google.com/maps/views/street view?gl=us). ગૂગલ ખાસ પ્રકારના ૩૬૦ ડિગ્રીએ ફોટો ઝડપતા હાઇટેક કૅમેરાથી સજ્જ સ્ટ્રીટ વ્યુ કાર વિશ્વના સાતે ખંડોમાં પથરાયેલા પચાસથી પણ વધુ દેશોમાં લગભગ એંસી લાખ કિલોમીટરથી પણ વધારેનું અંતર કાપી ચૂકી છે. જ્યાં કાર લઈ જવી શક્ય ન હોય ત્યાં ગૂગલે ખાસ પ્રકારની સાઇકલો અથવા તો પહાડી એરિયામાં ટ્રેકિંગના મહારથીઓને કૅમેરા પકડાવીને મોકલ્યા છે. અરે, રણપ્રદેશોમાં તો ગૂગલે ઊંટની પીઠ પર કૅમેરા લાદીને ફોટોગ્રાફી કરી છે! એના પરિણામસ્વરૂપે આપણને વિશ્વનાં જથ્થાબંધ જોવાલાયક સ્થળોના ૩૬૦ ડિગ્રીમાં પથરાયેલા વ્યુ ઉપલબ્ધ થયા છે. આપણે બસ એટલું જ કરવાનું છે કે કાં તો ગૂગલના સર્ચબૉક્સમાં ગૂગલ સ્ટ્રીટ વ્યુ લખવાનું છે અથવા તો ઉપરની લિન્ક પર જવાનું છે.

ત્યાં પહોંચીશું એટલે પહેલેથી જ ઉપલબ્ધ એવાં કેટલાંક સ્થળોની વચ્યુર્‍અલ ટૂર આપણને લલચાવતી હશે. જેમ કે ઇજિપ્તના પિરામિડ, અમેરિકાના નૅશનલ પાક્સર્‍ અને દરિયાકિનારા, ઊંચી કોતરોની વચ્ચેથી વહેતી કમનીય કોલોરાડો નદી, આપણો તાજમહલ, થેમ્સ નદી, યુરોપિયન સ્પેસ એજન્સી, આઇફલ ટાવરની ટોચ, યુનેસ્કોએ જાહેર કરેલી વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ વગેરે. અરે, હવે તો આ સ્ટ્રીટ વ્યુમાં દરિયાના પેટાળની સુંદરતાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

આમાંથી તમારા રસનું કોઈ પણ સ્થળ પસંદ કરશો એટલે એ મોટી સ્ક્રીનમાં આપમેળે ફેરફુદરડી ફરવા માંડશે. એની સ્પીડ વધારવી હોય તો ડાબેજમણેની ઍરો-કી દબાવશો અથવા તો માઉસથી જે-તે દિશામાં ક્લિક કરશો એટલે દિશાઓ ફરી જશે! હવે ધારો કે તમને તમારી પસંદનું સ્થળ આ ઑલરેડી પીરસાયેલા લિસ્ટમાં મળતું નથી તો ઉપર આપેલા સર્ચબારમાં ટાઇપ કરો એટલે મોટે ભાગે એ હાજર થઈ જશે. જેના ૩૬૦ ડિગ્રી વ્યુ ઉપલબ્ધ ન હોય એ સ્થળોના પણ યુઝર્સે પાડેલા જથ્થાબંધ ફોટોગ્રાફ્સ તો હશે જ. અત્યારે સ્ટ્રીટ વ્યુ પ્રોગ્રામ હેઠળ અડધી દુનિયા આવરી લેવાઈ છે, જ્યારે બાકીની કૉન્ટ્રોવર્સી અને સલામતીની અડચણો છતાં આગળ વધી રહી છે.

હવે માની લો કે તમે કોઈ દુકાનની કે રેસ્ટોરાંની પહેલી વાર મુલાકાત લેવા ઇચ્છતા હો અને ત્યાં ગયા અગાઉ જ એની ફીલ લેવી હોય તો એનું નામ આ સ્ટ્રીટ વ્યુમાં સર્ચ મારવાથી એ પણ મળી શકે. હા, શરત એટલી કે એ જગ્યાના માલિકે ગૂગલને કહીને પોતાની દુકાનનું ૩૬૦ ડિગ્રી શૂટિંગ કરાવ્યું હોવું જોઈએ. ઍક્ચ્યુઅલી, આ ગૂગલનો બિઝનેસ ઍન્ડ પાર્ટનર પ્રોગ્રામ છે જે અંતર્ગત માલિકો અમુક પૈસા ચૂકવીને પોતાની શૉપ્સ-ફૅક્ટરી વગેરેનું શૂટિંગ કરાવી શકે છે અને એનું પ્રમોશન કરી શકે છે.બસ ત્યારે, કારણ ગમે એ હોય; આપણે તો ઘેરબેઠાં, કશી ઝંઝટ વિના અને કાણી પાઈ પણ ખચ્ર્યા વિના દુનિયા ફરવાનો આ બેસ્ટ રસ્તો છે. ટ્રાય કરી જુઓ.