બ્લૅકહોલ કઈ બલા છે?

17 November, 2012 05:52 PM IST  | 

બ્લૅકહોલ કઈ બલા છે?



જગદીશચંદ્ર ભટ્ટ

અનંત, અફાટ અને અગોચર અંતરીક્ષનાં અનેક અજીબોગરીબ રહસ્યો અને આશ્ચર્યો બહાર આવી રહ્યાં છે. આ અતિ-અતિ વિરાટ બ્રહ્માંડ ખરેખર કઈ રીતે કાર્ય કરે છે અને એમાં ચોક્કસ કેવા-કેવા પ્રકારની ગતિવિધિઓ ચાલે છે એનો આછેરો તાગ મળી રહ્યો છે. ખગોળશાસ્ત્રીઓ અંતરીક્ષમાં જેમ-જેમ વધુ ને વધુ ઊંડાં ડોકિયાં કરે છે એમ તેમને વધુ ને વધુ નવાં રહસ્યો જોવા-જાણવા મળે છે.

બ્રિટનની કૅમ્બ્રિજ યુનિવર્સિટીનાં ભારતીય ઍસ્ટ્રોનૉમર (ખગોળશાસ્ત્રી) ડૉ. મંદા બૅનરજીના નેતૃત્વ હેઠળની ટીમે આપણા સૂર્યના દળ કરતાં ૧૦ અબજ ગણું વધુ દળ ધરાવતા અતિ વિરાટ બ્લૅકહોલની શોધ કરી છે.

અમેરિકાની અંતરીક્ષ સંશોધન સંસ્થા નૅશનલ ઍરોનૉટિક્સ ઍન્ડ સ્પેસ ઍડ્મિનિસ્ટ્રેશન (નાસા-NASA)ના સાયન્ટિસ્ટ્સના એક જૂથે સઘન સંશોધન બાદ ૨૫ લાખ જેટલાં નવાં અને અતિ વિરાટ બ્લૅકહોલ્સ અને નવા જ પ્રકારની ગૅલેક્સિસ (મંદાકિની)નાં ઝૂમખાં શોધી કાઢ્યાં છે.

રિસર્ચ શું કહે છે?

ડૉ. મંદા બૅનરજી તેમના રૉયલ ઍસ્ટ્રોનૉમિકલ સોસાયટીના જર્નલમાં પ્રસિદ્ધ થયેલા રિસર્ચ પેપરમાં જણાવે છે, ‘ખરેખર તો અમે બહુ જ ઝડપથી વિકસી રહેલાં નવાં અને વિરાટ બ્લૅકહોલ્સનાં જૂથ ખોળી કાઢ્યાં છે. ન માની શકાય એવી બાબત એ છે કે આ બધાં બ્લૅકહોલ્સ મૂળભૂત રીતે અસ્તિત્વમાં તો હતાં જ, પરંતુ ડસ્ટ (ધૂળ)નાં અતિ ઘટ્ટ વાદળાંઓમાં ઢંકાયેલાં હતાં. પરિણામે બ્રહ્માંડના જન્મ સમયથી લઈને અત્યાર સુધીમાં કોઈને આટલાં બધાં બ્લૅકહોલ્સની ભાળ મળી શકતી નહોતી. જોકે અમે યુકે ઇન્ફ્રારેડ ટેલિસ્કોપ (યુકેઆઇઆરટી)ની મદદથી વિશાળ આકાશનો સર્વે કરતાં અમુક-અમુક ગૅલેક્સિસમાં કલ્પનાતીત કહી શકાય એવી તોફાની ગતિવિધિ થઈ રહી હતી અને એ સ્થાનેથી વિશાળ જથ્થામાં રેડિયેશન (કિરણોત્સર્ગ) સુધ્ધાં બહાર ફેંકાતું હતું. આ બધા સંકેતો હતા કોઈ નવા બ્લૅકહોલ્સના જૂથના. ઇન્ફ્રારેડ ટેલિસ્કોપમાં એવી અત્યાધુનિક ટેક્નૉલૉજી હોય છે કે એની મદદથી પૃથ્વીના ભૂગર્ભમાં ક્યાં-ક્યાં શું-શું ધરબાયેલું છે એની સુધ્ધાં સ્પષ્ટ જાણકારી મળી શકે. વળી દૂરના આકાશમાં ધૂળ, કાંકરા અને વાયુઓનાં ગાઢ-ઘટ્ટ વાદળાંઓની પાછળ ઢંકાયેલા અગોચર આકાશી પિંડોનો પણ તાગ મેળવી શકાય.’

નવાં-સુપરમૅસિવ બ્લૅકહોલ્સના નિર્દેશો

ડૉ. મંદા બૅનરજી તેમના રિસર્ચની વિશિષ્ટ બાબતનો ઉલ્લેખ કરીને કહે છે, ‘અમારા આકાશના સર્વે દરમ્યાન એવા સંકેતો મળ્યાં છે કે મોટા ભાગનાં આવાં સુપરમૅસિવ બ્લૅકહોલ્સ અંતરીક્ષમાંના વિશાળ વિસ્તારમાંથી વિપુલ માત્રામાં આકાશી પદાર્થ પોતાના ભણી ખેંચી રહ્યાં હતાં. જાણે કે કોઈ વિરાટ કદના યજ્ઞકુંડમાં ભરપૂર માત્રામાં આહુતિ અપાઈ રહી હોય અને એમાંથી ધૂમ્રસેરો નીકળતી હોય એવી એ પ્રક્રિયા હતી. આ બધાં નવાં બ્લૅકહોલ્સમાંથી ભરપૂર માત્રામાં રેડિયેશન બહાર ફેંકાતું હતું. કોઈ નવા સ્ટાર કે નવા પ્લૅનેટની તસવીર લઈ શકાય, પરંતુ બ્લૅકહોલનો ફોટોગ્રાફ ન લઈ શકાય, કારણ કે બ્લૅકહોલ કોઈ નક્કર આકાશી પિંડ કે પદાર્થના સ્વરૂપમાં નથી હોતું. હા, આકાશના અમુક ચોક્કસ વિસ્તારમાંથી રેડિયેશન ફેંકાતું હોવાનો નિર્દેશ મળે તો એમ કહી શકાય કે એ વિસ્તારમાં બ્લૅકહોલ હોવું જોઈએ. સૌથી ચોંકાવનારી બાબત તો એ જાણવા મળી કે આ નવાં અને મહાભયાનક બ્લૅકહોલ્સ એટલાં શક્તિશાળી છે કે એ દર વર્ષે આપણા સૂરજના કદ જેટલા હજારો સ્ટાર્સને ભરખી જાય છે. બ્લૅક હોલનો ગ્રેવિટેશનલ ફોર્સ એટલો અસહ્ય હોય છે કે એમાંથી પ્રકાશનું કિરણ પણ છટકી ન શકે. કહેવાનો અર્થ એ છે કે હવે અમારા આ રિસર્ચને આધારે જાણવા મળશે કે આવાં નવાં અને સુપરમૅસિવ બ્લૅકહોલ્સના સર્જનની અને વિકાસની પ્રક્રિયા ખરેખર કઈ રીતે થાય છે. જોકે અમારા રિસર્ચ દ્વારા એક બાબત જરૂર નિશ્ચિત થઈ છે કે આવાં સુપરમૅસિવ બ્લૅકહોલ્સ તમામ ગૅલેક્સિસના સેન્ટર (કેન્દ્ર)માં હોય છે. આ અનંત અંતરીક્ષમાં કરોડો-અબજો ગૅલેક્સિસ છે. વળી એવી ઘટનાઓ પણ નોંધાઈ છે કે વિરાટ કદની બે ગૅલેક્સીઓ વચ્ચે કલ્પનાતીત કહી શકાય એવી અથડામણ થાય છે. તો વળી કોઈ મહાકાય મંદાકિની બીજી નાના કદની મંદાકિનીને રીતસર ગળી જાય છે. ભવિષ્યમાં કદાચ આના કરતાં પણ વધુ ભયાનક ઘટનાઓ થાય તો નવાઈ નહીં.’   

સૂર્ય કરતાં ૧૦ અબજ ગણું બ્લૅકહોલ

ડૉ. મંદા બૅનરજી તેમના રિસર્ચની બહુ મહત્વની બાબતનો ઉલ્લેખ કરતાં કહે છે, ‘અમે જે નવાં બ્લૅકહોલ્સ ખોળી કાઢ્યાં છે એમાંનું એક બ્લૅકહોલ તો એટલું વિરાટ છે કે એનું દળ આપણા સૂર્યના દળ કરતાં ૧૦ અબજ ગણું વધુ છે, જ્યારે આપણી મિલ્કી-વે ગૅલેક્સીમાંના સૌથી વિરાટ બ્લૅકહોલના માસ (દળ) કરતાં ૧૦,૦૦૦ ગણું વધુ માસ ધરાવે છે. સરળ રીતે સમજીએ તો આપણા સૂર્યનું માસ (દળ) (1.9885+ 0.00025) X 1030 કિલો જેટલું છે, જે આખી સોલર સિસ્ટમ (સૂર્યમાળા)ના કુલ દળના ૯૮ ટકા જેટલું છે. સૂરજના આટલા અધધધ દળમાં આપણી ૩,૩૦,૦૦૦  પૃથ્વી સમાઈ જાય. જરા કલ્પના કરો કે આપણો સૂર્ય કેટલો વિરાટ હશે. અમે આ નવા અને અતિ વિરાટ કદના બ્લૅકહોલને ulasj 1234+0907  એવો એક ખાસ નંબર આપ્યો છે. કન્યા રાશિની દિશા ભણી આવેલું આ જાયન્ટ અને સુપરમૅસિવ બ્લૅકહોલ આપણી પૃથ્વીથી કેટલું બધું દૂર છે એ જાણો છો? આ બ્લૅકહોલમાંથી ફેંકવામાં આવેલા પ્રકાશને આપણી પૃથ્વી સુધી પહોંચતાં બરાબર ૧૧ અબજ વર્ષ જેટલો કલ્પનાતીત સમય પસાર થઈ જાય. ૧૧ અબજ વર્ષની ગણતરીને થોડાક ગૂઢાર્થમાં સમજીએ તો ઍસ્ટ્રોનૉમીના સંશોધન મુજબ બ્રહ્માંડનો જન્મ આજથી લગભગ ૧૩.૭ અબજ વર્ષ અગાઉ થયો હતો. હવે આ નવા સુપરમૅસિવ બ્લૅકહોલમાંથી ફેંકાયેલી લાઇટને આપણી પૃથ્વી સુધી પહોંચતાં ૧૧ અબજ વર્ષ જેટલો અતિ લાંબો સમય થતો હોય તો એવો અર્થ થાય કે આ મહાકદનું બ્લૅક હોલ બ્રહ્માંડના જન્મના શરૂઆતના સમયગાળા દરમ્યાન સર્જાયું હોવું જોઈએ.’

વિરાટ કદનાં ૪૦૦ બ્લૅકહોલ્સનો અંદાજ

ડૉ. મંદા બૅનરજી કહે છે, ‘અમારા આ રિસર્ચ મુજબ તો એવો પણ નિર્દેશ મળ્યો છે કે આપણે જેટલું પણ બ્રહ્માંડ નીરખી શકીએ છીએ એમાં આવાં લગભગ ૪૦૦ બ્લૅકહોલ્સ જરૂર હોવાં જોઈએ. નીરખી શકીએ છીએ એટલું અંતરીક્ષ એટલે શું? જવાબ થોડોક ગૂઢ છતાં રસપ્રદ છે. જોઈ શકાય એવું બ્રહ્માંડ એટલે આપણે નરી આંખે અને અથવા અત્યાધુનિક ટેલિસ્કોપની મદદથી જેટલું અને જેવું અંતરીક્ષ જોઈ શકીએ છીએ એટલું. અંતરીક્ષ જોવાની આપણી માનવીની આંખની અને અત્યાધુનિક ટેલિસ્કોપની પણ મર્યાદા હોય છે. એટલે ખરેખર તો આ બ્રહ્માંડ એટલું અનંત, અફાટ અને અગોચર છે કે માનવી એનો તાગ કે પાર પામી શકે એમ નથી. એક બ્લૅકહોલનું માસ આપણા સૂર્યના માસ કરતાં ૧૦ અબજ ગણું વધુ હોય અને આવાં બીજાં ૪૦૦ જેટલાં બ્લૅકહોલ્સ પણ હોય, નવી-નવી ગૅલેક્સિસ મળી આવતી હોય, આપણી પૃથ્વી જેવા અને જેવડા લાગતા નવા-નવા પ્લૅનેટ્સની શોધ થતી હોય, આપણા સૌરમંડળ જેવા નવાં-વિશિષ્ટ સૌરમંડળો પણ મળી આવતાં હોય અને આપણા સૂર્ય કરતાં પણ ૨૦, ૩૦ અને ૫૦થી ૧૦૦ ગણા વિરાટ સૂર્યો (આપણો સૂર્ય એક તારો છે અને આકાશમાં ઝળહળતા દરેક તારાને પણ સૂર્ય જ કહેવાય) મળી આવતા હોય તો જરા કલ્પના કરો કે નહીં શોધાયેલું અંતરીક્ષ વાસ્તવમાં કેવું અને કેટલું અફાટ હશે.’

કઈ ટેક્નિકથી આ નવાં રહસ્યો શોધ્યાં?

અમેરિકાની અંતરીક્ષ સંશોધન સંસ્થા નાસાના સાયન્ટિસ્ટ્સના એક જૂથે તો એક કદમ આગળ વધીને અત્યાર સુધીનું સૌથી વિશિષ્ટ અને મહત્વનું સંશોધન કર્યું છે. નાસાના વાઇડ ઇન્ફ્રારેડ સર્વે એક્સપ્લોરર (ડબ્લ્યુઆઇએસઈ-વાઇઝ) મિશનમાં સાયન્ટિસ્ટ્સના એક જૂથે ૨૫ લાખ જેટલાં સુપરમૅસિવ બ્લૅકહોલ્સ ખોળી કાઢ્યાં છે. એટલું જ નહીં, વિજ્ઞાનીઓના આ જૂથે તો આપણી પૃથ્વીથી થોડેક દૂર એક એસ્ટેરરોઇડ (લઘુગ્રહ), ઠંડા તારા જેવો લાગતો આકાશી પિંડ અને ધૂળ, કાંકરા, વાયુઓનાં અતિ ઘટ્ટ વાદળો પાછળ ઢંકાયેલી અમુક વિશિષ્ટ પ્રકારની ગૅલેક્સિસ પણ ખોળી કાઢી છે.

નાસાના વાઇઝ મિશન સાથે સંકળાયેલા હાશિમા હસન, ડેનિયલ સ્ટર્ન, પીટર આઇઝેનહાડ્ર્ટ અને જિન્ગવેન વુ તેમના રિસર્ચ પેપર્સમાં કહે છે, ‘અમારું આ વાઇઝ મિશન ૨૦૧૧માં પૂરું થયું હતું. અમે આ મિશન દરમ્યાન ઇન્ફ્રારેડ ટેલિસ્કોપ અને સ્પિત્ઝર સ્પેસ ટેલિસ્કોપની મદદથી અનંત આકાશનું કુલ બે વખત સ્કૅનિંગ કર્યું હતું. જાણે કે અમે ગાઢ અંધકારમાં પણ સ્પષ્ટ રીતે જોઈ શકાય એવાં ગૉગલ્સ પહેરીને કાર્ય કરી રહ્યા હોઈએ એવો વિશિષ્ટ અને યાદગાર અનુભવ થયો હતો. અમારા અત્યાધુનિક ટેલિસ્કોપની મદદથી અમને ધૂળ અને વાયુઓનાં અતિ ગાઢ વાદળાંઓની પાછળ ઢંકાયેલાં જે-જે દૃશ્યો અને અકાશી પિંડો જોવા મળ્યાં એ ખરેખર અદ્ભુત અને અકલ્પનીય હતાં. ઉદાહરણરૂપે અમને લગભગ ૨૫ લાખ જેટલાં નવાં, સતત ફેલાતાં જતાં અને સુપરમૅસિવ બ્લૅકહોલ્સ મળી આવ્યાં છે. વળી આ બધાં વિરાટ કદનાં બ્લૅકહોલ્સ આપણી પૃથ્વીથી ૧૦ અબજ પ્રકાશવર્ષ (પ્રકાશવર્ષ એટલે પ્રકાશ અંતરીક્ષમાં એક વરસમાં જેટલું અંતર કાપે એને લાઇટ યર્સ કહેવાય છે. પ્રકાશ એક સેકન્ડમાં એક લાખ ૮૬ હજાર માઇલ અથવા ત્રણ લાખ કિલોમીટરનું અંતર પસાર કરે છે) જેટલા અતિ-અતિ દૂરના અંતરે છે. ન માની શકાય એવી બાબત તો એ છે કે આમાંનાં ત્રીજા ભાગનાં બ્લૅકહોલ્સ તો પહેલી જ વખત જોવા મળ્યાં છે, કારણ કે એ બધાં ધૂળ-વાયુઓનાં ગાઢ વાદળાં પાછળ છુપાયેલાં હોવાથી એમાંથી ફેંકાતો પ્રકાશ આપણી પૃથ્વી સુધી પહોંચી શકતો નહોતો.’

નાસાની જેટ પ્રોપલ્ઝન લૅબોરેટરીના સાયન્ટિસ્ટ અને વાઇઝ બ્લૅકહોલ સ્ટડીના લીડ ઓથર ડેનિયલ સ્ટર્ન તેમના સંશોધનનો એક મહત્વનો મુદ્દો રજૂ કરતાં કહે છે, ‘આ બધાં નવાં અને સુપરમૅસિવ બ્લૅકહોલ્સના સંશોધનને આધારે સમગ્ર વિશ્વના ખગોળશાસ્ત્રીઓને બ્રહ્માંડમાંની ગૅલેક્સિસની અકળ ગતિવિધિનો અને એના સેન્ટરમાં આવાં વિરાટ બ્લૅકહોલ્સ કઈ રીતે સર્જાય છે અને કઈ રીતે વિકસે છે એની સમજણ મળશે. ઉદાહરણરૂપે આપણી જ મિલ્કી-વે ગૅલેક્સીના કેન્દ્રમાં સૅજિટેરિયસ-એ (Sagittarius-A) નામનું જાયન્ટ બ્લૅકહોલ છે અને આ બ્લૅકહોલનું માસ (દળ) આપણા સૂર્યના માસ કરતાં ૪૦ લાખ ગણું વધુ છે. એટલું નહીં, આ સૅજિટેરિયસ-એ એની આજુબાજુના આકાશી વિસ્તારમાંથી ભરપૂર મટીરિયલ પોતાના ભણી ખેંચી રહ્યું છે. જાણે કે કોઈ મહાકાય અજગર નાનાં-મોટાં પ્રાણીઓને ગળી રહ્યો હોય એવી આ વાત છે. સૅજિટેરિયસ-એની આવી ભયાનક ગતિવિધિને કારણે એના વિશાળ વિસ્તારમાંથી વિપુલ માત્રામાં રેડિયેશન પણ બહાર ફેંકાઈ રહ્યું છે. હવે આપણા સૂરજના દળ કરતાં પણ કરોડો-અબજો ગણું વધુ દળ ધરાવતાં આવાં સુપરમૅસિવ બ્લૅકહોલ્સ આપણી મિલ્કી-વે સહિત અન્ય ગૅલેક્સિસના સેન્ટરમાં હોવાથી ભવિષ્યમાં એ તમામ ગૅલેક્સિસમાં સ્ટાર ફૉર્મેશન (નવા તારાનો જન્મ થવાની પ્રક્રિયા)ની કુદરતી પ્રક્રિયા સદંતર બંધ થઈ જાય એવી ભારોભાર શક્યતા છે.’

૧૦૦૦ નવી-ઝળહળતી ગૅલેક્સી

વાઇઝ મિશનના પ્રોજેક્ટ સાયન્ટિસ્ટ પીટર આઇઝેનહાડ્ર્ટ તેમના રિસર્ચ પેપરમાં કહે છે, ‘અમે અમારા સ્કાય સર્વે દરમ્યાન ૧૦૦૦ જેટલી નવી ગૅલેક્સી પણ ખોળી કાઢી છે. આમાંની અમુક ગૅલેકસી તો આપણા સૂરજના પ્રકાશ કરતાં ૧૦ ટ્રિલ્યન (એક ટ્રિલ્યન એટલે ૧૦૦૦ અબજ અને ૧૦ ટ્રિલ્યન એટલે એક લાખ અબજ) ગણો વધુ પ્રકાશ ઉત્પન્ન કરી શકે એટલી ગજબનાક શક્તિ અને ક્ષમતા ધરાવે છે. જોકે આ બધી ગૅલેક્સિસ પણ પેલાં બ્લૅકહોલ્સની માફક ધૂળ અને વાયુઓનાં ઘટ્ટ વાદળાંઓની પાછળ ઢંકાયેલી હોવાથી અમે એ બધી નવી ગૅલેક્સિસને ડસ્ટ ઑબ્સ્ક્યુર્ડ ગૅલેક્સીઝ-હૉટ ડૉગ્ઝ એવું વિશિષ્ટ નામ આપ્યું છે. અરે, આ બધી ગૅલેક્સિસ એટલી વિશિષ્ટ છે કે અમે અફાટ આકાશનું બે-બે વખત સ્કૅનિંગ કરીને એનું સચોટ સમર્થન કર્યું. આમાંનાં અમુક બ્લૅકહોલ્સ અને ગૅલેક્સિસ આપણી પૃથ્વીથી ૧૦ અબજ પ્રકાશવર્ષ જેટલાં અતિ-અતિ દૂર છે. જોકે અમારા આ સંશોધનને હવાઈની ડબ્લ્યુએમ કેક ઑબ્ઝર્વેટરી (વેધશાળા), ચિલીની જેમિની ઑબ્ઝર્વેટરી, સૅન ડિએગોના પલોમર્સ-૨૦૦ ઇંચના હેલે ટેલિસ્કોપ વગેરે દ્વારા પણ સચોટ સમર્થન મળ્યું છે.’

આ જ સંશોધનના સાયન્ટિસ્ટ જિન્ગવેન વુ પણ બહુ રસપ્રદ પૉઇન્ટ રજૂ કરતાં કહે છે, ‘એક તરફ આટલાં બધાં સુપરમૅસિવ બ્લૅકહોલ્સ અને વિશિષ્ટ પ્રકારની ગૅલેક્સિસ શોધાઈ છે ત્યારે આ મહત્વના રિસર્ચને આધારે ગૅલેક્સિસનો વિકાસ અને એમાં થયેલાં અજીબોગરીબ પરિવર્તનોના તબક્કા વિશે પણ નવી-નવી બાબતો જાણવા મળશે.’

બ્લૅકહોલ કઈ રીતે સર્જાય?

તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચ (ટીઆઇએફઆર)ના સિનિયર ઍસ્ટ્રોનૉમર (ખગોળશાસ્ત્રી) અને બ્લૅકહોલ વિશે આંતરરાષ્ટ્રીય સ્તરે રિસર્ચ પેપર્સ રજૂ કરી ચૂકેલા ડૉ. પંકજ જોશી Sunday સરતાજને કહે છે, ‘બ્લૅકહોલ એટલે બ્રહ્માંડનું એવું સ્થાન જ્યાંથી પ્રકાશ પણ છટકી ન શકે. પ્રકાશની ગતિ સૌથી વધુ (એક સેકન્ડમાં ત્રણ લાખ કિલોમીટર) છે અને અન્ય કોઈ પદાર્થની કે કણની સ્પીડ લાઇટની સ્પીડ કરતાં વધુ નથી. હા, ઇલેક્ટ્રૉન, પ્રોટોન સહિત કૉસ્મિક રેઝની ગતિ લાઇટની ગતિની નજીક છે; પરંતુ વધુ તો નથી જ. જરા કલ્પના કરો કે પ્રકાશ પણ જેમાંથી છટકી ન શકે એ બ્લૅકહોલની તાકાત એટલે કે એનો ગ્રેવિટેશનલ ફોર્સ કેટલો પ્રચંડ હશે? હવે આપણા સૂર્યના માસ (દળ) કરતાં પાંચ કે દસ ગણું વધુ માસ ધરાવતો તારો મૃત્યુ પામે તો એ બ્લૅકહોલમાં ફેરવાઈ જાય અથવા નેકેડ સિંગ્યુલરિટી બને. એટલે કે આપણા સૂર્ય કરતાં પણ મોટા તારાના કેન્દ્રમાંનું બળતણ ખલાસ થાય ત્યારે એ સ્ટારનું ગુરુત્વાકર્ષણ બળ ધીમે-ધીમે સંકોચાવા માંડે. ઉદાહરણરૂપે રબરના ફુગ્ગામાંની હવા ફુગ્ગાનું દળ કહેવાય. હવે  હવા બહાર નીકળી જાય તો ફુગ્ગો સ્વાભાવિક રીતે જ સંકોચાઈ જશે. કંઈક આવી જ પ્રક્રિયા પેલા વિરાટ કદના સ્ટારમાં પણ થાય. જોકે આ પ્રકારે બનતા બ્લૅકહોલને સ્મૉલ બ્લૅકહોલ કહેવાય છે. નવા રિસર્ચ મુજબ આપણા સૂરજના માસ કરતાં ૨૦, ૩૦ કે ૫૦ ગણું વધુ માસ ધરાવતો તારો મૃત્યુ પામે અને જે બ્લૅકહોલ બને એને સ્ટેલર બ્લૅકહોલ કહેવાય છે. આવા સ્ટેલર બ્લૅકહોલમાંથી તો પ્રકાશનું કિરણ સુધ્ધાં બહાર ન આવી શકે એટલો એનો પ્રચંડ ગ્રેવિટેશનલ ફોર્સ હોય છે. ઉપરાંત નવા રિસર્ચ મુજબ બ્રહ્માંડમાં જે કોઈ જગ્યાએ અતિ-અતિ વિપુલ માત્રામાં માસ (દળ) જમા થઈ જાય એ સ્થાનને પણ બ્લૅકહોલ કહેવાય છે. જોકે મહત્વની બાબત એ છે કે આવાં બ્લૅકહોલ્સ ગૅલેક્સિસના કેન્દ્રમાં હોય અને એનું માસ અબજો ગણું હોવાથી ખગોળશાસ્ત્રીઓ એને સુપરમૅસિવ બ્લૅકહોલ્સ કહે છે.’

બ્લૅકહોલનાં લક્ષણો કેવાં હોય?

ડૉ. પંકજ જોશી તેમના ગહન સંશોધન અને અભ્યાસના આધારે Sunday સરતાજને કહે છે, ‘આમ તો અંતરીક્ષમાં બ્લૅકહોલ કોઈ પણ સંજોગોમાં ન જોઈ શકાય કે અત્યાધુનિક ટેલિસ્કોપથી પણ ન એનો ફોટોગ્રાફ લઈ શકાય. આમ છતાં જે કોઈ મોટો સ્ટાર કૉલેપ્સ (મૃત્યુ પામે) થાય તો એ સ્થાનથી વિપુલ માત્રામાં ધગધગતું મટીરિયલ (તારામાંનું બળતણ-વાયુઓ) બહાર ફેંકાય. સાથોસાથ ત્યાંથી એક્સ-રે પણ બહાર ફેંકાય જેમાં ભરપૂર રેડિયેશન (કિરણોત્સર્ગ) હોય છે. આ બધાં લક્ષણોને આધારે એમ કહી શકાય કે એ જગ્યાએ બ્લૅકહોલ હોવું જોઈએ.’

બ્રહ્માંડના વિકાસની ગતિવિધિ અને નવું રિસર્ચ


ટીઆઇએફઆરના સિનિયર ઍસ્ટ્રોનૉમર અને અમેરિકાની અંતરીક્ષ સંશોધન સંસ્થા નાસાના ૧૯૮૬ના સ્પેસશટલ પ્રોજેક્ટમાં ભારતીય ઉપકરણ અનુરાધાની રચનામાં મહત્વનું યોગદાન આપનારા ડૉ. મયંક વાહિયા બહુ મહત્વનો મુદ્દો રજૂ કરતાં Sunday સરતાજને કહે છે, ‘જગતભરના નિષ્ણાતો અને બહોળો અનુભવ ધરાવતા ખગોળશાસ્ત્રીઓ એક બાબતમાં સર્વસંમતિ ધરાવે છે કે બ્રહ્માંડનો જન્મ આજથી ૧૩.૭ અબજ વર્ષ પહેલાં થયો ત્યારે ચારે તરફ કલ્પનાતીત ઊર્જા હતી. અબજો ડિગ્રીના ભયાનક રીતે ઊકળતા અંતરીક્ષમાં એ તબક્કે કોઈ નવો આકાશી પિંડ બની શકે એ અશક્ય હતું. જોકે ત્રણેક લાખ વર્ષ બાદ બ્રહ્માંડ થોડાક અંશે ઠંડું પડ્યું અને એ તબક્કે થોડાક નવા સ્ટાર્સનો જન્મ થયો. આમ શરૂઆતના એ સ્ટેજમાં અંતરીક્ષ ઘણું નાનું હતું. વળી પેલા નવા તારા ઘણા મોટા હતા. કોઈ પણ સ્ટાર મોટો હોય તો એમાંનું બળતણ એટલે કે હાઇડ્રોજન અને હિલિયમ પણ સતત વધુ પ્રમાણમાં બળે. પરિણામે પેલું બળતણ પણ વહેલું ખલાસ થઈ જાય અને સરવાળે તારાનું મૃત્યુ પણ વહેલું થાય. આમ પેલા નવા તારા કૉલેપ્સ થયા તો એમાંથી બ્લૅકહોલ્સ બની ગયાં. જોકે ત્યાર બાદ ઘણા-ઘણા લાંબા સમય બાદ એ બ્લૅકહોલ્સની આજુબાજુ ગૅલેક્સિસનો ઉદય થયો અને વિકાસ પણ થયો અને એમાં કરોડો નવા તારાનો જન્મ પણ થયો. આમ બ્રહ્માંડના શરૂઆતના તબક્કે પહેલાં બ્લૅકહોલ્સ બન્યાં અને પછી એની ફરતે ગૅલેક્સિસ બની. કહેવાનો અર્થ એ છે કે નવાં શોધાયેલાં ૪૦૦થી લઈને ૨૫ લાખ જેટલાં બ્લૅકહોલ્સ આ ગતિવિધિ મુજબ ગૅલેક્સિસના સેન્ટરમાં આવેલાં છે. એટલે ખરેખર તો બ્લૅકહોલ પહેલું કે ગૅલેક્સી? મરઘી પહેલી કે ઈંડું? એ સવાલ હવે બહુ મહત્વનો નથી રહેતો.’


નવા સંશોધન સામે અણિયાળા સવાલો

જોકે અનંત અંતરીક્ષનાં આ બધાં નવાં આશ્ચર્યો અને રહસ્યો બહાર આવ્યાં છે ત્યારે નાસા સહિત વિશ્વના ખગોળશાસ્ત્રીઓને અમુક મહત્વના સવાલો પણ થયા છે.

€ જે નવી અને વિશિષ્ટ પ્રકારની ગૅલેક્સિસ મળી આવી છે એના સેન્ટરમાં સુપરમૅસિવ બ્લૅકહોલ્સ છે. વળી આ નવી ગૅલેક્સિસ અને બ્લૅકહોલ્સ આપણી પૃથ્વીથી ૧૦ અબજ પ્રકાશવર્ષ જેટલાં દૂર છે. તો શું આ બ્લૅકહોલ્સ બ્રહ્માંડના જન્મસમય (બ્રહ્માંડનો જન્મસમય ૧૩.૭ અબજ વર્ષ છે અને ખગોળશાસ્ત્રીઓ એને બિગ બૅન્ગ કહે છે)ના શરૂઆતના તબક્કામાં સર્જાયાં હતાં?

€ બ્રહ્માંડનાં કરોડો-અબજો વર્ષના વિકાસ બાદ ગૅલેક્સિસમાંથી આ બધાં બ્લૅક હોલ્સ સર્જાયાં હતાં?

જોકે આ સઘન સંશોધનાત્મક અભ્યાસ સાથે વાઇઝના ખગોળશાસ્ત્રી પીટર આઇઝેનહાડ્ર્ટ એવા મહત્વના તારણ પર આવ્યા છે કે અમુક ગૅલેક્સિસ તો એટલી અલભ્ય છે કે એને શોધવા માટે અમારે આકાશનું બે-બે વખત સ્કૅનિંગ કરવું પડ્યું હતું. ઉપરાંત અમને એવા એવિડન્સ (પુરાવા) પણ મળ્યાં છે જેને આધારે એવું મજબૂત અનુમાન કરી શકાય કે આ નવી અને વિશિષ્ટ ગૅલેક્સિસમાં સ્ટાર્સનાં ઝૂમખાંના જન્મની પ્રક્રિયા અગાઉ જ કદાચ વિશાળ બ્લૅકહોલ્સ સર્જાયાં હોવાં જોઈએ. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે મરઘી પહેલું કે ઈંડું ? એ ગહન સવાલનો આછો-પાતળો જવાબ અહીં મળે છે કે ઈંડાનો આવર્ભિાવ કદાચ મરઘી પહેલાં થયો હોવો જોઈએ.