બર્માનાં બ્રેવહાર્ટ લીડર આંગ સૂ કીએ ભારતને આપેલો ઠપકો કેટલો યોગ્ય?

17 November, 2012 05:57 PM IST  | 

બર્માનાં બ્રેવહાર્ટ લીડર આંગ સૂ કીએ ભારતને આપેલો ઠપકો કેટલો યોગ્ય?



નો નૉન્સેન્સ - રમેશ ઓઝા

બર્મીઝ નેતા આંગ સાન સૂ કીને ભારત સરકાર દ્વારા ૧૯૯૨માં આપવામાં આવેલો જવાહરલાલ નેહરુ અવૉર્ડ ફૉર ઇન્ટરનૅશનલ અન્ડરસ્ટૅન્ડિંગનો સ્વીકાર કરવા સૂ કી ભારત આવ્યાં છે. સૂ કીને નેહરુ અવૉર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી ત્યારે તેઓ રંગૂનમાં નજરકેદ હતાં એટલે એ સમયે તેઓ અવૉર્ડનો સ્વીકાર કરી શક્યાં નહોતાં. આ પહેલાં ૧૯૯૧માં સૂ કીને શાંતિ માટેનું નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું હતું જેનો સ્વીકાર પણ સૂ કીએ હમણાં બે મહિના પહેલાં કર્યો હતો. સૂ કી બાવીસ વર્ષ નજરકેદમાં હતાં. મ્યાનમારના લશ્કરી શાસકોએ જગત સાથેનો સૂ કીનો સંપર્ક કાપી નાખ્યો હતો.

૧૯૯૨માં ભારત સરકારે સૂ કીને આંતરરાષ્ટ્રીય સમજદારી માટે નવાજ્યાં હતાં. બરાબર બે દાયકા પછી એ અવૉર્ડ સ્વીકારતાં સૂ કીએ ભારતને ઠપકો આપ્યો હતો કે ભારત સરકાર બે દાયકા સુધી આંતરરાષ્ટ્રીય સમજદારી બતાવવામાં ઊણી ઊતરી હતી. તેમણે દુ:ખ વ્યક્ત કર્યું હતું કે બર્મીઝ જનતાની લોકશાહી માટેની લડાઈને ભારતે ટેકો નહોતો આપ્યો. સૂ કીની વાત સાચી છે. આવો ઠપકો ૨૦૧૦માં ભારતની મુલાકાતે આવેલા અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ પણ આપ્યો હતો. ભારતે સિદ્ધાંત કરતાં રાજકારણની વ્યાવહારિક ગણતરીઓને પ્રાધાન્ય આપ્યું હતું. ભારતને ડર હતો કે જો તે મ્યાનમારના લશ્કરી સરમુખત્યારોને નારાજ કરશે તો મ્યાનમાર ચીનની નજીક જતું રહેશે. વાયા મ્યાનમાર ચીન ભારતની ભાગોળે પહોંચે એ ભારતને ન પરવડે એ સ્વાભાવિક છે.

પ્રશ્ન એ છે કે ક્યાં સુધી કહેવાતો લોકતાંત્રિક સભ્ય સમાજ તાનાશાહી સામે ચૂપ રહેશે. બીજા વિશ્વયુદ્ધને બંધિયાર સમાજ સામેના ખુલ્લા સમાજના યુદ્ધ તરીકે ઓળખાવવામાં આવ્યું હતું. બીજા વિશ્વયુદ્ધમાં ખુલ્લા સમાજનો એટલે કે પશ્ચિમ યુરોપના લોકતાંત્રિક દેશોનો અને અમેરિકાનો વિજય થયો હતો. ખુલ્લા સમાજની દુહાઈ લેનારા દેશોએ ત્યારથી લઈને આજ સુધી લોકતંત્ર માટેની પ્રજાકીય લડાઈને ટેકો આપ્યો હોય એવું ઓછું જોવા મળ્યું હતું. આ દેશોએ આફ્રિકામાં રંગભેદ સામેની અfવેતોની લડાઈને પણ ખાસ ટેકો નહોતો આપ્યો. કેટલાક દેશો તો ખુલ્લી રીતે રંગભેદને ટેકો આપતા હતા. પૅલેસ્ટીનના આરબો ન્યાય માગે છે, પરંતુ અમેરિકા એને અન્યાય કરનારા ઇઝરાયલને છાવરે છે. પશ્ચિમના કોઈ દેશે આજ સુધી ખોંખારો ખાઈને તિબેટીઓની આઝાદી માટેની લડતને ટેકો આપ્યો નથી. આમાં ભારતનો ઇતિહાસ પણ ઊજળો નથી. ૧૯૫૯માં જવાહરલાલ નેહરુએ ચીનની ખફા વહોરી લઈને તિબેટી ધર્મગુરુ દલાઈ લામાને આશ્રય આપ્યો હતો. એ પછી મૂલ્યોના પડખે ઊભા રહેવાની હિંમત ભારતે ગુમાવી દીધી હતી. બહુ ઓછા લોકોને જાણ હશે કે અમેરિકાના કેટલાક પ્રાંતોમાં મતદાનનો સાર્વત્રિક અધિકાર હજી આજે પણ નથી. કેટલાક અfવેતો અને વસાહતીઓને મતદાનના અધિકારથી વંચિત રાખવામાં આવે છે. અમેરિકામાં ફેડરલ ફ્રીડમ વ્યક્તિના ફ્રીડમ કરતાં વધુ મહત્વ ધરાવે છે.

જગતની ૫૦ ટકા કરતાં વધુ પ્રજા એક કે બીજા પ્રકારના અન્યાયનો સામનો કરી રહી છે. કદાચ આ પ્રમાણ હજી વધારે હશે. શાસકોની સામેલગીરીવાળા અત્યાચારના ત્રણ પ્રકાર છે. એક તો તાનાશાહી શાસકો, જે પ્રજાને આઝાદી ન આપતા હોય. બે, ધર્મગુરુઓ ધર્મના નામે પ્રજા પર જુલમ કરતા હોય અને શાસકો એની સામે આંખ આડા કાન કરતા હોય અને ત્રણ, જે-તે દેશની બહુમતી પ્રજા લઘુમતી પ્રજા પર અત્યાચાર કરતી હોય અને શાસકો એમાં ભાગીદાર હોય અથવા આંખ આડા કાન કરતા હોય. આ ત્રણ માપદંડો સામે રાખીને જગતના દેશોનો સર્વે કરશો તો ખ્યાલ આવશે કે લગભગ અડધોઅડધ વિશ્વ આ ત્રણમાંથી કોઈ એક બીમારી ધરાવે છે. કેટલાક દેશ તો એવા પણ છે જેમાં આ ત્રણેય તત્વો મળી આવશે. ટૂંકમાં, વિશ્વની ૫૦ ટકાથી વધુ પ્રજા શાસકોની અવકૃપાને કારણે રિબાય છે. આમાંની ઘણી પ્રજા સંગઠિત જુલમ સામે લડત આપી રહી છે. કમનસીબી એ છે કે દુનિયાના કહેવાતા સભ્ય અને સમૃદ્ધ દેશો એમને ન્યાય અપાવવા દરમ્યાનગીરી કરવાનું ટાળે છે. એમની અંગત લાભાલાભની વ્યાવહારિક ગણતરીઓ વધારે પ્રબળ હોય છે.

અહીં પ્રતિવાદ કરવા માટે એક જગ્યા છે. કેટલાક લોકો દલીલ કરે છે કે લોકતંત્ર વિકસાવવાની ચીજ છે, અપનાવવાની નથી. જે સમાજે સેંકડો વર્ષ દરમ્યાન જે પરંપરા વિકસાવી હોય એ એને રાતોરાત ફગાવી દે એ શક્ય નથી. જો મુસ્લિમ સમાજ શરિયતના કાયદા હેઠળ પોતાને સુરક્ષિત માનતો હોય તો એને એની રીતે જીવવાનો અધિકાર મળવો જોઈએ. પાશ્ચાત્ય આધુનિક મૂલ્યોને પરાણે લાદવામાં આવે એ પણ એક પ્રકારની તાનાશાહી છે.

આ દલીલ જેટલી આકર્ષક લાગે છે એટલી સાચી નથી. આવી દલીલ કરનારાઓ જાણીબૂજીને પાશ્ચાત્ય સભ્યતા અને આધુનિક મૂલ્યો વચ્ચે પર્યાયવાચી સંબંધ જોડવાનો પ્રયાસ કરે છે. સ્વતંત્રતા, સમાનતા, બંધુતા, લોકતંત્ર, સેક્યુલરિઝમ વગેરે આધુનિક મૂલ્યો પશ્ચિમ પાસેથી મળ્યાં છે એ વાત સાચી; પરંતુ આ સર્વકાલીન અને સાર્વભૌમિક મૂલ્યો છે. દરેક નવો વિચાર કોઈ ને કોઈના ચિત્તમાં ઉદ્ભવતો હોય છે. જેની આપણે વાત કરી રહ્યા છીએ એ આધુનિક મૂલ્યો પશ્ચિમના વિચારકોના મસ્તિષ્કમાં ઉદ્ભવ્યાં હતાં એટલું જ. આ મૂલ્યો ગેરપશ્ચિમી અને ગેરખ્રિસ્તી સમાજે પણ અપનાવ્યાં છે અને ત્યાં એ સફળ નીવડ્યાં છે.

આપણે નસીબદાર છીએ. આપણી વચ્ચે એવા ત્રણ મહાનુભાવો છે જેના માટે સમગ્ર સંસાર ગર્વ લઈ શકે. એક દલાઈ લામા, બીજા નેલ્સન મન્ડેલા અને ત્રીજાં સૂ કી. આ ત્રણેય પોતાને ગાંધીનાં અનુયાયી ગણાવે છે. દલાઈ લામા ભારતને ગુરુભૂમિ ગણાવે છે તો સૂ કી ભારતને પ્રેરણાભૂમિ ગણાવે છે. સૂ કીની ભારત સામેની ફરિયાદમાં પીડા છે, કડવાશ નથી. તેમણે એક વાર કહ્યું હતું કે ભારત વિવિધ ફૂલોથી ભરેલી છાબ જેવો દેશ છે. એ છાબને જોઈને સહિષ્ણુતા અને સહઅસ્તિત્વની પ્રેરણા મળે છે.    

ધર્મસત્તાક તિબેટ બન્યું પ્રજાસત્તાક

દલાઈ લામાએ તિબેટીઓ માટે એક નવું મૉડલ રજૂ કરીને આવી શંકાનો શ્રેષ્ઠ ઉત્તર આપ્યો છે. તિબેટ એક બંધિયાર સમાજ હતો અને ધર્મસત્તાક દેશ હતો. એની પ્રભુસત્તા (સોવરેન્ટી) દલાઈ લામા ધરાવતા હતા. વર્તમાન ૧૪મા દલાઈ લામાએ પોતાની પ્રભુસત્તા છોડી દીધી છે અને બ્રિટનનાં રાણીની માફક તેઓ તિબેટના માત્ર કહેવા પૂરતા (ફિગર હેડ) નેતા છે. પ્રભુસત્તા તેમણે ધર્મને નથી આપી, નાગરિકને આપી છે અને એ રીતે તેમણે ધર્મસત્તાક દેશને પ્રજાસત્તાક બનાવી દીધો છે. દેશવટો ભોગવી રહેલી તિબેટિયન પ્રજા સંપૂર્ણ અને પરિપક્વ લોકતંત્રનો ભોગવટો કરી રહી છે એ જેવી-તેવી સિદ્ધિ નથી. ક્યારેક ધરમશાલા જાઓ તો તિબેટિયન પાર્લમેન્ટનાં દર્શન કરવા અચૂક જજો. જી હા, અહીં ‘દર્શન’ શબ્દ હું આગ્રહપૂર્વક ચાહીને વાપરું છું. પોતાની ભૂમિ વિનાના લોકો જો લોકતંત્ર અપનાવી શકે તો સ્થિર અને સુરક્ષિત પ્રજા શા માટે ન અપનાવી શકે. આમાં પણ તિબેટિયન પ્રજાને વિશ્વની સૌથી વધુ પરંપરાગ્રસ્ત પ્રજા માનવામાં આવે છે અને એ માટે એમની મજાક પણ કરવામાં આવે છે. નાગરિકને મૂળભૂત અધિકાર આપનારું અને સમૂહ સામે વ્યક્તિને સુરક્ષા આપનારું આવું કોઈક પ્રકારનું મૉડલ મુસ્લિમ દેશોમાં પણ વિકસી શકે છે. પ્રશ્ન ઇરાદાનો છે, પૌર્વાત્ય કે પાશ્ચાત્ય પરંપરાનો નથી. માનવીનો મહિમા કરવામાં પરંપરા આડે નથી આવતી.