સ્પેક્ટ્રમના વેચાણનો વિવાદ ગણતરીની ભૂલ કે બીજું કંઈ?

17 November, 2012 05:56 PM IST  | 

સ્પેક્ટ્રમના વેચાણનો વિવાદ ગણતરીની ભૂલ કે બીજું કંઈ?

એના કામકાજમાં સરકાર કે બીજું કોઈ પણ દરમ્યાનગીરી કરી શકતું નથી. કમ્પ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલને જો હટાવવા હોય તો સંસદનાં બન્ને ગૃહોમાં ઇમ્પીચમેન્ટની દરખાસ્ત રજૂ કરવી પડે છે અને એ બે-તૃતીયાંશ બહુમતી સાથે પસાર થવી જરૂરી છે. ટૂંકમાં કહીએ તો કૅગની સત્તા લગભગ અક્ષુણ્ણ છે.

વધુપડતી અતિશયોક્તિને લીધે ઘણી વાર આબરૂ ગુમાવવાનો વારો આવે છે. કૅગની જેમ જ ચૂંટણીપંચ પણ બંધારણીય સત્તા છે અને એ પણ કૅગ જેટલી જ સ્વાયત્તતા ભોગવે છે. દોઢ દાયકા પહેલાં ટી. એન. શેષન ચૂંટણીપંચના કમિશનર હતા ત્યારે તેમણે પણ દેશને માથે લીધો હતો. તેઓ કોઈ રીતે ઝાલ્યા ઝલાતા નહોતા. તેમને એવું લાગવા માંડ્યું હતું કે તેઓ સંસદીય લોકશાહીમાં સાફસૂફી કરવા માટે દેવદૂત બનીને આવ્યા છે. તેમના અતિરેકના પરિણામે સરકારે ચૂંટણીપંચને ત્રણ સભ્યોનું કરી નાખ્યું હતું. અનુભવ એવો છે કે ત્રણ સભ્યોનું ચૂંટણીપંચ વધારે સારી રીતે કામ કરે છે.

જે ભૂલ ટી. એન. શેષને કરી હતી એ ભૂલ અત્યારે કમ્પ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલ વિનોદ રાય કરી રહ્યા છે. વિનોદ રાયે ગયા વર્ષે સ્પેક્ટ્રમના વેચાણનું ઑડિટિંગ કરીને જે અહેવાલ આપ્યો હતો એણે દેશમાં હોબાળો મચાવ્યો હતો. વિનોદ રાય જાણે કે દેશના કૉન્શિયસ-કૉપર બની ગયા હતા. તેમણે અહેવાલ આપ્યો હતો કે 2G સ્પેક્ટ્રમના વેચાણમાં કેન્દ્ર સરકારે વહેલો તે પહેલોનું ધોરણ અપનાવીને દેશની તિજોરીને એક કરોડ ૭૬ લાખ રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું હતું. કૅગના કથનને બ્રહ્મવાક્ય ગણી લેવામાં આવ્યું હતું.

આવડો મોટો ચોંકાવનારો આંકડો ક્યાંથી આવ્યો? વિનોદ રાયના એક સભ્યના કમ્પ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલે કહ્યું હતું કે સરકારે જો વહેલો તે પહેલોના ધોરણે ફાળવણી કરવાની જગ્યાએ જાહેર હરાજીનો માર્ગ અપનાવ્યો હોત તો બજારભાવ મુજબ દેશને પોણાબે લાખ કરોડ રૂપિયા વધુ મળ્યાં હોત. તેમના અહેવાલ પછી દેશને અધધધ નુકસાન પહોંચાડવા બદલ સરકાર પર માછલાં ધોવાયાં હતાં. વિરોધપક્ષોએ સંસદનું આખું એક સત્ર વિરોધ કરીને ધોઈ નાખ્યું હતું. વિરોધપક્ષોના દબાણ હેઠળ સરકારે 2G સ્પેક્ટ્રમની તપાસ કરવા સંયુક્ત સંસદીય સમિતિની રચના કરવી પડી હતી. કૅગના અતિરેકોને કારણે આખું વહીવટી તંત્ર કામ કરતું અટકી ગયું છે. મામલો સર્વોચ્ચ અદાલતમાં ગયો હતો. 2G સ્પેક્ટ્રમ કૌભાંડ વિશેના ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે સ્પેક્ટ્રમની તમામ ફાળવણી રદ કરી નાખી હતી અને સરકારને આદેશ આપ્યો હતો કે હવે પછી તમામ સરકારી સંસાધનોનું વેચાણ જાહેર હરાજી દ્વારા કરે.

અદાલતના આદેશના પગલે 2G સ્પેક્ટ્રમની પૂરતી નોટિસ આપ્યા પછી જાહેર હરાજી કરવામાં આવી હતી. કૅગનો અહેવાલ જોતાં સાદી સમજ એમ કહે છે કે 2G સ્પેક્ટ્રમના વેચાણ દ્વારા સરકારને દોઢથી પોણાબે લાખ કરોડ રૂપિયા મળવા જોઈતા હતા. સરકારે 2G સ્પેક્ટ્રમની લઘુતમ કિંમત ૪૦,૦૦૦ કરોડ રૂપિયા ઠરાવી હતી. આશ્ચર્ય હવે આવે છે. દોઢ-પોણાબે લાખ કરોડ તો ઠીક 2G સ્પેક્ટ્રમની જાહેર હરાજી દ્વારા કરવામાં આવેલા વેચાણમાં સરકારને ૧૦,૦૦૦ કરોડ રૂપિયા પણ નથી મળ્યાં. 2G સ્પેક્ટ્રમના વેચાણમાં વધુમાં વધુ ૯૪૦૭ કરોડ રૂપિયાની બોલી બોલાઈ હતી. મિસ્ટર વિનોદ રાય, તમે અંદાજેલા એક લાખ ૭૬ હજાર કરોડમાંથી એક લાખ ૬૬ હજાર કરોડ રૂપિયા ક્યાં ગયા? આ ગણતરીની ભૂલ હતી કે બીજું કંઈ? કૅગે આનો ખુલાસો કરવો જોઈએ.

કૅગનો અંદાજ ભૂલભરેલો નહીં પણ ફુગાવેલો છે એવો વહેમ ત્યારે કેટલાક અર્થશાસ્ત્રીઓએ વ્યક્ત કર્યો હતો. આનું કારણ એ છે કે બીજી બે સરકારી સંસ્થાઓના સંભવિત નુકસાનના આંકડામાં અને કૅગના આંકડામાં જમીન-આસમાનનું અંતર હતું. સેન્ટ્રલ વિજિલન્સ કમિશને ૨૨,૦૦૦ કરોડ રૂપિયાના નુકસાનનો અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશને ૩૫,૦૦૦ કરોડ રૂપિયાના નુકસાનનો અંદાજ માંડ્યો હતો. આમ છતાં કૅગના ફુગાવેલા આંકડાને સાચો માની લેવામાં આવ્યો હતો, કારણ કે કૅગ બંધારણીય સંસ્થા છે અને સરકારના પ્રભાવથી મુક્ત છે. કૅગના અંદાજને સાચો માની લેવા પાછળનું બીજું કારણ એ હતું કે સરકારવિરોધીઓ માટે એ ભાવતો આંકડો હતો.

કૅગ વિનોદ રાયે આનાથી પણ મોટું પરાક્રમ કોલસાકૌભાંડમાં કર્યું છે. ડિટ્ટો 2G સ્પેક્ટ્રમ. કૅગે એના પ્રાથમિક અહેવાલમાં કહ્યું હતું કે કેન્દ્ર સરકારે કોલસાની ખાણોની ફાળવણી કરવાની જગ્યાએ જો જાહેર હરાજી દ્વારા વેચાણ કર્યું હોત તો દેશની તિજોરીને પોણાઅગિયાર લાખ કરોડ (૧૦.૭ ટ્રિલ્યન રૂપિયા એટલે કે ૨૧૪ અબજ ડૉલર) રૂપિયાનો ફાયદો થયો હોત. સુરજિત ભલ્લા નામના વિદ્વાન અર્થશાસ્ત્રીએ વિનોદ રાયનું ધ્યાન દોર્યું હતું કે સાહેબ, આટલી આવક તો સરકારને કુલ કંપનીવેરા દ્વારા પણ નથી થતી તો બે ડઝન કંપનીઓને સસ્તા ભાવે કોલસો વેચી નાખીને આટલું મોટું નુકસાન કેવી રીતે થયું? વિનોદ રાયે સુરજિત ભલ્લાના પ્રશ્નનો ઉત્તર તો નહોતો આપ્યો, પણ કોલસાની ફાળવણીમાં દેશની તિજોરીને થયેલા સંભવિત નુકસાનનો આંકડો તેમના અંતિમ અહેવાલમાં ઘટાડીને એકઝાટકે એક લાખ ૮૫ હજાર કરોડ રૂપિયા કરી નાખ્યો હતો. કૅગના અડસટ્ટામાં એકાએક સાડાનવ લાખ કરોડ રૂપિયાનો સુધારો કેવી રીતે થયો એ રહસ્ય છે. ક્યાં ૧૧ લાખ કરોડ રૂપિયાનો આંકડો અને ક્યાં પોણાબે લાખ કરોડનો આંકડો? અડસટ્ટામાં આટલો મોટો ફરક? આ કોઈ પણ રીતે ગળે ન ઊતરે એવી વાત છે. સુરજિત ભલ્લાએ ગણતરી કરીને અંદાજે ૨૫થી ૩૫ હજાર કરોડ રૂપિયાના નુકસાનનો અંદાજ માંડ્યો છે અને એને ખોટો સાબિત કરવાનો વિનોદ રાયને પડકાર ફેંક્યો છે.

અહીં ત્રિલોકીનાથ ચતુર્વેદી નામના વીતેલા વર્ષોના કમ્પ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલની યાદ આવે છે. રાજીવ ગાંધીની સરકાર વખતે તેઓ કૅગ હતા. તેમણે શસ્ત્રખરીદીમાં થયેલા કૌભાંડના ફુગાવેલા આંકડા આપ્યા હતા જે પછીથી ખોટા સાબિત થયા હતા. આ મહાશય નિવૃત્ત થયા એ પછી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હતા અને રાજ્યસભાના સભ્ય બન્યા હતા. રાજ્યસભામાંની તેમની મુદત પૂરી થયા પછી તેમને કર્ણાટક અને કેરળના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. કૉન્ગ્રેસના જનરલ સેક્રેટરી દિગ્વિજય સિંહ દાવા સાથે કહે છે કે વિનોદ રાય બીજેપી માટે કામ કરે છે અને નિવૃત્તિ પછી તેઓ બીજેપીમાં જોડાશે.

પ્રારંભમાં કહ્યું એમ કૅગને ત્રણ સભ્યોનું બનાવવાની કેન્દ્ર સરકારની પેરવીને વિનોદ રાય પોતે ઉચિત ઠરાવી રહ્યા છે. વિનોદ રાય મૂર્ખ છે કે પછી મનસ્વીપણે વર્તી રહ્યા છે કે બીજેપીના હાથમાં રમી રહ્યા છે એ તો સમય જ કહેશે. આવા માણસો બંધારણીય સંસ્થાની પ્રતિષ્ઠા ઘટાડી રહ્યા છે એ નક્કી વાત છે. ટી. એન. શેષન, ટી. એન. ચતુર્વેદી અને વિનોદ રાયના ઉધામા પછી એમ માનવાનું મન થાય છે કે અમર્યાદ સત્તા ધરાવતી બંધારણીય સંસ્થાઓમાં એકથી વધુ સભ્યો હોય એ વધુ હિતાવહ છે. ત્રણ સભ્યોના ચૂંટણીપંચનો અનુભવ સુખદ છે.