સ્વસ્થ, સ્ફૂર્તિદાયક, બળદાયક અને પુષ્ટ કરે એવું અકસીર અશ્વગંધા તેલ

17 November, 2012 05:41 PM IST  | 

સ્વસ્થ, સ્ફૂર્તિદાયક, બળદાયક અને પુષ્ટ કરે એવું અકસીર અશ્વગંધા તેલ



આયુર્વેદનું A 2 Z - ડૉ. રવિ કોઠારી

અશ્વગંધા આયુર્વેદનું અતિપ્રખ્યાત, ખૂબ જ પરિણામદાયી અને અસરકારક આૈષધ છે. અશ્વગંધા શરીરનું વજન વધારે છે, લો બ્લડપ્રેશર મટાડે છે, ઊંઘ લાવે છે, વાયુના મોટા ભાગના રોગોને મટાડે છે, પુરુષોમાં વાજીકરણ શક્તિ વધારે છે, સ્ફૂર્તિદાયક છે અને બળ વધારે છે તથા ર્દીઘાયુષ અને આરોગ્ય આપે છે. એનો ઉપયોગ ચૂર્ણ, ટીકડી, આસવ, અરિષ્ઠ, ઘૃત, પાક, લેહ જેવાં અનેક રૂપમાં આયુર્વેદમાં કરવામાં આવ્યો છે. આયુર્વેદના અતિપ્રાચીન ગ્રંથ ચક્રદત્તમાં અશ્વગંધા તેલનો ઉપયોગ પણ અનેક કારણોમાં લાભદાયી હોવાનું જણાવવામાં આવ્યું છે. આ તેલ કેવી રીતે બનાવવું, કોણે વાપરવું, ક્યારે વાપરવું એ બધાનો સવિસ્તર ઉલ્લેખ એમાં થયો છે. આ તેલ આજે બહુ પ્રચલિત નથી, પણ એની અસરકારકતા એટલી સરસ છે કે એનો ઉપયોગ પ્રાચીન આયુર્વેદશાસ્ત્રીઓને ખૂબ જ પરિણામદાયી લાગ્યો છે.

તેલ બનાવવાની રીત : અશ્વગંધાનાં તાજાં અને સારાં મૂળમાંથી બનાવેલો ૩૦૦ મિલિલિટર જેટલો અર્ક લો. તેલ ૧૦૦ મિલિલિટર લેવું. આ માટે હંમેશાં તલનું તેલ જ વાપરવું. કમળ, પુનર્નવા, આમળા, સુગંધી વાળો, બહેડાં, જેઠીમધ, નાગકેસર, ચંદન, મજિઠ, સારિવા વગેરે દ્રવ્યોનો કલ્ક બનાવીને તેલમાં પકાવવો. તેલ ઊકળતાં આ કલ્કમાં વપરાયેલાં આૈષધોના ગુણ તેલમાં ઊતરશે અને કાળો કચરો નીચે જામવા લાગશે. તેલ અને આૈષધ છૂટાં પડવા લાગે એટલે એને ગાળીને ભરી લેવું.

આ તેલનાં ટીપાં પીવામાં, માલિશમાં, નસ્યમાં અને અનુવાસન બસ્તિમાં વાપરવામાં આવે છે. આ તેલ વાપરીને અનુવાસન બસ્તિનો સંપૂર્ણ કોર્સ કરવાથી ૮૦ પ્રકારના વાયુના રોગોમાં ફાયદો થાય છે. પક્ષાઘાત, રાંઝણ, એકાંગવાત, કેડનો દુખાવો, સંધિવા, ગરદનનો દુખાવો, પિંડી કે ઘૂંટણનો દુખાવો, સ્નાયુનો કે માથાનો દુખાવો જેવા કોઈ પણ પ્રકારના વાયુવિકારમાં એનાથી ફાયદો થાય છે. આ તેલનો અંત: અને બાહ્ય બન્ને પ્રકારે ઉપયોગ થઈ શકે છે. આયુર્વેદના પંચકર્મ વિભાગમાં આ તેલ ખૂબ જ ઉપયોગી ગણાયું છે. બાળલકવામાં માંસક્ષયને કારણે પગ કે કેડ સુકાઈ ગયાં હોય છે. એમાં અશ્વગંધા તેલની માલિશથી અને અશ્વગંધા તેલનાં ટીપાં ગાયના દૂધમાં ઉમેરીને પિવડાવવાથી પગ પુષ્ટ થાય છે અને સશક્ત બને છે. આખા શરીરે માલિશ કરવાથી શરીરમાં શક્તિ અને સ્ફૂર્તિ બન્નેને સંચાર થાય છે.

ચહેરાનો લકવો થવો, જડબું પકડાઈ જવું, ગરદન કે માથાનો દુખાવો થવો તેમ જ અનિદ્રા જેવી તકલીફોમાં અશ્વગંધા તેલનું નસ્ય લેવામાં આવે છે. એ માટે માથું પાછળ તરફ ઢળતું રાખીને ત્રણ-ત્રણ ટીપાં બન્ને નસકોરાંમાં નાખવાં.

તેલ છેક અંદર સુધી જાય ત્યાં સુધી સૂઈ રહેવું.

સ્તન, ઇન્દ્રિય કે વૃષણમાં કૃશતા કે નબળાઈ/શિથિલતા હોય તો એમાં પણ અશ્વગંધા તેલની માલિશ કરવાથી અને ગાયના દૂધમાં બે-પાંચ ટીપાં ઉમેરીને પીવાથી ફાયદો થાય છે.

વૈદ્ય ચક્રદત્તે એક શ્લોકમાં લખ્યું છે કે ‘પુષ્ટિબલ કુર્યાત’ અને ‘કૃશાનાં માંસ વર્ધનમ્’ એટલે કે અશ્વગંધા તેલ પાતળાપણું દૂર કરીને પુષ્ટિ આપે છે અને બળ વધારે છે. અશ્વગંધા તેલની માલિશ કે સેવન કરવાથી અને બસ્તિ એટલે કે એનિમારૂપે લેવાથી પાતળા માણસોમાં માંસ અને બળની વૃદ્ધિ થાય છે. એ નિદોર્ષ હોવાથી નાનાં બાળકોને પણ આપી શકાય છે. ચક્રદત્તના કહેવા મુજબ પુરુષોમાં ઇન્દ્રિય તેમ જ ર્વીયના વિકારને કારણે અને સ્ત્રીઓમાં યોનિવિકારને કારણે સંતાનપ્રાપ્તિમાં અડચણ હોય તો એમાં પણ અશ્વગંધાનો પ્રયોગ કરી શકાય છે. તેમણે તો નપુંસક માણસને પણ વાજીકરણ શક્તિ પ્રદાન કરી શકવાનો ગુણ અશ્વગંધામાં હોવાનું કહ્યું છે.

વાયુને કારણે કાનમાં અવાજ આવતો હોય, બહેરાશની શરૂઆત હોય, કાનમાં દુખાવો રહેતો હોય તો અશ્વગંધા તેલ સહેજ ગરમ કરીને કાનમાં એનાં ટીપાં નાખવાથી ખૂબ જ અસરકારક સાબિત થાય છે.

અશ્વગંધા તેલમાં જંતુઘ્ન, વ્રણરોપક, સૂક્ષ્મ ગુણ હોવાથી એના વડે ઘા કે જખમનું ડ્રેસિંગ પણ કરી શકાય છે.