પો’રના વરહે જે દીધું ઈ ઓણ ન દેતો નવા વરહમાં પ્રભુ કોણીએ ગોળ ન દેતો

17 November, 2012 05:40 PM IST  | 

પો’રના વરહે જે દીધું ઈ ઓણ ન દેતો નવા વરહમાં પ્રભુ કોણીએ ગોળ ન દેતો



સાંઈરામનું હાયરામ - સાંઈરામ દવે

દીપાવલિ આવી એવી જ સડસડાટ ચાલી ગઈ. ચૂંટણીના ધગધગતા માહોલ વચ્ચે લવિંગિયા જેવા કાર્યકરો પણ પોતાને સૂતળી બૉમ્બ સમજવા લાગ્યા. ભોંયચકરી જેવા ઉમેદવારો પક્ષપ્રમુખોની ધરી પર ઘુમરા લઈ-લઈને થાકી ગ્યા છે. રૉકેટની જેમ કૌભાંડોની ઇન્ક્વાયરીઓ ઊડી ગઈ છે. ફૂલઝરની જેવી યોજનાઓ લગભગ સળગીને શાંત થઈ ગઈ છે. વધ્યા છે તો બસ માત્ર ચાંદલિયા જેવા મતદારો જેને પકડી-પકડીને ફોડવાના બાકી છે. આ દિવાળીએ મેં ઈશ્વરને એક કવિતામાં ઈ-મેઇલ કરીને સાવ સાફ કહી દીધું:

પો’રના વરહે જે દીધું ઈ ઓણ ન દેતો

નવા વરહમાં પ્રભુ કોણીએ ગોળ ન દેતો

દેશ આખાને ડંખીને જે છુપાઈ જાએ

ખાદીધારી સર્પોને તું ભોણ ન દેતો

સાવજનાં સંતાનો માફક ભૂખ્યાં મરશું

 સિંહ કહીને અમને ખાવા ખોળ ન દેતો

 ભગવાં લૂગડાં પહેરીને દુકાન ચલાવે

શ્રદ્ધાના વિહામા તું ડફોળ ન દેતો

એકલવ્યના અંગૂઠાનું લોહી કહે છે

ભારતના શિષ્યોને આવા દ્રોણ ન દેતો

ઉપવાસો ને આંદોલનથી થાકી ગયા છીએ

હડતાળુવાળાને તું બસ મોણ ન દેતો

બરડો છે મજબૂત તું તારે ફટકારી લે

પણ કોઈને દેખાય એવા સોળ ન દેતો

અગર કવિતા ગમે નહીં તો છૂટ છે ઈશ્વર

‘સાંઈરામ’ને નર્કમાંય હરોળ ન દેતો

લાભપાંચમના દિવસે મુરત સાચવવાનું માહાત્મ્ય હોય છે. મેં એટલે બોણીમાં જ ઈશ્વરને કહી દીધું. ગતાંકમાં આપણે કાઠિયાવાડી ઍરલાઇન્સની વાત કરી હતી. ગુજરાતનો વિકાસ જો આ બધા કહે છે એમ થઈ જાય તો નક્કી આવતાં પાંચ વરસમાં રાજકોટથી અમરેલી અને ભુજથી સુરત કે ગોધરાથી ગોંડલ પ્લેન શરૂ થઈ જશે. જો આવું થાય તો સુરત જતા કે સુરતથી નીકળતા પ્લેનમાં પ્યૉર હુરટી ભાષામાં ઍરહોસ્ટેસ હુચનાઓ આપશે. હુરટીમાં ગાળ ન આવે તો એ હુરટી જ ન કહેવાય. કવિ રઈશ મનીઆર સુરતના છે. તે કાયમ મને કહે કે ‘છું હું સુરતનો વતની એટલે આ આળ લાગે છે, કોઈને કેમ છો પૂછું છું તોય તેને ગાળ લાગે છે!’

હુરટી ભાષામાં ગાળ એ માખણમાંથી મોવાળો (વાળ) નીકળે એમ મસ્ત રીતે આવે છે. કદાચ એટલે જ સરકારે સુરતને રેડિયો-સ્ટેશન નથી આપ્યું કે તમે સવારે સાડાછ વાગ્યે રેડિયો ઑન કરો અને બે-ચાર મસ્ત મજાની... સાંભળવા મળે! વેલ, ગાળ તો અહીં પણ મારાથી નહીં લખાય, પણ વાચકોએ ‘ખાલી જગ્યા’ લખેલું આવે ત્યાં પોતાની કલ્પનાશક્તિ પ્રમાણે ભરી લેવી. લ્યો હવે હુરટી ઍરલાઇન્સની બોણી કરો અને હા, ખાલી જગ્યા મનમાં ભરજો.

નમહકાર. કાં (ખાલી જગ્યા) બઢાય પોયરા ને પોયરી ટાનાહર આઇ જ્યાં! હુરટી ઍરલાઇન્સ વટી હું ટમારું સ્વાગટ કરેલ હૈ! હુરટથી અમદાવાદ આપનું પ્લેન ટીસ મિનિટમાં પોચાડવાનું હૈ! આપ બધા (ખાલી જગ્યા) ને મારી બિનટી હૈ કે મોબાઇલ અને લૅપટૉપ ઑફ કરી નાખવાની. પછી પ્લેનમાં એને લીધે કોઈ લફડાબાજી થાય તો અમારી જવાબડારી કો ની (ખાલી જગ્યા). હું એક જ વાર કહેવાની (ખાલી જગ્યા). ધ્યાનથી સાંભલવાની. વિન્ડો કેમની બંડ કરેલી એ ખૂલી રાખવાની (ખાલી જગ્યા). સીટ સીઢી રાખવાની ને આ બેલ્ટ બાંઢીને બેહવાની. હવાનું ડબાન જો કમ હોવાનું ટો ઑક્સિજનની કોથલી ઑટોમૅટિક પડવાની. પેલા ડરેક પોયરાએ પોટે પહેરવાની (ખાલી જગ્યા). ધેન બીજાને પેરાવાની. ખાલી ખોટી ઍડ્વાન્સ કો ની થાવાની (ખાલી જગ્યા).

આ પ્લેનમાં આમ તો ઘનાબઢા ડરવાજા હૈ. અમને આજ સુઢી ખબર કો ની ટમને મલે ટો ગોટી લેવાની (ખાલી જગ્યા). સિગરેટ નહીં જગાવાની. ઉપરનું લગેજ-બૉક્સ બંઢ કરવાની, નહીંતર માથામાં ઢેંકરો સોજી જાવાની (ખાલી જગ્યા). નાસ્તામાં હુરટની ઘારી ને ખમન મફતમાં મલવાની પન એક જ વાર ઓકે? (ખાલી જગ્યા)ની જેમ માગ-માગ નહીં કરવાની. ચલો હવે મસ્ટ ગાયન સાંભલવાની. ઍરહોસ્ટેસને ખોટી ડોરાડોરી કો ની કરાવાની. ટમે પ્લેનની સીટ જ ભાડે લીઢેલી હૈ, આખું પ્લેન નહીં એ યાદ રાખવાની (ખાલી જગ્યા). હુરટી ઍરલાઇન્સ વટી થૅન્ક યુ માનવાની.

ઑફ ધ રેકૉર્ડ

ગણેશજીને બે પત્નીઓ રિદ્ધિ અને સિદ્ધિ અને આપણને એક જ પત્ની ને એ પણ જિદ્દી. આને કહેવાય સ્વર્ગલોકનો પૃથ્વીલોકને હળહળતો અન્યાય... (સટ્ટાક!)